પ્રધાનમંત્રીનું કાર્યાલય

ઉત્તર પ્રદેશમાં કુશીનગર ખાતે વિવિધ વિકાસલક્ષી યોજનાઓના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


Posted On: 20 OCT 2021 5:07PM by PIB Ahmedabad

ભારત માતા કી જય,

ભારત માતા કી જય,

ભગવાન બુધ્ધના પરિનિર્વાણ સ્થળ કુશીનગર ખાતે જેની ઘણાં દિવસથી પ્રતિક્ષા થઈ રહી હતી તે એરપોર્ટનું ઉદ્દઘાટન અને ગંભીર બીમારીઓના ઈલાજ માટે મેડિકલ કોલેજનો શિલાન્યાસ  કરવાનું ખૂબ મોટું સપનું સાકાર થયુ  છે. આ પ્રસંગે હું આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું.

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતિ આનંદીબેન પટેલ, ઉત્તર પ્રદેશના લોકપ્રિય અને યશસ્વી કર્મયોગી મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથજી,  ભાજપના ઊર્જાવાન અધ્યક્ષ શ્રી સ્વતંત્ર દેવજી, ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી શ્રી સૂર્ય પ્રતાપ સાહી, શ્રી સૂર્ય પ્રકાશ ખન્નાજી, શ્રી સ્વામી પ્રસાદ મૌર્યજી, ડોકટર નિલકંઠ તિવારીજી,  સંસદના મારા સાથીદાર શ્રી વિજય કુમાર દુબેજી, ડોકટર રમાપતિ રામ ત્રિપાઠીજી, અન્ય લોક પ્રતિનિધિગણ અને મોટી સંખ્યામાં અહીં પધારેલા મારા ભાઈઓ અને બહેનો. દિવાળી અને છઠ્ઠ પૂજા હવે બહુ દૂર નથી. ઉત્સાહ અને આનંદનો આ સમય છે. આજે મહર્ષિ વાલ્મીકીજીની જયંતી પણ છે. આ પવિત્ર અવસરે કનેક્ટિવિટીના, આરોગ્યના અને રોજગારના સેંકડો કરોડના નવા પ્રોજેક્ટ કુશીનગરને સોંપતા મને ખૂબ આનંદ થઈ રહ્યો છે.

ભાઈઓ અને બહેનો,

મહર્ષિ વાલ્મીકીએ આપણને રામાયણના માધ્યમથી પ્રભુ શ્રીરામ અને માતા જાનકીજીના દર્શન કરાવ્યા એટલું જ નહીં, સમાજની સામુહિક શક્તિ, સામુહિક પ્રયાસથી કેવી રીતે દરેક લક્ષ્ય હાંસલ કરી શકાય છે તેનો બોધપાઠ આપ્યો છે. કુશીનગર તેમના દર્શન માટેનું ખૂબ જ સમૃધ્ધ અને પવિત્ર સ્થળ છે.

ભાઈઓ અને બહેનો,

નવા ઈન્ટરનેશનલ એરપોર્ટથી ગરીબથી માંડીને મધ્યમ વર્ગ સુધી, ગામથી માંડીને શહેર સુધી સમગ્ર વિસ્તારની તસવીર બદલાવાની છે. મહારાજગંજ અને કુશીનગરને જોડનારા માર્ગને ચાર માર્ગી કરવાની સાથે ઈન્ટરનેશનલ એરપોર્ટને બહેતર કનેક્ટિવિટી તો મળશે જ, પણ રામકોલા અને સિસવા ખાંડની મિલો સુધી પહોંચવા માટે શેરડી ઉગાડનાર ખેડૂતોને થનારી મુશ્કેલીઓ પણ દૂર થશે. કુશીનગરમાં સરકારી મેડિકલ કોલેજ બનવાથી સારવાર માટે તમને હવે એક નવી સુવિધા પ્રાપ્ત થઈ છે. બિહારના સરહદી વિસ્તારોને પણ તેનો લાભ મળશે. અહીંથી અનેક યુવાનોનું ડોક્ટર બનવાનું સપનું સાકાર કરી શકીશું. તમે જાણો છો કે અમે જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાવ્યા છીએ તેમાં નિર્ણય કર્યો છે કે આઝાદીના 75  વર્ષ પછી આ નિર્ણયથી પોતાની માતૃભાષામાં અભ્યાસ કરનાર બાળક પણ, ગરીબ માતાનો દીકરો પણ ડોક્ટર બની શકે છે, એન્જીનિયર બની શકે છે. ભાષાના કારણે તેની વિકાસ યાત્રામાં કોઈ અવરોધ પેદા થશે નહીં. આવા જ પ્રયાસોના કારણે પૂર્વાંચલમાં મગજના તાવ- એન્સેફેલાઈટીસ જેવી જીવલેણ બિમારીઓથી હજારો માસૂમ બાળકોને બચાવી શકાશે.

