પ્રધાનમંત્રીનું કાર્યાલય

કોવિડ-19 વ્યવસ્થાપન અંગે રાજ્ય અને જિલ્લાના અધિકારીઓ સાથે સંવાદ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 18 MAY 2021 3:58PM by PIB Ahmedabad

સાથીઓ,

આપ સૌએ કોરોનાના બીજા વેવ સામે પહેલાંની સરખામણીએ ઘણો પરિશ્રમ કર્યો છે અને સતત કરી રહ્યા છો. તમારામાંથી કેટલાય લોકો એવા છે કે જેઓ પોતે કોરોના પોઝિટિવ હોવા છતાં પોતાના જિલ્લાઓમાં સ્થિતિ સંભાળવા માટે સતત કામ કરતાં રહ્યા છો. તેનાથી જિલ્લામાં અન્ય લોકોના ઉત્સાહમાં પણ વધારો થયો અને તમારામાંથી પ્રેરણા પણ મળી છે. ઘણા લોકો એવા છે કે જેઓ કેટ-કેટલાય દિવસો સુધી પોતાના ઘરે નહોતા જઈ શક્યા, પોતાના ઘરના લોકોને નહોતા મળી શક્યા. કેટલાય લોકોએ પોતાના પરિવારના મહત્વપૂર્ણ સભ્યો, પોતાના આત્મજનોને ગુમાવ્યા પણ છે. આ મુશ્કેલ સમયની વચ્ચે પણ તમે તમારા કર્તવ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. અત્યારે તમારામાંથી કેટલાય સાથીઓ સાથે તેમના અનુભવો સાંભળવાનો અવસર મને મળ્યો છે. આમ તો મારી સામે ઘણા લોકો છે. તો દરેક સાથે તો વાત કરવાનું શક્ય નથી બની શક્યું. પરંતુ દરેકની પાસે કઈં ને કઈં નવું હતું. કઈં ને કઈં નવીન હતું. અને પોતાની રીતે રસ્તાઓ શોધ્યા હતા. અને સફળતા માટે આ જ સૌથી મોટું કામ હોય છે કે તમે મૂળભૂત વિચારોને કેટલા સ્થાનિક બનાવીને સ્થાપિત કરીને તેનો ઉપયોગ કરો છો. કેટલાય સારા ઇનોવેટિવ રહ્યા છે. જે લોકોને આજે વાત કરવાનો અવસર નથી મળ્યો, તેમની પાસે પણ ઘણું બધુ હશે કહેવા માટે. મારો આપ સૌને આગ્રહ છે કે તમે કોઈપણ સંકોચ રાખ્યા વિના તમને લાગે છે કે જે વસ્તુ તમે સારી કરી છે, સરસ રીતે કરી છે, તે મને જરૂરથી લખીને મોકલી આપો. મારા સુધી પહોંચાડો. અને હું તેનો અન્ય જિલ્લાઓમાં ઉપયોગ કઈ રીતે કરી શકાય તેની જરૂરથી ચિંતા કરીશ. કારણ કે તમારી મહેનત તમારા નવાચાર તે દેશના પણ કામમાં આવવા જોઈએ. અને મને વિશ્વાસ છે કે આજે જેટલી વાતો મારી સામે આવી છે એવી બીજી ઘણી બધી વાતો છે. જે આપણને કામમાં આવશે. અને એટલા માટે હું તમારી રાહ જોઈશ કે તમે તમારી કેટલીક વસ્તુઓ વિષે જરૂરથી મને મેસેજ કરીને મારી સાથે વહેંચો. તમારા દરેક પ્રયાસની હું ખૂબ ખૂબ પ્રશંસા કરું છું, સરાહના કરું છું.

સાથીઓ,

આપણાં દેશમાં જેટલા જિલ્લાઓ છે, તેટલા જ જુદા જુદા પડકારો પણ છે. એક રીતે દરેક જિલ્લાના પોતાના જુદા જ પડકારો છે. તમે તમારા જિલ્લાના પડકારોને બહુ સારી રીતે સમજો છો. અને એટલા માટે જ્યારે તમારો જિલ્લો જીતે છે, તો તેનો અર્થ છે દેશ જીતે છે. જ્યારે તમારો જિલ્લો કોરોનાને હરાવે છે, તો દેશ કોરોનાને હરાવે છે. એટલા માટે જિલ્લાઓનો મિજાજ ગામડે ગામડે એ સંદેશ પહોંચે કે મારુ ગામ હું કોરોના મુક્ત રાખીશ, મારા ગામમાં હું કોરોનાને પ્રવેશ નહિ કરવા દઉં. એવો ગામના લોકો સંકલ્પ લે અને ગામના લોકો જે રીતે વ્યવસ્થા કરે છે, હું તો આશ્ચર્યચકિત હતો ગઈ વખતે જ્યારે આ સમયગાળો ચાલતો હતો અને ખબર નહોતી કે આ સ્થિતિમાં શું કરવાનું છે તેમ છતાં આપણે ગામડાઓમાં કૃષિ ક્ષેત્ર માટે કોઈ લોકડાઉન નહોતું લગાવ્યું. અને મજાની વાત એ છે કે ખેતરોમાં ગામના લોકો કામ કરતાં હતા તો ખેતરોમાં પણ સામાજિક અંતર જાળવીને ખેતીનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. ગઈ વખતે તમને યાદ હશે એટલે કે આપણાં ગામડાઓ કેટલા ઝડપથી સંદેશને પકડી પણ લે છે અને પોતાની જરૂરિયાત અનુસાર તેને આધુનિક બનાવીને પાક્કો પણ કરી લે છે. ગામડાઓની આ તાકાત છે, મેં જોયું છે કે આજે પણ કેટલાય ગામડાઓએ પોતાને ત્યાં આવવા જવાનું બધુ બહુ સારી રીતે વ્યવસ્થિત રાખ્યું છે. ગામની જરૂરિયાત માટે એક અથવા બે લોકો બહાર જાય છે. વસ્તુઓ લઈને આવે છે. ગામમાં વહેંચી દે છે. અને ગામમાં કોઈ મહેમાન પણ આવે તો તેને પહેલા બહાર રાખવામાં આવે છે. ગામની પોતાની એક તાકાત હોય છે. તે તાકાતનો પોતાનો એક ઉપયોગ હોય છે. અને હું સાથીઓ એ કહેવા માંગુ છું કે કોરોના વિરુદ્ધ આ યુદ્ધમાં આપ તમામ લોકો એક ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકામાં છો. તમે એક રીતે આ યુદ્ધ ક્ષેત્રના સેનાપતિ છો. જેમ કે કોઈપણ યુદ્ધમાં થતું હોય છે કે ક્ષેત્ર સેનાપતિ મોટી યોજનાને મૂર્તરૂપ આપે છે, જમીન ઉપર તે યુદ્ધ ળડે છે, પરિસ્થિતિ મુજબ તે નિર્ણય લે છે. આપ સૌ ભારતની આ લડાઈના મહત્વપૂર્ણ ક્ષેત્ર સેનાપતિના રૂપમાં આજે નેતૃત્વ સંભાળી રહ્યા છો અને આ વાયરસ વિરુદ્ધ આપણાં હથિયારો કયા છે? આપણાં હથિયારો છે – સ્થાનિક કન્ટેનમેન્ટ ઝોન, આક્રમક પરીક્ષણ અને લોકો સુધી સાચી અને સંપૂર્ણ જાણકારી. દવાખાનાઓમાં કેટલી પથારીઓ ઉપલબ્ધ છે, ક્યાં ઉપલબ્ધ છે, એ જાણકારી સરળતાથી ઉપલબ્ધ થઈ જવા પર લોકોને સુવિધા ખૂબ વધે છે. એ જ રીતે, કાળા બજારી ઉપર નિયંત્રણ લદાય, આવા લોકો ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે અથવા આગળની હરોળના કાર્યકરોનો જુસ્સો જાળવી રાખીને તેમને ગતિશીલ કરવાનું કામ હોય, એક ક્ષેત્ર સેનાપતિના રૂપમાં તમારા પ્રયાસ, સેનાપતિના રૂપમાં તમારા પ્રયાસ સંપૂર્ણ જિલ્લાને મજબૂતી આપે છે. આગળની હરોળના કર્મચારીઓને તમારા વર્તન અને કાર્યો વડે હંમેશા પ્રેરણા મળે છે. તેનાથી તેમનો ભરોસો હજી વધારે વધી જાય છે. હું તમને બીજી પણ એક વાત કહેવા માંગુ છું. એટલા માટે જો તમને ક્યાંય લાગે છે કે સરકાર દ્વારા બનાવવામાં આવેલ નીતિમાં જિલ્લા સ્તર પર કોઈ નવીનીકરણ કરવાની જરૂર છે, તે નવીનીકરણ વડે નીતિને તાકાત મળશે, તો મારી તમને ખુલ્લી છૂટ છે. તેને જરૂરથી કરો. જો આ નવીનીકરણ તમારા જિલ્લાની સ્થાનિક જરૂરિયાતો માટે અનુકૂળ છે, તો તેને તે જ રીતે કરો. જો તમને લાગે છે કે તમે જે નવીનીકરણ કર્યું છે તે સંપૂર્ણ પ્રદેશ માટે અથવા સંપૂર્ણ દેશ માટે લાભકારી છે તો તેને સરકાર સુધી પણ જરૂર પહોંચાડો. જો તમને તમારા અનુભવો વડે ઝડપથી બદલાતી પરિસ્થિતિઓ અનુસાર નીતિઓમાં કોઈપણ પ્રકારના સુધારા કરવાની જરૂરિયાત લાગતી હોય તો તેનો પણ પ્રતિભાવ જરૂર પહોંચાડો, કોઈપણ પ્રકારના સંકોચ વિના પહોંચાડો. કારણ કે આ લડાઈ એવી છે કે આપણે સૌ સાથે મળીને વિચારીએ, સૌ સાથે મળીને નવી નવી વસ્તુઓ લાવીશું ત્યારે જઈને આપણે કરી શકીશું.

