પ્રધાનમંત્રીનું કાર્યાલય

વિશ્વ કોવિડ 19નો મુકાબલો કરે એ માટે ભારતે કોવિન પ્લેટફોર્મને ડિજિટલ જાહેર વસ્તુ તરીકે આગળ ધરતા પ્રધાનમંત્રીએ કોવિન વૈશ્વિક સંમેલનને સંબોધન કર્યું


કોવિન પ્લેટફોર્મને મુક્ત સ્ત્રોત (ઓપન સોર્સ) બનાવાઇ રહ્યું છે, કોઇને પણ અને તમામ દેશોને ઉપલબ્ધ રહેશે: પ્રધાનમંત્રી

20 કરોડ વપરાશકારો સાથે, ‘આરોગ્ય સેતુ’ એપ ડેવલપર્સ માટે તૈયાર ઉપલબ્ધ પૅકેજ છે: પ્રધાનમંત્રી

સો વર્ષોમાં આવી મહામારી આવી નથી અને કોઇ પણ દેશ, ગમે એટલો શક્તિશાળી કેમ ન હોય, આના જેવા પડકારને એકલો ઉકેલી ન શકે: પ્રધાનમંત્રી

આપણે સાથે મળી કામ કરવું જ રહ્યું અને સાથે મળી આગળ વધવું જ રહ્યું: પ્રધાનમંત્રી

ભારતે તેની રસીકરણની વ્યૂહરચના ઘડતી વખતે સંપૂર્ણ ડિજિટલ અભિગમ અપનાવ્યો છે: પ્રધાનમંત્રી


સલામત અને વિશ્વાસપાત્ર પુરાવો લોકોને એ સ્થાપિત કરવામાં મદદ કરે છે કે એમને ક્યારે, ક્યાં અને કોના દ્વારા રસી અપાઈ છે: પ્રધાનમંત્રી
ડિજિટલ અભિગમ રસીકરણના વપરાશને શોધવામાં અને બગાડ ઓછામાં ઓછો થાય એમાં પણ મદદ કરે છે: પ્રધાનમંત્રી

‘એક વિશ્વ, એક આરોગ્ય’ના અભિગમ દ્વારા માર્ગદર્શિત માનવજાત ચોક્કસપણે આ મહામારીને હરાવશે: પ્રધાનમંત્રી

Posted On: 05 JUL 2021 3:18PM by PIB Ahmedabad

વિશ્વને કોવિડ 19નો મુકાબલો કરવા માટે ભારતે એનું કોવિન પ્લેટફોર્મ ડિજિટલ જાહેર વસ્તુ તરીકે આગળ ધર્યું છે ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કોવિન વૈશ્વિક સંમેલનને સંબોધન કર્યું હતું.

તમામ દેશોમાં મહામારીને કારણે જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવીને પ્રધાનમંત્રીએ શરૂઆત કરી હતી. પ્રધાનમંત્રીએ ધ્યાનપૂર્વક અવલોકન કરતા કહ્યું કે સો વર્ષોમાં આવી કોઇ મહામારી આવી નથી અને કોઇ પણ દેશ, પછી ગમે એટલો શક્તિશાળી કેમ ન હોય, આ પ્રકારના પડકારને એકલો- આઇસોલેશનમાં રહીને ઉકેલી શકે નહીં. ‘કોવિડ-19 મહામારીમાંથી સૌથી મોટો પાઠ જ એ છે કે માનવજાત માટે અને માનવજાતના કાજે, આપણે ભેગા મળીને કામ કરવું જ રહ્યું અને ભેગા મળીને આગળ વધવું જ રહ્યું. આપણે એકમેકમાંથી શીખવું જ પડશે અને આપણી શ્રેષ્ઠ પદ્ધતિઓ વિશે એકમેકને માર્ગદર્શન આપવું પડશે’ એમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.

 

અનુભવો, નિપુણતા અને સંસાધનો વૈશ્વિક સમુદાયને વહેંચવા માટે ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મૂકતા, પ્રધાનમંત્રીએ વૈશ્વિક પદ્ધતિઓમાંથી શીખવા માટે ભારતની આતુરતા પણ વ્યક્ત કરી હતી. મહામારી સામેની લડાઈમાં ટેકનોલોજીના મહત્ત્વ પર ભાર મૂકતા, શ્રી મોદીએ કહ્યું હતું કે સોફ્ટવેર એક એવું ક્ષેત્ર છે જ્યાં સંસાધનોની કોઇ મર્યાદા નથી. અને એટલે જ ભારતે એની કોવિડ ટ્રેકિંગ અને ટ્રેસિંગ એપને ટેકનિકલી વ્યવહારૂ બન્યું કે તરત જ ઓપન સોર્સ- ખુલ્લા સ્ત્રોતની બનાવી હતી. તેમણે ધ્યાન દોર્યું હતું કે આશરે 20 કરોડ (200 મિલિયન) વપરાશકારો સાથે, ‘આરોગ્ય સેતુ’એપ ડેવલપર્સ માટે તૈયાર રીતે ઉપલબ્ધ સંસાધન છે. ભારતમાં એનો વપરાશ થઈ રહ્યો છે એટલે, પ્રધાનમંત્રીએ વૈશ્વિક શ્રોતાઓને કહ્યું કે તમે આશ્વસ્ત રહી શકો કે ઝડપ અને વ્યાપ માટે તે ખરા વિશ્વમાં કસોટી પર પાર ઉતરેલી છે.

 

પ્રધાનમંત્રીએ કહ્યું કે રસીકરણના મહત્ત્વને જોતા, ભારતે એની રસીકરણની વ્યૂહરચના ઘડતી વખતે સંપૂર્ણ ડિજિટલ અભિગમ અપનાવવાનું નક્કી કર્યું હતું. આનાથી લોકોને એ સાબિત કરવામાં મદદ મળે છેકે તેમનું રસીકરણ થઈ ગયું છે, મહામારી પશ્ચાતના વૈશ્વિકૃત વિશ્વમાં રાબેતાની સ્થિતિ ઝડપથી આવે છે. એક સલામત, સુરક્ષિત અને વિશ્વાસપાત્ર પુરાવો લોકોને એ સ્થાપિત કરવામાં મદદરૂપ થાય છે કે તેમને ક્યારે, ક્યાં અને કોના દ્વારા રસી અપાઇ હતી. ડિજિટલ અભિગમ રસીકરણના વપરાશને શોધવામાં અને એના બગાડને બને એટલો ઓછો કરવામાં પણ મદદરૂપ થાય છે.

 

સમગ્ર વિશ્વને એક પરિવાર ગણવાની ભારતની જીવનદ્રષ્ટિને સુસંગત, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે કોવિડ રસીકરણ પ્લેટફોર્મ કોવિનને ઓપન સોર્સ બનાવવા તૈયાર કરાઇ રહ્યું છે. જલદી તે કોઇને પણ અને તમામ દેશોને ઉપલબ્ધ બનશે.

 

શ્રી મોદીએ ભાર મૂક્યો હતો કે આજનું આ સંમેલન, આ પ્લેટફોર્મને વૈશ્વિક શ્રોતાજનો સમક્ષ રજૂ કરવાનું પહેલું સોપાન છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે કોવિન મારફત, ભારતે કોવિડ રસીઓના 35 કરોડ (350 મિલિયન) ડૉઝીસ આપ્યા છે જેમાં થોડા દિવસો અગાઉ, એક જ દિવસમાં, 90 લાખ (9 મિલિયન) ડૉઝીસ અપાયા એનો સમાવેશ થાય છે. વધુમાં, રસીકરણ મેળવી ચૂકેલા લોકોએ કઈ પણ સાબિત કરવા માટે, ફાટી જાય એવા નાજુક કાગળિયાં લઈને ફરવાની જરૂર નથી. એ બધું જ ડિજિટલ સ્વરૂપમાં પ્રાપ્ય છે. પ્રધાનમંત્રીએ રસ ધરાવતા દેશોની સ્થાનિક જરૂરિયાતો મુજબ આ સોફ્ટવેરની કસ્ટમાઈઝ થઈ શક્વાની ક્ષમતા પણ ઉજાગર કરી હતી. પ્રધાનમંત્રીએ એવી આશા સાથે સમાપન કર્યું હતું કે ‘એક વિશ્વ, એક આરોગ્ય’ના અભિગમ દ્વારા માર્ગદર્શિત માનવજાત ચોક્કસપણે આ મહામારીને હરાવશે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1732836) Visitor Counter : 418