પ્રધાનમંત્રીનું કાર્યાલય
સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમીના આઇપીએસ પ્રોબેશનર્સ સાથે પ્રધાનમંત્રીની વાતચીતનો મૂળપાઠ
Posted On:
31 JUL 2021 8:49PM by PIB Ahmedabad
જય હિંદ શ્રીમાન! હું અતુલ કરવાલ, નિદેશક સરદાર વલ્લભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમી, એકેડમીના સમસ્ત પરિવાર અને અત્રે ઉપસ્થિત તમામ અધિકારીઓ તરફથી આપનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. અમે સૌ આપના હાર્દિક આભારી છીએ કે આપે આપની વ્યસ્ત દિનચર્યામાંથી આ સમારોહ માટે સમય ઉપલબ્ધ કર્યો. આ સમારોહમાં ઉપસ્થિત અન્ય મહાનુભાવો કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ, કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી નિત્યાનંદ રાય, કેન્દ્રીય ગૃહ સચિવ શ્રી અજય ભલ્લા અને બોર્ડર મેનેજમેન્ટ ઑફ પોલીસના સચિવ શ્રી સંજીવ કુમારનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. શ્રીમાન આ સમારોહમાં આપની સમક્ષ કૂલ 144 ભારતીય પોલીસ સેવાના અધિકારી અને મિત્ર દેશો નેપાળ, ભૂટાન, માલદીવ અને મોરિશિયસના 34 પોલીસ અધિકારી પણ ઉપસ્થિત છે. આપને જાણીને ખુશી થશે કે છ માસના જિલ્લા પ્રશિક્ષણના આ ગાળામાં આ તમામ અધિકારીઓએ પોતપોતાના રાજ્યો, જિલ્લામાં અને દેશોમાં પ્રશંસનીય અને મહત્વની ભૂમિકા નિભાવી છે, એમાંના કેટલાક અધિકારી કોરોનાગ્રસ્ત પણ થયા હતા. પરંતુ સંપૂર્ણ સ્વસ્થ થઈને ટ્રેનિંગમાં સામેલ રહ્યા. આપને એ જાણીને પણ આનંદ થશે કે દિલ્હીથી આઠ અધિકારીઓની એક ટુકડી, જેમાં ત્રણ વિદેશી અધિકારી પણ રહ્યા હતા, ભારત દર્શન દરમ્યાન લક્ષદ્વીપની મુલાકાત દરમ્યાન એક સૈન્ય અધિકારી કર્નલ સાહેબના ચાર સભ્યોના કુટુંબને તેમણે ડૂબતા બચાવ્યા હતા. આ તમામ અધિકારીઓની પાસિંગ આઉટ પરેડ દિક્ષાંત સમારોહ 6 ઑગસ્ટના રોજ આયોજિત કરવામાં આવ્યો છે. ત્યારબાદ તેઓ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને સીઆરપીએફનું સંલગ્ન પૂર્ણ કર્યા બાદ પોતપોતાના રાજ્યોમાં અને દેશોમાં સક્રિય ફરજ પર ઉપસ્થિત થશે. આ તમામ અધિકારીઓ માટે એ સૌભાગ્યની વાત છે કે દેશ સેવામાં પ્રથમ પગલું માંડવાના અવસરે તેમને આપની પાસેથી આશીર્વચન અને માર્ગદર્શન પ્રાપ્ત થશે. શ્રીમાન, પોલીસ એકેડમીની બે વર્ષની કઠિન તાલીમના અંતિમ પરિણામો મુજબ પહેલા બેઉ સ્થાન મહિલા અધિકારીઓએ પ્રાપ્ત કર્યાં છે. એમાં પહેલાં સ્થાને રંજિતા શર્મા રહ્યાં જેમણે શ્રેષ્ઠ પ્રોબેશનરનો ખિતાબ તો જીત્યો જ પણ સાથે આઇપીએસના ઇતિહાસમાં એવાં પહેલાં ભારતીય મહિલા અધિકારી બન્યાં જેમણે આઇપીએસ ઍસોસિયેશન સ્વૉર્ડ ઑફ ઓનર પણ જીત્યું હોય. આ સન્માન આઉટડોર તાલીમ પર આધારિત હોય છે. બીજા ક્રમાંકે એક પ્રતિભાશાળી મહિલા અધિકારી શ્રેયા ગુપ્તા રહ્યાં અને આપની અનુમતિ હોય તો આ સમારોહનું સંચાલન કરવા માટે હું શ્રેયાને આમંત્રિત કરવા માગું છું.
શ્રેયા ગુપ્તા: જય હિન્દ શ્રીમાન! હું શ્રેયા ગુપ્તા ભારતીય પોલીસ સેવાના 2019 બૅચની પ્રોબેશનર અધિકારી છું. હું મૂળ દિલ્હીની છું અને મને તમિલનાડુ કૅડર ફાળવવામાં આવી છે. મહોદય, સર્વ પ્રથમ પ્રશિક્ષિત અધિકારીઓની સાથે સંવાદના આ કાર્યક્રમમાં હું આપની ગરિમામય ઉપસ્થિતિ માટે આપને અભિનંદન પાઠવું છું અને આપનો આભાર વ્યક્ત કરું છું. આ સંવાદ કાર્યક્રમને આગળ વધારતા હું મારા સાથી શ્રી અનુજ પાલીવાલને આમંત્રિત કરું છું કે તેઓ પોતાનો પરિચય આપીને આપ સાથે સંવાદ શરૂ કરે.
અનુજ પાલીવાલ: જય હિન્દ શ્રીમાન! સર, મારું નામ અનુજ પાલીવાલ છે. હું સર હરિયાણાના પાણીપત જિલ્લાનો રહેવાસી છું અને સર, મને કેરળ કૅડર ફાળવવામાં આવી છે. સર, મેં મારું ગ્રેજ્યુએશન આઇઆઇટી રૂરકીથી કર્યું છે. ત્યારબાદ મેં સર, બે વર્ષ એક ખાનગી કંપનીમાં કામ કર્યું છે, સર.
પ્રધાનમંત્રી: સૌ પ્રથમ તો શ્રેયાને વણક્કમ!
શ્રેયા ગુપ્તા: વણક્કમ સર!
પ્રશ્ન 1:
પ્રધાનમંત્રી: વારું અનુજજી, આપ આઇઆઇટીમાં ભણ્યા છો અને પછી આપ બે વર્ષ બીજે ક્યાંક કામ કરવા ચાલ્યા ગયા અને આપ પોલીસ સેવામાં આવી ગયા.
એવું આપના મનમાં શું હતું કે આપે પોલીસ સેવાને પોતાની કારકિર્દી બનાવી? ક્યાંક એવું તો નથી ને કે આઇએએસ બનવા માગતા હતા પણ ક્યાંક અટકી ગયા અને અહીં પહોંચી ગયા, એવું તો નથી થયું ને?
અનુજ પાલીવાલ: સર, હું જ્યારે મારી કૉલેજમાં ભણી રહ્યો હતો ત્યારે હું સર, થર્ડ યરમાં હતો, સર, અમારી કૉલેજમાં સર, વર્તમાનમાં પુડુચેરીનાં ગવર્નર માનનીય કિરણ બેદીજી આવ્યાં હતાં. તો સર, તેમણે જ્યારે પોતાનું ત્યાં જે ભાષણ આપ્યું હતું સર, તેનાથી અમે ઘણા લોકો સર બહુ પ્રભાવિત થયા હતા અને સર, અમે સિવિલ સેવાની તૈયારી કરવાનો નિશ્ચય કર્યો હતો. સર, પરીક્ષા આપતી વખતે મારી પહેલી પસંદ સર આઇએએસ હતી, બીજી આઇપીએસ હતી અને સર, મેં ત્યારબાદ ફરીથી પ્રયાસ કર્યો ન હતો, હું આઇપીએસમાં ઘણો ખુશ છું અને સર, દેશની સેવા આઇપીએસ પોલીસ તરીકે જ હું કરવા માગું છું.
પ્રધાનમંત્રી: અત્યારે તો કિરણજી ત્યાં એલજી નથી, ત્યાં તો હવે નવા એલજી છે.
પ્રશ્ન 2:
પ્રધાનમંત્રી: સારું અનુજ, તમારી પૃષ્ઠભૂમિ બાયોટેકનોલોજીની છે. પોલિસિંગમાં ગુના તપાસ જેવા મામલાને લઈને પણ હું સમજું છું કે તમારું ભણતર કામ આવી શકે છે, તમને શું લાગે છે?
અનુજ પાલીવાલ: જી સર! ચોક્કસ આવી શકે છે સર! આજકાલ સર, વૈજ્ઞાનિક તપાસ બહુ જરૂરી છે સર, કોઇ પણ કેસમાં ગુનેગાર ઠેરવવા માટે અને સર નવી ટેકનિક જેવી કે ડીએનએ અને ડીએનએ ટેકનોલોજી પર સર આજકાલ બહુ ફોકસ કરવામાં આવે છે. કોઇ પણ કેસમાં, સર રેપ કેસ હોય, મર્ડર કેસ હોય તો સર એમાં ડીએનએનું ઘણું મહત્વ છે અને ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ આજકાલ ઘણું મહત્વપૂર્ણ છે, સર.
પ્રધાનમંત્રી: આ કોરોના કાળમાં રસીની એટલી ચર્ચા થઈ રહી છે. તો આપનું બ્રેકગ્રાઉન્ડ હોવાને લીધે એમાં પણ રુચિ લઈને ભણો-બણો ખરા કે છોડી દીધું?
અનુજ પાલીવાલ: સર, અત્યારે તો ધ્યાન ટ્રેનિંગ પર છે સર.
પ્રશ્ન 3:
પ્રધાનમંત્રી: સારું, એ સિવાય પણ આપના કયાં શોખ છે?
અનુજ પાલીવાલ: સર, એ સિવાય મને રમવાનું બહુ ગમે છે. સર, સંગીતમાં પણ રસ છે, સર.
પ્રધાનમંત્રી: તો ક્યાં બાયોટેકનોલોજી, ક્યાં સંગીત અને ક્યાં પોલિસિંગ..... કેમ કે આપણા શોખ ઘણી વાર પોલિસિંગ જેવા અઘરા અને કામ માગી લેતા કામમાં એક રીતે બહુ મદદ પણ કરી શકે છે અને સંગીત હોય તો વધારે મદદ કરી શકે છે.
અનુજ પાલીવાલ: જી સર.
પ્રધાનમંત્રી: જુઓ અનુજ, હું આપને આપનાં આવનારાં જીવન અને કૅરિયર માટે શુભકામના આપું છું. આપ હરિયાણાના રહીશ છો અને આપ કેરળ કૅડરમાં કામ કરશો. આપે આઇઆઇટીમાંથી શિક્ષણ લીધું છે અને સિવિલ સર્વિસીઝમાં હુમેનિટીઝ પસંદ કર્યું છે. આપ એવી સેવામાં છો જે કઠોર માનવામાં આવે છે અને આપને સંગીત પ્રત્યે પણ પ્રેમ છે. પહેલી નજરે આ વિરોધાભાસ લાગી શકે છે પણ તે આપની બહુ મોટી તાકાત પણ બની શકે છે. આપની આ તાકાતને તમે પોલીસ સેવામાં વધારે સારું નેતૃત્વ આપવા માટે કામમાં લાવશો એવી મારી શુભકામના છે.
અનુજ પાલીવાલ: ધન્યવાદ સર! જય હિંદ સર!
શ્રેયા ગુપ્તા: ધન્યવાદ શ્રીમાન! હવે હું અનુરોધ કરીશ મારા સાથી પ્રોબેશન અધિકારી શ્રી રોહન જગદીશને કે તેઓ પોતાનો પરિચય આપે અને આપની સાથે પોતાનો વાર્તાલાપ શરૂ કરે.
રોહન જગદીશ: જય હિંદ શ્રીમાન! મારું નામ રોહન જગદીશ છે. હું ભારતીય પોલીસ સેવા 2019 બૅચનો પ્રોબેશનર અધિકારી છું. મને કર્ણાટક કૅડર ફાળવવામાં આવી છે. હું મૂળ બેંગલુરુનો રહેવાસી છું અને બેંગ્લોર વિશ્વ વિદ્યાલયની યુનિવર્સિટી લૉ કૉલેજમાંથી કાયદાની ડિગ્રીનો સ્નાતક છું. મારી પહેલી પસંદ ભારતીય પોલીસ સેવા હતી એનું મુખ્ય કારણ મારા પિતાજી હતા. તેમણે કર્ણાટક રાજ્યની પોલીસમાં 37 વર્ષો સેવા આપી છે અને એ મારા માટે બહુ ગર્વની વાત છે. એટલે મેં પણ એમની જેમ ભારતીય પોલીસ સેવામાં મારી સેવા આપવા માટે આ સેવાને પસંદ કરી છે. જય હિંદ શ્રીમાન!
પ્રશ્ન 1:
પ્રધાનમંત્રી: રોહનજી, આપ બેંગલુરુના છો, હિન્દી પણ ઘણી શીખી લીધી છે અને એક કાયદા સ્નાતક છો. આપે પૉલિટિક્સ અને આંતરરાષ્ટ્રીય સંબંધોનો પણ અભ્યાસ કર્યો છે. આ જ્ઞાનની આપ આજની પોલીસ વ્યવસ્થામાં શું ભૂમિકા જુઓ છો?