સાથીઓ,

તમારા જિલ્લાની સફળતા બાકી જિલ્લાઓ માટે એક ઉદાહરણ બની શકે છે, તેમને પણ મદદ કરી શકે છે. કોરોના સામે લડવા માટે જે પણ સર્વશ્રેષ્ઠ પ્રવૃત્તિઓ છે તેમને પણ આપણે સ્વીકાર કરીને ચાલવાનું છે. તમારા ઘણા બધા સાથીઓ એવા જિલ્લાઓમાં હશે કે જ્યાં કોરોનાનો ચેપ ટોચ પર પહોંચ્યા પછી હવે ઓછો થઈ રહ્યો હશે. તમારા ઘણા સાથીઓ એવા જિલ્લાઓમાં હશે કે જ્યાં કોરોનાનો ચેપ તેમના અનુભવોમાંથી શીખીને તમે તમારા જિલ્લાઓમાં તમારી વ્યૂહરચનાને હજી વધારે મજબૂત કરતાં રહેશો તો કોરોના વિરુદ્ધની લડાઈ વધારે સરળ બની જશે.

સાથીઓ,

અત્યારના સમયમાં કેટલાય રાજ્યોમાં ચેપના આંકડા ઓછા થઈ રહ્યા છે. કેટલાય રાજ્યોમાં વધી પણ રહ્યા છે. સાથીઓ, ઓછા થઈ રહેલા આંકડાઓની વચ્ચે આપણે વધારે સાવચેત રહેવાની જરૂર છે. વિતેલા એક વર્ષમાં લગભગ લગભગ દરેક બેઠકમાં મારો એ જ આગ્રહ રહ્યો છે કે આપણી લડાઈ એક એક જીવન બચાવવાની છે. એક એક જીવન બચાવવાની છે. આપણી જવાબદારી ચેપને ફેલાતો રોકવાની પણ છે અને એ ત્યારે જ શક્ય છે જ્યારે આપણી પાસે ચેપના સ્તરની સાચી જાણકારી હશે. પરીક્ષણ, દેખરેખ, એકાંતવાસ, સારવાર અને કોવિડ માટે યોગ્ય વર્તન, તેની ઉપર સતત ભાર મૂકતા રહેવું જરૂરી છે. કોરોનાના આ બીજા વેવમાં અત્યારે ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં આપણે ખૂબ ધ્યાન આપવાની જરૂર છે. તેમાં ફિલ્ડમાં વિતાવવામાં આવેલ આપ સૌનો અનુભવ અને તમારી કુશળતા એ ખૂબ જ કામમાં આવવાના છે.

