પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પીએમ કેર્સ ભંડોળ હેઠળ સ્થાપવામાં આવેલા PSA ઓક્સિજન પ્લાન્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કર્યા
35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તૈયાર કરાયેલા 35 PSA ઓક્સિજન પ્લાન્ટ્સ પ્રધાનમંત્રીએ અર્પણ કર્યા
PSA ઓક્સિજન પ્લાન્ટ્સ હવે દેશના તમામ જિલ્લામાં નિયુક્ત કરવામાં આવ્યા છે
સરકારમાં વડા તરીકેની અખંડ સફરના 21મા વર્ષમાં પ્રવેશેલા શ્રી મોદીએ દેશ અને ઉત્તરાખંડની જનતા પ્રત્યે કૃતજ્ઞતાની ભાવનાથી સૌનો આભાર માન્યો
“ઉત્તરાખંડની ભૂમિ સાથે મારો સંબંધ માત્ર દિલનો નથી પરંતુ કામનો પણ છે, માત્ર સારનો નહીં પરંતુ તત્વનો પણ છે”
“આટલા ટૂંકા સમયગાળામાં કોરોના મહામારી સામે જંગ લડવા માટે ભારતે તૈયાર કરેલી સુવિધાઓ આપણા દેશની ક્ષમતાઓ બતાવે છે. મહામારી પહેલાં માત્ર 1 લેબોરેટરી હતી જ્યારે હવે અંદાજે 3000 પરીક્ષણ લેબોરેટરીઓનું નેટવર્ક તૈયાર થઇ ગયું છે”
“જેમ જેમ માંગ વધી તેમ, ભારતે મેડિકલ ઓક્સિજનના ઉત્પાદનમાં 10 ગણા કરતાં વધુ વૃદ્ધિ કરી”
“ટૂંક સમયમાં ભારત રસીકરણના 100 કરોડના આંકડાને ઓળંગી જશે”
“હવે સરકાર રાહ જોઇને નથી બેસતી કે, લોકો તેમની સમસ્યાઓ લઇને આવે અને પછી કામ કરવામાં આવે. સરકારની માનસિકતા અને પ્રણાલીમાંથી આ ખોટી ધારણાને દૂર કરવામાં આવી છે. હવે સરકાર લોકો સુધી જાય છે.”
“6-7 વર્ષ પહેલાં સુધી, માત્ર અમુક રાજ્યોમાં જ એઇમ્સની સુવિધા હતી, આજે દરેક રાજ્યમાં એઇમ્સને લઇ જવાનું કામ ચાલી રહ્યું છે”
“સરકારનું એવું પણ લક્ષ્ય છે કે, દેશમાં દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક મેડિકલ કોલેજ અવશ્ય હોવી જોઇએ”
“માત્ર 2 વર્ષમાં, રાજ્યમાં અંદાજે 6 લાખ ઘરો સુધી પાણીના જોડાણો પહોંચાડવામાં આવ્યા. 2019માં ઉત્તરાખંડમાં 1,30,000 ઘરોમાં જોડાણો હતા જે વધીને હવે ઉત્તરાખંડમાં 7,10,000 પરિવારોને પાઇપ દ્વારા પાણી મળી રહ્યું છે”
“દરેક સૈનિક, ભૂતપૂર્વ સૈનિકના હિતો માટે સરકાર ખૂબ જ ગંભીર છે. અમારી સરકારે 40 વર્ષ જુની સશસ્ત્રદળોના આપણા ભાઇઓની વન રેન્ક વન પેન્શનની માંગને પૂરી કરી છે”
Posted On:
07 OCT 2021 12:42PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરાખંડના ઋષિકેશમાં એઇમ્સ ખાતે યોજવામાં આવેલા એક કાર્યક્રમ દરમિયાન પીએમ કેર્સ ભંડોળ હેઠળ દેશના 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં ઉભા કરવામાં આવેલા 35 પ્રેશર સ્વિંગ એબ્સોર્પ્શન (PSA) ઓક્સિજન પ્લાન્ટ્સનું રાષ્ટ્રને લોકાર્પણ કર્યું હતું. આ સાથે હવે દેશમાં તમામ જિલ્લાઓમાં PSA ઓક્સિજન પ્લાન્ટ્સ નિયુક્ત થઇ ગયા છે. કેન્દ્રીય મંત્રીઓ, ઉત્તરાખંડના રાજ્યપાલ અને મુખ્યમંત્રી, રાજ્ય મંત્રીઓ તેમજ આરોગ્ય સંભાળ વ્યાવસાયિકો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધિત કરતા, પ્રધાનમંત્રીએ ટાંક્યું હતું કે, આજથી નવરાત્રિનો પાવન તહેવાર શરૂ થઇ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, નવરાત્રિના પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. તેમણે ટિપ્પણી કરી હતી કે, માતા શૈલપુત્રી હિમાલયની દીકરી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “આ દિવસે હું અહીં છું, આ ધરતીને વંદન કરવા માટે અહીં આવ્યો છુ, હિમાલયની આ ભૂમિને સલામ કરું છું, જીવનમાં આનાથી મોટા બીજા કયા આશીર્વાદ હોઇ શકે.” તેમણે ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક્સમાં શાનદાર પ્રદર્શન બદલ રાજ્યને અભિનંદન પણ પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઉત્તરાખંડની જમીન સાથેના તેમના સંબંધનું જોડાણ માત્ર દિલનું જ નહીં પરંતુ કામનું પણ છે, માત્ર સારનું જ નહીં પરંતુ તત્વનું પણ છે.