સાથીઓ,

ગંડક નદીની આસપાસના સેંકડો ગામોને પૂરથી બચાવવા માટે અનેક સ્થળોએ તટબંધનું નિર્માણ કરીને કુશીનગર સરકારી મહાવિદ્યાલયનું નિર્માણ કરી, દિવ્યાંગ બાળકો માટે મહાવિદ્યાલયનું નિર્માણ કરીને આ વિસ્તારને અભાવમાંથી બહાર કાઢીને આકાંક્ષાઓ તરફ લઈ જઈશું. વિતેલા 6 થી 7 વર્ષમાં ગામડાં, ગરીબ, દલિત, વંચિત, પછાત, આદિવાસી જેવા દરેક વર્ગને મૂળભૂત સુવિધાઓ સાથે જોડવાનું અભિયાન દેશમાં ચાલી રહ્યું છે. આ તેની એક મહત્વની કડી છે.

સાથીઓ,

જ્યારે આ પ્રકારની મૂળભૂત સુવિધાઓ મળે છે ત્યારે મોટા સપનાં જોવાનો અને સપનાં પૂરા કરાવાનો ઉત્સાહ પેદા થાય છે. જે લોકો બેઘર છે, ઝૂંપડીઓમાં વસે છે તે લોકોને જ્યારે પાકું ઘર મળે, જ્યારે ઘરમાં શૌચાલય હોય, વિજળીનું જોડાણ હોય,  ગેસનું જોડાણ હોય, નળથી જળ આવતું હોય ત્યારે ગરીબનો આત્મવિશ્વાસ અનેકગણો વધી જાય છે. હવે જ્યારે આ સુવિધાઓ ઝડપથી ગરીબમાં ગરીબ સુધી પહોંચી રહી છે ત્યારે ગરીબોને પણ પ્રથમ વખત એવી ખાત્રી થઈ રહી છે કે આજે જે સરકાર છે તે તેમના દર્દને સમજે છે, તેમની મુશ્કેલીઓને પણ સમજે છે. આજે ખૂબ જ પ્રમાણિકતા સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર ઉત્તર પ્રદેશના વિકાસમાં, આ વિસ્તારના વિકાસમાં લાગી ગઈ છે. ડબલ એન્જિનની સરકાર બમણી તાકાતથી પરિસ્થિતિઓમાં સુધારો કરી રહી છે. નહીં તો 2017 પહેલાં યોગીજીના આગમન પહેલાં અહીંયા જે સરકારો હતી તેને તમારી તકલીફોનો, ગરીબોની મુશ્કેલીઓની કોઈ ચિંતા ન હતી. તે ઈચ્છતી જ ન હતી કે કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ ઉત્તર પ્રદેશના ગરીબોના ઘર સુધી પહોંચે. એટલા માટે જ અગાઉની સરકારોના સમયમાં ગરીબો સાથે જોડાયેલા, માળખાકીય સુવિધાઓ સાથે જોડાયેલ દરેક પ્રોજેક્ટમાં ઉત્તર પ્રદેશમાં વિલંબ થતો હતો. વિલંબ થતો જ રહયો હતો. રામ મનોહર લોહિયાજી કહેતા હતા કે

કર્મને કરૂણાથી જોડો, ભરપૂર કરૂણાથી જોડો.