રોહન જગદીશ: શ્રીમાન, હું જ્યારે તાલીમમાં જોડાયો હતો એ વખતે જ મેં હિન્દી શીખી છે તો હું એ માટે તાલીમનો બહુ આભારી છું. અને મેં પોલિટિકલ સાયન્સ અને ઇન્ટરનેશનલ રિલેશન્સ શીખતી વખતે મને દુનિયા વૈશ્વિકરણ દ્વારા હવે બહુ નાની લાગવા લાગી છે. તો એટલે અમને દરેક રીતે પોલીસ એજન્સીઓ અને બીજા રાજ્યોની સાથે પણ ઇન્ટરપોલ દ્વારા કામ કરવાની તક મળશે તો આપણું ગુના શોધન અને તપાસ અત્યારે આ સાયબર ક્રાઇમ્સના દ્વારા ક્રાઇમ માત્ર ભારતનું જ લોકલાઇઝ નથી પણ આંતરરાષ્ટ્રીય પણ છે. એટલે આ જ્ઞાન સાથે સંબંધ રાખવા અને ગુનાઓને ઉકેલવા, આંતરરાષ્ટ્રીય સીમા પારનો ત્રાસવાદ, નક્સલવાદ અને ડ્રગ્સના કેસો ઉકેલવા પણ ઉપયોગ થાય છે શ્રીમાન.
પ્રશ્ન 2:
પ્રધાનમંત્રી: આપણે ઘણી વાર પોલીસ એકેડમીમાં મુશ્કેલ શારીરિક તાલીમ વિશે સાંભળીએ છીએ. આપને જે તાલીમ મળી, આપને લાગે છે, કેમ કે આપે આપના પિતાજીને જોયા છે, આખી જિંદગી આપની આ પોલીસ બેડાની વચ્ચે વીતી છે. પણ આપ સ્વયં જાતે આ તાલીમમાં આવ્યા, તો આપને શું લાગણી થઈ રહી છે? મનમાં એક સંતોષ થાય છે? આપના પિતાજીને આપ પાસેથી જે અપેક્ષાઓ હશે તે પૂરી કરવા માટે ક્ષમતાઓ આપને દેખાતી હશે અને આપના પિતાજી સરખામણી કરતા હશે, કે એમના જમાનામાં તાલીમ કેવી હતી, આપના જમાનામાં કેવી હોય છે? તો આપ બેઉ વચ્ચે થોડો ટકરાવ પણ થતો હશે?
રોહન જગદીશ: સર, મારા પિતાજી મારા આદર્શ પણ છે અને તેમણે કર્ણાટક પોલીસમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે જોડાયા હતા અને 37 વર્ષો બાદ તેઓ એસપીની રેન્કમાં નિવૃત્ત પણ થઈ ચૂક્યા છે સર, જ્યારે હું એકેડમી આવ્યો હતો ત્યારે તેઓએ કહ્યું હતું કે પોલીસની તાલીમ બહુ અઘરી હોય છે અને બહુ મહેનત કરવી પડશે. એટલે આવતા વેંત મેં એક માઇકલ એન્જેલોનું એક વાક્ય લખ્યું છે સર, એમાં કહેવાયું છે કે આપણા સૌની અંદર એક સ્ટેચ્યુ- એક શિલ્પ પહેલેથી છે. આપણે એકેડમી દ્વારા એ શિલ્પને પથ્થરમાંથી કાઢવું પડે છે. એવી જ રીતે અમારા નિર્દેશક સર અને અમારા સૌ ફેકલ્ટીએ અમને તાલીમ આપીને અમારું બહુ સરસ શિલ્પ બનાવ્યું છે. તો અમે આ શિલ્પ લઇને દેશની સેવા કરીશું સર.
પ્રધાનમંત્રી: સારું, આ તાલીમને વધારે સારી બનાવવા માટે શું કરવું જોઇએ, કોઇ સૂચન છે આપનાં મનમાં?
રોહન જગદીશ: સર, અત્યારે પહેલેથી બહુ સારી છે. હું પહેલા વિચારતો હતો કે બહુ કઠિન છે અને હવે અમારા નિર્દેશકના આવ્યા બાદ અને બધું બદલાઇ ગયું છે અને અમારો વિચાર કરીને જ તાલીમ આપી રહ્યા છે અને અમને આંતરરાષ્ટ્રીય ધારાધોરણો પર તાલીમ આપી રહ્યા છે એટલે હું આ ટ્રેનિંગથી બહુ ખુશ છું.
પ્રશ્ન 3:
પ્રધાનમંત્રી: રોહનજી, મને જણાવાયું કે આપ સારા તરવૈયા છો અને આપે એકેદમીના જૂનાં તમામ રેકોર્ડ પણ તોડી નાંખ્યાં છે. સ્વાભાવિક છે કે આપ આજકાલ ઑલિમ્પિક્સમાં ભારતના ખેલાડીનાં સારાં પ્રદર્શનને પણ બરાબર ફોલો કરી રહ્યા હશો. આવનારા સમયમાં પોલીસ સેવામાંથી વધારે સારા ઍથ્લીટ્સ બહાર આવે કે પોલીસના ફિટનેસ લેવલને સુધારવા માટે આપના મનમાં વિચાર આવતા હોય કે આજે આપ જોતા હશો કે અમુક ઉમર પછી પોલીસને જરા બેસવાનું, ઊભા થવાનું કે ચાલવાનું બધું જ જરા અલગ જ દેખાય છે, તમને શું લાગે છે?
રોહન જગદીશ: સર, એકેડમીમાં અમને ફિટનેસ પર બહુ ધ્યાન આપવામાં આવે છે. એટલે મારું માનવું છે કે અહીં સમય વીતાવ્યા બાદ ફિટનેસ માત્ર તાલીમમાં જ નહીં પણ આપણી જિંદગીનો એક હિસ્સો બની જાય છે સર. અત્યારે પણ મારા કદાચ ક્લાસ ન હોય તો, મોર્નિંગ પીટી ન હોય તો પણ હું સવારે પાંચ વાગે ઊઠી જાઉં છું સર, કેમ કે એ હવે રૂટિન થઈ ગયું છે. એટલે આ અમે આખી જિંદગીમાં લઈને જઈશું અને જ્યારે અમે જિલ્લામાં જઈશું ત્યારે અમારા સાથી અધિકારી અને અમારી સાથે કામ કરતા પોલીસ અધિકારીને પણ આ વિશે બોલીને તેમને પણ સ્ટ્રેસ મેનેજમેન્ટ અને આરોગ્યના વ્યવસ્થાપન અને તેમની તબિયતને કેવી રીતે ઠીક રાખવી એની જાણકારી પણ આપીને અમે માત્ર પોતાની ફિટનેસ જ નહી6 પણ સૌને ફિટનેસ કરીને સમગ્ર ઇન્ડિયાને ફિટ રાખવાની કોશીશ કરવા માગીશ.
પ્રધાનમંત્રી: ચાલો રોહનજી, આપની સાથે વાત કરીને મને સારું લાગ્યું. ફિટનેસ અને પ્રોફેશનાલિઝમ આપણી પોલીસની એક બહુ મોટી જરૂરિયાત છે. મને લાગે છે કે આપ જેવા ઉત્સાહી યુવાન આ સુધારાઓને વધારે સરળતાથી પોલીસ સિસ્ટમમાં લાગુ કરી શકો છો. પોલીસ પોતાના દળમાં ફિટનેસને ઉત્તેજન આપશે તો સમાજમાં પણ યુવા ફિટ રહેવા માટે પ્રેરિત થશે. મારી આપને ઘણી શુભકામના છે.
રોહન જગદીશ: જય હિંદ શ્રીમાન!
