પ્રધાનમંત્રીનું કાર્યાલય
કોવિન ગ્લોબલ કોન્ક્લેવ 2021માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Posted On:
05 JUL 2021 3:27PM by PIB Ahmedabad
માનનીય મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ, આરોગ્ય ક્ષેત્રના વ્યવસાયીઓ અને દુનિયાભરમાંથી સામેલ થયેલા મિત્રો,
નમસ્કાર !
મને આનંદ છે કે કોવિન ગ્લોબલ કોન્ક્લેવમાં આટલી મોટી સંખ્યામાં વિવિધ દેશોના નિષ્ણાતો સામેલ થયા છે. સમારંભની શરૂઆતમાં હું તમામ દેશોમાં જેમણે મહામારીમાં જીવ ગૂમાવ્યો છે તેવા તમામ લોકોને અંતઃકરણપૂર્વક શ્રધ્ધાંજલિ આપુ છું. આ પ્રકારની મહામારીને સો વર્ષમાં કોઈ અન્ય મહામારી સાથે સરખાવી શકાય તેમ નથી. અનુભવ દર્શાવે છે કે કોઈપણ રાષ્ટ્ર ગમે તેટલું શક્તિશાળી હોય તો પણ તે આ પ્રકારનો પડકાર એકલા હાથે પાર પાડી શકે તેમ નથી. કોવિડ-19ની સૌથી મોટી શીખ એ છે કે માનવતા અને માનવ ઉદ્દેશો માટે આપણે સાથે કામ કરવું પડશે તેમજ સાથે મળીને આગળ ધપવું પડશે. આપણે ઉત્તમ પ્રણાલીઓ અંગે એકબીજા પાસેથી શીખવાનું રહે છે અને એકબીજાને માર્ગદર્શન આપવાનું રહે છે. મહામારીની શરૂઆત થઈ ત્યારથી જ આ લડતમાં ભારત વૈશ્વિક સમુદાયને તેના તમામ અનુભવો, નિપુણતા અને સાધનોનું પરસ્પર આદાન-પ્રદાન કરવા માટે કટિબધ્ધ છે. તમામ અવરોધો હોવા છતાં દુનિયા સાથે અમે શક્ય તેટલું આદાન-પ્રદાન કરવા માટે પ્રયાસ કર્યો છે અને વૈશ્વિક પ્રણાલીઓ અંગે શીખવા માટે અમે આતુર રહ્યા છીએ.
મિત્રો,
કોવિડ-19 સામે લડત માટે ટેકનોલોજી આપણો આંતરિક હિસ્સો બની રહી છે. સદ્દભાગ્યે સોફ્ટવેર એ એક એવું ક્ષેત્ર છે કે જેમાં સાધનોનો કોઈ અવરોધ નહીં હોવાથી અમે અમારી કોવિડ ટ્રેકીંગ અને ટ્રેસીંગ એપ ટેકનિકલ દ્રષ્ટિએ તે અર્થક્ષમ બની ત્યારથી જ તેને ઓપન સોર્સ બનાવી છે. 200 મિલિયન કરતાં વધુ વપરાશકારો ધરાવતી આ ‘આરોગ્ય સેતુ’ એપ ડેવલપર્સ માટે સરળતાથી જ ઉપલબ્ધ એપ બની છે. ભારતમાં ઉપયોગ થયા પછી તમે સુનિશ્ચિતતા રાખી શકો છો કે ઝડપ અને વ્યાપની દ્રષ્ટિએ તે વાસ્તવિક દુનિયામાં ચકાસાયેલી છે.
મિત્રો,
મહામારીમાંથી સફળતાપૂર્વક બહાર આવવા માટે રસીકરણ એ માનવજાત માટે સૌથી ઉત્તમ આશા છે અને આયોજનમાં પ્રારંભથી જ અમે ભારતમાં સંપૂર્ણપણે ડીજીટલ અભિગમ અપનાવવાનો નિર્ણય કર્યો હતો. વૈશ્વિકીકરણ ધરાવતી આજની દુનિયા મહામારી પછી સામાન્ય સ્થિતિ તરફ વળી છે ત્યારે આ પ્રકારનો ડીજીટલ અભિગમ આવશ્યક બની રહે છે. આખરે તો લોકોએ જ પૂરવાર કરવાનું રહે છે કે તેમનું રસીકરણ થયું છે. આ પ્રકારનો પૂરાવો સલામત, સુરક્ષિત અને વિશ્વાસપાત્ર હોવો જોઈએ. લોકો પાસે એવો રેકર્ડ રહેવો જોઈએ કે તેમને ક્યારે અને ક્યાં તથા કોના દ્વારા રસી આપવામાં આવી છે. રસીનો દરેક ડોઝ મૂલ્યવાન હોવાથી સરકારો દરેક ડોઝને ટ્રેક કરવામાં આવે અને તેનો ઓછામાં ઓછો બગાડ થાય તે માટે ચિંતિત રહે છે. આ બધુ એકથી બીજા છેડા સુધી ડીજીટલ અભિગમ અપનાવ્યા સિવાય શક્ય બને તેમ નથી.
મિત્રો,
ભારતની સંસ્કૃતિ સમગ્ર વિશ્વને એક પરિવાર માને છે. આ મહામારીએ ઘણાં લોકોને પાયાની વિચારધારા સ્પષ્ટપણે સમજાવી છે અને આથી જ આપણા કોવિડ રસીકરણ માટેના ટેકનોલોજી પ્લેટફોર્મને કોવિન કહેવામાં આવે છે એને ઓપન સોર્સ બને તે રીતે તેને તૈયાર કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં તે તમામ દેશોમાંથી કોઈને પણ ઉપલબ્ધ બની શકશે. આજની કોન્કલેવ એ આ પ્લેટફોર્મ આપ સૌ સમક્ષ રજૂ કરવા માટેનું પ્રથમ કદમ છે. આ એક એવું પ્લેટફોર્મ છે કે જેની મારફતે ભારતે કોવિડની રસીના 350 મિલિયન ડોઝની વ્યવસ્થા કરી છે. થોડાંક જ દિવસ પહેલાં અમે એક દિવસમાં 9 મિલિયન લોકોનું રસીકરણ કર્યું હતું. આ લોકોએ કશું પણ પૂરવાર કરવા માટે કાગળના નાજુક ટૂકડાઓ લઈને જવાની જરૂર પડી ન હતી. તે ડીજીટલ સ્વરૂપે ઉપલબ્ધ છે, પરંતુ તમામ બાબતોમાં ઉત્તમ એ છે કે તમામ સોફ્ટવેરને કોઈપણ દેશ માટે તેમની સ્થાનિક જરૂરિયાત મુજબ કસ્ટમાઈઝ કરી શકાય તેમ છે. આજની આ કોન્કલેવમાં તમને ઘણી બધી ટેકનિકલ વિગતો પ્રાપ્ત થશે. મને વિશ્વાસ છે કે તમે ચર્ચાની શરૂઆત માટે આતુર છો તેથી મારી ઉત્તમ શુભેચ્છાઓ પાઠવીને સમાપન કરૂં છું. ‘વન અર્થ, વન હેલ્થ’ ના અભિગમથી દોરાઈને માનવજાત ચોક્કસપણે આ મહામારીમાંથી બહાર આવશે.
આપનો આભાર,
આપ સૌનો ખૂબ ખૂબ આભાર.
SD/GP/BT
(Release ID: 1732840)
Visitor Counter : 433
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam