પ્રધાનમંત્રીનું કાર્યાલય

કેવડિયા ખાતે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન અને સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશનની સંયુક્ત પરિષદને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 20 OCT 2021 10:28AM by PIB Ahmedabad

લોકપાલના અધ્યક્ષ જસ્ટીસ પિનાકી ચંદ્ર ઘોષજી, સેન્ટ્રલ વિજિલન્સ કમિશ્નર સુરેશ એન. પટેલજી, સીબીઆઈ ડાયરેક્ટર સુબોધ કુમાર જયસ્વાલજી, પ્રતિષ્ઠિત પેનલીસ્ટ, અલગ અલગ રાજ્યો અને વિભાગોના વરિષ્ઠ અધિકારીગણ, કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય મહાનુભવો, દેવીઓ અને સજ્જનો.

આપ સૌ ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા નવા પડકારોના યોગ્ય ઉપાયો શોધવા માટે વલ્લભભાઈ પટેલના સાનિધ્યમાં મહામંથન કરવા માટે એકઠા થયા છો. સરદાર પટેલે હંમેશા શાસનને ભારતના વિકાસનો, જન કલ્યાણનો, જનહિતનો આધાર બનાવવાની બાબતને સર્વોચ્ચ અગ્રતા આપી હતી. આજે આપણે ભારતની આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યા છીએ. આવનારા 25 વર્ષ એટલે કે આ અમૃતકાળમાં આત્મનિર્ભર ભારતના વિરાટ સંકલ્પોની સિધ્ધિ તરફ દેશ આગળ ધપી રહ્યો છે. આજે આપણને સુશાસનને એક રીતે કહીએ તો ગુડ ગવર્નન્સ, પ્રો-પિપલ, પ્રો-એક્ટિવ ગવર્નન્સને સશક્ત બનાવવા માટે એકત્ર થયા છીએ. આવા સમયમાં આપ સૌ સાથીઓની કર્મણ્યતા, કર્મશીલતા, સરદાર સાહેબના આદર્શોને મજબૂત બનાવશે.

સાથીઓ,

આપણે ત્યાં શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે - न्यायमूलं सुराज्यं स्यात् !

આનો અર્થ એવો થાય છે કે સૌને ન્યાય મળે તો જ સુરાજ્ય શક્ય બને છે. ભ્રષ્ટાચાર નાનો હોય કે મોટો, તે કોઈનો હક્ક છીનવી લે છે. તે દેશના સામાન્ય નાગરિકોને તેમના અધિકારોથી વંચિત રાખે છે. રાષ્ટ્રની પ્રગતિમાં અવરોધરૂપ બને છે અને એક રાષ્ટ્ર તરીકે અમારી સામુહિક શક્તિને પ્રભાવિત કરે છે. આપ સૌ સાથીઓ ઉપર, જે સંસ્થાઓ સાથે આપને સંબંધ છે તેમની ઉપર ભ્રષ્ટાચારરૂપી અન્યાયને ખતમ કરવાની ખૂબ મોટી જવાબદારી છે. આજે તમારે સરદાર પટેલજીની છત્રછાયામાં અને મા નર્મદાના કાંઠે પોતાના સંકલ્પનો ફરીથી પુનરોચ્ચાર કરવાનો છે. દેશ પ્રત્યેની પોતાની જવાબદારીઓની સભાનતાને નવી ઊર્જાથી ભરવાની છે.

સાથીઓ,

વિતેલા 6 થી 7 વર્ષમાં સતત પ્રયાસો કરતા રહીને આપણે દેશમાં એક વિશ્વાસ જાળવી રાખવામાં સફળ રહ્યા છીએ કે વધતા જતા ભ્રષ્ટાચારને રોકવાનું શક્ય છે. આજે દેશમાં વિશ્વાસ પેદા થયો છે કે દેશમાં કોઈપણ જાતની લેવડ-દેવડ કે વચેટિયાઓ વગર પણ સરકારી યોજનાઓનો લાભ મળી શકે છે અને આજે દેશમાં એવો વિશ્વાસ પણ ઉભો થયો છે કે દગો કરનારા, ગરીબોને લૂંટનારા લોકો ગમે તેટલા શક્તિશાળી હોય તો પણ, દેશ અન દુનિયામાં કોઈપણ સ્થળે હોય તો પણ તેમના ઉપર દયા દાખવવામાં આવતી નથી, સરકાર તેમને છોડતી નથી.

