આર્થિક બાબતો પર મંત્રીમંડળીય સમિતિ
azadi ka amrit mahotsav

સરકારે ખાંડની સિઝન 2021-22 માટે ખાંડની મિલો દ્વારા ચુકવવાપાત્ર શેરડીની નક્કી થયેલી વાજબી અને લાભદાયક કિંમતને મંજૂરી આપી


શેરડીના ખેડૂતોને અત્યાર સુધીની સૌથી વધુ વાજબી અને લાભદાયક કિંમત ક્વિન્ટલદીઠ રૂ. 290ની ચુકવણી થઈ

આ નિર્ણયથી શેરડીના 5 કરોડ ખેડૂતો અને તેમના પરિવારજનો તેમજ ખાંડની મિલો અને આનુષંગિક પ્રવૃત્તિઓ સાથે સંબંધિત 5 લાખ ખેડૂતોને લાભ થશે

આ નિર્ણય ગ્રાહકના હિત અને શેરડીના ખેડૂતોના હિતો વચ્ચે સંતુલન સ્થાપિત કરશે

Posted On: 25 AUG 2021 2:07PM by PIB Ahmedabad

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે યોજાયેલી આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિએ શેરડીના ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખીને શેરડીની સિઝન 2021-22 (ઓક્ટોબરથી સપ્ટેમ્બર) માટે 10 ટકાના મૂળભૂત પ્રાપ્તિ દર માટે શેરડીની વાજબી અને લાભદાયક કિંમત (એફઆરપી) ક્વિન્ટલદીઠ રૂ. 290/-, 10 ટકા ઉપરાંત પ્રાપ્તિમાં દર 0.1 ટકા માટે ક્વિન્ટલદીઠ રૂ. 2.90નું પ્રીમિયમ પ્રદાન કરવાની અને પ્રાપ્તિમાં દર 0.1 ટકાના ઘટાડા માટે એફઆરપીમાં ક્વિન્ટલદીઠ રૂ. 2.90 સુધીનો ઘટાડો પ્રદાન કરવાની મંજૂરી આપી હતી. ખેડૂતોના હિતો જાળવવા સરકારનો સક્રિય અભિગમ 9.5 ટકાથી ઓછી પ્રાપ્તિ ધરાવતી ખાંડની મિલોના કેસમાં કોઈ કપાત નહીં કરવાના નિર્ણયમાં પણ જોવા મળ્યો છે. આ પ્રકારના ખેડૂતોને ખાંડની આગામી સિઝન 2021-22માં શેરડી માટે ક્વિન્ટલદીઠ રૂ. 275.50 મળશે, જે ખાંડની ચાલુ સિઝન 2020-21માં ક્વિન્ટલદીઠ રૂ. 270.75 છે.

ખાંડની સિઝન 2021-22 માટે શેરડીના ઉત્પાદનનો ખર્ચ ક્વિન્ટલદીઠ રૂ. 155 છે. 10 ટકાના પ્રાપ્તિદર સાથે ક્વિન્ટલદીઠ રૂ. 290ની આ એફઆરપી ઉત્પાદન ખર્ચથી 87.1 ટકા વધારે છે, જે ખેડૂતોને તેમના ખર્ચ પર 50 ટકાથી વધારે વળતર આપશે.

ખાંડની હાલની સિઝન 2020-21માં ખાંડની મિલોએ રૂ. 91,000 કરોડના મૂલ્યની આશરે 2,976 લાખ ટન શેરડીની ખરીદી કરી હતી, જે અત્યાર સુધીની સૌથી વધુ ખરીદી છે અને લઘુતમ ટેકાના ભાવ પર ડાંગરના કાપની ખરીદી પછી બીજી સૌથી મોટી ખરીદી છે. ખાંડની આગામી સિઝન 2021-22માં શેરડીના ઉત્પાદનમાં અપેક્ષિત વધારાને ધ્યાનમાં રાખીને ખાંડની મિલો દ્વારા આશરે 3,088 લાખ ટન શેરડીની ખરીદી થવાની શક્યતા છે. શેરડીના ખેડૂતોને કુલ વળતર આશરે રૂ. 1,00,000 કરોડ હશે. પોતાનાં ખેડૂતલક્ષી પગલાં દ્વારા સરકાર સુનિશ્ચિત કરશે કે શેરડીના ખેડૂતોને તેમની બાકી નીકળતી રકમ સમયસર મળી જાય.

મંજૂર થયેલી એફઆરપી ખાંડની મિલો દ્વારા ખાંડની સિઝન 2021-22માં ખેડૂતો પાસેથી શેરડીની ખરીદી માટે લાગુ થશે (1 ઓક્ટોબર, 2021થી શરૂ થશે). ખાંડનું ક્ષેત્ર મહત્વપૂર્ણ કૃષિ-આધારિત ક્ષેત્ર છે, જે શેરડીના આશરે 5 કરોડ ખેડૂતો અને તેમના પરિવારજનોની આજીવિકા પર અસર કરે છે તેમજ ખાંડની મિલોમાં સીધી રોજગારી મેળવવા આશરે 5 લાખ કામદારોની આજીવિકાને પણ અસર કરે છે. આ ઉપરાંત કૃષિલક્ષી મંજૂરી અને પરિવહન સહિત વિવિધ આનુષંગિક પ્રવૃત્તિઓમાં સંલગ્ન લોકોની આજીવિકાને પણ અસર કરે છે.

પૃષ્ઠભૂમિઃ

એફઆરપી કૃષિ ખર્ચ અને કિંમત પંચ (સીએસીપી)ની ભલામણો તથા રાજ્ય સરકારો અને અન્ય હિતધારકો સાથે ચર્ચાને આધારે નક્કી કરવામાં આવે છે.

ખાંડની છેલ્લી 3 સિઝન 2017-18, 2018-19 અને 2019-20માં અનુક્રમે આશરે 6.2 લાખ મેટ્રિક ટન (એલએમટી), 38 એલએમટી અને 59.60 એલએમટી ખાંડની નિકાસ થઈ છે. ખાંડની હાલની સિઝન 2020-21 (ઓક્ટોબરથી સપ્ટેમ્બર)માં 60 એલએમટીના નિકાસના લક્ષ્યાંક સામે આશરે 70 એલએમટી માટેના કરારો થયા છે અને 23.8.2021 સુધી દેશમાંથી 55 એલએમટીથી વધારે ખાંડની ફિઝિકલ નિકાસ થઈ છે. ખાંડની નિકાસથી ખાંડની મિલોની નાણાકીય પ્રવાહિતતા વધી છે, જે તેમને ખેડૂતોને બાકી નીકળતી શેરડીની  કિંમતો ચુકવવા સક્ષમ બનાવે છે.

સરકાર ખાંડની મિલોને વધારાની શેરડીને ઇથેનોલને ડાઇવર્ટ કરવા પણ પ્રોત્સાહન આપે છે, જેને પેટ્રોલ સાથે મિશ્ર કરવામાં આવે છે, જે પર્યાવરણને અનુકૂળ ઇંધણ તરીકે ઉપયોગી હોવાની સાથે ક્રૂડ ઓઇલની આયાત પર થતા વિદેશી હૂંડિયામણના ખર્ચને પણ બચાવે છે. 2018-19 અને 2019-20ની ખાંડની છેલ્લી 2 સિઝનમાં આશરે 3.37 એલએમટી અને 9.26 એલએમટી ખાંડને ઇથેનોલ તરફ ડાઇવર્ટ કરવામાં આવી છે. ખાંડની હાલની સિઝન 2020-21માં 20 એલએમટીથી વધારે ખાંડને ડાઇવર્ટ કરવામાં આવે એવી શક્યતા છે. ખાંડની આગામી સિઝન 2021-22માં આશરે 35 એલએમટી ખાંડને ડાઇવર્ટ કરવાનો અંદાજ છે અને વર્ષ 2024-25 સુધીમાં આશરે 60 એલએમટી ખાંડને ઇથેનોલમાં ડાઇવર્ટ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે, જે વધારાની શેરડીની સમસ્યાનું સમાધાન કરશે તેમજ પેમેન્ટની ચુકવણીમાં વિલંબની સમસ્યાનું સમાધાન કરશે, કારણ કે ખેડૂતોને સમયસર ચુકવણી થઈ જશે.

ખાંડની છેલ્લી 3 સિઝનમાં ઇથેનોલનું વેચાણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી)ને કરવાથી ખાંડની મિલો/ડિસ્ટિલરીઝને આશરે રૂ. 22,000 કરોડની આવક થઈ હતી. ખાંડની ચાલુ સિઝન 2020-21માં 8.5 ટકા પર ઓએમસીને ઇથેનોલનું વેચાણ કરીને ખાંડની મિલોએ આશરે રૂ. 15,000 કરોડ પેદા કર્યા છે. એમાં આગામી 3 વર્ષમાં નોંધપાત્ર વધારાની અપેક્ષા છે, કારણ કે અમે વર્ષ 2025 સુધીમાં 20 ટકા સુધીનું મિશ્રણ કરીશું.

ખાંડની અગાઉની સિઝન 2019-20માં શેરડી પેટે બાકી નીકળતી આશરે રૂ. 75,845 કરોડ ચુકવવાપાત્ર હતી, જેમાંથી રૂ. 75,703 કરોડની ચુકવણી થઈ ગઈ છે અને ફક્ત રૂ. 142 કરોડની ચુકવણી બાકી છે. ખાંડની ચાલુ સિઝન 2020-21માં પણ શેરડીની બાકી નીકળતી ચુકવવાપાત્ર રકમ રૂ. 90,959 કરોડ છે, જેમાંથી રૂ. 86,238 કરોડની ચુકવણી ખેડૂતોને થઈ ગઈ છે. નિકાસમાં વધારો અને શેરડીનું ઇથેનોલમાં ડાઇવર્ઝન ખેડૂતોને સમયસર શેરડીની કિંમતમાં ચુકવણી સુનિશ્ચિત કરે છે.

 

SD/GP/BT

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1748855) Visitor Counter : 461