મંત્રીમંડળ

મંત્રીમંડળે ભારતીય રેલવેને 700 MHz બેન્ડમાં 5 MHzની ફાળવણીને મંજૂરી આપી


ટ્રેનોના પરિચાલનમાં સલામતી અને સુરક્ષામાં વધારો કરવામાં મદદરૂપ થશે

રેલવેના પરિચાલન અને સલામતીમાં વ્યૂહાત્મક પરિવર્તન લાવે છે

લૉકૉ પાઇલટ્સ અને ગાર્ડ્સ વચ્ચે વિના અવરોધે કમ્યુનિકેશન સુનિશ્ચિત કરે છે અને તેથી સલામતીમાં વધારો થાય છે

પરિચાલન, સલામતી અને સુરક્ષા ઉપકરણો માટે સુરક્ષિત ધ્વનિ, વીડિયો અને ડેટા કમ્યુનિકેશન સેવા પૂરી પાડે છે

કુલ પરિયોજનાનું અંદાજિત રોકાણ રૂ. 25,000 કરોડ કરતાં વધારે છે

આગામી 5 વર્ષમાં પરિયોજનાનું કામ પૂર્ણ કરવામાં આવશે

આ ઉપરાંત, રેલવેએ ટ્રેન કોલિએશન અવોઇડન્સ સિસ્ટમને મંજૂરી આપી જે સ્વદેશમાં જ વિકસાવવામાં આવી છે અને તેનાથી ટ્રેનો વચ્ચેની ટક્કર ટાળવામાં મદદ મળશે જેથી મુસાફરોની સલામતી સુનિશ્ચિત થઇ શકશે

Posted On: 09 JUN 2021 4:12PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 'આત્મનિર્ભર ભારત' મિશનને વધુ વેગવાન બનાવવાની દિશામાં એક પગલું લઇને 700 MHz આવૃત્તિ બેન્ડમાં ભારતીય રેલવેને 5 MHz સ્પેક્ટ્રમની ફાળવણીને મંજૂરી આપી છે. સ્ટેશનો અને ટ્રેનોમાં લૉકૉની સલામતી અને સુરક્ષામાં વધારો કરવા માટે આ મંજૂરી આપવામાં આવી છે.

આ સ્પેક્ટ્રમ સાથે, ભારતીય રેલવે પોતાના માર્ગો પર મોબાઇલ ટ્રેન રેડિયો કમ્યુનિકેશન આધારિત LTE (લાંબા ગાળાનો વિકાસ) પ્રદાન કરવાની કલ્પના રાખે છે. આ પરિયોજનામાં કુલ અંદાજિત રોકાણની રકમ રૂ. 25,000 કરોડ કરતાં વધારે છે. આ પરિયોજનાનું કામ આગામી 5 વર્ષમાં પૂરું કરવામાં આવશે.

આ ઉપરાંત, ભારતીય રેલવે દ્વારા TCAS (ટ્રેન કોલિએશન અવોઇડન્સ સિસ્ટમ)ને પણ મંજૂરી આપવામાં આવી છે. સ્વદેશમાં વિકસાવવામાં આવેલી આ ATP (સ્વયંચાલિત ટ્રેન સુરક્ષા) સિસ્ટમથી ટ્રેનો વચ્ચે થતી ટક્કરો ટાળવામાં મદદ મળી રહેશે અને તેના પરિણામ સ્વરૂપે અકસ્માતો ઘટશે અને મુસાફરોની વધુ સલામતી સુનિશ્ચિત થશે.

તે રેલવેના પરિચાલન અને જાળવણીના કાર્યોમાં વ્યૂહાત્મક પરિવર્તન લાવે છે. તેનાથી સલામતી વધારવામાં અને વર્તમાન માળખાકીય સુવિધાઓનો ઉપયોગ કરીને વધુ ટ્રેનો દોડાવવાની લાઇન ક્ષમતામાં વધારો કરવામાં મદદ મળી રહેશે. આધુનિક રેલવે નેટવર્કના પરિણામરૂપે પરિવહન ખર્ચમાં ઘટાડો આવશે અને ઉચ્ચ કાર્યદક્ષતા પ્રાપ્ત થશે. તેમજ, તેનાથી 'મેક ઇન ઇન્ડિયા' મિશન પૂરું કરવા માટે અને રોજગારી સર્જન માટે બહુરાષ્ટ્રીય કંપનીઓને ભારતમાં પોતાના વિનિર્માણ એકમો ઉભા કરવા માટે આકર્ષી શકાશે.

ભારતીય રેલવે માટે LTEનો ઉદ્દેશ પરિચાલન, સલામતી અને સુરક્ષા ઉપકરણો માટે સુરક્ષિત અને ભરોસાપાત્ર ધ્વનિ, વીડિયો અને ડેટા કમ્યુનિકેશન સેવાઓ પ્રદાન કરવાનો છે. આધુનિક સિગ્નલિંગ અને ટ્રેન સુરક્ષા પ્રણાલીઓ માટે તેનો ઉપયોગ કરવામાં આવશે અને તેનાથી લૉકૉ પાઇલટ તેમજ ગાર્ડ્સ વચ્ચે વિના અવરોધે કમ્યુનિકેશન સુનિશ્ચિત થઇ શકશે. તે કાર્યદક્ષ, સલામત અને ઝડપી ટ્રેન પરિચાલન સુનિશ્ચિત કરવા માટે ખાસ કરીને કોચ, વેગન અને લૉકૉ તેમજ CCTVકેમેરા દ્વારા આપવામાં આવતા લાઇવ વીડિયો સહિત ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) આધારિત રીમોટ એસેટ મોનિટરિંગ પણ સક્ષમ કરશે.

ભારતીય ટેલિકોમ નિયામક સત્તામંડળ દ્વારા કરવામાં આવેલી ભલામણ અનુસાર રોયલ્ટી ચાર્જ અને કેપ્ટિવ ઉપયોગ માટે લાઇસન્સ ફી માટે ટેલિકોમ્યુનિકેશન્સ વિભાગ દ્વારા સૂચવવામાં આવેલી ફોર્મ્યુલાના આધારે સ્પેક્ટ્રમ ચાર્જ લેવામાં આવે તેવી સંભાવના છે.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1725660) Visitor Counter : 276