પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી


5 ઑગસ્ટ ભારતીય ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ તારીખ બની રહી છે કેમ કે 370ની નાબૂદી અને રામ મંદિર એની સાથે સંકળાયેલા છે: પ્રધાનમંત્રી

આપણી રાષ્ટ્રીય રમત હૉકીની ખ્યાતિ પુન:સ્થાપિત કરવામાં આપણા યુવાનોએ આજે એક મહત્વનું પગલું ભર્યું છે: પ્રધાનમંત્રી

આપણા યુવાનો વિજયના ગૉલ કરી રહ્યા છે ત્યારે કેટલાંક રાજકીય સ્વાર્થીપણાને લીધે સેલ્ફ ગૉલ (આત્મ લક્ષ્ય) સાધી રહ્યા છે: પ્રધાનમંત્રી

ભારતના યુવાની મક્કમ માન્યતા છે કે તેઓ અને ભારત બેઉ આગળ વધી રહ્યા છે: પ્રધાનમંત્રી

સ્વાર્થી અને રાષ્ટ્ર વિરોધી રાજનીતિ આ મહાન દેશને બાનમાં રાખી શકે નહીં: પ્રધાનમંત્રી

બેવડા એન્જિનની સરકારે સુનિશ્ચિત કર્યું છે કે ગરીબો, દલિતો, પછાત, આદિવાસીઓ માટે બનેલી યોજનાઓ ઉત્તર પ્રદેશમાં ઝડપભેર અમલી થાય: પ્રધાનમંત્રી

ઉત્તર પ્રદેશને હંમેશા રાજનીતિની દ્રષ્ટિએ જ જોવાતું હતું. તાજેતરના વર્ષોમાં એ આત્મવિશ્વાસ ઉભર્યો છે કે ઉત્તર પ્રદેશ દેશના વિકાસ એન્જિનનું પાવર હાઉસ બની શકે છે: પ્રધાનમંત્રી

આ દાયકો ઉત્તર પ્રદેશ માટે છેલ્લાં 7 દાયકાનાં નુક્સાનની ભરપાઇ કરવા માટેનો છે: પ્રધાનમંત્રી

Posted On: 05 AUG 2021 3:28PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરી હતી. ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી શ્રી યોગી આદિત્યનાથ પણ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમને સંબોધિત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે 5 ઑગસ્ટ ભારત માટે ઘણી વિશેષ બની છે. બે વર્ષ અગાઉ એ 5 ઑગસ્ટ જ હતી જ્યારે દેશે કલમ 370 નાબૂદ કરીને એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને વધુ મજબૂત કરી હતી, જમ્મુ અને કાશ્મીરના દરેક નાગરિકને મળતા દરેક અધિકાર અને સુવિધા ઉપલબ્ધ કર્યા હતા. પ્રધાનમંત્રીએ એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે 5 ઑગસ્ટે, ભારતીયોએ સેંકડો વર્ષો બાદ ભવ્ય રામ મંદિરના નિર્માણ તરફ પહેલું પગલું માંડ્યું હતું. આજે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ઝડપી ગતિએ થઈ રહ્યું છે.

 

 

આ તારીખનું મહત્વ ચાલુ રાખતા પ્રધાનમંત્રીએ ઑલિમ્પિક મેદાનમાં દેશના ફરી ઊભા થયેલા યુવાનો દ્વારા હૉકીમાં આપણા ગૌરવને પુન:સ્થાપિત કરીને આજે જે ઉત્સાહ અને ઉત્તેજના લાવવામાં આવ્યા છે એની વાત કરી હતી.

 

 

પ્રધાનમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું હતું કે એક બાજુ આપણો દેશ, આપણા યુવાનો ભારત માટે નવી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યા છે, તેઓ વિજય માટે ગૉલ્સ કરી રહ્યા છે ત્યારે દેશમાં કેટલાંક લોકો રાજકીય સ્વાર્થીપણા માટે સેલ્ફ-ગૉલ (આત્મ-લક્ષ્ય)માં રાચેલા છે. તેમણે ઉમેર્યું હતું કે દેશને શું જોઇએ છે, દેશ શું હાંસલ કરી રહ્યો છે, દેશ કેવી રીતે બદલાઇ રહ્યો છે એની સાથે એ લોકોને કોઇ નિસબત નથી. પ્રધાનમંત્રીએ વાત આગળ વધારતા કહ્યું કે આ મહાન દેશ આવા સ્વાર્થી અને રાષ્ટ્ર વિરોધી રાજનીતિ સામે બાનમાં રહી શકે નહીં. આવા લોકો દેશના વિકાસને અટકાવવા ગમે એટલા પ્રયત્નો કરે, આ દેશ તેમના દ્વારા અટકવાનો નથી. દેશ દરેક મોરચે ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે, દરેક મુશ્કેલીને પડકારી રહ્યો છે, એમ તેમણે જણાવ્યું હતું.

આ નવી ભાવનાનું ચિત્રણ કરતા પ્રધાનમંત્રીએ ભારતીયોના તાજેતરના ઘણા રેકોર્ડ્સ અને સિદ્ધિઓ ગણાવ્યા હતા. ઑલિમ્પિક્સ ઉપરાંત શ્રી મોદીએ થઇ રહેલા સીમાચિહ્નરૂપ 50 કરોડ રસીકરણ, જુલાઇ મહિનામાં અર્થતંત્રમાં નવા વેગનો સંકેત આપતું રૂ. 1.16 લાખ કરોડનું વિક્રમી જીએસટી ક્લેક્શન વિશે પણ વાતો કરી હતી. તેમણે અભૂતપૂર્વ માસિક કૃષિ નિકાસના 2.62 લાખ કરોડના આંકડા તરફ પણ ધ્યાન દોર્યું હતું. સ્વતંત્રતા બાદ ભારતમાં આ સૌથી મોટો આંકડો છે જેનાથી ભારત ટોચના 10 કૃષિ નિકાસ દેશોમાં આવી ગયું છે. પ્રધાનમંત્રીએ પહેલા ભારતમાં બનેલા વિમાન વાહક યુદ્ધ જહાજ વિક્રાંતના પરીક્ષણ, લદાખમાં દુનિયાની સૌથી ઊંચાઈએ મોટરેબલ રોડનું નિર્માણ પૂર્ણ થયું અને ઈ-રૂપિની શરૂઆત વિશે પણ વાત કરી હતી. 

 

 

પ્રધાનમંત્રીએ વિપક્ષની ટીકા કરી હતી કે જેમને માત્ર એમના પદ અને સ્થિતિની ચિંતા છે એ લોકો હવે ભારતને અટકાવી શક્શે નહીં. નવું ભારત પદ નહીં, પદકો જીતીને વિશ્વ પર શાસન કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે નૂતન ભારતમાં આગળ વધવાનો માર્ગ પરિવારનાં નામથી નહીં પણ કઠોર પરિશ્રમથી નક્કી થશે. ભારતના યુવામાં મક્કમ માન્યતા છે કે તેઓ અને ભારત બેઉ આગળ વધી રહ્યા છે.

 

 

મહામારી વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે ભૂતકાળમાં જ્યારે આવી મોટી કટોકટી દેશમાં આવતી હતી ત્યારે દેશની તમામ પ્રણાલિઓ ખરાબ રીતે કાંપી જતી હતી. જો કે, આજે ભારતમાં, દરેક નાગરિક પૂરી તાકાતથી આ મહામારી સામે લડી રહ્યો છે. પ્રધાનમંત્રીએ સદીમાં એકાદ વાર બનતી આ કટોકટીને પહોંચી વળવાના પ્રયાસો લંબાણ પૂર્વક વર્ણવ્યા હતા. તબીબી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવું, દુનિયાનો સૌથી મોટો મફત રસીકરણ કાર્યક્રમ, નબળા વર્ગોમાં ભૂખમરા સામે લડવાનું અભિયાન, આવા કાર્યક્રમોને લાખો કરોડો રૂપિયાનું રોકાણ મળ્યું છે અને ભારત સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓ મહામારી વચ્ચે પણ અટકી નથી, અને એના ઉદાહરણ ઉત્તર પ્રદેશમાં હાઇ વે, એક્સપ્રેસ વે પ્રોજેક્ટ્સ, ડેડિકેટેડ ફ્રેટ કૉરિડોર અને સંરક્ષણ કૉરિડોર છે.

 

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આ ડબલ એન્જિનની સરકારે એ સુનિશ્ચિત કર્યું છે કે ગરીબો, દલિતો, પછાત, આદિવાસીઓ માટે બનાવાયેલી યોજનાઓનો ઝડપભેર અમલ થાય. તેમણે આનું શ્રેષ્ઠ ઉદાહરણ પીએમ સ્વનિધિ યોજનાને ગણાવ્યું હતું. મહામારી દરમિયાન સ્થિતિને હળવી કરવા માટે લેવાયેલાં પગલાં વિશે પણ પ્રધાનમંત્રીએ છણાવટ કરી હતી. એક અસરકારક વ્યૂહચનાએ ખાદ્ય વસ્તુઓના ભાવને અંકુશમાં રાખ્યા હતા, ખેડૂતો માટે બિયારણ કે ખાતરનો પુરવઠો જાળવી રાખવા અનુકૂળ પગલાં લેવાયાં જેનાં પરિણામે ખેડૂતોએ વિક્રમી ઉત્પાદન આપ્યું અને સરકારે પણ એમએસપી હેઠળ વિક્રમી પ્રાપ્તિ કરી. ઉત્તર પ્રદેશમાં વિક્રમી એમએસપી પ્રાપ્તિ માટે તેમણે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રીની પ્રશંસા પણ કરી હતી. ઉત્તર પ્રદેશમાં એમએસપીથી લાભાન્વિત ખેડૂતોની સંખ્યા ગત વર્ષ દરમિયાન બમણી થઈ હતી. ઉત્તર પ્રદેશમાં, 24000 કરોડથી વધુ રૂપિયા 13 લાખ ખેડૂત પરિવારોનાં ખાતાંમાં એમના ઉત્પાદનની કિમત તરીકે સીધા જમા થયા છે. ઉત્તર પ્રદેશમાં 17 લાખ પરિવારોને આવાસો ફાળવવામાં આવ્યા છે, લાખો ગરીબ પરિવારોને શૌચાલયો મળ્યા છે, મફત ગેસ અને લાખોને વીજળી જોડાણો મળ્યા છે. 27 લાખ પરિવારોને રાજ્યમાં પાઇપ દ્વારા પાણી મળ્યું છે એવી માહિતી પ્રધાનમંત્રીએ આપી હતી.

 

 

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે ભૂતકાળના દાયકાઓમાં ઉત્તર પ્રદેશને હંમેશા રાજનીતિનાં રંગે જ જોવામાં આવ્યું હતું. દેશના વિકાસમાં ઉત્તર પ્રદેશ વધુ સારી ભૂમિકા કેવી રીતે ભજવી શકે એની ચર્ચા પણ કરવા દેવાતી ન હતી. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે ડબલ એન્જિનની સરકારે આપણે ઉત્તર પ્રદેશની સંભાવનાઓને જે સાંકડી દ્રષ્ટિએ જોતા હતા એ માર્ગ જ બદલી નાખ્યો છે. ઉત્તર પ્રદેશ ભારતના વિકાસ એન્જિનનું પાવર હાઉસ બની શકે છે એ આત્મવિશ્વાસ તાજેતરના વર્ષોમાં જન્મ્યો છે, એમ તેમણે જણાવ્યું હતું.

 

 

પ્રધાનમંત્રીએ સમાપન કર્યું હતું કે આ દાયકો છેલ્લાં 7 દાયકાઓનું નુક્સાન ભરપાઇ કરવા માટે ઉત્તર પ્રદેશનો આ દાયકો છે. ઉત્તર પ્રદેશમાં યુવાઓ, દીકરીઓ, દલિતો અને પછાતને વધુ સારી તકો આપીને અને તેમની પૂરતી ભાગીદારી વિના આ કામ ન થઈ શકે.

 

 

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1742811) Visitor Counter : 292