સંસદીય બાબતોનું મંત્રાલય

સંસદના સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા લોકશાહી વિરોધી અને હિંસક વર્તનના કારણે ભારતની લોકશાહીના ઇતિહાસમાં કાળું પ્રકરણ આલેખાયું છે

સરકારે કેટલીય વખત ચર્ચાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે, તેમની અપીલો બહેરા કાને અથડાઇને પાછી ફરી

વિપક્ષે ખલેલ પાડવાનો પૂર્વનિયોજિત એજન્ડા રાખ્યો હતો અને તેમને ચર્ચામાં કોઇ જ રસ નહોતો

વિપક્ષના સભ્યો દ્વારા કરવામાં આવેલી ગેરવર્તણુક ભારતના સંસદીય ઇતિહાસમાં શરમજનક કલંક છે. તેઓ અવશ્યપણે રાષ્ટ્રની માફી માંગે

વિપક્ષ દ્વારા કરવામાં આવેલા શરમજનક અને ખેલલ પાડનારા વર્તન વિરુદ્ધ આકરાં પગલાં લેવાની માંગ

2014થી અત્યાર સુધીમાં આ સત્ર દરમિયાન સૌથી વધારે વિક્ષેપો પાડવામાં આવ્યા હોવા છતાં, રાજ્યસભામાં 2014થી અત્યાર સુધીમાં બીજા ક્રમે સૌથી વધુ વિધેયક પસાર થયા (1.1 વિધેયક દૈનિક ધોરણે પસાર થયા)

Posted On: 12 AUG 2021 3:46PM by PIB Ahmedabad

વિપક્ષના સાંસદો (MP) દ્વારા સંસદમાં કરવામાં આવતા નિંદનીય કૃત્યો હવે સામાન્ય બની ગયા છે. આ સત્ર દરમિયાન આ કૃત્યો અપવાદરૂપ નહોતા પરંતુ તેમના આવા કૃત્યો તો ચાલુ જ રહે છે. આ ગૃહ, ગયા વર્ષે નિયમોનું પુસ્તક ફાડવાથી માંડીને સૌથી ખરાબ બિન-સંસદીય વર્તનોમાં વિપક્ષની સામેલગીરીનું સાક્ષી બન્યું છે. વિપક્ષનું વર્તન દિવસેને દિવસે વધુ શરમજનક બની રહ્યું છે. આજે દિલ્હીમાં યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં આ વાત કહેવામાં આવી હતી. પત્રકાર પરિષદમાં કેન્દ્રીય મંત્રી શ્રી પીયૂષ ગોયલ, શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, શ્રી મુખ્તાર અબ્બાસ નકવી, શ્રી પ્રહલાદ જોશી, શ્રી ભૂપેન્દ્ર યાદવ, શ્રી અનુરાગ સિંહ ઠાકુર, શ્રી અર્જુન રામ મેઘવાલ અને શ્રી વી. મુરલીધરન ઉપસ્થિત રહ્યા હતા.

મંત્રીઓએ ટાંક્યું હતું કે, વિપક્ષે જાહેરમાં કહ્યું છે કે, સંસદનું સત્ર ધોવાઇ જવું જોઇએ. તેમના ઇરાદાઓ ગૃહને તેની કામગીરી કરવાથી અટકાવવા જ હતા. ખરેખર તો, સરકારે તેમને કેટલીય વખત ચર્ચા કરવાની રજૂઆત કરી હતી. જોકે, વારંવાર કરવામાં આવેલી અપીલો તેમના બહેરા કાને અથડાઇને પાછી ફરી હતી અને ત્યાં સુધી કે, તેમણે આદરણીય મંત્રીશ્રીના હાથમાંથી કાગળો આંચકી લીધા હતા અને ફાડી નાખ્યા હતા. આદરણીય પ્રધાનમંત્રી પણ મંત્રીઓની પરિષદમાં નવા શપથ લેનારા મંત્રીઓનો પરિચય સુદ્ધા કરાવી શક્યા નહોતા.

વિપક્ષના કેટલાક સભ્યોએ ગર્ભગૃહ કે જ્યાં મુખ્યત્વે ગૃહના મધ્યે ટેબલ રાખવામાં આવ્યું છે ત્યાં ચડી જઇને નિયમોની પુસ્તિકા ફાડીને સભાધ્યક્ષ સમક્ષ ફેંકીને ગૃહની પવિત્રતાને અપવિત્ર કરી દીધી છે. સંસદમાં આ ટેબલ પર ઉભા રહેલા સભ્ય માત્ર ટેબલ પર ઉભા રહેલા સાંસદ નહોતા પરંતુ તેમણે આ કૃત્ય આચરીને સંસદની નૈતિકતાનું પણ નિકંદન કરી નાખ્યું છે. તેઓ ફક્ત સભાધ્યક્ષની સામે પુસ્તિકા નહોતા ફેંકી રહ્યા હતા એવું નથી પરંતુ ખરેખર તો, તેઓ ગૃહની બહાર સંસદીય આચરણને બહાર ફેંકી રહ્યાં હતા. આવું વર્તન આપણા ગૃહમાં અગાઉ ક્યારેય કરવામાં આવ્યું નથી અને વિપક્ષે ગૃહની ગરિમા અને પ્રતિષ્ઠાને ખૂબ જ ગંભીર પ્રમાણમાં ખંડિત કરી છે. વિપક્ષ દ્વારા કરવામાં આવેલું આ વર્તન આ સંસ્થાના માન-સન્માન પર કરવામાં આવેલો પ્રહાર છે અને તેનાથી મહાસચિવને ગંભીર ઇજા પહોંચી છે. વિપક્ષના સભ્યો દ્વારા કરવામાં આવેલી ગેરવર્તણુક ભારતના સંસદીય ઇતિહાસમાં ખૂબ શરમજનક નિંદનીય છે. ઘણી દુર્ભાગ્યની વાત તો એ છે કે, વિપક્ષના સાંસદોએ આટલું કર્યા પછી તેમના કૃત્યો બદલ માફી પણ નથી માંગી. ઉલટું, તેઓ આ શરમજનક ઘટનાને શૌર્યનું કાર્ય માની રહ્યાં છે.

શ્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, વિપક્ષે આખા સત્ર દરમિયાન ખરાબ વર્તન કર્યું છે કારણ કે તેઓ પહેલાંથી જ નહોતા ઇચ્છતા કે જાહેર કલ્યાણના મુદ્દાઓ પર ચર્ચા થાય. વિપક્ષ દ્વારા કરવામાં આવેલા આ શરમજનક અને ખેલલ પહોંચાડનારા કૃત્ય બદલ તેમના વિરુદ્ધ આકરાં પગલાં લેવા જોઇએ. તેઓ રાષ્ટ્રીય ખંડન માટે વિપક્ષની એકતાને વધુ મજબૂત કરવા માંગતા હતા. તેમણે રાષ્ટ્રને જવાબ આપવો જ પડશે.

વિપક્ષોએ ગૃહમાં પસાર કરવામાં આવેલા વિધેયકો પર પ્રશ્નો ઉઠાવ્યા છે. જોકે, તેમણે જ સંસદમાં ચર્ચા કરવાનો ઇનકાર કરી દીધો હોવાથી બીજો કોઇ વિકલ્પ રહ્યો જ નહોતો. શોરબકોર કરવાથી શરૂઆત કરીને તેઓ સંસદીય પ્રક્રિયામાં ખલેલ પાડવા માટે હિંસક બની ગયા હતા અને બેફામ વર્તન કરવા લાગ્યા હતા. તેમજ, UPAના શાસનકાળ દરમિયાન ગૃહમાં કોલાહલ વચ્ચે સંખ્યાબંધ વિધેયકો પસાર કરી દેવામાં આવ્યા હતા ત્યારે ચર્ચા વગર વિધેયકો પસાર કરવાની ચિંતા ક્યાં જતી રહી હતી? 2006 થી 2014 દરમિયાન, યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ (UPA 1 અને 2)ની સરકારે 18 વિધેયકો ચર્ચા વગર ધડાધડ પસાર કરી દીધા હતા.

2014થી અત્યાર સુધીમાં સંસદના સત્રમાં સૌથી વધારે પ્રમાણમાં વિક્ષેપો ઉભા કરવામાં આવ્યા હોવા છતાં, આ સત્ર દરમિયાન રાજ્યસભામાં 2014થી અત્યાર સુધીમાં બીજા ક્રમે સૌથી વધારે વિધેયકો (દરરોજ સરેરાશ 1.1 વિધેયક પસાર કરવામાં આવ્યું) પસાર કરવામાં આવ્યા છે. વિક્ષેપો/ સભા મોકુફી (11 ઑગસ્ટ સુધી)ના કારણે ગૃહનો 76 કલાક 26 મિનિટનો સમય વેડફાયો છે જે રાજ્યસભામાં 231મા સત્રથી અત્યાર સુધીમાં દૈનિક ધોરણે સૌથી વધારે સરેરાશ સમયનો વેડફાટ છે. 201મા સત્રમાં 4 કલાક 30 મિનિટનો સમય વેડફાયો હતો.

ગૃહમાં તમામ પ્રકારે અંધાધૂંધી અને વિક્ષેપો ઉભા કરવામાં આવ્યા હોવા છતાં, રાજ્યસભામાં 19 વિધેયક (OBC અનામત પર બંધારણીય સુધારો પણ પસાર કરવામાં આવ્યો તે સહિત) પસાર કરવામાં આવ્યા છે, જે તમામ વિધેયકો રાષ્ટ્રહિતમાં છે અને તેનાથી ગરીબોને ફાયદો થશે. OBC, કામદારો, ઉદ્યોગ સાહસિકો અને આપણા સમાજના તમામ વર્ગોને તેનાથી લાભ થશે. આ બાબત સંસદમાં કાયદાકીય એજન્ડા ચલાવવાની સરકારની પ્રતિબદ્ધતા, ઉત્પાદકતા અને સામર્થ્યનું પ્રતિબિંબ પૂરું પાડે છે, જેનો ઉદ્દેશ દેશના નાગરિકોની મહત્વાકાંક્ષાઓ પૂરી કરવાનો છે. તેનાથી આપણા દેશના ભવિષ્યનું ઘડતર થશે. સરકારે સફળતાપૂર્વક આ સત્ર દરમિયાન સરકારે કરવાનું હોય તે કામ કર્યું છે.

 

ચોમાસુ સત્રની વિગતો

 

 1. સંસદના ચોમાસુ સત્ર 2021ની શરૂઆત 19 જુલાઇ 2021ને સોમવારના રોજ થઇ હતી અને 11 ઑગસ્ટ 2021ને બુધવારના રોજ ભવિષ્યની તારીખ નિર્ધારિત કર્યા વગર સત્ર સમાપ્ત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કુલ 24 દિવસના સમયગાળમાં 17 સિટિંગ (ચર્ચા માટે સાંસદો એકઠા થવા) થઇ હતી.
 1. આ સત્ર મૂળરૂપે 19 જુલાઇથી 13 ઑગસ્ટ 2021 દરમિયાન 19 સિટિંગ યોજવા માટે પૂર્વનિર્ધારિત કરવામાં આવ્યું હતું, પરંતુ બંને ગૃહમાં અને સરકારની કામગીરી પૂરી કરવામાં એકધારી ખલેલ પાડવામાં આવતી હોવાથી સત્ર સમાપ્ત કરવામાં આવ્યું હતું.
 1. સત્ર દરમિયાન, સંસદના બંને ગૃહોમાં 22 વિધેયકો પસાર કરવામાં આવ્યા હતા જેમાં 2021-22 માટે અનુદાન માટે પૂરક માંગ અને 2017-18 માટે વધારાના અનુદાન માટે માંગ સંબંધિત યોગ્યતા વિધેયકો પણ સામેલ છે. આ વિધેયકોને લોકસભામાં પસાર કરવામાં આવ્યા હતા અને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા અને કલમ 109(5) હેઠળ તેને પસાર કરવામાં આવ્યા હોવાનું માની લેવામાં આવ્યું હતું. કુલ 22 વિધેયકની સંપૂર્ણ યાદી પરિશિષ્ટમાં આપેલી છે.
 1. વટહુકમોના બદલે ચાર વિધયેકો લાવવામાં આવ્યા હતા જે ન્યાયપંચ સુધારા (સુયોજન અને સેવાની શરતો) વટહુકમ 2021, નાદારી અને દેવાળું સંહિતા (સુધારો) વટહુકમ 2021, રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં વાયુ ગુણવત્તા માટે પંચ વટહુકમ 2021 અને આવશ્યક સંરક્ષણ સેવાઓ વટહુકમ 2021 છે. આ ચારેય વટહુકમો ચોમાસુ સત્ર પહેલા રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા અને તેને ગૃહો દ્વારા વિચાર કરીને પસાર કરવામાં આવ્યા હતા.
 1. સંસદના ગૃહોમાં પસાર કરવામાં આવેલા કેટલાક મહત્વના વિધેયકો નીચે પ્રમાણે છે:-
 1. આર્થિક ક્ષેત્ર/ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના પગલાં

કરવેરા કાયદા (સુધારા) વિધેયક, 2021 એવી જોગવાઇ પૂરી પાડે છે કે, કોઇપણ ભારતીય અસ્કયામતના પરોક્ષ હસ્તાંતરણ માટે જો 28 મે 2012 અથવા તે પહેલાં ટ્રાન્ઝેક્શન હાથ ધરવામાં આવ્યું હોય તો તેના માટે કથિત પૂર્વવર્તી સુધારાના આધારે કોઇપણ કરવેરાની માંગણી કરવામાં આવશે નહીં.

સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ) સુધારા વિધેયક 2021, જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓમાં મોટાપાયે ખાનગી કંપનીઓની ભાગીદારી પૂરી પાડે છે અને તે વીમા પ્રવેશ અને સામાજિક સુરક્ષામાં વધારો કરવા માટે અને પોલિસીધારકોના હિતોની બહેતર સુરક્ષા માટે અને અર્થતંત્રની ઝડપી વૃદ્ધિમાં યોગદાન આપવા માટે છે.

થાપણ વીમો અને ક્રેડિટ ગેરેન્ટી નિગમ (સુધારા) વિધેયક 2021, જ્યારે બેંકો પર પ્રતિબંધો મૂકવામાં આવ્યા હોય તેવા સમયમાં પણ થાપણદારોને તેમના પોતાના નાણાંનો સરળ અને સમય મર્યાદામાં ઍક્સેસ પૂરો પાડે છે. એવો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે કે, જો બેંક હંગામી ધોરણે તેના પર લાગુ કરવામાં આવેલા મોરેટોરિયમ જેવા પ્રતિબંધોના કારણે તેમની જવાબદારીઓ પરિપૂર્ણ કરવા માટે સમર્થ ના હોય તો પણ, થાપણદારો નિગમ દ્વારા કરવામાં આવતી વચગાળાની ચુકવણી દ્વારા થાપણ વીમાની મર્યાદા સુધી તેમની થાપણોનો ઍક્સેસ મેળવી શકે છે.

મર્યાદિત ઉત્તરદાયિત્વ ભાગીદારી (સુધારા) વિધેયક 2021, કેટલાક ગુનાઓને નાગરિક નાદારીઓમાં રૂપાંતરિત કરે છે અને આવા ગુનાઓ માટે સજાની પ્રકૃતિમાં ફેરફાર કરે છે. તે નાના LLPનો બચાવ પણ કરે છે, ચોક્કસ ન્યાયિક અધિકારીઓની નિયુક્તિઓ પ્રદાન કરે છે અને વિશેષ અદાલતો સ્થાપિત કરવાની જોગવાઇ પણ પૂરી પાડે છે.

ફેક્ટરિંગ નિયમન (સુધારા) વિધેયક, 2021, જે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને મદદ કરવા માટે, ખાસ કરીને ટ્રેડ રિસિવેબલ ડિસ્કાઉન્ટિંગ સિસ્ટમ મારફતે ક્રેડિટ સુવિધા મેળવવા માટે વધારાના સ્થળો પૂરા પાડીને મદદરૂપ થવા માટે છે. કાર્યકારી મૂડીની ઉપલબ્ધતામાં વધારો થવાતી સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રોનો વિકાસ થઇ શકશે અને તેના કારણે દેશમાં રોજગારીને પણ વેગ પ્રાપ્ત થશે.

 1. પરિવહન ક્ષેત્રના સુધારાઓ

નૌકા પરિવહન માટે સમુદ્રી સહાયતા વિધેયક, 2021, તાલીમ અને નૌકા પરિવહનમાં કાર્યચાલનની મદદ માટે પ્રમાણપત્ર, તેના ઐતિહાસિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક મૂલ્યોના વિકાસ, ભારત જેની સાથે પક્ષકાર હોય તેવી સમુદ્રી સંધીઓ અને આંતરરાષ્ટ્રીય કરારો અંતર્ગત તેની જવાબદારીઓનું અનુપાલન સુનિશ્ચિત કરવા માટે ભારતમાં નૌકા પરિવહનના વિકાસ, સારસંભાળ અને સંચાલનની મદદ પૂરી પાડે છે.

આંતર જળમાર્ગીય જહાજ વિધેયક, 2021 આંતરિક જળમાર્ગો અને દેશની અંદર નૌકા પરિવહન સંબંધિત કાયદાના અમલીકરણમાં એકરૂપતા લાવવા, નૌકા પરિવહનની સલામતી, જીવન અને માલસામાનને સુરક્ષા પૂરી પાડવા અને આંતર જળમાર્ગીય જહાજોના ઉપયોગ અથવા નૌકા પરિવહનના ઉપયોગના કારણે સર્જાઇ શકતા પ્રદૂષણને અટકાવવા, આંતર જળમાર્ગીય પરિવહનના વહીવટમાં પારદર્શિતા અને ઉત્તરદાયિત્વ સુનિશ્ચિત કરવા, આંતર જળમાર્ગીય જહાજો, તેમના બાંધકામ, સરવે, નોંધણી, નાવિકો, નૌકા પરિવહનને નિયંત્રિત કરતી પ્રક્રિયાઓ મજબૂત બનાવવા આંતરિક જળમાર્ગો દ્વારા કરકરસરયુક્ત અને સલામત પરિવહનને પ્રોત્સાહન આપે છે.

ભારતીય હવાઇમથક આર્થિક નિયમન સત્તામંડળ (સુધારા) વિધેયક, 2021 "મહત્ત્વપૂર્ણ હવાઇમથક"ની વ્યાખ્યા સુધારવાનો પ્રસ્તાવ રજૂ કરે છે જેથી હવાઇમથકોના સમૂહ માટે પણ પ્રશુલ્ક નિર્ધારણનો તેનો વ્યાપ વિસ્તારી શકાય, જે નાના હવાઇમથકોના વિકાસને પ્રોત્સાહિત કરશે.

 

 1. શૈક્ષણિક સુધારાઓ

રાષ્ટ્રીય ખાદ્યાન્ન ટેકનોલોજી ઉદ્યમિતા અને સંચાલન સંસ્થા વિધેયક, 2021 ખાદ્યાન્ન ટેકનોલોજી, ઉદ્યમિતા અને સંચાલનની કેટલીક સંસ્થાઓને રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થાઓ જાહેર કરે છે અને ખાદ્યાન્ન ટેકનોલોજી, ઉદ્યમિતા અને સંચાલનમાં સૂચનાઓ અને સંશોધનની જોગવાઇ કરે છે.

કેન્દ્રીય યુનિવર્સિટી (સુધારા) વિધેયક, 2021 કેન્દ્રીય યુનિવર્સિટી અધિનિયમ, 2009માં સુધારો કરવાનો હેતુ ધરાવે છે અને સાથે સાથે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં "સિંધુ કેન્દ્રીય યુનિવર્સિટી" નામની યુનિવર્સિટીની સ્થાપનાની જોગવાઇ કરે છે.

 1. સામાજિક ન્યાય સુધારાઓ

 

બંધારણ (એકસો સત્તાવિસમો સુધારો) વિધેયક, 2021 પૂરતા પ્રમાણમાં સ્પષ્ટતા કરવા માંગે છે કે, રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશો તેમની પોતાની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની યાદી તૈયાર કરવા અને જાળવવા માટે સત્તા ધરાવે છે.

બાળ ન્યાય (બાળકોની સંભાળ અને સુરક્ષા) સુધારા વિધેયક, 2021 જોગવાઇ કરે છે કે, અદાલતના બદલે જિલ્લા મેજિસ્ટ્રેટ (અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સહિત) દત્તક સંબંધિત આદેશો બહાર પાડશે. આ વિધેયક ઉમેરે છે કે, ગંભીર ગુનાઓમાં તે ગુનાઓનો પણ સમાવેશ થશે જેના માટે કેદની મહત્તમ સજા સાત વર્ષ કરતાં વધારે હોય અને લઘુતમ સજા નિર્ધારિત કરેલ ન હોય અથવા સાત વર્ષથી ઓછી છે.

બંધારણ (અનુસૂચિત જનજાતિ) આદેશ (સુધારો) વિધેયક, 2021 અરૂણાચલ પ્રદેશ રાજ્યના સંબંધમાં અનુસૂચિત જનજાતિની યાદીમાં સુધારો કરે છે.

 1. રાજ્યસભામાં, નિયમ 176 હેઠળ "કોવિડ-19 મહામારીના સંચાલન, રસીકરણ નીતિના અમલીકરણ અને સંભવિત ત્રીજી લહેરના પડકારો" અને "કૃષિ સમસ્યાઓ અને ઉપાયો" ઉપર વિશે બે ટૂંકા ગાળાની ચર્ચાઓ યોજવામાં આવી હતી. (જે અપૂર્ણ રહી હતી)
 1. વધુમાં, "ન્યાયપંચ સુધારા (સુયોજન અને સેવાની શરતો) વિધેયક, 2021" નામનું વિધેયક અને "મહિલાઓની અસભ્ય પ્રસ્તૂતિ (પ્રતિબંધ) સુધારા વિધેયક, 2012" નામનું એક જૂનું પડતર વિધેયક અનુક્રમે લોકસભા અને રાજ્યસભામાંથી પરત ખેંચી લેવામાં આવ્યું હતું.

 

***

 

પરિશિષ્ટ

 

17મી લોકસભાના 6ઠ્ઠા સત્ર અને રાજ્યસભાના 254માં સત્ર (ચોમાસુ સત્ર, 2021) દરમિયાન હાથ ધરાયેલી કાયદાકીય કામગીરી (ચોમાસુ સત્ર, 2021)

I- સંસદના બંને ગૃહોમાં પસાર થયેલા 22 વિધયેકો

 

 1. રાષ્ટ્રીય ખાદ્યાન્ન ટેકનોલોજી ઉદ્યમિતા અને સંચાલન સંસ્થા વિધેયક, 2021
 2. નૌકા પરિવહન માટે સમુદ્રી સહાયતા વિધેયક, 2021
 3. બાળ ન્યાય (બાળકોની સંભાળ અને સુરક્ષા) સુધારા વિધેયક, 2021
 4. ફેક્ટરિંગ નિયમન (સુધારા) વિધેયક, 2021
 5. આંતર જળમાર્ગીય જહાજ વિધેયક, 2021
 6. નાદારી અને દેવાળું સંહિતા (સુધારા) વિધેયક, 2021
 7. નાળિયેર વિકાસ બોર્ડ (સુધારા) વિધેયક, 2021
 8. ભારતીય હવાઇમથક આર્થિક નિયમન સત્તામંડળ (સુધારા) વિધેયક, 2021
 9. રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં વાયુ ગુણવત્તા માટે પંચ વિધેયક, 2021
 10. આવશ્યક સંરક્ષણ સેવાઓ વિધેયક, 2021
 11. મર્યાદિત ઉત્તરાયિત્વ ભાગીદારી (સુધારા) વિધેયક, 2021
 12. થાપણ વીમો અને ક્રેડિટ ગેરેન્ટી નિગમ (સુધારા) વિધેયક, 2021
 13. બંધારણ (અનુસૂચિત જનજાતિ) આદેશ (સુધારો) વિધેયક, 2021
 14. ન્યાયપંચ સુધારા વિધેયક, 2021
 15. કરવેરા કાયદા (સુધારા) વિધેયક, 2021
 16. કેન્દ્રીય યુનિવર્સિટી (સુધારા) વિધેયક, 2021
 17. સામાન્ય વીમા ઉદ્યોગ (રાષ્ટ્રીયકરણ) સુધારા વિધેયક, 2021
 18. રાષ્ટ્રીય હોમિઓપેથી પંચ (સુધારા) વિધેયક, 2021
 19. ભારતીય ચિકિત્સા તંત્ર માટે રાષ્ટ્રીય પંચ (સુધારા) વિધેયક, 2021
 20. બંધારણ (એકસો સત્તાવિસમો સુધારો) વિધેયક, 2021
 21. *યોગ્યતા (નં.3) વિધેયક, 2021
 22. *યોગ્યતા (નં.4) વિધેયક, 2021

 

II- 2 જુના વિધેયકો પાછા ખેંચવામાં આવ્યા હતા

 1. ન્યાયપંચ સુધારા (સુયોજન અને સેવાની શરતો) વિધેયક, 2021
 2. મહિલાઓની અસભ્ય પ્રસ્તૂતિ (પ્રતિબંધ) સુધારા વિધેયક, 2012

*લોકસભામાં પસાર કરવામાં આવેલા બે વિધેયકો, રાજ્યસભામાં ફરી ભલામણ માટે મોકલવામાં આવ્યા હતા, તેને રાજ્યસભામાં પ્રાપ્ત કરવામાં આવ્યા તે તારીખથી 14 દિવસના સમયગાળામાં લોકસભામાં પરત કરવામાં આવે તેવી શક્યતા નથી. આ વિધેયકોને કથિત સમયગાળો સમાપ્ત થાય ત્યારે બંધારણની કલમ 109ની કલમ (5) અંતર્ગત બંને ગૃહોમાં પસાર કર્યા હોવાનું માની લેવામાં આવશે, જેને લોકસભામાં પસાર કરવામાં આવ્યા હતા.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…

 

 

 (Release ID: 1745269) Visitor Counter : 303