પરંતુ જે લોકો અગાઉ સરકાર ચલાવી રહ્યા  હતા તેમણે ગરીબોના દર્દની દરકાર કરી ન હતી. અગાઉની સરકારોએ પોતાના કર્મોને ગોટાળા સાથે જોડી, અપરાધો સાથે જોડી હતી તે ઉત્તર પ્રદેશના લોકો સારી રીતે જાણે છે કે આ લોકોની ઓળખ સમાજવાદીઓ તરીકે નહીં, પણ પરિવારવાદ તરીકે થઈ રહી હતી. આ લોકોએ માત્ર પરિવારનું જ ભલું કર્યું હતું અને સમાજ કે ઉત્તર પ્રદેશનું હિત ભૂલી ગયા હતા.

સાથીઓ,

દેશનું આટલું મોટું રાજ્ય, આટલી મોટી વસતિ ધરાવતું રાજ્ય હોવાના કારણે ઉત્તર પ્રદેશ એક સમયે દેશના દરેક મોટા અભિયાન માટે પડકારરૂપ માની લેવામાં આવતું હતું, પરંતુ આજે ઉત્તર પ્રદેશ દેશના દરેક મોટા મિશનની સફળતામાં અગ્રણી ભૂમિકા બજાવી રહ્યું છે. વિતેલા વર્ષોમાં સ્વચ્છ ભારત અભિયાનથી માંડીને કોરોના વિરૂધ્ધ અભિયાનનો દેશે સતત અનુભવ કર્યો છે. દેશમાં  દૈનિક સરેરાશ સૌથી વધુ રસી આપનારૂ જો કોઈ રાજ્ય હોય તો તે રાજ્યનું નામ ઉત્તર પ્રદેશ છે. ટીબી વિરૂધ્ધની દેશની લડતમાં પણ ઉત્તર પ્રદેશ બહેતર કામગીરી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આજે જ્યારે આપણે કુપોષણ વિરૂધ્ધ પોતાની લડતને આગળના તબક્કામાં લઈ જઈ રહ્યા છીએ તેમાં પણ ઉત્તર પ્રદેશ ખૂબ જ મહત્વની ભૂમિકા બજાવી રહ્યું છે.

સાથીઓ,

ઉત્તર પ્રદેશમાં કર્મયોગીઓની સરકાર બનવાનો  સૌથી મોટો લાભ અહીંના માતાઓ અને બહેનોને થયો છે. જે નવા ઘર બન્યા છે તેમાં મહદ્દ અંશે નોંધણી બહેનોના નામે થઈ છે. શૌચાલય બન્યા, ઈજ્જત ઘર બન્યા. સુવિધાઓની સાથે સાથે તેમની ગરિમાનું પણ રક્ષણ થયું છે. ઉજ્જવલાનું ગેસનું જોડાણ મળ્યું તો તેમને ધૂમાડાથી મુક્તિ મળી અને હવે બહેનોએ પાણી માટે ભટકવું પડે નહીં,  મુશ્કેલી વેઠવી પડે નહીં તે માટે તેમના ઘર સુધા પાઈપથી પાણી પહોંચાડવાનું અભિયાન ચાલી રહ્યું છે. માત્ર બે વર્ષની અંદર જ ઉત્તર પ્રદેશના 27 લાખ પરિવારોને પીવાના શુધ્ધ પાણીનું જોડાણ મળ્યું છે.

