સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ 19 રાજ્યોમાં કોવિડ-19ના રસીકરણમાં પ્રગતિની સમીક્ષા કરી


રાજ્યોને રસીના 100 કરોડ ડોઝનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કર્યા

ચુસ્ત અમલીકરણ સાથે કોવિડ-19 સલામત તહેવારો પર ધ્યાન આપવામાં આવ્યું

Posted On: 09 OCT 2021 3:33PM by PIB Ahmedabad

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે તમામ મુખ્ય રાજ્યોના સચિવો અને મિશન નિદેશકો (રાષ્ટ્રીય આરોગ્ય મિશન) સાથે સંવાદ કર્યો હતો અને આ રાજ્યોમાં કોવિડ-19ના રસીકરણમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે એ બાબતે ધ્યાન દોર્યું હતું કે, ભારતમાં કોવિડ-19 રસીકરણની સફરમાં તાકીદનું સીમાચિહ્ન રસીના 100 કરોડ ડોઝ આપવાનું કામ પૂરું કરવાનું છે. ભારતે આજદિન સુધીમાં રસીના 94 કરોડ ડોઝ આપી દીધા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0013JZ2.jpg

ડૉ. માંડવિયાએ ટાંક્યું હતું કે, તહેવારો સામાન્યપણે શુભત્વ, આનંદ અને મોટી સંખ્યામાં મેળાવડાના પર્યાય સમાન હોય છે, પરંતુ જો કોવિડના પ્રોટોકોલ્સ અનુસાર તેની ઉજવણી કરવામાં ના આવે તો કોવિડ-19ને નિયંત્રણમાં રાખવામાં મળેલી સફળતા જતી રહેશે. તેમણે જણાવ્યું હતું કે, “વર્તમાન બેધારી પરિસ્થિતિમાં કોવિડના પ્રોટોકોલ્સનું ચુસ્ત પાલન કરવાનું છે અને રસીકરણમાં વધારે ઝડપ લાવવાની છે.” તેમણે એ પ્રયોગોના પરિણામોનો ઉલ્લેખ કર્યો હતો જેમાં 1 ડોઝ લેનારા લોકોમાંથી 96% લોકોમાં કોવિડ-19ની ગંભીર સ્થિતિ થઇ નહોતી અને વધુમાં કહ્યું હતું કે, જેમણે રસીના બંને ડોઝ લીધા હોય તેવા 98% લોકોમાં કોવિડ-19ની ગંભીર સ્થિતિ થઇ નહોતી.

રાજ્યોમાં રસીના 8 કરોડ કરતાં વધારે ડોઝ ભૌતિકરૂપે સિલકમાં પડ્યા હોવાનું અવલોકન કરતા તેમણે રાજ્યોને રસીકરણની ઝડપ વધારવામાં અને લક્ષિત વસ્તીઓમાં પરિણામી રસી કવરેજમાં જો કોઇ વિશેષ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોય તો તેના વિશે પૂછપરછ કરી હતી. સંખ્યાબંધ રાજ્યો શહેરી વિસ્તારોમાં રસીકરણ કવરેજની લગભગ સંતૃપ્ત સ્થિતિની નજીક પહોંચી ગયા છે અને તેઓ શહેરોમાં આવનજાવન કરી રહેલા લોકોના રસીકરણ પર પણ ધ્યાન આપી રહ્યાં છે. તેવી જ રીતે, ભૌગોલિક રીતે અલગ હોય તેવા કેટલાક વિસ્તારો કે જ્યાં પ્રથમ ડોઝનું કવરેજ સંતૃપ્તતાની નજીક હોય ત્યાં શ્રમ અને સમયની રીતે સઘન ડોર ટુ ડોર રસીકરણ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. સામુહિક રસીકરણ કવાયતનું આયોજન કરી રહેલા ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોએ તુલનાત્મક રીતે કોવેક્સિનના મર્યાદિત પૂરવઠા અંગે ઉલ્લેખ કર્યો હતો અને બે ડોઝ વચ્ચેના ટૂંકા સમયગાળાને પણ અવરોધરૂપ પરિબળ ગણાવ્યું હતું.

રાજ્યો સાથે વિચારવિમર્શમાં, મંત્રીશ્રીએ રાજ્યોને તેમના લક્ષ્યો વધારવા માટે પ્રેરિત કર્યા હતા જેથી 100 કરોડ ડોઝ આપવાનું સીમાચિહ્ન પ્રાપ્ત કરવામાં બાકી રહેલા છેલ્લા 6 કરોડ ડોઝ આપવાની કામગીરી આવનારા થોડા દિવસોમાં જ પૂરી થઇ જાય.

કેન્દ્રીય આરોગ્ય સચવિ શ્રી રાજેશ ભૂષણે તમામ રાજ્યોના આરોગ્ય પ્રશાસકોને કોવિડ-19 મહામારીના નિરાકરણ માટે તહેવારો દરમિયાન કોવિડ સામે યોગ્ય વર્તણુક (CAB)ના ચુસ્ત પાલનનો અમલ કરવા માટે અનુરોધ કર્યો હતો. તેમણે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે બહાર પાડવામાં આવેલી વિગતવાર SOPનું પાલન કરવાની જરૂરિયાતને રેખાંકિત કરી હતી. 21 સપ્ટેમ્બર, 2021ના રોજ આ SOP મંત્રલાયના પત્ર સાથે બહાર પાડવામાં આવી છે.

આજદિન સુધીમાં રાજ્યોને નીચે ઉલ્લેખિત માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવી છે અને તેનું પાલન કરવા માટે આ બેઠક દરમિયાન પુનરુચ્ચાર કરવામાં આવ્યો હતો:

  • કન્ટેઇન્મેન્ટ ઝોન તરીકે ઓળખાયેલા વિસ્તારો અને 5% કરતાં વધારે કેસ પોઝિટીવિટી ધરાવતા જિલ્લાઓમાં સામુહિક મેળાવડા યોજવા નહીં.
  • જ્યાં પોઝિટીવિટી દર 5% અને તેથી ઓછો હોય ત્યાં અગાઉથી મંજૂરી સાથે અને મર્યાદિત સંખ્યામાં (સ્થાનિક સ્થિતિ અનુસાર) મેળાવડા થઇ શકશે.
  • સાપ્તાહિક કેસ પોઝિટીવિટીના આધારે છુટછાટો અને પ્રતિબંધોનો અમલ કરવો.
  • રાજ્યો તમામ જિલ્લામાં કેસની સંખ્યામાં થઇ રહેલા ફેરફારો પર દૈનિક ધોરણે નીકટતાથી દેખરેખ રાખશે જેથી કોઇપણ વહેલી ચેતવણીના સંકેતો ઓળખી શકાય અને તદઅનુસાર કોવિડ સામે યોગ્ય વર્તણુકનું પાલન અને પ્રતિબંધોનો અમલ કરી શકાય.
  • લોકોને એકબીજા સાથે પ્રત્યક્ષ મુલાકાત કરવાનું તેમજ ભેટવાનું ટાળવા માટે ભારપૂર્વક કહેવું.
  • “ઑનલાઇન દર્શન” અને વર્ચ્યુઅલ ઉજવણીઓની જોગવાઇઓને પ્રોત્સાહન આપવું.
  • પૂતળા દહન, દુર્ગાપૂજા પંડાલ, “દાંડિયા”, “ગરબા” અને "છઠ પૂજા” જેવા તમામ ધાર્મિક કાર્યક્રમો પ્રતિકાત્મક રૂપે યોજવા જોઇએ.
  • મેળાવડા/વિધિઓમાં ભાગ લેવા માટે અનુમતિ આપવામાં આવતી લોકોની સંખ્યાનું નિયમન કરવું.
  • પૂજા સ્થળોએ પ્રવેશ અને બહાર નીકળવાની અલગ વ્યવસ્થા કરવી અને ધાર્મિક વિધિ માટે સહિયારી ચાદરો/સાદડીનો ઉપયોગ, “પ્રસાદ” વહેંચણી, પવિત્ર જળનો છંટકાવ વગેરે ટાળવા.

બેઠક દરમિયાન તમામ રાજ્યોને આપવામાં આવેલા કટોકટી કોવિડ પ્રતિભાવ પેકેજ (ECRP) II આર્થિક સંસાધનોનો ત્વરિત ઉપયોગ કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002TJEU.jpg

આ બેઠકમાં આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળ રાજ્યોએ ભાગ લીધો હતો.


 

 



(Release ID: 1762471) Visitor Counter : 246