ગૃહ મંત્રાલય

કેન્દ્રના ગૃહમંત્રી શ્રી અમિત શાહે ઓડિશા, પશ્વિમ બંગાળ અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીઓ તથા આંદામાન એન્ડ નિકોબાર ટાપુના લેફ્ટ. ગવર્નર સાથે ‘યાસ’ વાવાઝોડા અંગે સમીક્ષા કરી


શ્રી અમિત શાહે ખાસ સમીક્ષા કરીને રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટીતંત્રને તમામ કોવિડ-19 હોસ્પિટલ, લેબોરેટરીઓ, વેક્સિન કોલ્ડ ચેઇન્સ તથા અન્ય આરોગ્યના સાધનો હોય ત્યાં વીજ પુરવઠાના પર્યાપ્ત બેક અપની વ્યવસ્થા કરવા પર ભાર મૂક્યો હતો

કેન્દ્રીયન ગૃહમંત્રીએ પશ્વિમ બંગાળ, ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં આવેલા વિવિધ ઓક્સિજન ઉત્પાદક પ્લાન્ટ પર વાવાઝોડાની અસર અંગે પણ સમીક્ષા કરી

રાજ્ય સરકારોને ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટની સુરક્ષાની ખાતરી કરવાનું કહેવાયું

માછીમારોને દરિયામાંથી પરત લાવવા તથા નીચાણવાળા પ્રદેશો અને જોખમી હોય તેવા પ્રદેશોમાંથી લોકોનું સ્થળાંતર સુનિશ્ચિત કરાવવા માટે રાજ્ય સરકારો તથા કેન્દ્રશાસિત પ્રદેશોની તૈયારીઓ અંગે પણ શ્રી અમિત શાહે સમીક્ષા કરી

કેન્દ્રીય ગૃહમંત્રીએ વીજ પુરવઠો તથા ટેલિકમ્યુનિકેશન સેવાની સલામતી તથા તેના સમયસરના પુનઃસ્થાપન સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો

શ્રી અમિત શાહે તમામ સંબંધિત રાજ્યો તથા આંદામાન એન્ડ નિકોબારના કેન્દ્રશાસિત પ્રદેશને કેન્દ્ર સરકાર તથા તેની તમામ એજન્સી તરફથી સહકારની ખાતરી આપી હતી

Posted On: 24 MAY 2021 2:05PM by PIB Ahmedabad

બંગાળના દરિયાકાંઠે સર્જાનારા યાસ વાવાઝોડાને કારણે સર્જાનારી પરિસ્થિતિને પહોંચી વળવા માટે હાથ ધરાયેલી તૈયારીઓ તથા લેવાનારા પગલા અંગે કેન્દ્રના ગૃહમંત્રી શ્રી અમિત શાહે આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ઓડિશા, પશ્વિમ બંગાળ અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીઓ તથા આંદામાન એન્ડ નિકોબારના લેફ્ટ. ગવર્નર ઉપરાંત કેન્દ્રીય મંત્રાલય અને વિવિધ સરકારી એજન્સીઓ સાથે એક બેઠક યોજીને સમીક્ષા કરી હતી. અગાઉ ગઈકાલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજ્યા બાદ આજે શ્રી અમિત શાહે આવનારા વાવાઝોડા અંગે સમીક્ષા હાથ ધરી હતી.
 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001DIMK.jpg


શ્રી અમિત શાહે ખાસ સમીક્ષા કરીને રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટીતંત્રને તમામ કોવિડ-19 હોસ્પિટલ, લેબોરેટરીઓ, વેક્સિન કોલ્ડ ચેઇન્સ તથા અન્ય આરોગ્યના સાધનો હોય ત્યાં વીજ પુરવઠાના પર્યાપ્ત બેક અપની વ્યવસ્થા કરવા પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત તેમણે વાહનોની અવરજવર ખોરવાઈ શકે છે તે બાબતને ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાં જરૂરી એવી તમામ મેડિસીન અને તેના પુરવઠાની ખાતરી કરવાની સલાહ આપી હતી. વાવાઝોડાને કારણે આરોગ્ય સવલતો અને કામચલાઉ હોસ્પિટલને અસર પડી શકે છે તે બાબતને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે સલાહ આપી હતી કે જરૂર પડે તો દર્દીઓનું અગાઉથી જ સ્થળાંતર કરીને નાગરિકોના જીવનની સલામતી માટે પર્યાપ્ત વ્યવસ્થા કરવી. કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે પશ્ચિમી દરિયા કાંઠે આ પ્રકારના આગોતરા પગલાં લેવાથી આરોગ્ય સવલતો પર વાવાઝોડાની માઠી અસર પડશે નહીં.