સાથીઓ,

કેન્દ્ર સરકારે વધુ એક યોજના શરૂ કરી છે, જે ભવિષ્યમાં ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારો માટે સમૃધ્ધિના નવા દ્વાર ખોલવાની છે. આ યોજનાનું નામ છે- પીએમ સ્વામિત્વ યોજના. આ યોજના હેઠળ ગામના ઘરોની એટલે કે ઘરની માલિકીના દસ્તાવેજ આપવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. ગામે ગામ જમીનોની, મિલકતની ડ્રોનની મદદથી માપણી થઈ રહી છે. પોતાની મિલકતના કાનૂની દસ્તાવેજો મળવાથી ગેરકાયદે કબજો થવાનો ડર સમાપ્ત થઈ જશે. બેંકોની મદદ મળવામાં ખૂબ જ આસાની થઈ જશે. યુપીના જે યુવાનો ગામના પોતાના ઘરને, પોતાની જમીનને આધાર બનાવીને પોતાનું કામ શરૂ કરવા માંગતા હશે તેમને સ્વામિત્વ યોજનાથી ખૂબ મોટી મદદ પ્રાપ્ત થવાની છે.

ભાઈઓ અને બહેનો,

વિતેલા સાડા ચાર વર્ષમાં ઉત્તર પ્રદેશમાં કાયદાના રાજને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. વર્ષ 2017 પહેલાં અહીંયા જે સરકારો હતી તેમની નીતિ માફિયાઓને ખૂલ્લી છૂટ, ખૂલ્લી લૂંટની હતી. આજે યોગીજીના નેતૃત્વમાં અહીંયા માફિયાઓ માફી માંગવા ફરી રહ્યા છે. અને તેનો સૌથી વધુ ડર પણ, તેનું દર્દ જો કોઈને થઈ રહ્યું હોય તો યોગીજીના પગલાથી સૌથી વધુ દુઃખ માફિયાવાદીઓને થઈ રહ્યું છે. યોગીજી અને તેમની ટીમ જે માફિયા ગરીબો, દલિતો, વંચિતો અને પછાત લોકોની જમીન પર ખરાબ નજર નાંખતા હતા અને જેમનો જમીનો પર ગેરકાયદે કબજો હતો તેવા જમીન માફિયાઓને ધ્વસ્ત કરી રહી છે.

સાથીઓ,

જ્યારે કાયદાનું રાજ આવે છે ત્યારે અપરાધીઓમાં ડર પેદા થાય છે અને વિકાસની યોજનાઓનો લાભ ઝડપથી ગરીબ, દલિત, શોષિત અને વંચિતો સુધી પહોંચે છે. નવી સડકો, નવા રેલમાર્ગો, નવી મેડિકલ કોલેજો, વિજળી અને પાણી સાથે જોડાયેલી માળખાકિય સુવિધાઓનો પણ ઝડપી ગતિથી વિકાસ થઈ શકે છે. આ  બધુ આજે યોગીજીના નેતૃત્વમાં તેમની સમગ્ર ટીમે ઉત્તર પ્રદેશની જમીન પર ઉતારીને કરી બતાવ્યું છે. હવે ઉત્તર પ્રદેશમાં ઔદ્યોગિક વિકાસ માત્ર એક-બે શહેર પૂરતો જ મર્યાદિત નથી, પણ પૂર્વાંચલના જીલ્લાઓ સુધી વિકાસ પહોંચી રહ્યો છે.

