શ્રમ અને રોજગાર મંત્રાલય
ભારત સરકારે ઈ-શ્રમ પોર્ટલ શરૂ કરતા સમગ્ર દેશમાં અસંગઠિત કામદારોની નોંધણી શરૂ
આ પોર્ટલ દેશમાં સર્વગ્રાહી ‘નેશનલ ડેટાબેઝ ઑફ અનઓર્ગેનાઈઝ્ડ વર્કર્સ’ (એનડીયુડબલ્યુ)નું નિર્માણ કરવામાં મદદ કરશે
કરોડો અસંગઠિત કામદારો માટે કલ્યાણ યોજનાઓને છેવાડા સુધી પહોંચાડવા તરફ આ પોર્ટલ વિરાટ વૃદ્ધિ કરનારું સાબિત થશે: શ્રી ભૂપેન્દર યાદવ
દેશના ઈતિહાસમાં પાસાં પલટનારું, જ્યાં 38 કરોડથી વધુ કામદારો એક પોર્ટલ હેઠળ પોતાની નોંધણી કરાવશે
નોંધણી તદ્દન નિ:શુલ્ક છે અને કામદારોએ કશુંય ચૂકવવાનું નથી
Posted On:
26 AUG 2021 6:13PM by PIB Ahmedabad
શ્રમ અને રોજગાર મંત્રી શ્રી ભૂપેન્દર યાદવે આજે વિધિવત રીતે ઈ-શ્રમ પોર્ટલનો શુભારંભ કર્યો હતો અને શ્રમ અને રોજગાર તેમજ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્યમંત્રી શ્રી રામેશ્વર તેલીની ઉપસ્થિતિમાં આ પોર્ટલને રાજ્યો/સંઘ પ્રદેશોને સુપરત કર્યું હતું.
“ભારતના ઈતિહાસમાં પહેલી વાર, 38 કરોડ જેટલા અસંગઠિત કામદારોની નોંધણી કરવા એક વ્યવસ્થા થઈ રહી છે. તે તેમની નોંધણી કરશે એટલું જ નહીં પણ કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા અમલી કરાઇ રહેલી વિવિધ સમાજ સુરક્ષાની યોજનાઓ પહોંચાડવામાં પણ મદદરૂપ થશે”, એમ શ્રમ મંત્રીએ કહેતા ભાર મૂક્યો હતો કે ભારતના રાષ્ટ્ર નિર્માતા એવા અસંગઠિત કામદારોનાં કલ્યાણ પ્રતિ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝનને આગળ ધપાવવા તરફનો આ વધુ એક મહત્વપૂર્ણ માર્ગસૂચક સ્તંભ છે.
આ પ્રસંગે શ્રી ભૂપેન્દર યાદવે ઈ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલા દરેક અસંગઠિત કામદારને રૂ. 2 લાખનો અકસ્માત વીમો મંજૂર કરવા બદલ પ્રધાનમંત્રીનો આભાર પણ માન્યો હતો. જો ઈ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલા કોઇ કામદારને અકસ્માત થાય તો એને મૃત્યુ કે કાયમી વિકલાંગતાની સ્થિતિમાં રૂ. 2 લાખ મળવા પાત્ર થશે અને અંશત: વિકલાંગતાના કિસ્સામાં રૂ. 1 લાખ મળશે અને સરકાર કામદારોના કલ્યાણ માટે હંમેશા પ્રતિબદ્ધ છે.
શ્રમ અને રોજગાર તેમજ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્ય મંત્રી શ્રી રામેશ્વર તેલીએ એક રીતે તમામ અસંગઠિત કામદારોનો રાષ્ટ્રીય ડેટાબેઝ તૈયાર કરનાર આ ઈ-શ્રમ પોર્ટલની વિશેષતાઓ ઉજાગર કરતા દેશના લોકોને આ અભિયાનનો ભાગ બનવા અને ઈ-શ્રમ પોર્ટલ પર તમામ અસંગઠિત કામદારોની નોંધણી કરાવવા અને ભારત સરકારના બહુ આવશ્યક લક્ષ્ય “છૂટેગા નહીં કોઇ કામગાર, યોજનાએ પહુચેંગી સબ કે દ્વાર”ને પૂર્ણ કરવામાં ભાગીદાર બનવાની અપીલ કરી હતી.
આ અવસરે બેઉ પ્રધાનોએ અજમેર, દિબ્રુગઢ, ચેન્નાઈ અને વારાણસીના કામદારો સાથે પણ વાતચીત કરી હતી. આ કામદારો કોમન સર્વિસ સેન્ટર્સથી વર્ચ્યુઅલી જોડાયા હતા અને તેમણે તેમનાં અનુભવો અને અપેક્ષાઓ જણાવ્યાં હતાં. શ્રી યાદવ અને શ્રી તેલીએ તેમને અકસ્માત વીમા યોજનાઓ વિશે માહિતગાર કર્યા હતા અને પોર્ટલ પર નોંધણી માટેના લાભો સમજાવ્યા હતા.