શ્રેયા ગુપ્તા: ધન્યવાદ શ્રીમાન! આ શ્રેણીને આગળ વધારતા હવે હું આમંત્રિત કરું છું શ્રી ગૌરવ રામપ્રવેશ રાયને જેઓ આપની સમક્ષ પોતાનો પરિચય આપશે અને સંવાદ કરશે.
ગૌરવ રામપ્રવેશ રાય: જય હિંદ સર! મારું નામ ગૌરવ રાય છે. હું મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાનો રહેવાસી છું અને મને છત્તીસગઢ કૅડર ફાળવવામાં આવી છે. મેં કૉલેજ ઑફ એન્જિનિયરિંગ, પૂણેથી એન્જિનિયરિંગ કર્યું છે અને ભારતીય પોલીસ સેવા અગાઉ ભારતીય રેલવેઝમાં કાર્યરત હતો.
પ્રશ્ન 1:
પ્રધાનમંત્રી: ગૌરવજી, મને જણાવાયું કે આપ તો શતરંજના ખેલાડી છો, બહુ સારું રમો છો શતરંજ. શેહ અને માતની આ રમતમાં એ પણ નક્કી છે કે આપે જીતવાનું જ છે. જો કે આપે કદી વિચાર્યું કે ક્યારેક અપરાધીઓને કાબૂ કરવામાં આપના શતરંજનું જ્ઞાન શું કામ આવી શકે છે?
ગૌરવ રામપ્રવેશ રાય: હું શતરંજ રમું છું એટલે હંમેશા એવી રીતે જ વિચારું છું. મને છત્તીસગઢ કૅડર ફાળવાઇ છે અને ત્યાં ડાબેરી ઉદ્દામવાદ છે અને સર મને હંમેશા એવું લાગે છે કે શતરંજમાં બે વસ્તુઓ હોય છે એક સ્ટ્રેટેજી-વ્યૂહરચના અને બીજી ટેક્ટિક્સ- યુક્તિપ્રયુક્તિ. એટલે હંમેશા આપણા દળમાં નીતિઓમાં એવી વ્યૂહરચનાઓ હોય જેને હાથ ધરી શકીએ. અને ઓપરેશન મારફત આપણે એવી ટેક્ટિક્સનો ઉપયોગ કરીએ જે આપણને ટ્રેનિંગ એકેડમીમાં પણ શીખવાડાયું છે. આ પ્રકારે ઓપરેશન્સ કરીએ જેથી આપણને ઓછામાં ઓછું નુક્સાન થાય અને આપણે વધુમાં વધુ એ લોકો પર પ્રહાર કરીને એ લોકોને રોકી શકીએ.
પ્રશ્ન 2:
પ્રધાનમંત્રી: ગૌરવજી, આપે કહ્યું કે આપને છત્તીસગઢ કૅડર ફાળવવામાં આવી છે અને ત્યાંની સ્થિતિ વિશે આપે ઉલ્લેખ કર્યો કે ત્યાં ડાબેરી પાંખ ઉદ્દામવાદની સ્થિતિ પણ છે અને એનાથી પરિચિત પણ છો. એવામાં આપની ભૂમિકા વધારે મહત્વની છે. આપે કાયદો અને વ્યવસ્થાની સાથે જનજાતિય વિસ્તારોમાં વિકાસ અને સામાજિક જોડાણને પણ ટેકો આપવાનો છે. આપે એ માટે કોઇ વિશેષ તૈયારી કરી છે?
ગૌરવ રામપ્રવેશ રાય: ભારત સરકારની જે બેતરફી રણનીતિ છે, વિકાસ અને સલામતીની દ્રષ્ટિએ, કેમ કે સર હું જ્યારે કૉલેજમાં હતો, હું સિવિલ એન્જિનિયર છું, ત્યારે હું એ સમજતો હતો કે ડાબેરી પાંખના ઉદ્દામવાદને ખતમ કરવા વિકાસ જ એક માર્ગ છે. અને વિકાસ માટે સૌથી પહેલાં જો આપણે વિચારીએ તો મગજમાં રેલ, રસ્તા, રેલવેઝ, ઘર, પાયાની સુવિધાઓ આવે છે, તો હું સમજું છું કે જો હું સિવિલ એન્જિનિયર છું તો હું મારા આ જ્ઞાનનો સારી રીતે ઉપયોગ કરી શકીશ છત્તીસગઢમાં.
પ્રધાનમંત્રી: આપ મહારાષ્ટ્રના છો એટલે ગઢચિરોલી વિસ્તારમાં પણ ઘણા અભ્યાસો કરતા હશો?
ગૌરવ રામપ્રવેશ રાય: જી સર! તેના વિશે પણ થોડી ખબર છે.
પ્રધાનમંત્રી: ગૌરવજી, આપ જેવા યુવા અધિકારીઓ પર બહુ મોટી જવાબદારી છે. સાયબર છેતરપિંડી હોય કે પછી હિંસાના રસ્તે ગયેલા યુવાઓને મુખ્ય ધારામાં લાવવાના હોય. વીતેલા વર્ષોમાં બહુ પરિશ્રમ કરીને માઓવાદી હિંસાને આપણે મર્યાદિત કરી રહ્યા છીએ. આજે જનજાતિય વિસ્તારોમાં વિકાસ અને વિશ્વાસના નવા સેતુઓ બનાવાઇ રહ્યા છે. મને વિશ્વાસ છે કે આપ જેવું યુવા નેતૃત્વ આ કામને ઝડપથી આગળ વધારશે. મારી આપને ઘણી શુભકામનાઓ છે.
ગૌરવ રામપ્રવેશ રાય: ધન્યવાદ સર! જય હિંદ!
શ્રેયા ગુપ્તા: શ્રીમાન આપનો ખૂબ આભાર! હવે હું આમંત્રિત કરવા માગીશ સુશ્રી રંજીતા શર્માને કે તેઓ એમનો પરિચય આપે અને પોતાના વિચાર વ્યક્ત કરે.
રંજીતા શર્મા: જય હિંદ સર! મારું નામ રંજીતા છે. હું હરિયાણાની છું અને મને રાજસ્થાન કૅડર ફાળવાઇ છે. સર, મારે જિલ્લા પોલિટિકલ ટ્રેનિંગ દરમ્યાન શરૂઆતમાં જ એક અતિ વિષમ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. સર, એ દરમ્યાન મને સંયમના મહત્વનું જ્ઞાન થયું. સર કારણ કે લગભગ તમામ પ્રકારની આંતરિક સલામતીના કેસ હોય કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હોય, ત્યાં આપણે આપણા જ દેશના નાગરિકોનો સામનો કરવાનો હોય છે અને એ પરિસ્થિતિમાં એ જરૂરી હોય છે કે આપણે સંયમ વર્તીએ એ અતિઆવશ્યક છે અને જેમ કે સર આપણી એકેડમીમાં ઘણી જગ્યાએ અમે એ ભણીએ છીએ કે સરદાર પટેલ જેમણે આઇપીએસ પ્રોબેશનર્સ અને આઇપીએસ અધિકારીઓને સંબોધિત કરતી વખતે કહ્યું હતું કે જો કોઇ પણ ક્ષણે પોલીસ અધિકારી પોતાનો સંયમ ગુમાવી દે છે, એ જ ક્ષણે એક પોલીસ અધિકારી રહેતો નથી. એટલે સર, આ પોલીસ તાલીમ દરમ્યાન પછી તે એકેડમીમાં હોઇએ કે પછી જિલ્લાની જે વ્યવહારિક તાલીમ હતી એ દરમ્યાન હોય, એ સતત અહેસાસ થતો રહ્યો કે પોલીસના જે આદર્શો છે, જે મૂલ્યો છે જેમ કે ધીરજ હોય, સંયમ હોય, સાહસ હોય અને એનો સર, મને સતત આભાસ થતો રહ્યો છે.