સાથીઓ,

તમે પણ જાણો છો કે આ વિશ્વાસ એટલી આસાનીથી સ્થાપિત થયો નથી. અગાઉની સરકારો જે રીતે ચાલી, અગાઉ જે રીતે વ્યવસ્થાઓ ચાલી તેમાં રાજકીય અને શાસનલક્ષી ઈચ્છાશક્તિ બંનેનો અભાવ હતો. આજે ભ્રષ્ટાચાર પર પ્રહાર કરવાની રાજકીય ઈચ્છાશક્તિ પણ છે અને શાસનના સ્તરે સતત સુધારા પણ કરવામાં આવી રહ્યા છે.

સાથીઓ,

આજે 21મી સદીનું ભારત, આધુનિક વિચારાધારાની સાથે ટેકનોલોજીનો માનવતાના હિતમાં ઉપયોગ કરવા ઉપર ભાર મૂકી રહ્યું છે. નૂતન ભારત ઈનોવેટ કરે છે, શરૂઆત કરે છે અને અમલીકરણ પણ કરે છે. નૂતન ભારત એવું માનવા માટે તૈયાર નથી કે ભ્રષ્ટાચાર વ્યવસ્થાનો જ એક હિસ્સો છે. તેને પારદર્શક વ્યવસ્થા જોઈએ છે, કાર્યક્ષમ પ્રક્રિયા જોઈએ છે અને સરળ શાસન જોઈએ છે.

સાથીઓ,

આઝાદી પછીના દાયકાઓમાં દેશમાં જે વ્યવસ્થા ઉભી થઈ, જે વિચારધારા ચાલી તેમાં એવી ભાવના અગ્રસ્થાને રહેતી હતી કે સરકાર બધું જ પોતાના નિયંત્રણમાં રાખે. તે સમયની સરકારો મહત્તમ નિયંત્રણ પોતાની પાસે રાખતી હતી અને તેના કારણે વ્યવસ્થામાં અનેક પ્રકારની ખોટી પ્રવૃત્તિઓ પેદા થઈ હતી. મહત્તમ નિયંત્રણ, પછી ભલેને તે ઘરમાં હોય કે પરિવારમાં હોય કે પછી દેશમાં હોય તે મહત્તમ નુકસાન કરે જ છે. એટલા માટે અમે દેશવાસીઓના જીવનમાં દખલને ઓછી કરવાની બાબતને એક મિશન તરીકે સ્વીકારી છે. અમે સરકારી પ્રક્રિયાઓને સરળ બનાવવા માટે સતત પ્રયાસ કર્યો છે. મહત્તમ સરકારી નિયંત્રણને બદલે મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ  ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું.

સાથીઓ,

આપ સૌ એ બાબતના સાક્ષી છો કે દેશમાં નાગરિકોને સશક્ત બનાવવા માટે કેવી રીતે વિશ્વાસ અને ટેકનોલોજી ઉપર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. આજે દેશમાં જે સરકાર છે કે દેશના નાગરિકો ઉપર વિશ્વાસ મૂકે છે. તેમને શંકાની નજરે જોતી નથી. આ ભરોસાને કારણે પણ ભ્રષ્ટાચારના અનેક માર્ગો બંધ થયા છે. એટલા માટે દસ્તાવેજોની ચકાસણીના પડ હટાવીને ભ્રષ્ટાચાર અને બિનજરૂરી પરેશાનીઓથી બચાવવાનો માર્ગ તૈયાર કર્યો છે. જન્મના પ્રમાણપત્રથી માંડીને પેન્શન માટે જરૂરી જીવન પ્રમાણપત્ર સુધીને સેંકડો સુવિધાઓ વચોટિયા વગર ડિજિટલ ટેકનોલોજીથી પ્રાપ્ત થાય છે. ગ્રુપ-સી અને ગ્રુપ-ડી ની ભરતીઓમાં ઈન્ટરવ્યુ ખતમ કર્યા તો તેનાથી ગરીબ અને મધ્યમ વર્ગને ભ્રષ્ટાચારના દબાણમાંથી મુક્તિ મળી છે. ગેસ સિલિન્ડરના બુકીંગથી માંડીને કરવેરા સાથે જોડાયેલી પ્રક્રિયાઓ સુધીની ઓનલાઈન અને ફેસલેસ કરવાની પ્રક્રિયાઓના કારણે જે ભ્રષ્ટાચારનું ખૂબ મોટું કારણ બની રહી હતી તે લાંબી કતારોમાંથી મુક્તિ મળી રહી છે,