સાથીઓ,

ઉત્તર પ્રદેશ બાબતે એક વાત હંમેશા કહેવામાં આવે છે કે આ એક એવો વિસ્તાર છે કે જેણે દેશને સૌથી વધુ પ્રધાનમંત્રી આપ્યા છે. ઉત્તર પ્રદેશની આ ખૂબી છે અને ઉત્તર પ્રદેશની આ ઓળખ તેને કારણે મર્યાદિત વ્યાપમાં જ જોવા મળી છે. યુપીને 6 થી 7 દાયકાઓ સુધી સિમીત રાખી શકાય નહીં. આ એવી ધરતી છે કે જેનો વિકાસ સમયથી પર છે, જેનું યોગદાન સમયથી પર છે. આ ભૂમિ પર મર્યાદા પુરૂષોત્તમ ભગવાન રામે અવતાર લીધો, ભગવાન શ્રીકૃષ્ણએ અવતાર લીધો, જૈન ધર્મના 24માંથી 18 તિર્થંકર ઉત્તર પ્રદેશમાં જ અવતર્યા છે. તમે મધ્યકાળને જુઓ તો તુલસીદાસ અને કબીરદાસ જેવા યુગ નાયકોએ પણ આ જમીન ઉપર જન્મ લીધો હતો. સંત રવિદાસ જેવા સમાજ સુધારકોને જન્મ આપવાનું સૌભાગ્ય પણ આ પ્રદેશની માટીને પ્રાપ્ત થયું છે. તમે જે કોઈ પણ ક્ષેત્રમાં જશો, ઉત્તર પ્રદેશના યોગદાન વગર તેનો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય અધૂરૂ જ દેખાશે. ઉત્તર પ્રદેશ એ એક એવો પ્રદેશ છે કે જ્યાં ડગલેને પગલે તિર્થ છે અને કણ કણમાં ઊર્જા છે. વેદ અને પુરાણોને કલમબધ્ધ કરવાનું કામ અહીંના નૈમિષારણ્યમાં થયું હતું. અવધ ક્ષેત્રમાં જ અહીંયા અયોધ્યા જેવુ તિર્થ સ્થાન છે.   પૂર્વાંચલમાં શિવ ભક્તોનું પવિત્ર કાશી છે. બાબા ગોરખનાથની તપોભૂમિ ગોરખપુર છે. મહર્ષિ ભૃગુનું સ્થાન બલિયા છે. બુંદેલખંડમાં ચિત્રકૂટ જેવો અનંત મહિમા ધરાવતું તિર્થ સ્થાન છે. આ બધુ તો ઠીક, તિર્થરાજ પ્રયાગ પણ આપણાં ઉત્તર પ્રદેશમાં જ છે. આ સિલસિલો અહીંયા જ અટકતો નથી. તમે કાશી જશો તો તમારી યાત્રા જ્યાં ભગવાન બુધ્ધે પોતાનો પ્રથમ ઉપદેશ આપ્યો હતો તે સારનાથ વગર પૂરી થશે નહીં. કુશીનગરમાં તો આપણે અત્યારે ઉપસ્થિત જ છીએ. સમગ્ર દુનિયામાંથી બૌધ્ધ શ્રધ્ધાળુઓ અહીંયા આવે છે. આજે તો પ્રથમ ઈન્ટરનેશનલ ફ્લાઈટથી લોકો અહીંયા પહોંચ્યા પણ છે. અલગ અલગ દેશોમાંથી લોકો જ્યારે કુશીનગર આવશે ત્યારે શ્રાવસ્તી, કૌશામ્બી અને સંકીસા જેવા તિર્થ સ્થાને પણ જશે. તેનું શ્રેય પણ ઉત્તર પ્રદેશના ભાગે આવે છે. શ્રાવસ્તીમાં જ જૈન તિર્થંકર સંભવનાથજીનું જન્મ સ્થળ પણ છે. આ રીતે અયોધ્યામાં ભગવાન ઋષભ દેવ અન કાશીમાં તિર્થાંકર પાર્શ્વનાથ અને સુપાર્શ્વનાથજીનું જન્મ સ્થળ પણ છે. એટલે કે અહીંયા એક એક સ્થળનો એટલો મહિમા છે કે અનેક અવતાર અહીંયા એક જ સ્થળે થયા છે. એટલું જ નહીં, આપણાં ગૌરવશાળી મહાન શિખ ગુરૂ પરંપરાનું પણ ઉત્તર પ્રદેશ સાથે ગાઢ જોડાણ રહ્યું છે. આગ્રામાં 'ગુરૂ કા તાલ' ગુરૂદ્વારા આજે પણ ગુરૂ તેગબહાદુરજીના મહિમાનું, તેમના શૌર્યનું સાક્ષી છે. અહીંથી જ તેમણે ઔરંગઝેબને પડકાર ફેંક્યો હતો. આગ્રાનું ગુરૂદ્વારા અને પીલભીતની છઠ્ઠી પાદશાહી ગુરૂદ્વારા પણ ગુરૂ નાનકદેવના જ્ઞાન અને ઉપદેશોના વારસાને જાળવી રહ્યું છે. દુનિયાના દેશોને આટલું બધુ આપનાર ઉત્તર પ્રદેશનો મહિમા ખૂબ મોટો છે. ઉત્તર પ્રદેશના લોકોનું ખૂબ મોટું સામર્થ્ય છે. આ સામર્થ્યને પરિણામે ઉત્તર પ્રદેશને ઓળખ મળી છે. તેને પોતાના આ વારસાને આગળ ધપાવવાની તક મળે તે દિશામાં અમે કામ કરી રહ્યા છીએ.

