માનવ સંસાધન વિકાસ મંત્રાલય
ધો. 12ની પરીક્ષાઓ અને વ્યવસાયિક અભ્યાસક્રમોની પ્રવેશ પરીક્ષાઓ યોજવાની ચર્ચા કરવા કેન્દ્રીય સંરક્ષણ મંત્રીએ રાષ્ટ્રીય પરામર્શની અધ્યક્ષતા કરી
વિદ્યાર્થીઓની સલામતી અને શૈક્ષણિક કલ્યાણ અને શિક્ષણ પ્રણાલિની સરળ કામગીરી સુનિશ્ચિત કરવા સમગ્ર દેશ એક થયો છે- શ્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’
Posted On:
23 MAY 2021 5:51PM by PIB Ahmedabad
ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા આજે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના શિક્ષણ પ્રધાનો સાથે એક રાષ્ટ્રીય પરામર્શનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરામર્શની અધ્યક્ષતા કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે કરી હતી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’, કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ અને ટેક્સ્ટાઇલ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઝુબિન ઇરાની, કેન્દ્રીય વન અને પર્યાવરણ અને આબોહવા પરિવર્તન અને માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકર અને કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી સંજય ધોત્રે, ઉચ્ચ શિક્ષણ સચિવ શ્રી અમિત ખરે; શાળા શિક્ષણ સચિવ શ્રીમતી અનિતા કરવલ અને મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ આ મીટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા.
મંચને ચર્ચા માટે ખુલ્લો મૂકતા શિક્ષણ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’એ આજની મીટિંગમાં હાજર રહેલા કૅબિનેટ પ્રધાનોનો આ મીટિંગમાં ઉપસ્થિતિ બદલ અને આ સલાહમસલતો સુધી દોરી જનારી પ્રાથમિક ચર્ચાઓમાં એમના વ્યાપક સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રીના અધ્યક્ષ સ્થાને નવ કૅબિનેટ પ્રધાનો અને વરિષ્ઠ અધિકારીઓ સાથે ધોરણ 12 માટે બૉર્ડ પરીક્ષાઓ અને ઑલ ઈન્ડિયા એન્ટ્રન્સ એક્ઝામ્સ યોજવા વિશે 21મી મેના રોજ એક ઉચ્ચ સ્તરીય મીટિંગ યોજવામાં આવી હતી. પ્રધાનશ્રીએ સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહનો સમય ફાળવવા બદલ અને પરીક્ષાઓ સંબંધે મૂલ્યવાન સૂચનો કરવા બદલ આભાર માન્યો હતો. તેમણે આ મીટિંગમાં ઉપસ્થિત રહેવા બદલ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી, કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રીનો પણ આભાર માન્યો હતો. શિક્ષણ મંત્રીશ્રીએ ભારત સરકારની પ્રથમ અગ્રતા તરીકે બાળકોની સલામતી અને સુરક્ષા પ્રત્યે પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. પ્રધાને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની સલામતી અને શૈક્ષણિક કલ્યાણને સુનિશ્ચિત કરવા અને શિક્ષણ પ્રણાલિ સરળતાથી ચાલે એ માટે આખો દેશ એક થયો છે. તેમણે કહ્યું હતું કે કોવિડ-19 દ્વારા ઊભા થયેલા પડકારો છતાં શિક્ષણને સફળતાપૂર્વક ઓનલાઇન મોડમાં લાવવામાં સરકારે કોઇ કચાશ છોડી નથી. તેમણે કહ્યું હતું કે ઘરોને શાળાઓમાં તબદીલ કરી દેવાયા છે.
પ્રધાને વિદ્યાર્થીઓના ભવિષ્ય ઘડતર અને કારકિર્દી નક્કી કરવામાં ધોરણ 12ની બૉર્ડની પરીક્ષાઓ અને અખિલ ભારત પ્રવેશ પરીક્ષાઓની અગત્યતાની ચર્ચા કરી હતી. પ્રધાને જણાવ્યું હતું કે હાલના સંજોગોને ધ્યાનમાં રાખીને અમે સીબીએસઇની ધોરણ 10ની બૉર્ડની પરીક્ષાઓ રદ કરવાનું અને આંતરિક મૂલ્યાંકન દ્વારા મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું હતું પણ ધોરણ-12ની પરીક્ષાઓ વિદ્યાર્થીઓનું ભાવિ નક્કી કરવા માટે બહુ જ અગત્યની છે.