પ્રશ્ન 1:
પ્રધાનમંત્રી: રંજીતાજી, આપે તાલીમ દરમ્યાન જે ઉપલબ્ધિઓ મેળવી છે એના માટે આપને ખૂબ અભિનંદન. આપના વિશે વાંચી અને સાંભળી રહ્યો હતો તો લાગ્યું કે આપે દરેક સ્થળે પોતાનો સિક્કો જમાવ્યો છે. આજે આપે જે કઈ પણ હાંસલ કર્યું છે, એનાથી આપનાં ઘર, ગામ, અડોશ પડોશમાં હવે દીકરીઓને લઈને પરિવર્તન દેખાય છે કે નહીં, શું અનુભવ થાય છે?
રંજીતા શર્મા: સર, પ્રથમ ધન્યવાદ સર! સર, આસપાસ જે પરિવાર ગણ છે, મિત્રગણ છે, સમાજ છે, સર અમારી પસંદગી વિશે જેવી ખબર પડી કે સિલેક્શન થયું છે તો વિવિધ વર્ગોથી સર કૉલ્સ આવ્યા કે આપ આવો અને અમારે ત્યાં બાળકો સાથે વાતચીત કરો અને એમાં ખાસ કરીને જે કન્યાઓ હતી સર, એના પર ફોકસ રહ્યું કે આપ એમની સાથે વાત કરો કેમ કે આપ એક પ્રેરણા, એક આદર્શની જેમ વાત કરી શકો છો. સર, આ જ અનુભવ મારા જિલ્લામાં પણ રહ્યો. ત્યાં પણ ઘણી વાર એવા અવસર આવ્યા કે જ્યાં મને બોલાવાઇ હોઇ કેમ કે વિશેષત: મહિલા વિદ્યાર્થીઓ સાથે વાત કરીને એમને પ્રેરિત કરી શકું, એમને ઇન્સ્પાયર કરું અને ક્યાંક ને ક્યાંક સર, આ જે ગણવેશ છે એનાથી એક ઓળખ તો મળે છે અને એક જવાબદારી અને એક પડકારનો પણ અહેસાસ થાય છે. અને જો એક મહિલાને તેઓ ગણવેશમાં જુએ છે ત્યારે એમને ક્યાંક ને ક્યાંક થોડું પણ મોટિવેશન, ઇન્સપિરેશન મળે છે સર. આ મારા માટે અસલ ઉપલબ્ધિ રહેશે.
પ્રશ્ન 2:
પ્રધાનમંત્રી: રંજીતાજી, આપને યોગમાં પણ બહુ રુચિ છે. આપ જે ભણ્યાં છો એનાથી લાગે છે આપ પત્રકારત્વમાં આગળ વધવા માગતાં હતાં તો પછી આ માર્ગે કેવી રીતે પહોંચી ગયાં?
રંજીતા શર્મા: સર, અહીં પણ એક વાર્તા છે. સર મને લાગે છે કે મેં ખાનગી ક્ષેત્રમાં કામ કર્યું, આ અગાઉ લગભગ આઠ-નવ વર્ષ. પરંતુ સર, હું કઈક એવું કામ કરવા માગતી હતી જેની અસર મને તરત જોવા મળી શકે. અને સમાજની નિકટથી હું સમાજને માટે કામ કરી શકું. કારણ કે સર, ખાનગી ક્ષેત્રમાં ક્ષેત્ર બહુ મર્યાદિત થઈ જાય છે એટલે ત્યાં એની વ્યાપક રીતે આપ પોતાની છાપ છોડી શક્તા નથી. એટલે વહીવટી સેવા હોય કે પોલીસ સેવા, સર, એ તમને તક આપે છે. અને જ્યાં સુધી ગણવેશનો સવાલ છે સર, તો એમાં તો બેહદ જવાબદારી અને સન્માનની વાત છે કે મને ભારતીય પોલીસ સેવામાં હોવાની તક સાંપડી છે.
પ્રશ્ન 3:
પ્રધાનમંત્રી: આપે પોતાના માટે એવું કોઇ લક્ષ્ય નક્કી કર્યું છે જે આપ દેશની પોલીસ વ્યવસ્થાને વધારે સારી બનાવવા માટે ચોક્ક્સ અમલમાં લાવવા ઇચ્છો?
રંજીતા શર્મા: સર, મને યાદ છે કે ગયા વખતે આપની સાથે આ સંવાદ થયો હતો ત્યારે આપે કહ્યું હતું કે જ્યાં પોલીસની વાત આવે છે ત્યાં દંડા, બળ અને એના પ્રયોગની વાત આવે છે. એટલે સર, જો હું મારા ફિલ્ડમાં જઈને પોલીસની છબી સુધારવા, એને વધારે સારી બનાવવા, એમાં કોઇ પ્રકારે યોગદાન આપી શકું તો પોલીસને સુગમ બનાવવા માટે, પોલીસની છાપને સુગમ બનાવવા માટે એકંદરે જે ઇમેજ છે પોલીસની, એને જરા પણ સુધારવામાં મારું યોગદાન રહ્યું તો સર મારાં માટે એક મોટી ઉપલબ્ધિ હશે અને મારું લક્ષ્ય પણ રહેશે.
પ્રધાનમંત્રી: રંજિતાજી, જ્યારે મેં આપના વિશે જાણ્યું અને સાંભળ્યું. આપને હું એક એવી સલાહ આપવા માગીશ કે આપ આપની ફરજ સાથે જોડાયેલ નથી, આપને જ્યાં પણ ફરજની તક મળે, સપ્તાહમાં એક કલાક કોઇ ને કોઇ કન્યા શાળામાં જઈને એ છોકરીઓ સાથે એમ જ ગપસપ કરો, જીવનભર આ ક્રમને જાળવી રાખો. સપ્તાહમાં એક કલાક કોઇ ને કોઇ કન્યા શાળામાં જવું, એ બાળકીઓને મળવું, વાતો કરવી, એમની સાથે ચર્ચા કરવી અને બીજું થઈ શકે તો યોગની પ્રેક્ટિસ આપ ચાલુ રાખો તો ક્યાંક ખુલ્લા બગીચામાં બાળકીઓ માટે યોગનો એક વર્ગ પણ ચલાવો જેમાં આપ વચ્ચે ગયા કરો અને આયોજિત કરો. આ આપની ફરજ ઉપરાંત કઈક કામ કરો, આપ જોશો કે એની અસર કઈક વધારે જ થશે. ખેર, આપની સાથે જે વાતો થઈ છે, હું આપને ઘણી શુભકામનાઓ પાઠવું છું. જુઓ, હરિયાણા હોય કે રાજસ્થાન, આપણે સૌ જાણીએ છીએ કે વીતેલા કેટલાંક વર્ષો,માં દીકરીઓને આગળ વધારવા માટે ઘણું કામ થયું છે. આપ આ બેઉ રાજ્યોમાં સામાજિક ચેતનાની લહેરને મજબૂત કરવામાં પોતાની ભૂમિકા અત્યંત સારી રીતે નિભાવી શકો છો. આપનું જે ક્મ્યુનિકેશનનું ભણતર છે, જે સમજ છે એ આજે પોલીસની એક બહુ મોટી આવશ્યકતા છે. આશા છે કે એનો પણ ભરપૂર ઉપયોગ આપ આવનારા સમયમાં કરશો. મારી આપને ઘણી શુભકામનાઓ છે!!