સાથીઓ,

વિશ્વાસ અને ટેકનોલોજીની કાર્યક્ષમ શાસન અને બિઝનેસ કરવામાં આસાની ઉપર શું અસર થઈ છે તે  આપ સૌ સારી રીતે જાણો છો. મંજૂરી અને નિયમપાલનના નામ ઉપર, બિઝનેસ શરૂ કરવા અને બંધ કરવાના નામે બેંકોમાંથી લોન લેવાની હોય કે ધિરાણને રફેદફે કરવાથી માંડીને ભૂતકાળમાં જે કાંઈ થયું છે તેનાથી દેશને નુકસાન થયું છે તેને સુધારવામાં આવી રહ્યું છે. વિતેલા વર્ષોમાં આવા જૂના કાયદાઓનું જાળુ આપણે સાફ કર્યું છે અને આજના પડકારોને સંદરંભમાં દેશમાં નવા કડક કાયદા પણ આપ્યા છે.

હજારો પ્રકારનું નિયમપાલન અને અલગ અલગ પ્રકારની એનઓસી, જુદી જુદી મંજૂરીઓના નામે ભ્રષ્ટાચારનો કેવો ખેલ ચાલતો હતો તે આપ સૌથી વધારે કોણ જાણે છે. વિતેલા વર્ષોમાં નિયમપાલન કોમ્પલાયન્સ)ની હજારો બાબતો ખતમ કરવામાં આવી છે અને આવનારા સમયમાં આવા હજારો નિયમપાલન ખતમ કરવાનો ઈરાદો છે. વધુમાં વધુ મંજૂરીઓને ફેસલેસ બનાવવામાં આવી ચૂકી છે અને સેલ્ફ એસેસમેન્ટ, સેલ્ફ ડેકલેરેશન જેવી પ્રક્રિયાઓને બિઝનેસ માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. GeM એટલે કે સરકારી ઈ-માર્કેટ પ્લેસને કારણે સરકારી ખરીદી અને ઈ-ટેન્ડરીંગમાં પારદર્શકતા આવી છે, ગૂંચવાડા ઓછા થયા છે. ડિજિટલ વ્યાપ વધુમાં વધુ હોવાના કારણે તપાસ પણ ખૂબ જ આસાન અને સુવિધાજનક બની રહી છે. તાજેતરમાં જ શરૂ કરાયેલા પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનથી નિર્ણયો લેવા સાથે જોડાયેલી અનેક મુશ્કેલીઓ દૂર કરવામાં આવી છે.

સાથીઓ,

હવે આપણે વિશ્વાસ અને ટેકનોલોજીના સમયમાં આગળ વધી રહ્યા છીએ ત્યારે આપ સૌ સાથીઓ, આપ જેવા કર્મયોગીઓ ઉપર દેશનો વિશ્વાસ પણ એટલો જ મહત્વનો છે. આપણે સૌએ એક બાબત હંમેશા યાદ રાખવાની છે કે - રાષ્ટ્ર પ્રથમ ! આપણાં કામની એક જ કસોટી છે- જનહિત, જન-સરોકાર!