કેન્દ્રના ગૃહમંત્રીએ પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોમાં આવેલા ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટ પર વાવાઝોડાની અસર અંગે પણ સમીક્ષા કરી હતી. તેમણે બે દિવસ માટે ઓક્સિજનના ઓક્સિજનનો પુરવઠો કરી લેવા તથા આ રાજ્યોમાં ઓક્સિજન ટેન્કરની હેરફેર માટે આગોતરી યોજના ઘડી કાઢવાની પણ સલાહ આપી હતી જેથી પુરવઠો ખોરવાઈ જાય તેવા સંજોગોમાં આ રાજ્યોમાં ઓક્સિજનની અછત પડે નહીં. શ્રી અમિત શાહે રાજ્ય સરકારોને ઓક્સિજન જનરેશન પ્લાન્ટની સુરક્ષા સુનિશ્ચિત કરવા કહ્યું હતું. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે પાવર પ્લાન્ટની સુરક્ષા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવે જેથી હોસ્પિટલ તથા વિવિધ આરોગ્ય કેન્દ્રને અવિરતપણે વીજ પુરવઠો મળતો રહે.

તમામ શિપિંગ અને માછીમારીની વેસલ્સની સુરક્ષા તથા તમામ બંદરો અને આ પ્રાંતના ઓઇલ કેન્દ્રોની સુરક્ષા અંગે પણ આ બેઠકમાં મંત્રણા કરવામાં આવી હતી.  આ અંગે માછીમારોને દરિયામાંથી પરત લાવવા તથા નીચાણવાળા પ્રદેશો અને જોખમી હોય તેવા પ્રદેશોમાંથી લોકોનું સ્થળાંતર સુનિશ્ચિત કરાવવા માટે રાજ્ય સરકારો તથા કેન્દ્રશાસિત પ્રદેશોની તૈયારીઓ અંગે પણ શ્રી અમિત શાહે સમીક્ષા કરી હતી. શ્રી અમિત શાહે માછીમારો તથા અન્યોમાં જાગૃતિ લાવવા માટે મોબાઇલ ફોન, ટેલિવિઝન, સોશિયલ મીડિયા તથા ગ્રામ પંચાયતો મારફતે સ્થાનિક ભાષામાં સંદેશાનું પ્રસારણ કરવાની પણ તાકીદ કરી હતી. ઓડિશામાં અમલી છે તે રીતે હોમ ગાર્ડ, એનસીસી અને નાગરિક સંરક્ષણના સ્વયંસેવકોને પ્રજાનું સ્થળાંતર કરાવવામાં મદદ માટે એકત્રિત કરવાની શ્રી અમિત શાહે સલાહ આપી હતી.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00263FZ.jpg


કેન્દ્રીય ગૃહમંત્રીએ વીજ પુરવઠો તથા ટેલિકમ્યુનિકેશન સેવાની સલામતી તથા તેના સમયસરના પુનઃસ્થાપન સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે રાજ્ય સરકારો તથા આંદામાન એન્ડ નિકોબારના કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટીતંત્રને જોખમી સ્થળોએ માનવીય મદદ, જરૂરી સાધનો તથા ચીજવસ્તુઓ તહેનાત કરવા તથા આગોતરા પ્લાનિંગ કરવાની સલાહ આપી હતી. વાવાઝોડા દરમિયાન વીજ લાઇનની સુરક્ષાની જરૂરિયાત તથા કોઈ નુકસાન થાય તેવા સંજોગોમાં સત્વરે તેનું પુનઃજોડાણ થાય તે માટે યોજનાની જરૂરિયાત પર શ્રી અમિત શાહે ભાર મૂક્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારે મોટા વૃક્ષોને સમયસર કાપી નાખવાથી પણ નુકસાન ઘટાડવામાં મદદ મળશે. શ્રી અમિત શાહે રાજ્ય સરકારો તથા આંદામાન એન્ડ નિકોબાર ટાપુના કેન્દ્રશાસિત પ્રદેશને ભારતીય હવામાન વિભાગ સાથે તેમની આગોતરી ચેતવણી તથા હવામાનના તાજા વરતારા માટે સંપર્કમાં રહેવાની તાકીદ કરી હતી.

