પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ‘ગ્લોબલ સિટિઝન લાઇવ’માં વીડિયોના માધ્યમથી સંબોધન આપ્યું
કોવિડ મહામારીએ આપણને શીખવ્યું છે કે આપણે એકજૂથ હોઇએ ત્યારે વધુ બળવાન અને બહેતર છીએ: પ્રધાનમંત્રી
“બીજી કોઇપણ બાબતો પર કેવી રીતે માણસોની સ્થિતિસ્થાપકતા બળવાન રહી તેને આવનારી પેઢીઓ યાદ રાખશે”
“ગરીબોને સરકારો પર નિર્ભર બનાવીને ગરીબી સામે લડી શકાય નહીં. જ્યારે ગરીબો સરકારોને ભરોસાપાત્ર ભાગીદાર તરીકે જોવા લાગે ત્યારે જ ગરીબી સામે લડી શકાય”
“ગરીબોને સશક્ત બનાવવા માટે જ્યારે સત્તાનો ઉપયોગ થાય ત્યારે તે ગરીબી સામે લડવા માટે વધુ બળવાન બને છે”
“આબોહવા પરિવર્તનનું શમન કરવાની સૌથી સરળ અને સૌથી સફળ રીત પ્રકૃતિ સાથે તાલમેલ ધરાવતી જીવનશૈલી છે”
“મહાત્મા ગાંધી દુનિયાના સૌથી મહાન પર્યાવરણવાદીઓમાંથી એક છે. તેઓ ઝીરો કાર્બન ફુટપ્રિન્ટ જીવનશૈલી જીવ્યા હતા. તેમણે જે કંઇપણ કર્યું તેમાં તેમણે બાકી બીજી કોઇપણ બાબત કરતાં આપણા ગ્રહના કલ્યાણને વધારે મહત્વ આપ્યું”
“ગાંધીજીએ ટ્રસ્ટીશીપના સિદ્ધાંત પર પ્રકાશ પાડ્યો હતો, જ્યાં આપણે સૌ ગ્રહની કાળજી લેવાની ફરજ સાથે તેના ટ્રસ્ટીઓ છીએ”
“ભારત એકમાત્ર એવું G-20 રાષ્ટ્ર છે જે પેરિસ કટિબદ્ધતાઓના માર્ગ પર આગળ વધી રહ્યું છે”
Posted On:
25 SEP 2021 10:46PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 25 અને 26 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલા 24 કલાકના ‘ગ્લોબલ સિટિઝન લાઇવ’ કાર્યક્રમમાં વીડિયોના માધ્યમથી સંબોધન આપ્યું હતું અને આ કાર્યક્રમમાં મુંબઇ, ન્યૂયોર્ક, પેરિસ, રિઓ ડી જાનેરો, સિડની, લોસ એન્જેલસ, લાઓસ અને સિઓલ સહિતના મોટા શહેરોમાં યોજાયેલા લાઇવ કાર્યક્રમોને સામેલ કરવામાં આવશે.
પ્રધાનમંત્રીએ આ સંબોધન દરમિયાન આપણે એકજૂથ હોઇએ ત્યારે વધુ બળવાન અને બહેતર છીએ તેવું બતાવવા માટે મહામારીએ આપણી સમક્ષ ઉભા કરેલા પડકારો વિશે વાત કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “જ્યારે આપણા કોવિડ-19 યોદ્ધાઓ, ડૉક્ટરો, નર્સો, મેડિકલ સ્ટાફ મહામારી સામે લડવા માટે પોતાના તરફથી શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા હતા ત્યારે આપણે આ સંયુક્ત ભાવનાની ઝલક જોઇ હતી. વિક્રમી સમયમાં જ નવી રસીઓ તૈયાર કરનારા આપણા વૈજ્ઞાનિકો અને આવિષ્કારકર્તાઓમાં આપણે આ ભાવના જોઇ હતી. બીજી કોઇપણ બાબતો પર કેવી રીતે માણસોની સ્થિતિસ્થાપકતા બળવાન રહી તેને આવનારી પેઢીઓ યાદ રાખશે.”
પ્રધાનમંત્રીએ કોવિડ ઉપરાંત ગરીબી અંગે વાત કરતા કહ્યું હતું કે, ગરીબી અત્યારે દુનિયા સમક્ષ સૌથી વધારે રહેલો એક મોટો પડકાર છે. શ્રી મોદીએ ટાંક્યું હતું કે, ગરીબોને સરકાર પર નિર્ભર બનાવીને ગરીબી સામે લડી શકાય નહીં. જ્યારે ગરીબો સરકારોને તેમના ભરોસાપાત્ર ભાગીદારો તરીકે જોવા લાગે ત્યારે જ ગરીબી સામે લડી શકાય. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “ભરોસાપાત્ર ભાગીદારો તેમને સક્ષમ કરી શકે તેવી માળખાગત સુવિધાઓ આપીને કાયમ માટે ગરીબીનું વિષચક્ર તોડવાનું સામર્થ્ય પ્રદાન કરશે.”
પ્રધાનમંત્રીએ સમજાવ્યું હતું કે, જ્યારે ગરીબોના સશક્તીકરણ માટે સત્તાનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તેઓ ગરીબી સામે લડવા માટે બળવાન બને છે. તેમણે બેન્ક વિહોણા લોકો માટે બેન્કિંગ, લાખો લોકોને આપવામાં આવેલા સામાજિક સુરક્ષા કવરેજ, 500 મિલિયન ભારતીયોને વિનામૂલ્યે અને ગુણવત્તાપૂર્ણ આરોગ્ય સંભાળ પૂરી પાડવા જેવા વિવિધ પગલાંઓ ગરીબોને સશક્ત બનાવવાની દિશામાં કરાયેલા પ્રયાસોના દૃશ્ટાંત તરીકે ગણાવ્યા હતા.
શહેરો અને ગામડાંઓમાં ઘરવિહોણા લોકો માટે 30 મિલિયન મકાનોનું નિર્માણ કરવા અંગે ચર્ચા કરતા શ્રી મોદીએ ભારપૂર્વક કહ્યું હતું કે ઘર એક માત્ર આશ્રયસ્થાન નથી. તેમણે કહ્યું હતું કે, ‘માથા પર રહેલી છત લોકોને સન્માન આપે છે.’ પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, આ કામગારી અને દરેક પરિવાર સુધી પીવાલાયક પાણીનું જોડાણ પૂરું પાડવા માટેની ‘સામુહિક ચળવળ’, આગામી પેઢીની માળખાગત સુવિધા ઉભી કરવા માટે એક ટ્રિલિયન ડૉલર કરતાં વધારે રકમનો ખર્ચ, 800 મિલિયન નાગરિકોને વિનામૂલ્યે ખાદ્યાન્ન પૂરું પાડવાની કામગીરી અને અન્ય કેટલાય પ્રયાસો ગરીબી સામેની લડતને વધારે મજબૂત બનાવશે.
પ્રધાનમંત્રીએ આબોહવા પરિવર્તનના જોખમ અંગે પણ ચર્ચા કરી હતી અને કહ્યું હતું કે, “આબોહવા પરિવર્તનનું શમન કરવાની સૌથી સરળ અને સૌથી સફળ રીત પ્રકૃતિ સાથે તાલમેલ ધરાવતી જીવનશૈલી જીવવાની છે.” તેમણે મહાત્મા ગાંધીને “દુનિયાના સૌથી મહાન પર્યાવરણવાદીઓમાંથી એક” ગણાવ્યા હતા અને બાપુ કેવી રીતે ઝીરો કાર્બન ફુટપ્રિન્ટની જીવનશૈલી જીવ્યા તે અંગે વર્ણન કર્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ગાંધીજીએ જે કંઇપણ કર્યું તેમાં બીજી કોઇપણ બાબત કરતાં ગ્રહના કલ્યાણને સર્વોપરી મહત્વ આપ્યું હતું. ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત મૂળરૂપે મહાત્મા ગાંધીએ સૂચવ્યો હતે તે બાબત પર પ્રધાનમંત્રીએ પ્રકાશ પાડતા કહ્યું હતું કે, ‘આપણે સૌ આ ગ્રહના ટ્રસ્ટીઓ છીએ અને તેની કાળજી રાખવાની આપણી ફરજ છે.’ પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, G-20 દેશોમાં ભારત એકમાત્ર એવું રાષ્ટ્ર છે જે પેરિસ કટિબદ્ધતાઓના માર્ગે આગળ વધી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારત આંતરરાષ્ટ્રીય સૌર સંગઠન અને અને આપત્તિ પ્રતિરોધક ગઠનબંધનના નેજા હેઠળ દુનિયાને એકજૂથ કરવાનું ગૌરવ પણ ધરાવે છે.
SD/GP/JD
(Release ID: 1758232)
Visitor Counter : 314
Read this release in:
Bengali
,
Assamese
,
Manipuri
,
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Punjabi
,
Odia
,
Telugu
,
Kannada
,
Malayalam