રંજીતા શર્મા: ધન્યવાદ સર, જય હિંદ સર!
શ્રેયા ગુપ્તા: ધન્યવાદ શ્રીમાન! આ જ ક્રમમાં હવે હું આમંત્રિત કરું છું મારા સાથી પ્રોબેશનર અધિકારી શ્રી નિથિનરાજ પીને કે તેઓ પોતાનો પરિચય આપે અને આપ સાથે વાર્તાલાપ ચાલુ રાખે.
નિથિનરાજ પી: જય હિન્દ સર! મારું નામ નિથિનરાજ છે. હું કેરળના કસારાગોડ જિલ્લાનો છું અને મને કેરળ કૅડર ફાળવવામાં આવી છે, સર.
પ્રશ્ન 1:
પ્રધાનમંત્રી: હું ઘણી વાર કેરળ ગયો છું. મને જણાવાયું છે કે તમને ફોટોગ્રાફીમાં ઊંડો રસ છે. ફોટોગ્રાફી માટે કેરળમાં તમને કયાં સ્થળો સૌથી વધારે ગમે છે?
નિથિનરાજ પી: સર, ખાસ કરીને પશ્ચિમી ઘાટ સર. અને હું કસારાગોડ જિલ્લાનો છું અને અમને ઘણો બધો દળના વાહનનો ટેકો છે અને પશ્ચિમી ઘાટના ભાગો પણ મને શૂટ કરવા ગમે છે સર.
પ્રશ્ન 2:
પ્રધાનમંત્રી: મને કહેવાયું છે કે તમારી તાલીમ દરમ્યાન, પ્રોબેશનર્સને 20-22 અધિકારીઓની સ્ક્વૉડમાં આયોજિત કરાયા છે. આપની ટુકડી સાથે આપનો અનુભવ કેવો રહ્યો?
નિથિનરાજ પી: સર, ખરેખર અમે જ્યારે સ્ક્વૉડમાં હોઇએ ત્યારે અમને લાગે કે અમે એકેડમીમાં એકલા નથી. અમને ઘણા બધા સાથીઓનો ટેકો છે અને એના કારણે શરૂઆતમાં અમે વિચાર્યું કે ભારે ઇન્ડોર અને આઉટડૉર પ્રવૃત્તિઓના કારણે અમે એ કરી શકીશું નહીં. એ શરૂઆતની છાપ હતી. અમારામાંના ઘણાંને હતી. પણ અમારા સ્ક્વૉડના સાથીઓના ટેકાને કારણે અમે દરેક હાંસલ કરી શક્યા, અમે જે વિચાર્યું હતું એનાથી પણ આગળ કરી શકીએ, 40 કિલોમીટરની રૂટ કૂચ કે 16 કિમીની દોડ, અમે કરી. આ બધું જ સ્ક્વૉડના સાથીઓની મદદના કારણે સર.
પ્રધાનમંત્રી: નિથિનજી, મને જણાવાયું કે તમને ભણાવવાનું પણ ગમે છે. તમે સેવામાં હો ત્યારે પણ તમારો આ પ્રેમ ચાલુ રાખશો. એનાથી તમને લોકો સાથે ગાઢ જોડાણ વિક્સાવવામાં મદદ પણ મળશે.
નિથિનરાજ પી: સર, હું એ પણ આગળ વધારવા માગું છું સર. હું માનું છું કે સમાજમાં જાગૃતિ લાવવા માટે, એક પોલીસ અધિકારીને સમાજ સાથે વાતચીત કેમ કરવી એ ખબર હોવી જોઇએ. હું માનું છું કે ટિચિંગ એક માર્ગ છે જેનાથી આપણે વિદ્યાર્થીઓ સાથે સામાન્ય જનતા સાથે યોગ્ય રીતે વાત કરી શકીએ, સર.
પ્રધાનમંત્રી: આપને ઘણી શુભકામનાઓ.
નિથિનરાજ પી: આભાર સર, જય હિન્દ સર.
શ્રેયા ગુપ્તા: આ શ્રેણીમાં આગળ વધતા હવે હું આમંત્રિત કરું છું ડૉ. નવજોતસિમીને કે તેઓ મહોદય સમક્ષ પોતાનો પરિચય આપે અને વાર્તાલાપને ચાલુ રાખે.
ડૉ. નવજોતસિમી: જય હિંદ શ્રીમાન! મારું નામ નવજોતસિમી છે. હું પંજાબના ગુરદાસપુર જિલ્લાની છું અને મને બિહાર કૅડર ફાળવવામાં આવી છે. સર, મેં ડેન્ટલ સર્જરીમાં સ્નાતકની ડિગ્રી લુધિયાણાથી મેળવી છે. મારી જિલ્લા તાલીમ પટણામાં થઈ અને એ દરમ્યાન મહિલા પોલીસ કર્મચારીઓની વધતી સંખ્યા, સાહસ અને પ્રેરણાથી હું ઘણી ઉત્સાહિત થઈ હતી.
પ્રશ્ન 1:
પ્રધાનમંત્રી: નવજોતજી, આપે તો લોકોને દાંતના દુ:ખાવામાંથી રાહત અપાવવા માટે, દાંતોની તંદુરસ્તી બરાબર કરવાની જવાબદારી ઉઠાવી હતી. એવામાં દેશના દુશ્મનોનાં દાંત ખાટા કરવાનો માર્ગ આપે કેમ પસંદ કર્યો?
ડૉ. નવજોતસિમી: સર, સિવિલ સર્વિસીઝ તરફ મારો ઝોક પહેલેથી રહ્યો હતો અને સર, એક ડૉક્ટરનું કામ અને એક પોલીસનું કામ પણ લોકોની પીડા દૂર કરવાનું જ હોય છે સર. તો સર મને લાગ્યું કે હું સિવિલ સર્વિસીઝના માધ્યમથી વધારે મોટા એક પ્લેટફોર્મ પર રહીને લોકોની સમસ્યાઓના ઉકેલમાં મારું યોગદાન આપી શકું છું.