તેમણે કહ્યું હતું કે હાલના પડકારજનક સંજોગોમાં સલાહ મસલતની પ્રક્રિયા મારફત ઉપલબ્ધ વિવિધ વિકલ્પોને રાજ્ય બૉર્ડ્સ અને અન્ય પરીક્ષા એજન્સીઓ ચકાસી શકે એ માટે આ મીટિંગ બોલાવાઇ હતી. શ્રી પોખરિયાલે ખાતરી આપી હતી કે આજની મીટિંગમાં તમામ હિતધારકો સાથેની મસલતોથી પરીક્ષાઓ અંગે તમામ વિદ્યાર્થીઓના હિતમાં અનુકૂળ નિર્ણય પર પહોંચવામાં મદદ મળશે અને આપણા બાળકો માટે ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત થશે.
ચર્ચાઓ બે બાબતો પર યોજવામાં આવી હતી- સેન્ટ્રલ બૉર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન અને અન્ય રાજ્ય બૉર્ડ્સ દ્વારા યોજવામાં આવતી ધોરણ 12 માટે બૉર્ડની પરીક્ષાઓ અને વિવિધ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને વ્યવસાયિક અભ્યાસક્રમો માટે અખિલ ભારતીય પ્રવેશ પરીક્ષાઓ. રીત, પ્રક્રિયા, ગાળો અને પરીક્ષાના સમય બાબતે વિવિધ વિકલ્પો ચર્ચાયા હતા. વ્યાપક સર્વાનુમતિ હતી તેમ છતાં, એવું નક્કી કરવામાં આવ્યું હતું કે રાજ્યો અને કેન્દ્રીય શાસિત પ્રદેશોને આ બાબતે વધુ ચકાસણી કરવી હોય તો તેમણે 25મી મે, 2021 સુધીમાં એમના પ્રતિભાવો લેખિતમાં મોકલી આપવા.
આ મીટિંગમાં ઝારખંડ અને ગોવાના મુખ્ય મંત્રી, ઉત્તર પ્રદેશ અને દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી, રાજ્યોના શિક્ષણ પ્રધાનો, રાજ્યોના શિક્ષણ સચિવો, પરીક્ષા બૉર્ડ્સના ચેરપર્સંન્સ, ભારત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ અને શાળા શિક્ષણ વિભાગના સચિવો, સીબીએસઇ, યુજીસી અને એઆઇસીટીઇના ચેરમેન, એનટીએના ડીજી અને અન્ય કેટલાંક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મીટિંગનો ઉપસંહાર આપતા કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે પરીક્ષાઓ યોજવા માટે દરખાસ્તો પર પોતાના હકારાત્મક સૂચનો આગળ મૂકવા બદલ ભાગ લેનારા સૌનો આભાર પ્રગટ કર્યો હતો. તેમણે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એમના જો કોઇ પણ સૂચનો હોય તો શિક્ષણ મંત્રાલયને આ મંગળવાર એટલે કે 25મી મે સુધીમાં રજૂ કરવાની વિનંતી કરી હતી. મંત્રાલય આ તમામ સૂચનો પર વિચારણા કરશે અને જલદી આખરી નિર્ણય લેશે એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે પ્રતિપાદિત કર્યું હતું કે સરકારની અગ્રતા સલામત અને સુરક્ષિત વાતાવરણમાં તમામ પરીક્ષાઓ યોજવાની છે.
અગાઉ 14મી એપ્રિલે સેન્ટ્રલ બૉર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશને જાહેર કર્યું હતું કે ધોરણ 12ની પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે અને ધોરણ 12ની બૉર્ડની પરીક્ષાઓ બાબતે વધુ માહિતી પહેલી જૂન સુધીમાં વિદ્યાર્થીઓને આપવામાં આવશે. આ પરિપ્રેક્ષ્યમાં આજે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથેની પરામર્શ મીટિંગના પગલે, ભારત સરકાર આ સપ્તાહે વિવિધ રાજ્ય સરકારો તરફથી મળેલા સૂચનોને ચકાસશે અને આ બાબતે વધુ માહિતી વિદ્યાર્થીઓને પહેલી જૂન, 2021 સુધીમાં અથવા એ પહેલાં આપશે.
SD/GP/JD
(Release ID: 1721172)
Visitor Counter : 334