સંરક્ષણ મંત્રાલય
સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે ગુજરાતના કેવડિયા ખાતે ડિફએક્સ્પો-2022ની તૈયારીઓની સમીક્ષા કરી કહ્યું, ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય સહભાગિતા વધારવા માટે તમામ પ્રયાસો કરાશે
આપણો ઉદ્દેશ ‘મેક ઈન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ છે: સંરક્ષણ મંત્રી
એવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત જલદી વૈશ્વિક સંરક્ષણ ઉત્પાદનનું હબ બની જશે
Posted On:
02 SEP 2021 4:11PM by PIB Ahmedabad
સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ અને ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી વિજય રૂપાણીએ 02 સપ્ટેમ્બર, 2021ના રોજ ગુજરાતના કેવડિયા ખાતે ડિફએક્સ્પો-2022ની તૈયારીઓની સંયુક્ત રીતે સમીક્ષા કરી હતી. ભારતનો એક અતિ મહત્વનો કાર્યક્રમ અને થલ, નૌકા, હવાઇ અને હોમલેન્ડ સિક્યુરિટી સિસ્ટમ્સને પ્રદર્શિત કરતો ડિફએક્સ્પોની 12મી આવૃત્તિ 10-13 માર્ચ, 2022 દરમ્યાન ગુજરાતના ગાંધીનગરમાં યોજાશે.
આ મીટિંગ દરમ્યાન શ્રી રાજનાથ સિંહ અને સંરક્ષણ મંત્રાલય અને ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓએ નોંધ્યું હતું કે ફેબ્રુઆરી 2020માં ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં યોજાયેલી ડિફએક્સ્પોની અગાઉની આવૃત્તિ ભારત સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે અતૂટ ભાગીદારીને લીધે અપાર સફળ રહી હતી. એવી સંમતિ સધાઇ હતી કે આઝાદીનું 75મું વર્ષ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ તરીકે ઉજવાઇ રહ્યું છે અને યોગાનુયોગે ડિફએક્સ્પો-2022 એ વર્ષે યોજાઇ રહ્યું છે ત્યારે આ ઈવેન્ટ્સમાં તમામ સ્તરે વધારે સક્રિય સહભાગિતા અને સહકાલીન પ્રયાસોની જરૂર છે.
ચાલી રહેલી તૈયારીઓ અંગે સંતોષ વ્યક્ત કરતા સંરક્ષણ મંત્રીએ તમામ હિતધારકોને આગામી ઈવેન્ટમાં મહત્તમ સહભાગિતા સુનિશ્ચિત કરવા માટે અનુરોધ કર્યો હતો. તેમણે આશા વ્યક્ત કરી હતી કે માત્ર ઘરેલુ જ નહીં પણ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિત્વ અગાઉની આવૃત્તિ કરતા ડિફએક્સ્પો-2022માં ઘણું મોટું હશે. સરકારના ‘મેક ઈન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ નિર્ધારનો પુનરોચ્ચાર કરતા શ્રી રાજનાથ સિંહે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત જલદી એક વૈશ્વિક ઉત્પાદન હબ બની જશે. “આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કલ્પેલા ‘આત્મનિર્ભર ભારત’ પ્રતિ આપણે મોટી ફલાંગ ભરી રહ્યા છીએ. આપણે જલદી સંરક્ષણમાં આત્મનિર્ભરતા હાંસલ કરીશું. આપણો ઉદ્દેશ આયાત પરનું અવલંબન ઘટાડવાનો અને સંરક્ષણ નિકાસને વધારવાનો છે”, એમ તેમણે કહ્યું હતું.
આ અવસરે સંરક્ષણ મંત્રાલય અને ગુજરાત સરકાર વચ્ચે ડિફએક્સ્પો-2022 આયોજિત કરવા માટે શ્રી રાજનાથ સિંહની ઉપસ્થિતિમાં એક એમઓયુ પર સહીસિક્કા થયા હતા. ડિફએક્સ્પો-2022 એક હાઇબ્રિડ બિઝનેસ ઈવેન્ટ હશે જેમાં હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે એક્ઝિબિશનની યોજના છે અને સેમિનાર્સ મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાશે. અમદાવાદમાં સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે શસ્ત્રો અને સંરક્ષણ પ્લેટફોર્મ્સના જીવંત નિદર્શનની પણ યોજના થઈ રહી છે.
આ સમીક્ષા બેઠકમાં હાજર રહેનારામાં સચિવ (સંરક્ષણ ઉત્પાદન) શ્રી રાજ કુમાર, ગુજરાતના ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવ કુમાર ગુપ્તા, સંયુક્ત સચિવ (એરોસ્પેસ) શ્રી ચંદ્રકર ભારતી, ઉદ્યોગ કમિશનર અને ઈન્ડેક્સ્ટીબીના ચેરમેન ડૉ. રાહુલ બી ગુપ્તાનો સમાવેશ થતો હતો.
ડિફએક્સ્પો-2022નો ઉદ્દેશ સંરક્ષણમાં ‘આત્મનિર્ભરતા’ હાંસલ કરવા અને 2024 સુધીમાં 5 અબજ અમેરિકી ડૉલરની સંરક્ષણ નિકાસના વિઝન તરફ નિર્માણ કરવાનો છે. એનો હેતુ ભારતને થલ, નૌકા, હવાઇ અને હોમલેન્ડ સિક્યુરિટી સિસ્ટમ્સ અને સંરક્ષણ એન્જિનિયરિંગનું મુખ્ય નિર્ધારિત સ્થળ બનાવવાનો છે. ભાવિ યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ ઈવેન્ટનો ઉદ્દેશ સંઘર્ષોમાં વિધ્વંસક ટેકનોલોજીઓની અસરને અને જરૂરી ઉપકરણો અને પ્લેટફોર્મ્સ પર એની પરિણામરૂપ અસરને સ્વીકારવાનો છે.
કોવિડ-19 પ્રોટોકોલ્સ સાથે ડિફએક્સ્પો-2022 આયોજિત થશે અને એનો ઉદ્દેશ મહત્તમ આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ સહભાગિતા સુનિશ્ચિત કરવાનો છે. જે ઈવેન્ટ્સ આયોજિત થશે એમાં સમાવેશ છે:
- નિર્ણય નિર્ધારણની પ્રક્રિયાને વેગ આપવા સંરક્ષણ મંત્રીના સ્તરે એક કૉન્ક્લેવ
- વર્ચ્યુઅલી ઈવેન્ટ્સમાં જોડાવા અને સેમિનાર્સમાં ભાગ લેવા માટે હાજર રહેનારાઓ માટેની હાઇબ્રિડ સિસ્ટમ, બીટુબી મીટિંગ્સ યોજવી, પ્રોડક્ટ્સ અવલોકન, વિચારો/બિઝનેસ દરખાસ્તોની આપલે, ઇત્યાદિ
- દળો, જાહેર ક્ષેત્રના સંરક્ષણ સાહસો અને ઉદ્યોગ દ્વારા જમીન, નૌકા, હવાઇ અને હોમલેન્ડ સિક્યુરિટી સિસ્ટમ્સ પ્રદર્શિત કરવા જીવંત પ્રદર્શન.
- જાણીતા વિષય નિષ્ણાતોની બૌદ્ધિક મૂડીને ઝડપી લેવા આંતરરાષ્ટ્રીય અને ભારતીય ઉદ્યોગ ચૅમ્બર્સ દ્વારા બિઝનેસ પરિસંવાદો
ગુજરાત સરકારનો ઉદ્દેશ આ તકને એના એરોસ્પેસ અને સંરક્ષણ વિઝનમાં વધારો કરવામાં ઉપયોગમાં લેવાનો અને વિદેશી રોકાણ મેળવવાનો છે.
આંતરરાષ્ટ્રીય એરોસ્પેસ અને સંરક્ષણ કેલેન્ડરમાં અગ્રણી ઈવેન્ટ ગણાતી ડિફએક્સ્પોમાં સહભાગિતાની સંખ્યા અને ગુણવત્તા, બેઉ રીતે વર્ષોવર્ષ વૃદ્ધિ જોવા મળી છે. ડિફએક્સ્પો 2020માં 75000 ચોરસ મીટરથી વધુમાં એક્ઝિબિશન યોજાયું હતું અને 1000થી વધુ પ્રદર્શનકર્તાઓએ ભાગ લીધો હતો. આ ઈવેન્ટમાં 70 દેશોએ ભાગ લીધો હતો અને 40 વિભિન્ન દેશોના સંરક્ષણ મંત્રીઓ હાજર રહ્યા હતા. ઈવેન્ટ દરમ્યાન 200 ભાગીદારીઓ થઈ હતી જેનાથી ઉત્તર પ્રદેશ સંરક્ષણ ઇન્ડસ્ટ્રિઅલ કૉરિડોરને પ્રચંડ વેગ અને દ્રશ્યક્ષમતા પૂરા પાડ્યા હતા. 12 લાખથી વધુ લોકોએ આ કાર્યક્રમની મુલાકાત લીધી હતી અને અજોડ ટેન્ટ સિટી એકોમોડેશન એની અન્ય એક વિશેષતા હતી.
ફેબ્રુઆરી 2021માં ભારત બેંગલુરુ ખાતે એરો ઈન્ડિયા-2021, ચુસ્ત કોવિડ-19 પ્રોટોકોલ્સનાં પાલન સાથે હાઈબ્રિડ એરોસ્પેસ એક્ઝિબિશન યોજનાર પહેલો દેશ હતો.. સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ ઉત્પાદન વિભાગના નેજા હેઠળ યોજાયેલી આ ઈવેન્ટને અદભુત વૈશ્વિક પ્રતિસાદ સાંપડ્યો હતો.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad &nbs…
(Release ID: 1751457)
Visitor Counter : 587