પ્રશ્ન 2:
પ્રધાનમંત્રી: આપ પોલીસ દળમાં જોડાયાં છો એ માત્ર આપના માટે જ નહીં, દેશમાં દીકરીઓની નવી પેઢીને પણ પ્રેરિત કરનારી બાબત છે. આજે પોલીસમાં દીકરીઓની ભાગીદારી વધી રહી છે. આ ભાગીદારીને વધારવા માટે આપનાં કોઇ સૂચનો હોય કે આપનો કોઇ અનુભવ હોય તો ચોક્કસ શૅર કરો.
ડૉ. નવજોતસિમી: સર, હમણાં અમારી જિલ્લાની પ્રેક્ટિકલ તાલીમ દરમ્યાન બિહાર પોલીસ એકેડમી રાજગીરમાં અમે લોકો ટ્રેનિંગ પર હતા. સર, ત્યાં મહિલા કૉન્સ્ટેબલોનો એક બહુ મોટો બૅચ હતો. એમની સાથે વાતચીત કરવાનો મોકો મળ્યો તો સર હું એટલી ઉત્સાહિત થઈ કે એ તમામ છોકરીઓ આગળ જઈને ભણીને કઈક બનવા માગતી હતી. સર, એ બહુ વધારે પહેલેથી પ્રેરિત હતી. એટલે સર, મને બહુ સારું લાગ્યું અને મેં વિચાર્યું કે જ્યારે પણ મારા કાર્યમાં, મારા ફિલ્ડમાં જઈશ તો મહિલાઓ માટે ચોક્ક્સ કઈક કરીશ જેથી એમના શિક્ષણમાં વિશેષતાની કોઇ ઊણપ ન આવી શકે સર. જે કઈ થઈ શકે હું એમના માટે ચોક્કસ કઈક કરીશ.
પ્રધાનમંત્રી: જુઓ, નવજોતજી, દીકરીઓ વધુમાં વધુ પોલીસ દળમાં આવે એ દેશના પોલિસિંગ સિસ્ટમને મજબૂત કરશે. પંજાબ હોય કે બિહાર, આપ તો મહાન ગુરુ પરંપરાના રાજ્યોને જોડી રહ્યાં છો. ગુરુ તો કહી ગયા કે
ભૈકાહૂ કો દેતનહિ,
નહિ ભય માનત આન ।
એટલે સામાન્ય માનવીને ન તો આપણે ડરાવવાના છે ના કોઇથી ડરવાનું છે. મને વિશ્વાસ છે કે આપ આ જ પ્રેરણાથી આગળ વધશો અને પોલીસ સેવાને વધારે સમાવેશી અને સંવેદનશીલ બનાવવામાં સફળ થશો.
ડૉ. નવજોતસિમી: ધન્યવાદ સર, જય હિંદ!
શ્રેયા ગુપ્તા: ધન્યવાદ શ્રીમાન, હવે હું નિવેદન કરું છું કોમ્મી પ્રતાપ શિવકિશોરને કે તેઓ પોતાનો પરિચય આપે અને આપની સમક્ષ પોતાના વિચાર વ્યક્ત કરે.
કોમ્મી પ્રતાપ શિવકિશોર: જય હિંદ શ્રીમાન. મારું નામ કે.પી.એસ. કિશોર છે અને હું આંધ્રના નેલ્લૂર જિલ્લાનો છું અને મને આંધ્રની કૅડર ફાળવવામાં આવી છે. સર મારું એન્જિનિયરિંગ આઇઆઇટી ખડગપુરમાં ફાયનાન્સિયલ એન્જિનિયરિંગ ઑફ બાયોટેકનોલોજીમાં બી. ટેક અને એમ. ટેક પૂર્ણ કર્યું છે. ત્યારબાદ પોલીસ એવામાં જોડાતા પૂર્વે મેં ચાર વર્ષ સેન્ટર ઑફ એક્સેલન્સ ઇન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં કામ કર્યું છે. સર મને લાગે છે કે ટેકનોલોજીને સારી રીતે જો આપણે ઉપયોગમાં લઈએ તો પોલીસમાં જે ઘણાં બધા પડકારો છે જેવા કે માનવશક્તિની તંગી વગેરે ઊણપના પડકારો છે, એને આપણે બહુ સારી રીતે ઉકેલી શકીએ છીએ.
પ્રશ્ન 1:
પ્રધાનમંત્રી: આપ ફાયનાન્સિયલ બેકગ્રાઉન્ડ ધરાવો છો. એવામાં આજે નાણાકીય છેતરપિંડીઓના પડકારો છે, તાલીમ દરમ્યાન એનો મુકાબલો કરવા માટે કોઇ નવીન વિચાર આવ્યા છે શું, મનમાં ઘણા વિચારો આવતા હશે?
કોમ્મી પ્રતાપ શિવકિશોર: જરૂર સર. અમને બહુ સારી તપાસ નાણાકીય છેતરપિંડીની તપાસ કરવી, કયા કાયદાઓ છે, એનો પરિચય કરાવાયો અને ખાસ કરીને અમે જ્યારે જિલ્લા તાલીમમાં હતા, કરનૂલ જિલ્લામાં, નાણાકીય છેતરપિંડી આધાર સંબંધી, બનાવટી આધાર કાર્ડ્સ મારફત કેવી રીતે પૈસા લીક થઈ રહ્યા છે. આવા કામોની તપાસ કરવામાં ટ્રેનિંગમાં મદદ કરી અને ફિલ્ડમાં મને લાગે છે કે આગળ ઘણું શીખવા મળશે.,
પ્રશ્ન 2: સાયબર ગુનાઓ આપણા બાળકો અને મહિલાઓ માટે એવા તત્વો છે જે એમને બહુ નિશાન બનાવ્યા કરે છે અને એ માટે પોલીસ મથકના સ્તરે શું કામ થઈ શકે છે, એની સાથે સંકળાયેલા કોઇ સૂચન આપના મનમાં આવે છે, હમણાં લાગે કે હા એમાં એવી રીતે જવું જોઇએ?
કોમ્મી પ્રતાપ શિવકિશોર: સર, અમે અમારે ત્યાં એ કામ કર્યું સર કે જે પણ નવા સાયબર ઠગાઇના કિસ્સા થાય એની રીત થઈ રહી છે, દરરોજ આપણે અખબારોમાં અને આપણા સ્થાનિક સિટી ચેનલમાં બોલતા હતા અને એ કામ જે ગ્રહણ સમ જૂથો છે જેમ કે કૉલેજો છે જ્યાં નવા સ્માર્ટ ફોન લાવવામાં આવે છે અને એમને દર અઠવાડિયે એક સેશન એવું કરતા હતા અને બીજું સતત મહિનામાં એક વાર વૅબિનાર યોજતા હતા જ્યાં લોકો પોતાની રીતે જોડાતા હતા અને સૌથી વધારે મને લાગે છે કે જે ગુના જે હિસાબે થાય છે એ આપણે લોકો સુધી પહોંચાડવાનું છે જેથી તેઓ પહેલેથી જાગૃત રહે.
