પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 2 ઑગસ્ટના રોજ ડિજિટલ ચૂકવણી ઉકેલ e-RUPIનો પ્રારંભ કરશે

Posted On: 31 JUL 2021 8:23PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 2 ઑગસ્ટ 2021ના રોજ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી e-RUPIનો પ્રારંભ કરશે જે વ્યક્તિ અને ઉદ્દેશ વિશિષ્ટ ડિજિટલ ચૂકવણી ઉકેલ છે.

પ્રધાનમંત્રીએ હંમેશા ડિજિટલ પહેલોને સમર્થન આપ્યું છે. વર્ષોના સમયગાળામાં, લક્ષિત લોકો સુધી અને કોઇપણ ખામી કે ઉણપ વગર, સરકાર અને લાભાર્થી વચ્ચે મર્યાદિત સ્પર્શ પોઇન્ટ્સ સાથે લાભો પહોંચી શકે તે સુનિશ્ચિત કરવા માટે સંખ્યાબંધ કાર્યક્રમોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઇલેક્ટ્રોનિક વાઉચરની વિભાવના સુશાસનની દૂરંદેશીને આગળ લઇ જાય છે.

e-RUPI વિશે

e-RUPI એ ડિજિટલ ચૂકવણી માટેનું કૅશલેસ અને કોન્ટેક્ટલેસ સાધન છે. તે એક QR કોડ અથવા SMS સ્ટ્રીંગ આધારિત ઇ-વાઉચર હોય છે, જે લાભાર્થીના મોબાઇલ પર મોકલવામાં આવે છે. આ અવરોધરહિત અને એક-વખતની ચૂકવણીના વ્યવસ્થાતંત્રના લાભાર્થીઓ કાર્ડ, ડિજિટલ ચૂકવણીઓની એપ્લિકેશનો અથવા ઇન્ટરનેટ બેન્કિંગના ઍક્સેસ વગર, સેવા પ્રદાતા પાસે તેમનું વાઉચર રીડિમ કરાવી શકશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ નાણાકીય સેવાઓના વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળના સહયોગથી તેમના UPI પ્લેટફોર્મ પર આ તૈયાર કર્યું છે.

e-RUPI કોઇપણ ભૌતિક હસ્તક્ષેપ વગર સેવા પ્રાયોજકોને લાભાર્થીઓ સાથે અને સેવા પ્રદાતાઓ સાથે જોડે છે. તેનાથી નાણાકીય વ્યવહાર પૂરો થયા પછી જ સેવા પ્રદાને ચૂકવણી થાય તેવું પણ સુનિશ્ચિત થઇ શકે છે. તે પ્રિ-પેઇડ પ્રકારનું હોવાથી, સેવા પ્રદાતાને કોઇપણ અન્ય મધ્યસ્થીની સામેલગીરી વગર સમયસર ચૂકવણી થાય તે પણ સુનિશ્ચિત કરે છે.

કોઇપણ પ્રકારની ખામી કે ઉણપ વગર કલ્યાણકારી સેવાઓ પૂરી પાડવાનું સુનિશ્ચિત કરવાની દિશામાં આ પગલું ક્રાંતિકારી પૂરવાર થશે તેવી અપેક્ષા છે. તેનો ઉપયોગ માતા અને બાળ કલ્યાણ યોજનાઓ હેઠળ દવાઓ અને પોષણ સહાય પૂરી પાડવાની યોજનાઓ, TB નાબુદી કાર્યક્રમો, આયુષમાન ભારત જેવી યોજનાઓ હેઠળ દવા અને નિદાન, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, ખાતર સબસિડી વગેરે સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે પણ થઇ શકે છે. ખાનગી ક્ષેત્રો પણ તેમના કર્મચારી કલ્યાણ અને કોર્પોરેટ સામાજિક જવાબદારી કાર્યક્રમોના ભાગરૂપે આ ડિજિટલ વાઉચરનો લાભ ઉઠાવી શકે છે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…

(Release ID: 1741144) Visitor Counter : 550