ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આજે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં અમદાવાદના સિંધુભવન માર્ગ ખાતે વૃક્ષારોપણ કરતાં શહેરમાં નવ અલગ અલગ સ્થળોએ વૃક્ષારોપણના કાર્યક્રમની શરૂઆત કરી


વૃક્ષમ્ રક્ષતિ રક્ષિતઃ - આપણે પર્યાવરણનું રક્ષણ કરીશું, તો પર્યાવરણ આપણું રક્ષણ કરશે

વૃક્ષારોપણ કાર્યક્રમ નાનો હોય છે, પરંતુ તેની અસર અને પરિમાણ બંને એટલા વ્યાપક હોય છે કે આવનારી કેટલીયે પેઢીઓને સ્વસ્થ અને લાંબુ આયુષ્ય પ્રદાન કરી શકે છે

જો વૃક્ષનું ધ્યાન નહીં રાખવામાં આવે તો પૃથ્વીનું અસ્ત્તિત્વ જ જોખમમાં આવી જશે.

દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધારવા માટે અભિયાન શરૂ કર્યું છે અને સૌર ઉર્જા, પવન ઉર્જા સહિત અનેક અભિયાન શરૂ કર્યાં છે.

છેલ્લાં સાત વર્ષોમાં ભારતે સૌર ઉર્જા અને પવન ઉર્જાના ક્ષેત્રમાં ઘણું કામ કર્યું છે અને દુનિયાના પ્રથમ પાંચ ક્રમમાં પોતાનું સ્થાન બનાવ્યું છે

પર્યાવરણનું આપણે જતન કરીશું તો પર્યાવરણ આપણું જતન કરશે - આ પ્રાચીન ભારતીય સંસ્કૃતિની શિખામણ શ્રી નરેન્દ્ર મોદીએ પોતાનાં કાર્યો, નીતિઓ અને પોતાના પરિશ્રમ દ્વારા પ્રસ્થાપિત કરી છે

Posted On: 22 JUN 2021 4:26PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે આજે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં અમદાવાદના સિંધુભવન માર્ગ ખાતે વૃક્ષારોપણ કરતા શહેરમાં વિવિધ નવ સ્થળોએ વૃક્ષારોપણ કાર્યક્રમની શરૂઆત કરી. પ્રસંગે શ્રી અમિત શાહે જણાવ્યું કે વૃક્ષારોપણના કાર્યક્રમનું કદ ભલે નાનું હોય છે, પરંતુ તેની અસર અને પરિમાણ બંને એટલા વ્યાપક હોય છે કે આવનારી કેટલીય પેઢીઓને તે સ્વસ્થ અને લાંબું આયુષ્ય પ્રદાન કરવા માટે કારણભૂત બને છે. જો વૃક્ષનું ધ્યાન નહીં રાખવામાં આવે તો પૃથ્વીનું અસ્તિત્ત્વ જોખમમાં આવી જશે.

શ્રી અમિત શાહે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધારવા માટે અભિયાન શરૂ કર્યું અને સૌર ઉર્જા, પવન ઉર્જા સહિત અનેક અભિયાન શરૂ કર્યાં છે. શ્રી શાહે ઉમેર્યું કે છેલ્લાં સાત વર્ષમાં ભારતે સૌર ઉર્જા અને પવન ઉર્જા ક્ષેત્રે ઘણું કામ કર્યું છે, જેનાથી તે વિશ્વમાં ટોચનું પાંચમું સ્થાન હાંસલ કરી શક્યો છે.

શ્રી શાહે કહ્યું કે શ્રી નરેન્દ્ર મોદીએ દેશના 14 કરોડ લોકો સુધી રાંધણ ગેસનાં સિલિન્ડર્સ પહોંચાડીને પર્યાવરણની રક્ષા કરવાનું કામ કર્યું છે. સાથે સાથે મોટી માત્રામાં વીજળીની બચત કરતાં બલ્બોનું વિતરણ પણ મોદી સરકારે કર્યું છે.

શ્રી શાહે જણાવ્યું કે પર્યાવરણનું આપણે જતન કરીશું, તો પર્યાવરણ આપણું જતન કરશે - પ્રાચીન ભારતીય સંસ્કૃતિની શિખામણને શ્રી નરેન્દ્ર મોદીએ પોતાનાં કાર્યો, નીતિઓ અને પોતાના પરિશ્રમથી પ્રસ્થાપિત કરી છે. આપણે ત્યાં ઉપનિષદોમાં પણ અનેક સ્થાને વૃક્ષોનું મહાત્મ્ય કરવામાં આવ્યું છે.

શ્રી અમિત શાહે આહ્વાન કર્યું કે અમદાવાદને ફક્ત ભારત નહીં, વિશ્વભરનું સૌથી વધુ ગ્રીન કવરેજ ધરાવતું શહેર બનાવવાનું લક્ષ રાખવું જોઈએ અને તે સંભવ છે. શ્રી શાહે કહ્યું કે તાજેતરમાં આવેલા વાવાઝોડાથી શહેરમાં 5000 વૃક્ષ ધરાશાયી થઈ ગયા, તેની સામે શહેરના વહીવટી તંત્રએ વૃક્ષારોપણનું લક્ષ 10 લાખથી વધારીને 15 લાખ કરવાનું પ્રશંસનીય કાર્ય કર્યું છે. શ્રી શાહે જણાવ્યું કે ત્રણ - ચાર પેઢીઓ સુધી ઓક્સિજન આપી શકે એવાં વૃક્ષો વાવવાના પ્રયાસ કરવા જોઈએ.

શ્રી અમિત શાહે કાર્બન ડાયોક્સાઈડ અને કાર્બન મોનોક્સાઈડથી ઓઝોનના સ્તરને થઈ રહેલા નુકસાનને ઘટાડવાની સાથે સાથે પિપળો, વડ, લીમડો, જાંબુ વગેરે જેવાં વૃક્ષો વાવવાની વાત કરી. વૃક્ષોના ઔષધિય ગુણોના ફાયદા જણાવતા શ્રી શાહે કહ્યું કે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં 11 લાખથી વધુ વૃક્ષોને જીવંત રાખવાનો સંકલ્પ લેવાાં આવ્યો છે, જે માટે તમામ કાર્યકર્તાઓ અને નાગરિકોએ કામ કરવું પડશે.

શ્રી શાહે કહ્યું કે કોરોનાની વિકટ પરિસ્થિતિમાં સમગ્ર વિશ્વની સાથે સાથે ભારત પણ અનેક મુસીબતોનો સામનો કરી રહ્યો છે. કેટલાયે લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં દેશભરમાં 18 વર્ષથી વધુ વય ધરાવતા તમામ નાગરિકો માટે વિનામૂલ્યે રસીકરણનું અભિયાન શરૂ કરાયું છે, આપણે એક-એક કરીને તમામે રસીકરણ કરાવવું જોઈએ. શ્રી શાહે તમામ નાગરિકોને એવો સંકલ્પ લેવા આહ્વાન કર્યું કે પ્રત્યેક વ્યક્તિ, પોતે જ્યાં રહી રહ્યા છે, ત્યાં તમામ લોકો રસી લે તેવી વ્યવસ્થા કરે.  

વૃક્ષારોપણ કાર્યક્રમમાં અમદાવાદના મેયર, અમદાવાય મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શહેર અધ્યક્ષ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત હતા.

SD/GP/JD

 



(Release ID: 1729474) Visitor Counter : 229