રાષ્ટ્રપતિ સચિવાલય

રાષ્ટ્રપતિએ વર્ષ 2019-20 માટે રાષ્ટ્રીય સેવા યોજના પુરસ્કારો પ્રદાન કર્યા

Posted On: 24 SEP 2021 10:45AM by PIB Ahmedabad

રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે આજે (24 સપ્ટેમ્બર, 2021) વર્ચ્યુઅલ સમારોહમાં વર્ષ 2019-20 માટે રાષ્ટ્રીય સેવા યોજના પુરસ્કારો પ્રદાન કર્યા.

આ પ્રસંગે રાષ્ટ્રપતિએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, માનવ જીવનની ઇમારત ઘણી વખત વિદ્યાર્થી જીવનના પાયા પર રચાયછે. ભણતર આજીવન સતત ચાલતી પ્રક્રિયા હોવા છતાં, મૂળભૂત વ્યક્તિત્વ વિકાસ વિદ્યાર્થી જીવન દરમિયાન જ શરૂ થાય છે. તેથી, તેઓ રાષ્ટ્રીય સેવા યોજના-એનએસએસને એક સ્વપ્નદ્રષ્ટા યોજના તરીકે માને છે, જેના દ્વારા વિદ્યાર્થીઓને તેમના શાળા અને કોલેજના દિવસો દરમિયાન સમાજ અને દેશની સેવા કરવાની તક મળે છે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ શતાબ્દી નિમિત્તે વર્ષ 1969માં રાષ્ટ્રીય સેવા યોજનાની સ્થાપના કરવામાં આવી હતી તે તરફ ધ્યાન દોરતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીએ તેમનું સમગ્ર જીવન માનવતાની સેવા માટે સમર્પિત કર્યું હતું. તેમની ઈચ્છા હતી કે આપણા દેશના યુવાનો જવાબદાર નાગરિક બને અને તેમના વ્યક્તિત્વને ઓળખે. ગાંધીજીના મતે 'પોતાને જાણવાની શ્રેષ્ઠ રીત એ છે કે પોતાને અન્યની સેવામાં સમર્પિત કરો'. ગાંધીજીનું જીવન માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ છે. તેમના આદર્શો અને તેમની સેવાની ભાવના આજે પણ આપણા બધા માટે સુસંગત અને પ્રેરણાદાયી છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે, કોવિડ -19ના પ્રારંભિક પ્રકોપ દરમિયાન, માસ્કનું મોટાપાયે ઉત્પાદન શરૂ થાય ત્યાં સુધી, એનએસએસ દ્વારા 23 મિલિયનથી વધુ માસ્ક બનાવવામાં આવ્યા હતા અને દેશના વિવિધ ભાગોમાં વહેંચવામાં આવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે NSS સ્વયંસેવકોએ હેલ્પલાઇન દ્વારા લોકોને કોવિડ સંબંધિત માહિતી પૂરી પાડી અને જાગૃતિ અને રાહત પ્રવૃત્તિઓમાં જિલ્લા વહીવટીતંત્રને પણ મદદ કરી.

રાષ્ટ્રપતિએ કહ્યું કે આઝાદીનું 75મુ વર્ષ દેશભરમાં 'આઝાદી કા અમૃત મહોત્સવ' તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. તેઓ જાણીને ખુશ છે કે એનએસએસ સ્વયંસેવકો ભારતીય સ્વતંત્રતા ચળવળ અને સ્વતંત્રતા સેનાનીઓના યોગદાન પર વેબિનાર/સેમિનારનું આયોજન કરીને આ ઉત્સવમાં યોગદાન આપી રહ્યા છે. તેમણે કહ્યું કે આપણા સ્વાતંત્ર્ય સંગ્રામ અને સ્વાતંત્ર્ય સેનાનીઓના આદર્શો વિશે જાગૃતિ ફેલાવવી એ પણ રાષ્ટ્રની સેવા છે.

વર્ષ 1993-94માં રાષ્ટ્રીય સેવા યોજનાના રજત જયંતી વર્ષ નિમિત્તે યુવા બાબતો અને રમત મંત્રાલય દ્વારા એનએસએસ પુરસ્કારોની સ્થાપના કરવામાં આવી હતી. આ પુરસ્કારોનો હેતુ યુનિવર્સિટીઓ/કોલેજો, (+2) પરિષદો અને વરિષ્ઠ માધ્યમિક, એનએસએસ એકમો/પ્રોગ્રામ અધિકારીઓ અને એનએસએસ સ્વયંસેવકો દ્વારા કરવામાં આવેલ સ્વૈચ્છિક સમુદાય સેવા માટે ઉત્કૃષ્ટ યોગદાનને ઓળખવા અને પુરસ્કાર આપવાનો છે.

રાષ્ટ્રપતિનું હિન્દીમાં ભાષણ જોવા માટે અહીં ક્લિક કરો.

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1757637) Visitor Counter : 623