ખાણ મંત્રાલય

મંત્રીમંડળે રશિયાની જોઇન્ટ સ્ટોક કંપની રોસજીયોલોજિયા અને ભારતની જીયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (જીએસઆઇ) વચ્ચે જીયોસાયન્સિસના ક્ષેત્રમાં સાથસહકાર સ્થાપિત કરવા માટે સમજૂતીકરારને મંજૂરી આપી

Posted On: 08 SEP 2021 2:40PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં રશિયન સંઘના કાયદા હેઠળ સ્થાપિત કાયદેસર કંપની જોઇન્ટ સ્ટોક કંપની રોસજીયોલોજિયા (સરકારી માલિકીની કંપની) (ROSGEO તરીકે ઓળખાય છે) અને ભારત સરકારના ખાણ મંત્રાલયના જીયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (જીએસઆઈ) વચ્ચે જીયોસાયન્સના ક્ષેત્રમાં સાથસહકાર પર થયેલા સમજૂતીકરાર (એમઓયુ) ને મંજૂરી આપવામાં આવી છે.

આ સમજૂતીકરારનો મુખ્ય ઉદ્દેશ પૃથ્વીના પેટાળમાં ઊંડે અને/અથવા છુપાયેલા ખનીજના ભંડોળ માટે સંશોધન પર, એરો-જીયોફિઝિકલ ડેટાના વિશ્લેષણ અને અર્થઘટન, પીજીઇ અને આરઇઇ ઉત્ખનન અને સંશોધન, રશિયાની અદ્યતન ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે ભારતીય જીયોસાયન્સ ડેટા રિપોઝિટરીના સંયુક્ત વિકાસ, સચોટ ડેટા મેળવવા શારકામ, નમૂના અને પ્રયોગશાળામાં વિશ્લેષણના ક્ષેત્રમાં ટેકનોલોજી અને જાણકારીના આદાનપ્રદાન, તથા વૈજ્ઞાનિક અધિકારીઓની તાલીમ અને ક્ષમતા નિર્માણ વગેરે માટે ટેકનોલોજીકલ જોડાણ માટે જીયોસાયન્સના વિવિધ ક્ષેત્રોમાં બંને પક્ષો વચ્ચે પારસ્પરિક સાથસહકાર આપવાનો છે.

ROSGEO અને જીએસઆઈના બહોળા અનુભવ તથા તેમના સાથસહકારની સંભાવનાને ધ્યાનમાં રાખીને આ સમજૂતીકરાર ખાસ કરીને જીયોસાયન્સિસના ક્ષેત્રમાં જીએસઆઈ અને ROSGEO વચ્ચે સાથસહકાર સ્થાપિત કરવા માટે એક માળખું પ્રદાન કરવા વિશેષ લાભદાયક છે.

પૃષ્ઠભૂમિઃ

જોઇન્ટ સ્ટોક કંપની રોસજીયોલોજિયા (ROSGEO) રશિયન સંઘમાં સરકારી માલિકીની સૌથી મોટી જીયોલોજિકલ કંપની છે, જે ઉત્પાદન અને ટેકનિકલ ક્ષમતા, ઊંચી વ્યવસાયિક સક્ષમતા અને પુષ્કળ જીયોલોજિકલ માહિતી ધરાવે છે. કંપની તમામ પ્રકારના ખનીજ સંસાધનો માટે પ્રાદેશિક સર્વેમાંથી તમામ પ્રકારની જીયોલોજિકલ સંભાવના અને ઉત્ખનન પ્રવૃત્તિઓ હાથ ધરે છે તેમજ ભંડોળનો અંદાજ મેળવે છે તથા જે તે ક્ષેત્રમાં કામગીરી કરવા માટે ઓફશોર જીયોલોજિકલ અને ઓન-શેલ્ફ કામગીરીઓના ક્ષેત્રમાં વિશિષ્ટ ક્ષમતા ધરાવે છે.

વર્ષ 2020માં ભારતની મુલાકાત દરમિયાન ROSGEOનાં એક પ્રતિનિધિમંડળે ખાણ મંત્રાલય અને જીયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (જીએસઆઇ)ના પ્રતિનિધિઓ સાથે નવી દિલ્હીમાં એક બેઠક કરી હતી, જેમાં ઉત્ખનન સાથે સંબંધિત કાર્યોમાં સાથસહકાર સ્થાપિત કરવાની સંભાવના પર ચર્ચાવિચારણા થઈ હતી. આ બેઠકમાં જીયોસાયન્સિસના ક્ષેત્રમાં સાથસહકાર સ્થાપિત કરવા જીએસઆઈ અને ROSGEO વચ્ચે સમજૂતીકરાર કરવાની દરખાસ્ત રજૂ થઈ હતી. એ મુજબ, જીએસઆઈએ એને સમકક્ષ રશિયન કંપની ROSGEO સાથે ચર્ચા કરીને સમજૂતીકરારને અંતિમ સ્વરૂપ આપ્યું હતું.

 

SD/GP/BT   

 



(Release ID: 1753135) Visitor Counter : 177