આજના દિવસની તારીખના પોતાના માટે મહત્વનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ પોતાની વાત આગળ વધારતા કહ્યું હતું કે, 20 વર્ષ પહેલા આજના દિવસે જ તેમણે જનતાની સેવા કરવાની નવી જવાબદારી મેળવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, જનતાની સેવા કરવાની, લોકોની વચ્ચે રહેવાની તેમની સફર આમ તો ઘણા દાયકાઓથી ચાલી રહી હતી, પરંતુ આજથી 20 વર્ષ પહેલાં તેમને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નવી જવાબદારી મળી હતી. તેમણે એવું પણ નોંધ્યું હતું કે, તેમની આ સફરની શરૂઆત સાથે ઉત્તરાખંડ રાજ્યનું સર્જન થવાનો સંયોગ પણ છે કારણ કે તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સત્તાનું સુકાન સંભાળ્યું તેના થોડા મહિના પછી જ ઉત્તરાખંડ રાજ્યની રચના કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, તેમણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે લોકોના આશીર્વાદથી તેઓ પ્રધાનમંત્રી પદ સુધી પહોંચશે. પ્રધાનમંત્રીએ સરકારના વડા તરીકે આ અખંડ યાત્રાના 21મા વર્ષમાં પ્રવેશ કર્યો હોવાથી તેમણે દેશ અને ઉત્તરાખંડના લોકો પ્રત્યે કૃતજ્ઞતાની ભાવના સાથે આભાર વ્યક્ત કર્યો હતો.
શ્રી મોદીએ જ્યાં યોગ અને આયુર્વેદ જેવા જીવન આપનાર બળોએ શક્તિ પ્રાપ્ત કરી છે, ત્યાંથી આજે દેશને ઓક્સિજન પ્લાન્ટ્સ સમર્પિત કરવામાં આવી રહ્યા છે તે અંગે ખુશી વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી સામે લડવા માટે ખૂબ જ ટૂંકા સમયગાળામાં જે પ્રકારે ભારતે સુવિધાઓ ઉભી કરી છે તે આપણા દેશની ક્ષમતાઓ બતાવે છે. મહામારી પહેલાંના સમયમાં માત્ર 1 પરીક્ષણની લેબોરેટરીઓ હતી જ્યારે હવે દેશમાં અંદાજે 3000 પરીક્ષણ લેબોરેટરીઓનું નેટવર્ક તૈયાર થઇ ગયું છે. ભારત માસ્ક અને કિટ્સના આયાતકાર દેશમાંથી નિકાસકાર દેશ બની ગયો છે. દેશના દૂરસ્થ વિસ્તારોમાં પણ હવે વેન્ટિલેટરની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ભારતે મેડ ઇન ઇન્ડિયા કોરોના રસીનું ઝડપથી અને ખૂબ મોટાપાયે ઉત્પાદન કર્યું છે. ભારતે વિશ્વનું સૌથી મોટું અને ઝડપી રસીકરણ અભિયાન અમલમાં મૂક્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતે જે કર્યું છે તે આપણા દૃઢ નિર્ધાર, આપણી સેવા અને આપણી એકતાનું પ્રતીક છે.
પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સામાન્ય દિવસોમાં ભારતમાં દરરોજ 900 મેટ્રિક ટન પ્રવાહી મેડિકલ ઓક્સિજનનું ઉત્પાદન કરવામાં આવતું હતું. જોકે, જેમ જેમ માંગ વધતી ગઇ તેમ ભારતે મેડિકલ ઓક્સિજનનું ઉત્પાદન વધારીને તેમાં 10 ગણાથી વધુ વૃદ્ધિ કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, દુનિયાના કોઈપણ દેશ માટે આ એક અકલ્પનીય લક્ષ્ય હતું, પરંતુ ભારતે તેને પ્રાપ્ત કરી બતાવ્યું છે.
પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, દરેક ભારતીય માટે ગૌરવ લેવાની બાબત છે કે કોરોના રસીના 93 કરોડ ડોઝ અત્યાર સુધીમાં આપી દેવામાં આવ્યા છે. બહુ ટૂંક સમયમાં જ ભારત 100 કરોડ ડોઝ આપવાનો આંકડો ઓળંગી જશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ભારતે CoWIN પ્લેટફોર્મ બનાવીને આખી દુનિયાને નવી રાહ ચિંધી છે જે બતાવે છે કે, આટલા મોટાપાયે રસીકરણ કેવી રીતે શક્ય બને.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર હવે રાહ જોઇને બેસતી નથી કે, નાગરિકો પોતાની સમસ્યાઓ લઇને તેમની પાસે આવે અને પછી કોઈ પગલાં લેવામાં આવે. તેમણે કહ્યું કે, સરકારી માનસિકતા અને પ્રણાલીમાંથી આ ખોટી માન્યતા દૂર કરવામાં આવી રહી છે. હવે સરકાર લોકો સુધી જાય છે.
પ્રધાનમંત્રીએ ટાંક્યું હતું કે, 6-7 વર્ષ પહેલાં સુધી માત્ર અમુક રાજ્યોમાં જ એઇમ્સની સુવિધા ઉપલબ્ધ હતી પરંતુ, આજે દરેક રાજ્યમાં એઇમ્સને લઈ જવાનું કામ ચાલી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, અમે 6 એઇમ્સથી આગળ વધીને 22 એઇમ્સનું મજબૂત નેટવર્ક બનાવવા માટે કામ કરી રહ્યાં છીએ. સરકારનું લક્ષ્ય એવું પણ છે કે, દેશના દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક મેડિકલ કોલેજ અવશ્ય હોવી જોઇએ. તેમણે જુની વાત યાદ કરતા જણાવ્યું હતું કે, ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીએ ઉત્તરાખંડની રચનાનું સપનું પૂરું કર્યું હતું. શ્રી અટલ બિહારી વાજપેયી માનતા હતા કે, કનેક્ટિવિટીનો સીધો સંબંધ વિકાસ સાથે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેમની પ્રેરણાને કારણે જ, આજે દેશમાં અભૂતપૂર્વ ગતિએ અને વ્યાપકતાએ કનેક્ટિવિટી માટે માળખાકીય સુવિધાઓ સુધારવાનું કામ કરવામાં આવી રહ્યું છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2019માં જળ જીવન મિશનનો આરંભ કરવામાં આવ્યો તે પહેલાં, ઉત્તરાખંડમાં માત્ર 1,30,000 ઘરોમાં નળ દ્વારા પાણી પહોંચતુ હતું. આજે ઉત્તરાખંડના 7,10,000 કરતાં વધારે પરિવારો સુધી પાઇપથી પીવાનું પાણી પહોંચવાનું શરૂ થઇ ગયું છે. માત્ર 2 વર્ષના સમયમાં જ, રાજ્યમાં છ લાખ જેટલા પરિવારોને પાણીનું જોડાણ મળ્યું છે. પ્રધાનમંત્રીએ વધુમાં માહિતી આપી હતી કે, સરકાર દરેક સૈનિક, ભૂતપૂર્વ સૈનિકોના હિતો માટે પણ ગંભીરતાપૂર્વક કામ કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, અમારી સરકારે વન રેન્ક વન પેન્શનનો અમલ કરીને 40 વર્ષ જુની સશસ્ત્રદળોના આપણા ભાઇઓની માંગને પૂરી કરી છે.
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1761730)
Visitor Counter : 358
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam