પ્રધાનમંત્રીનું કાર્યાલય

ઉત્તર પ્રદેશમાં ઉજ્જવલા 2.0 (પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના-પીએમયુવાય)ના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 10 AUG 2021 3:09PM by PIB Ahmedabad

નમસ્કાર,

હમણાં મને માતાઓ અને બહેનો સાથે વાત કરવાની તક મળી અને મારા માટે આનંદની બાબત એ છે કે થોડા દિવસ પછી રક્ષા બંધનનો તહેવાર પણ આવી રહ્યો છે અને મને અગાઉથી માતાઓ અને બહેનોના આશીર્વાદ પણ મળ્યા છે. આને હાલમાં દેશની કરોડો, ગરીબ, દલિત, વંચિત, પછાત, આદિવાસી પરિવારોની બહેનોને આજે એક ઉપહાર આપવાની તક મળી છે. આજે ઉજ્જવલા યોજનાના આગળના ચરણમાં અનેક બહેનોને મફત ગેસનું જોડાણ અને ગેસનો ચૂલો મળી રહ્યો છે. હું તમામ લાભાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

મહોબામાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી હરદીપ સિંહ પુરીજી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, મંત્રીમંડળના મારા વધુ એક સાથીદાર રામેશ્વર તેલીજી, ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી  કેશવ મૌર્યજી, ડો. દિનેશ શર્માજી, રાજ્ય સરકારના અન્ય તમામ મંત્રીગણ, સંસદના મારા તમામ સાથીઓ, તમામ માનનિય ધારાસભ્યો તથા ભાઈઓ અને બહેનો,

ઉજ્જવલા યોજનાએ દેશના જેટલા લોકો, જેટલી મહિલાઓનું જીવન રોશન કર્યું છે, તે અભૂતપૂર્વ બાબત છે. આ યોજના વર્ષ 2016માં ઉત્તર પ્રદેશના બલિયાથી, આઝાદીની લડતના અગ્રદૂત મંગલ પાંડેજીની ધરતીથી શરૂ કરવામાં આવી હતી. આજે ઉજ્જવલાની બીજી આવૃત્તિ પણ ઉત્તર પ્રદેશના મહોબાની વીરભૂમીથી શરૂ કરવામાં આવી રહી છે. મહોબા હોય કે બુંદેલખંડ હોય,  એક પ્રકારે તે તો દેશની આઝાદીનાં ઊર્જા સ્થાન રહ્યાં છે. અહીંના કણ કણમાં રાણી લક્ષ્મીબાઈ, રાણી દુર્ગાવતી, મહારાજા છત્રસાલ અને વીર આલ્હા અને ઉદલ જેવા અનેક વીર-વીરાંગનાઓની શૌર્યગાથાની સુગંધ છે. આજે દેશ જ્યારે તેની આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહયો છે ત્યારે આ આયોજન આ  મહાન વ્યક્તિત્વોનું સ્મરણ કરવાની તક લઈને પણ આવ્યું છે.

સાથીઓ,

આજે હું બુંદેલખંડના વધુ એક મહાન સંતાનને યાદ કરી રહ્યો છું. એ છે મેજર ધ્યાનચંદ, આપણા દાદા ધ્યાનચંદ, દેશના સર્વોચ્ચ ખેલ પુરસ્કારનું નામ હવે મેજર ધ્યાનચંદ ખેલ પુરસ્કાર થઈ ગયું છે. મને પુરો વિશ્વાસ છે કે ઓલિમ્પિકમાં આપણા યુવા સાથીદારોના અદભૂત પ્રદર્શન વચ્ચે ખેલ રત્ન સાથે જોડાયેલું આ દાદાનુ નામ  લાખો- કરોડો યુવાનોને પ્રેરણા આપશે. આ વખતે આપણે જોયું છે કે આપણા ખેલાડીઓએ મેડલ તો જીત્યાં  જ છે પણ અનેક રમતોમાં દમદાર દેખાવ કરીને ભવિષ્ય માટે સંકેત પણ પૂરો પાડયો છે.

ભાઈઓ અને બહેનો,

આપણે આઝાદીના 75મા વર્ષમાં પ્રવેશ  કરવાના છીએ. એવામાં વિતેલા સાડા સાત દાયકાઓની પ્રગતિને આપણે જોઈએ તો  આપણને જરૂરથી લાગે છે કે કેટલીક પરિસ્થિતિઓ, કેટલીક હાલત એવી છે કે જેને ઘણા દાયકા પહેલાં બદલી શકાઈ હોત. ઘર, વીજળી, પાણી, શૌચાલય, ગેસ, સડક, હૉસ્પિટલ, સ્કૂલ જેવી અનેક મૂળભૂત જરૂરિયાતો છે કે જેના ઉમેરા માટે દેશે દાયકાઓ સુધી પ્રતિક્ષા કરવી પડી છે. આ દુઃખદ બાબત છે. આનું સૌથી વધુ નુકસાન જો કોઈએ ઉઠાવ્યું હોય તો તે આપણી માતાઓ અને બહેનોએ ઉઠાવ્યું છે. ખાસ કરીને ગરીબ માતાઓ અને બહેનોએ તકલીફ વેઠવી પડી છે. ઝૂંપડામાં ટપકતા પાણીથી સૌથી વધુ જો કોઈને પરેશાન થવુ પડયું હોય તો તે માને થવુ પડયું છે. વીજળીના અભાવે જો કોઈને સૌથી વધુ પરેશાની થતી હોય તો તે માતાને થાય છે. શૌચાલયના અભાવે અંધારૂ થવાની રાહ જોવી પડે તો પણ તેમાં સૌથી વધુ પરેશાની આપણી માતાઓ અને બહેનોને થાય છે. શાળામાં અલગ ટોયલેટ ના હોય તો તકલીફ આપણી દીકરીઓને થાય છે. આપણા જેવી અનેક પેઢીઓ તો માને ધૂમાડામાં આંખો ચોળતાં, ભીષણ ગરમીમાં પણ તાપથી સેકાતાં –આવાં દ્રશ્યો જોઈને જ મોટી થઈ છે.

સાથીઓ,

આવી હાલત વચ્ચે આપણે આઝાદીનાં 100 વર્ષ તરફ આગળ વધી શકીએ તેમ છીએ ? શું આપણી ઊર્જા મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવામાં જ લાગેલી રહેશે ?  જ્યારે પાયાની સુવિધા માટે જો  કોઈ પરિવાર, કોઈ સમાજ સંઘર્ષ કરતો રહે તો તે આપણાં મોટાં સપનાને પૂરાં કઈ રીતે કરી શકશે ? સપનાં ત્યારે જ પૂરાં થઈ શકે છે કે જ્યારે તેવો વિશ્વાસ સમાજને પ્રાપ્ત થાય  નહી ત્યાં સુધી તેને પૂરાં કરવાનો આત્મવિશ્વાસ  કેવી રીતે પ્રાપ્ત થશે ?  અને આત્મવિશ્વાસ વગર શું કોઈ દેશ  આત્મનિર્ભર બની શકે છે?

ભાઈઓ અને બહેનો,

વર્ષ 2014માં જ્યારે દેશે અમને સેવા કરવાની તક પૂરી પાડી  ત્યારે અમે આવા જ સવાલો અમારી જાતને પૂછયા હતા. એ વખતે બિલકુલ સ્પષ્ટ હતું કે આ બધી સમસ્યાઓનો ઉપાય આપણે એક નિર્ધારિત સમય પહેલાં શોધવાનો રહેશે. આપણી દીકરીઓ ઘર અને રસોઈની બહાર નીકળીને રાષ્ટ્રનિર્માણમાં વ્યાપક યોગદાન ત્યારે જ આપી શકશે જ્યારે તેમની ઘર અને રસોઈ સાથે જોડાયેલી સમસ્યાઓ હલ થશે. એટલા માટે વિતેલાં 6 થી 7 વર્ષમાં એવા દરેક ઉપાય માટે મિશન મોડમાં કામ કરવામાં આવ્યું છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ સમગ્ર દેશમાં કરોડો શૌચાલયો બનાવવામાં આવ્યાં. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 2 કરોડથી વધુ ગરીબો માટે પાકાં ઘર બનાવવામાં આવ્યાં. આ ઘરોમાં મોટા ભાગનાં ઘરનો માલિકી હક બહેનોના નામે છે. અમે હજારો કિલોમીટર ગ્રામીણ સડકો બનાવડાવી, તો બીજી તરફ સૌભાગ્ય યોજના હેઠળ આશરે 3 કરોડ પરિવારોને વીજળીનાં જોડાણો આપ્યાં. આયુષ્યમાન ભારત યોજના 50 કરોડથી વધુ લોકોને રૂ. 5 લાખ સુધીની મફત ઈલાજની સુવિધા પૂરી પાડી રહી છે. માતૃવંદના યોજના હેઠળ ગર્ભાવસ્થા દરમિયાન રસીકરણ અને પોષક આહાર માટે હજારો રૂપિયા સીધા બેંકના ખાતામાં જમા કરવામાં આવ્યા છે. જનધન યોજના હેઠળ અમે કરોડો બહેનોનાં બેંકનાં ખાતાં ખોલાવ્યાં, જેમાં કોરોના કાળમાં આશરે રૂ. 30 હજાર કરોડ સરકારે જમા કરાવ્યા છે. હવે અમે જલ જીવન મિશનના માધ્યમથી ગ્રામીણ પરિવારોની અમારી બહેનોને પાઈપથી શુધ્ધ પાણી નળ મારફતે મોકલવાનું કામ ચાલુ છે.

સાથીઓ,

બહેનોનું આરોગ્ય, સુવિધા અને સશક્તીકરણના આ સંકલ્પને  ઉજ્જવલા યોજનાએ ખૂબ મોટું બળ પૂરૂ પાડયું છે. યોજનાના પ્રથમ ચરણમાં 8 કરોડ ગરીબ, દલિત, વંચિત, પછાત, આદિવાસી પરિવારોને બહેનોને મફત ગેસનું જોડાણ આપવામાં આવ્યું. તેનો કેટલો લાભ થયો છે તે અમે કોરોના કાળમાં જોયું છે. જ્યારે બહાર આવવા–જવાનું બંધ હતું, કામ ધંધા બંધ હતા ત્યારે અનેક ગરીબ પરિવારોને મફત ગેસ સિલિન્ડર આપવામાં આવ્યા. કલ્પના કરો ઉજ્જવલા યોજના ના હોત તો સંકટકાળમાં આપણી આ ગરીબ બહેનોની કેવી સ્થિતિ થઈ હોત ?

સાથીઓ,

ઉજ્જવલા યોજનાની વધુ એક અસર એ પણ થઈ કે સમગ્ર દેશમાં એલપીજી ગેસ સાથે જોડાયેલી માળખાકીય સુવિધાઓનું અનેક ગણુ વિસ્તરણ થયુ છે. સમગ્ર દેશમાં 11 હજારથી વધુ નવાં એલપીજી વિતરણ કેન્દ્ર ખોલવામાં આવ્યાં છે. એકલા ઉત્તર પ્રદેશમાં જ  વર્ષ 2014માં 2000થી ઓછાં વિતરણ કેન્દ્રો હતાં. આજે ઉત્તર પ્રદેશમાં તેની સંખ્યા 4,000થી વધુ થઈ ચૂકી છે. એનાથી એક તરફ તો અનેક યુવાનોને રોજગારીની નવી તકો મળી છે તો બીજી તરફ જે પરિવારો બહેતર સુવિધાના અભાવે ગેસના જોડાણથી વંચિત હતાં, તે પણ જોડાઈ ગયાં છે. આવા જ પ્રયાસોને કારણે આજે ભારતમાં ગેસ કવરેજ 100 ટકા થવાની ખૂબ જ નિકટ છે. વર્ષ 2014 સુધીમાં જેટલાં ગેસનાં જોડાણો હતાં. તેનાથી વધારે વિતેલાં 7 વર્ષમાં આપવામાં આવ્યાં છે. સિલિન્ડર બુકીંગ અને ડિલીવરી અંગે અગાઉ જે પરેશાની થતી હતી તેને પણ દૂર કરવાના પ્રયાસો કરવામાં આવી રહયા છે.

ભાઈઓ અને બહેનો,

ઉજ્જવલા યોજનાથી સગવડોમાં જે વધારો થયો છે તેમાં આજે વધુ એક સગવડ જોડવામાં આવી રહી છે. બુંદેલખંડ સહિત સમગ્ર ઉત્તર પ્રદેશ અને બીજાં રાજ્યોમાં આપણા અનેક સાથીદારો કામ કરવા માટે ગામડાંમાંથી શહેરમાં જતા હતા, પણ ત્યાં તેમની સામે સરનામાના પૂરાવાની સમસ્યા ઊભી થતી હતી. આવા જ લાખો પરિવારોને ઉજજ્વલાની બીજા ચરણની યોજના સોથી વધુ રાહત પૂરી પાડનાર બની રહેશે. હવે મારા શ્રમિક સાથીઓએ સરનામાના પુરાવા માટે એક થી બીજા સ્થળે  ભટકવાની જરૂર નહી રહે.  સરકારને તમારી પ્રમાણિકતા ઉપર પૂરો ભરોસો છે. તમારે તમારા સરનામાનું માત્ર એક સેલ્ફ ડેકલેરેશન કરવાનું રહેશે એટલે કે લખીને આપવાનુ રહેશે અને તમને ગેસનું જોડાણ મળી જશે.

સાથીઓ,

સરકારનો પ્રયાસ હવે એ દિશામાં પણ છે કે તમારી રસોઈમાં પણ ગેસ પાણીની જેમ પાઈપથી આવશે. આ પીએનજી, સિલિન્ડરની તુલનામાં ખૂબ સસ્તો પણ હોય છે. ઉત્તર પ્રદેશ સહિત પૂર્વ ભારતના જિલ્લાઓમાં પીએનજી જોડાણો આપવાનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. પ્રથમ ચરણમાં યુપીના 50થી વધુ જિલ્લામાં આશરે 21 લાખ ઘરને તેનાથી જોડવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ રીતે સીએનજી આધારિત પરિવહન માટે પણ મોટા પાયે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

 

ભાઈઓ અને બહેનો,

જ્યારે સપનાં મોટાં હોય છે ત્યારે તે પ્રાપ્ત કરવાનો પ્રયાસ તેના કરતાં પણ મોટો હોવો જોઈએ. આજે વિશ્વ બાયો ફ્યુઅલ દિવસ પ્રસંગે આપણે આપણા લક્ષ્યાંકને ફરી યાદ કરવાના છે. હમણાં આપણે એક નાની સરખી ફિલ્મ પણ જોઈ, બાયો ફ્યુઅલના ક્ષેત્રે શું કામ થઈ રહ્યુ છે તે જોયું, બાયો ફ્યુઅલ એ એક સ્વચ્છ બળતણ માત્ર નથી. પણ તે બળતણમાં આત્મનિર્ભરતાના એન્જિનને, દેશના વિકાસના એન્જિનને, ગામના  વિકાસને ગતિ આપવાનું એક માધ્યમ છે. બાયો ફ્યુઅલ એ એક એવી ઊર્જા છે કે જે આપણે ઘર અને ખેતરના કચરામાંથી, છોડમાંથી ખરાબ સડેલા અનાજમાંથી મેળવી શકીએ તેમ છીએ. આવા જ એક બાયો ફ્યુઅલ ઈથેનોલ માટે દેશ મોટા લક્ષ્યાંકો સાથે કામ કરી રહ્યો છે. વિતેલાં 6 થી 7 વર્ષમાં આપણે પેટ્રોલમાં 10 ટકા મિશ્રણના લક્ષ્યની ખૂબ નજીક પહોંચી ચૂકયા છીએ. આવનારાં 4 થી 5 વર્ષમાં આપણે 20 ટકા મિશ્રણનું ધ્યેય હાંસલ કરવા તરફ આગળ વધી રહ્યા છીએ. લક્ષ્ય દેશમાં એવા વાહનોના નિર્માણનું પણ છે કે જે 100 ટકા ઈથેનોલથી ચાલતાં હશે.

સાથીઓ,

ઈથેનોલથી આવવા જવાનું પણ સસ્તુ થશે. પર્યાવરણ પણ સુરક્ષિત રહેશે. પણ સૌથી મોટો લાભ આપણા ખેડૂતોને થવાનો છે. આપણા નવયુવાનોને થવાનો છે. આમાં પણ ખાસ કરીને ઉત્તર પ્રદેશના ખેડૂતો-નવયુવાનોને ઘણો લાભ થશે. શેરડીમાંથી ઈથેનોલ બનાવવાનો વિકલ્પ મળશે તો શેરડીના ખેડૂતોને પણ વધુ લાભ થવાનો છે અને યોગ્ય સમયે લાભ થવાનો છે. વિતેલા વર્ષમાં યુપીમાં ઈથેનોલ ઉત્પાદકો પાસેથી રૂ. 7હજાર કરોડનુ ઈથેનોલ ખરીદવામાં આવ્યું હતું. વિતેલાં વર્ષોમાં ઉત્તર પ્રદેશમાં બાયો ફ્યુઅલ સાથે જોડાયેલાં અનેક એકમો બન્યાં છે. શેરડીના અવશેષોમાંથી કોમ્પ્રેસ્ડ બાયોગેસ બનાવવા માટે યુપીના 70 જિલ્લામાં સીબીજી પ્લાન્ટસ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. હવે તો ખેતીના અવશેષોમાંથી, પરાળમાંથી, બાયો ફ્યુઅલ બનાવવા માટે 3 મોટાં સંકુલ બનાવવામાં આવી રહયાં છે. એમાંથી 2 ઉત્તર પ્રદેશના બદાયુ અને ગોરખપુરમાં અને એક પંજાબના ભટિંડામાં બનાવવામાં આવી રહ્યાં છે. આ બધી યોજનાઓથી ખેડૂતોને કચરાના નાણાં પણ મળશે અને પર્યાવરણની પણ સુરક્ષા થશે.

સાથીઓ,

આ રીતે એક બીજી મહત્વની યોજના છે. ગોબરધન યોજના, આ યોજનામાં છાણમાંથી બાયોગેસ બનાવવા પ્રોત્સાહન આપવામાં આવે છે. તેનાથી ગામડાંમાં સ્વચ્છતા પણ આવશે અને એવાં પશુ કે જે ડેરી ક્ષેત્ર માટે ઉપયોગી નથી, જે દૂધ આપતા નથી. તે પણ કમાણી કરી આપશે. યોગીજીની સરકારે અનેક ગૌશાળાઓનું પણ નિર્માણ કર્યુ છે. તે ગાયો અને અન્ય ગૌવંશની દેખરેખ અને ખેડૂતોના પાકની સુરક્ષા માટે એક મહત્વનો પ્રયાસ છે.

સાથીઓ,

દેશ હવે મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં અને બહેતર જીવનનાં સપનાં પૂરાં કરવાની દિશામાં આગળ ધપી રહ્યો છે. આવનારાં 25 વર્ષમાં આ સામર્થ્યમાં આપણે અનેક ગણો વધારો કરવાનો છે. સમર્થ અને સક્ષમ ભારતના આ સંકલ્પને આપણે સૌએ મળીને સિધ્ધ કરવાનો છે. તેમાં બહેનોની વિશેષ ભૂમિકા રહેવાની છે. હું ઉજ્જવલા યોજનાની તમામ લાભાર્થી બહેનોને ફરી એક વાર શુભેચ્છા પાઠવું છું અને રક્ષાબંધનના આ પવિત્ર તહેવાર પહેલાં માતાઓ અને બહેનોની સેવા કરવાની મને જે તક મળી છે તેનાથી હું મારી જાતને ધન્ય અનુભવું છું. તમારા આશીર્વાદ હંમેશાં મળતા રહે કે જેથી આપણે એક નવી ઊર્જા સાથે ભારત માતાની સેવા માટે, 130 કરોડ દેશવાસીઓની સેવા માટે, ગામ, ગરીબ, દલિત, પીડિત, પછાત, સૌની સેવા માટે તાકાત લગાવીને જોડાયેલા રહીએ એવી કામના સાથે તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ,

તમારો ખૂબ ખૂબ આભાર  !

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1744616) Visitor Counter : 385