જો આપણાં નિર્ણયો આવી કસોટીમાં સફળ થાય તો હું સંપૂર્ણ મજબૂતી સાથે હંમેશા દેશના દરેક કર્મયોગીની પાછળ ઉભો રહીશ. સરકારે કડક કાનૂની માર્ગ બનાવ્યા છે. તેને લાગુ કરવાનું તમારૂં કર્તવ્ય છે, પરંતુ કાનૂનની તાકાતની સાથે યોગ્ય વ્યવહાર માટે પ્રોત્સાહિત કરવા અને પ્રેરણા આપવી તે પણ એટલું જ જરૂરી છે.

સાથીઓ,

સામાન્ય રીતે જ્યારે કોઈ ગોટાળો, ભ્રષ્ટાચાર કે અનિયમિતતા થાય છે ત્યારે જ તમારૂં કામ શરૂ થાય છે. હું તમારી સામે એક વિચાર રજૂ કરવા માંગુ છું કે એવું કેમ થતું નથી કે આપણે પ્રતિબંધક (પ્રિવેન્ટીવ)  વિજીલન્સ માટે કામ કરીએ. આપણે જો સતર્ક હોઈએ, સાવચેત હોઈએ તો તે કામ આસાનીથી થઈ શકે છે. તમે ટેકનિકનો, પોતાના અનુભવનો સહારો લઈને આ વ્યવસ્થાને વધુ મજબૂત કરી શકો તેમ છો. પ્રતિબંધક વિજીલન્સ માટે સતર્કતા, ટેકનીકની સાથે જ પ્રક્રિયામાં સરળતા, સ્પષ્ટતા, પારદર્શકતા વગેરે લાવીને આપણે ઘણાં મોટા પરિવર્તન લાવી શકીએ તેમ છીએ.

આજે જ્યારે દેશમાં અનેક સરકારી વિભાગ, બેંક, જાહેર સાહસો, નાણાં સંસ્થાઓ, પ્રતિબંધક વિજિલન્સની દિશામાં અનેક મહત્વપૂર્ણ કામગીરીઓ કરી રહી છે ત્યારે આપણે સૌએ પણ અનેક ઘરમાં અનેક વખત સાંભળ્યું છે કે (રોગ) અટકાવવાની બાબત સારવાર કરતાં વધુ બહેતર છે. તમે કોશિષ કરો કે પ્રતિબંધક વિજીલન્સ તમારી કાર્યપ્રણાલિનો હિસ્સો બને. તેનાથી એક તો તમારૂં કામ આસાન થશે અને બીજુ, દેશનો સમય, સાધનો, શક્તિ વગેરેને બચાવી શકાશે. મને કહેવામાં આવ્યું છે કે આ હેતુથી સીવીસીએ પોતાના નિયમોમાં કેટલાક સુધારા કર્યા છે. આ રૂલ બુકમાં ઈ-સતર્કતા અંગ વધારાનું એક પ્રકરણ જોડવામાં આવ્યું છે. ગુનો કરનારા લોકો દર મહિને, દરરોજ નવી પધ્ધતિઓ શોધી કાઢતા હોય છે અને આવી સ્થિતિમાં આપણે તેમનાથી બે ડગલાં આગળ રહેવાનું છે.