દેશના ઈતિહાસમાં આ પોર્ટલ એક મહત્વપૂર્ણ વળાંક બિંદુ અને પાસાં પલટનારું સાબિત થશે એમ જણાવતા શ્રમ મંત્રાલયના સચિવ શ્રી અપૂર્વ ચંદ્રએ જણાવ્યું હતું કે દેશમાં 38 કરોડથી વધુ અસંગઠિત કામદારો (યુડબલ્યુ) એક પોર્ટલ હેઠળ નોંધાશે અને ઈ-શ્રમ પોર્ટલ હેઠળ નોંધણી સંપૂર્ણ મફત છે અને કામદારોએ કોમન સર્વિસ સેન્ટર્સ (સીએસસી) કે અન્ય ક્યાંય પોતાની નોંધણી માટે કશું પણ ચૂકવવાનું નથી.
શ્રી ચંદ્રાએ વધુમાં માહિતી આપી કે નોંધણી થયેથી કામદારોને અજોડ યુનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએએન) સાથેનો ઈ-શ્રમ કાર્ડ જારી થશે અને આ કાર્ડ મારફત ગમે ત્યાં, ગમે ત્યારે વિવિધ સામાજિક સુરક્ષાની યોજનાઓના લાભો મેળવી શકશે.
રાજ્યો/સંઘ પ્રદેશોના શ્રમ મંત્રીઓ, મુખ્ય સચિવો, વધારાના મુખ્ય સચિવો, અગ્ર સચિવો (શ્રમ), તમામ રાજ્યો/સંઘ પ્રદેશોના લેબર કમિશનરો પોતપોતાનાં રાજ્યોથી આ ઉદઘાટન સમારોહમાં વર્ચ્યુલી જોડાયા હતા. શ્રમ મંત્રાલયની તમામ ફિલ્ડ ઑફિસો અને ઈપીએફઓ અને ઈએસઆઇસીની પ્રાદેશિક કચેરીઓ પણ સમારોહમાં હાજરી આપી રહી છે. ઉદઘાટન કાર્યક્રમમાં અસંગઠિત કામદારોની નોંધણીમાં જેની મહત્વપૂર્ણ ભૂમિકા છે એ 4 લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર્સ (સીએસસી) પણ જોડાઈ રહ્યા હતા.
જુલાઇ/ઑગસ્ટમાં તમામ રાજ્યો/સંઘ પ્રદેશો સાથે પહેલી અને દ્વિતીય પ્રિ-લૉન્ચ મીટિંગ્સ દરમ્યાન એમને પોર્ટલનું નિદર્શન આપી દેવાયું હતું. આ સંદર્ભમાં, પોર્ટલ કાર્યાન્વિત કરવા અને કામદારોના એકત્રીકરણ માટેની વિગતવાર માર્ગદર્શિકા રાજ્યો/સંઘ પ્રદેશોને આપી જ દેવાઇ હતી. કોવિડની સ્થિતિને ધ્યાનમાં રાખીને, એવું નક્કી થયું હતું કે પોર્ટલનો શુભારંભ વર્ચ્યુઅલી કરવો અને સમગ્ર દેશમાં અસંગઠિત કામદારોની નોંધણીની પ્રક્રિયા શરૂ કરવા માટે એને રાજ્યોને સોંપી દેવું. 2021ની 24મી ઑગસ્ટે કેન્દ્રીય શ્રમ મંત્રીએ દેશના મુખ્ય સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો જેવા કે ભારતીય મજદૂર સંઘ (એમએસ), ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કૉંગ્રેસ (ઈન્ટુક), ઑલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કૉંગ્રેસ (એઆઇટીયુસી), હિંદુ મહાસભા (એચએમએસ), સેન્ટર ફોર ઈન્ડિયન ટ્રેડ યુનિયન (સિટુ), ઑલ ઈન્ડિયા યુનાઈટેડ ટ્રેડ યુનિયન સેન્ટર ( એઆઈયુટીયુસી), ટ્રેડ યુનિયન કૉ-ઓર્ડિનેશન સેન્ટર (ટીયુસીસી), સેલ્ફ એમ્પ્લોઈડ વીમેન્સ એસોસિયેશન (સેવા), યુનાઇટેડ ટ્રેડ યુનિયન સેન્ટર (યુટીયુસી), નેશનલ ફ્રન્ટ ઑફ ઈન્ડિયન ટ્રેડ યુનિયન્સ (ડીએચએન)ના નેતાઓ સાથે પણ વાતચીત કરી હતી.
સેન્ટ્રલ ટ્રેડ યુનિયનોના તમામ નેતાઓએ આશા વ્યક્ત કરી હતી કે દેશના રાષ્ટ્ર નિર્માતા એવા અસંગઠિત કામદારોના કલ્યાણ માટે આ ગૅમ ચૅન્જર બની રહેશે અને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે તમામ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો અને રાજ્યોમાં એમના ફિલ્ડ સંગઠનો ઈ-શ્રમ પોર્ટલ પર અસંગઠિત કામદારોની નોંધણીના સન્માનીય કાજે એમનો દૃઢ ટેકો આપશે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad &nbs…
(Release ID: 1749372)
Visitor Counter : 528