પ્રધાનમંત્રી: જુઓ પ્રતાપ, ડિજિટલ ટેકનોલોજી બહુ સમાવિષ્ટ ટેકનોલોજી છે જે સૌને જોડે છે અને ગરીબ, વંચિત, શોષિત સુધી સુવિધા અને સંસાધન પહોંચાડવામાં બહુ મદદગાર છે. એ આપણું ભવિષ્ય છે. પણ એની સાથે સાયબર ગુનાને પણ મોટો ખતરો બનાવી દીધો છે. ખાસ કરીને નાણાકીય છેતરપિંડી એક બહુ મોટો પડકાર છે. એણે અપરાધને થાણા, જિલ્લા, રાજ્યોની સીમાઓથી બહાર કાઢીને નવો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પડકાર બનાવી દીધો છે. એનો મુકાબલો કરવા માટે સરકાર પોતાના સ્તરે અનેક પગલાં લઈ રહી છે. પણ એમાં પોલીસે પણ નીત નવાં નવીનીકરણ કરવા પડશે. ડિજિટલ જાગૃતિને લઈને થાણાના સ્તરે વિશેષ અભિયાન ચલાવી શકાય છે. એ સિવાય મારો આપ સૌ યુવા અધિકારીઓને એ આગ્રહ રહેશે કે આપની પાસે જો કોઇ પણ વિષયમાં કોઇ સૂચનો હોય તો આપ મારા સુધી જરૂરથી પહોંચાડો. ગૃહ મંત્રાલય સુધી પહોંચાડો. કેમ કે આજે જે યુવા દળ છે, એમનું એનું બેકગ્રાઉન્ડ હોવાથી એમના વિચારો આ લડાઇમાં કામ આવી શકે છે. ચાલો પ્રતાપ, આપને ઘણી શુભકામનાઓ.
કોમ્મી પ્રતાપ શિવકિશોર: જય હિંદ સર!
શ્રેયા ગુપ્તા: ધન્યવાદ શ્રીમાન, હવે હું મિત્ર રાષ્ટ્ર માલદીવના પોલીસ અધિકારી શ્રી મોહંમદ નાઝિમને અનુરોધ કરીશ કે તેઓ માનનીય પ્રધાનમંત્રીજી સાથે પોતાના અનુભવો શૅર કરે.
મોહંમદ નાઝિમ: સુપ્રભાત આદરણીય પ્રધાનમંત્રી સર, હું ચીફ ઇન્સ્પેક્ટર ઑફ પોલીસ મોહંમદ નાઝિમ, માલદીવ પોલીસ સેવાથી છું. સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમીમાં 2019ના ભારતીય પોલીસ સેવાના બૅચ સાથે યાદગાર સફરમાં મારા અનુભવો વિશે બોલવાની તક મળી એ કાર્ય, ગૌરવ અને વિશેષાધિકારની બાબત છે. અમારી તાલીમના છેલ્લા બે વર્ષો દરમ્યાન અમારો વ્યવસાયવાદ, ફિટનેસ અને પોલીસ અધિકારી તરીકે અમારી ક્ષમતા અદભુત રીતે સુધરી છે. માલદીવના અધિકારીઓ આ એકેડમીમાં 1998થી તાલીમ લઈ રહ્યા છે. અમારા હાલના પોલીસ વડા મોહંમદ હામીદ અને એમની સાથેની સૌથી વરિષ્ઠ નેતાગીરી પણ આ પ્રતિષ્ઠિત એકેડમીના ગર્વાન્વિત પૂર્વ વિદ્યાર્થીઓ છે. સર, તાલીમના છેલ્લા બે વર્ષોએ એક ગણવેશધારી પોલીસ અધિકારી તરીકે જ અમારું વ્યક્તિત્વ વધાર્યું છે એટલું જ નહીં, પણ અમને વધારે સારા માણસ પણ બનાવ્યા છે. ભારતીય બૅચસાથીઓ અને અન્ય વિદેશી બૅચસાથીઓ સાથે મૈત્રીભાવ અદ્વિતીય છે અને આ એકેડમીમાં અમે એક એક ક્ષણ માણી છે. અમે ભારતીય અધિકારીઓ સાથે ઘણાં મિત્રો બનાવ્યા છે અને એમની સાથે સંપર્કમાં રહેવાની યોજના છે. અહીં વીતાવેલો સમય અમે ખરેખર માણ્યો છે. હું માનું છું કે આ મૂલ્યવાન તક આપવા બદલ ભારત સરકાર માટે હાર્દિક આભાર વ્યક્ત કરવાની આ તક છે. આભાર સર, જય હિંદ!
પ્રશ્ન 1:
પ્રધાનમંત્રી નાઝિમ, ભારત અને માલદીવ વચ્ચે આપને શું સમાન લાગ્યું?
મોહંમદ નાઝિમ: સર, સંસ્કૃતિ અને ભોજન અમારા જેવું જ છે સર.
પ્રશ્ન 2:
પ્રધાનમંત્રી: આપણી સાથે નેપાળ, ભૂટાન અને મોરિશિયસના અધિકારીઓ પણ છે. એનાથી એ દેશો વિશે પણ કઈક ઊંડું જ્ઞાન મેળવવામાં મદદ મળી?
મોહંમદ નાઝિમ: હા સર. એનાથી ખરેખર મદદ મળી. અમે વિદેશી અધિકારીઓ સાથે વાત કરી અને નીતિ પ્રણાલિ વિશે સારું જ્ઞાન મેળવ્યું સર.
પ્રધાનમંત્રી: ઓકે નાઝિમ, વિશ યુ ઑલ ધી બેસ્ટ.
મોહંમદ નાઝિમ: થેંક યુ સર, જય હિન્દ.
પ્રધાનમંત્રી: મને માલદીવના પ્રકૃતિ પ્રેમી લોકો સાથે મળીને બહુ આનંદ આવે છે. માલદીવ ભારતનો પડોશી જ નહીં પણ બહુ સારો મિત્ર પણ છે. ભારત માલદીવમાં પોલીસ એકેડમી બનાવવામાં પણ સહયોગ કરી રહ્યું છે અને હવે તો માલદીવ ક્રિકેટ માટે પણ પોતાને તૈયાર કરી રહ્યું છે. માલદીવ અને ભારતના સામાજિક અને વ્યાપારિક સંબંધો પણ છે. મને વિશ્વાસ છે કે ભારતમાં આપની તાલીમ માલદીવના પોલિસિંગને મજબૂત કરશે અને ભારત-માલદીવના સંબંધોને સમૃદ્ધ કરવામાં મદદ કરશે. ખૂબ શુભકામનાઓ!
શ્રેયા ગુપ્તા: ધન્યવાદ શ્રીમાન, સંવાદના આ કાર્યક્રમને આગળ વધારતા હું આપને સવિનય નિવેદન કરું છું કે રાષ્ટ્ર હેતુ માટે તત્પર અમે પ્રોબેશનર્સ અધિકારીઓને સંબોધિત કરીને અમારું માર્ગદર્શન કરો.
SD/GP/JD
(Release ID: 1741196)
Visitor Counter : 393