સાથીઓ,

તમારે યાદ રાખવાનું છે કે તમારી ભાગીદારી આ માટી સાથે છે, મા ભારતી સાથે છે. દેશ અને દેશવાસીઓ સાથે દગો કરનારા લોકો માટે દેશ કે દુનિયામાં કોઈપણ સલામત સ્થળ નહીં હોવું જોઈએ. કોઈ ગમે તેટલું પણ શક્તિશાળી હોય, તે જો રાષ્ટ્ર હિત કે લોક હિત વિરૂધ્ધ વર્તન કરે તો તેની સામે પગલાં લેવામાંથી પાછા હટવાની જરૂર નથી. આપણે રાષ્ટ્રહિતમાં પોતાના કર્મ કરતા રહેવાનું છે. આપણી જવાબદારીઓને સંપૂર્ણ નિષ્ઠા અને પ્રમાણિકતા સાથે નિભાવવાની છે અને આપ સૌએ એક  બાબત યાદ રાખવાની છે કે તમારૂં કામ કોઈને ડરાવવાનું નથી, પણ ગરીબમાં ગરીબના મન અને મગજમાંથી બિનજરૂરી ડર દૂર કરવાનું છે. ખચકાટનું વાતાવરણ દૂર કરવાનુ છે. ભ્રષ્ટાચાર વિરૂધ્ધની લડાઈ રોજે રોજ મજબૂત બને તે માટે તમારે પ્રયાસ કરવો ખૂબ જ જરૂરી છે. આપણે આ લડાઈને એજન્સીઓ સુધી મર્યાદિત રાખવાની નથી. એટલા માટે હાલમાં ટેકનોલોજીનાં નકારાત્મક પાસાઓથી દૂર રહેવું ખૂબ જરૂરી છે. જેમકે- કોઈ તાળું ફૂલપ્રુફ હોઈ શકતું નથી, ખરાબ ઈરાદાવાળા લોકો તેની ચાવી શોધી જ લે છે. તેવી જ રીતે ટેકનોલોજીનો તોડ પણ અપરાધી માનસિકતા ધરાવતા લોકો શોધી લેતા જ હોય છે. મજબૂત ડિજિટલ ગવર્નન્સની સાથે સાયબર ક્રાઈમ અને સાયબર ફ્રોડ પણ એક ખૂબ મોટો પડકાર બનતો જાય છે. મને વિશ્વાસ છે કે આપ સૌ નિષ્ણાતો આવનારા દિવસોમાં આ બધા પડકારો અંગે ગંભીરતાથી મનોમંથન કરશો. મેં વધુ એક આગ્રહ 15મી ઓગષ્ટના રોજ લાલ કિલ્લા પરથી તમામ સરકારી વિભાગોને નિયમો, પ્રક્રિયાઓની સમીક્ષા બાબતે કર્યો હતો. હું સીવીસી અને સીબીઆઈ સહિતની તમામ ભ્રષ્ટાચારવિરોધી સંસ્થાઓને પણ જણાવીશ કે તમારે ત્યાં દાયકાઓથી ચાલતી આવી રહેલી એવી પ્રક્રિયાઓ છે કે જે નૂતન ભારતની નવી વિચારધારાને અવરોધરૂપ બને છે તેને દૂર કરવામાં આવે. નૂતન ભારતની નવી વિચારધારા અને નવા સંકલ્પો માટે આનાથી બહેતર સમય કયો હોઈ શકે. દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. આપ સૌ આ મહાયજ્ઞમાં તમારા પ્રયાસો સાથે જોડાઈ જાવ. તમે એવા લોકો છો કે જેમને વ્યવસ્થાની ઝીણવટભરી બાબતો કે જ્યાંથી ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળે છે તે અંગે તમને જાણકારી છે અને તેની ઊણપો અંગે પણ તમને ખ્યાલ છે. ભ્રષ્ટાચાર માટે ઝીરો ટોલરન્સની નૂતન ભારતની નીતિને તમારે રોજેરોજ મજબૂત બનાવવાની છે. તમે આ મહામંથન દરમ્યાન પણ આ પ્રકારની પ્રક્રિયાઓ અને કાયદા અંગે ચર્ચા કરશો.

તમે કાયદાઓને એ રીતે લાગુ કરો કે જેથી ગરીબ લોકો વ્યવસ્થાની નજીક આવે. ભ્રષ્ટાચારી લોકો એક વખત વ્યવસ્થામાંથી બહાર નીકળી જશે તો ખૂબ મોટી દેશસેવા થશે. આઝાદીના અમૃતકાળમાં ભ્રષ્ટાચાર મુક્ત સમાજના નિર્માણ માટે તમે ઈનોવેશન સાથે આગળ ધપશો તેવી ઈચ્છા સાથે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ!

ખૂબ ખૂબ ધન્યવાદ!

SD/GP/JD



(Release ID: 1765141) Visitor Counter : 277