શ્રી અમિત શાહે તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશને કેન્દ્ર સરકાર તથા તેની એજન્સી તરફથી સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી અને વરિષ્ઠ અધિકારીઓને આ અંગે આદેશ પણ આપી દીધા હતા. તેમણે જણાવ્યું હતું કે આ પરિસ્થિતિનો સામનો કરવા માટે બંને સરકારી અને ખાનગી સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરવો જોઇએ. કેન્દ્રના ગૃહમંત્રીએ એ બાબતનો પુનરોચ્ચાર કર્યો હતો કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વ઼પણ હેઠળ ભારત આ વાવાઝોડાનો સફળતાપૂર્વક સામનો કરવા સક્ષમ છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે એમએચએ ખાતે એક 24X7 નો કન્ટ્રોલ રૂમ કાર્યરત છે જેનો રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો કોઈ પણ સમયે સંપર્ક કરી શકે છે. તેમણે જણાવ્યું હતું કે ભારતીય કોસ્ટ ગાર્ડ. નૌકાદળ, લશ્કર અને એરફોર્સના એકમોને સ્ટેન્ડ બાય તરીકે સજ્જ રખાયા છે અને સર્વેલન્સ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરે એરિયલ સોર્ટી  હાથ ધરી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003OKFD.jpg

 

ઓડિશાના મુખ્યમંત્રીએ આ બેઠક યોજવા બદલ અને તેમની પૂર્વતૈયારીના પ્રયાસમાં રાજ્ય સરકારોને સહકાર આપવા બદલ કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો. આ વાવાઝોડાનો સામનો કરવા માટે ઓડિશા સરકાર તરફથી તમામ જરૂરી પગલા લેવાની પણ ઓડિશાના મુખ્ય મંત્રીએ ખાતરી આપી હતી. પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રીએ પણ પ્રજાના જાનમાલને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે જરૂરી તમામ પગલા ભરવાની ખાતરી આપી હતી અને આ માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે સજ્જ છે તેવી પણ ખાતરી આપી હતી. આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રીએ પણ કેન્દ્ર સરકારનો આભાર માનીને અગમચેતીના તમામ પગલાં ભરવાની ખાતરી આપી હતી. આંદામાન એન્ડ નિકોબારના લેફ્ટ. ગવર્નરે કેન્દ્રના ગૃહ મંત્રીને એવી માહિતી આપી હતી કે તેમના ટાપુ પર વાવાઝોડાની ઘણી ઓછી અથવા તો નહીંવત અસર પડશે.

આ બેઠકમાં રાજ્યકક્ષાના ગૃહ મંત્રી શ્રી નિત્યાનંદ રાય, ગૃહ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, ઉર્જા, ટેલિકમ્યુનિકેશન્સ, માર્ગ પરિવહન અને હાઇવે, પોર્ટ શિપિંગ અને વોટરવે, પેટ્રોલિયન અને કુદરતી ગેસ મંત્રાલયના કેબિનેટ સચિવ અને સચિવો, એનડીએમએ, સીઆઇએસસી, ડિફેન્સ સ્ટાફના સદસ્યો, આઇએમડી, કોસ્ટ ગાર્ડ અને એનડીઆરએફના  ડાયરેક્ટર જનરલ અને સંબંધિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના અગ્ર સચિવ તથા વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

SD/GP/JD
 



(Release ID: 1721294) Visitor Counter : 262