સાથીઓ,

હું જાણું છું કે જ્યારે ઉત્તર પ્રદેશના સામર્થ્યની, ઉત્તર પ્રદેશની દેશ અને દુનિયામાં જે નવી ઓળખ ઉભી થઈ રહી છે તેની પ્રશંસા કરૂં છું તો કેટલાક લોકોને ખૂબ પરેશાની થઈ રહી છે, પરંતુ સાચુ કહેવાથી જો પરેશાની થતી હોય તો તેમના માટે ગોસ્વામી તુલસીદાસજી કહી ગયા છે - ગોસ્વામીજીએ કહ્યું હતું કે

જહાં સુમતિ તહે સંપતિ નાના ।

જહાં કુમતિ તહં બિપતી નિભાના ।।

જ્યાં સંપત્તિ હોય  છે ત્યાં હંમેશા સુખની સ્થિતિ રહે છે અને જ્યાં કુબુધ્ધિ હોય છે ત્યાં સંકટની છાયા રહેતી હોય છે. અમે તો ગરીબની સેવાનો સંકલ્પ લઈને આગળ વધી રહ્યા છીએ. કોરોના કાળમાં દેશ અને દુનિયાને રાશન આપવાનો સૌથી મોટો કાર્યક્રમ ચલાવ્યો છે. ઉત્તર પ્રદેશના આશરે 15 કરોડ લાભાર્થીઓને તેનો લાભ મળી રહ્યો છે. આજે દુનિયાનું સૌથી મોટું, સૌથી ઝડપી રસીકરણ અભિયાન- સૌને રસી, મફત રસી. 100 કરોડ રસીના આંકડા સુધી ઝડપથી પહોંચવાની તૈયારી કરી રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં પણ અત્યાર સુધીમાં 12 કરોડથી વધુ રસીકરણ થઈ ચૂક્યું છે.

ભાઈઓ અને બહેનો,

ડબલ એન્જીનની સરકાર અહીંના ખેડૂતો પાસેથી ખરીદીના નવા વિક્રમ સ્થાપિત કરી રહી છે. ઉત્તર પ્રદેશના ખેડૂતોના જ બેંકના ખાતામાં અત્યાર સુધીમાં આશરે 80 કરોડ રૂપિયા ઉપજની ખરીદી કરીને પહોંચાડવામાં આવ્યા છે, ખેડૂતોના ખાતામાં પણ પહોંચી ગયા છે. એટલું જ નહીં, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધીમાંથી ઉત્તર પ્રદેશના ખેડૂતોના બેંકના ખાતામાં રૂ.37 હજાર કરોડથી વધુ રકમ જમા થઈ ચૂકી છે અને નાના ખેડૂતોને તેનો લાભ થઈ રહ્યો છે. આ બધુ નાના ખેડૂતોને તાકાત પૂરી પાડવા માટે થઈ રહ્યું છે.

ભારત ઈથેનોલ બાબતે આજે જે નીતિ ઉપર ચાલી રહ્યું છે તેનો મોટો લાભ ઉત્તર પ્રદેશના ખેડૂતોને થવાનો છે. શેરડી અને અન્ય અનાજમાંથી પેદા થતું બાયોફ્યુઅલ, વિદેશમાંથી આયાત થતા કાચા તેલનો એક મહત્વનો વિકલ્પ બની રહ્યું છે. શેરડીના ખેડૂતો માટે તો વિતેલા વર્ષોમાં યોગીજી અને તેમની સરકારે પ્રશંસાપાત્ર કામ કર્યું છે. આજે જે પ્રદેશ પોતાના શેરડીના ખેડૂતોને ઉપજનું સૌથી વધુ મૂલ્ય પૂરૂ પાડતું હોય તો તેનું નામ ઉત્તર પ્રદેશ છે. ઉત્તર પ્રદેશમાં અગાઉ જે સરકારો હતી, તેમના કાર્યકાળમાં, યોગીજીના આગમન પહેલાં તેમના કાર્યકાળના પાંચ વર્ષમાં શેરડીના ખેડૂતોને રૂ.1 લાખ કરોડથી પણ ઓછી રકમ ચૂકવવામાં આવી હતી, રૂ.1 લાખ કરોડથી પણ ઓછી રકમ. જ્યારે યોગીજીની સરકારને હજુ  પાંચ વર્ષ પણ થયા નથી અને તેમની સરકારે શેરડી ઉગાડતા ખેડૂતોને આશરે રૂ.દોઢ લાખ કરોડની ચૂકવણી કરી દીધી છે. હવે બાયોફ્યુઅલ બનાવવા માટે, ઈથેનોલ માટે ઉત્તર પ્રદેશમાં જે ફેક્ટરીઓ શરૂ કરવામાં આવી રહી છે તેનાથી શેરડીના ખેડૂતોને વધુ સહાય થશે.

ભાઈઓ અને બહેનો,

આવનારો સમય  ઉત્તર પ્રદેશની અપેક્ષાઓ પૂર્ણ કરવાનો સમય છે. આઝાદીના આ અમૃકાળમાં આપણે સૌએ સંગઠીત થવાનો આ સમય છે. અહીથી ઉત્તર પ્રદેશ માટે પાંચ મહિનાની યોજનાઓ બનાવવામાં આવતી નથી, પણ આવનારા 25 વર્ષનો પાયો નાંખીને ઉત્તર પ્રદેશને આગળ લઈ જવાનો છે. કુશીનગરના આશીર્વાદથી, પૂર્વાંચલના આશીર્વાદથી, ઉત્તર પ્રદેશના આશીર્વાદથી અને આપ સૌના પ્રયાસથી આ બધું શક્ય બન્યું છે. ઉત્તર પ્રદેશના આશીર્વાદથી અહીંયા પાકા કામ શક્ય બનવાના છે. ફરી એકવાર આપ સૌને અનેક સુવિધાઓ માટે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. દિવાળી અને છઠ પૂજાની આગોતરી શુભેચ્છાઓ પાઠવું છું. હું તમને એક આગ્રહ કરીશ કે લોકલ માટે વોકલ થવાનું ભૂલવાનું નથી. સ્થાનિક ચીજો ખરીદવાનો આગ્રહ રાખવાનો છે. દિવાળીમાં આપણી પડોશના જે ભાઈ- બહેનોએ મહેનતથી જે ચીજો બનાવી છે તેનો ઉપયોગ કરીને અનેક રંગ ભરવામાં આવશે. એક નવો પ્રકાશ પેદા થશે. એક નવી ઊર્જા પ્રગટ થશે, એટલે કે તહેવારોમાં આપણાં સ્થાનિક ઉત્પાદનો આપણે વધુને વધુ પ્રમાણમાં ખરીદવાના છે તેવા આગ્રહ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.

ધન્યવાદ!

ભારત માતા કી જય

ભારત માતા કી જય

ભારત માતા કી જય

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com(Release ID: 1765316) Visitor Counter : 307