આપણે ગામડે ગામડામાં જાગૃતિ પણ વધારવાની છે અને તેમને કોવિડના ઈલાજની સુવિધાઓથી પણ જોડવાના છે. વધી રહેલા કેસો અને સંસાધનોની મર્યાદાઓની વચ્ચે, અને સંસાધનોની મર્યાદાઓની વચ્ચે, લોકોની અપેક્ષાઓને યોગ્ય સમાધાન આપવું એ આપણી સૌથી મોટી પ્રાથમિકતા છે. બધા જ પડકારોની વચ્ચે સમાજના સૌથી નીચલા છેડા ઉપર ઉભેલા વ્યક્તિનો ચહેરો ધ્યાનમાં રાખીને આપણે કામ કરવાનું છે. તેનું કષ્ટ દૂર થાય, તેને મદદ મળે – આપણે એવી વ્યવસ્થાઓને વધારે મજબૂત કરવાની છે. આ બહુ મોટા વર્ગ સુધી જ્યારે વહીવટનો એક પણ વ્યક્તિ પહોંચે છે અથવા તેની સાથે સંપર્ક કરે છે, તેની વાત સાંભળે છે તો તેનાથી બહુ મોટો વિશ્વાસ જાગે છે. બીમારી સામે લડવાની તેની તાકાત અનેકગણી વધી જાય છે. જેમ કે આપણે જોઈએ છીએ કે જ્યારે એકાંતવાસમાં રહી રહેલા પરિવારો પાસે વહીવટના લોકો ઑક્સીમીટર લઈને જાય છે, દવાઓ લઈને જાય છે, તેના ખબર અંતર પૂછે છે તો તે પરિવારને તાકાત મળે છે કે આપણે એકલા નથી.

સાથીઓ,

કોવિડ સિવાય તમારે તમારા જિલ્લાના દરેક નાગરિકની ‘જીવન જીવવાની સરળતા’નું પણ ધ્યાન રાખવાનું છે. આપણે ચેપને પણ રોકવાનો છે અને દૈનિક જીવન સાથે જોડાયેલ જરૂરી પુરવઠાને પણ વિના અવરોધ ચલાવતા રહેવાનું છે. એટલા માટે સ્થાનિક સ્તર પર કન્ટેનમેન્ટ માટે જે પણ માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવી છે, તેમનું પાલન કરાવતી વખતે આ બાબત ઉપર પણ ધ્યાન આપવાનું છે કે ગરીબને તકલીફ ઓછામાં ઓછી પડે. કોઈપણ નાગરિકને મુશ્કેલી ના આવે.

સાથીઓ,

પીએમ કેરના માધ્યમથી દેશના દરેક જિલ્લાના દવાખાનાઓમાં ઑક્સીજન પ્લાન્ટ લગાવવા ઉપર ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે. કેટલાય દવાખાનાઓમાં આ પ્લાન્ટ કાર્યાન્વિત પણ થઈ ચૂક્યા છે. જેમ કે હમણાં આપણે ચંડીગઢને સાંભળ્યું. કેટલો ફાયદો તેમને. અને એટલા માટે તમને મારો આગ્રહ છે કે જે પણ જિલ્લાઓને આ પ્લાન્ટ ફાળવવામાં આવનાર છે ત્યાં આગળ દરેક જરૂરી તૈયારી પહેલેથી જ પૂરી થવા ઉપર ઑક્સીજન પ્લાન્ટ વધારે ઝડપથી સેટ અપ થઈ શકશે. દવાખાનાઓમાં ઑક્સીજન મોનીટરીંગ કમિટી જેટલું સારું કામ કરશે તેટલો જ ઑક્સીજનનો સાચો ઉપયોગ થઈ શકશે.

સાથીઓ,

રસીકરણ એ કોવિડ સામેની લડાઈમાં એક સશક્ત માધ્યમ છે. એટલા માટે તેની સાથે સંકળાયેલ દરેક ભ્રમને આપણે સાથે મળીને તેને નિરસ્ત કરવાના છે. કોરોનાની રસીનો પુરવઠો બહુ મોટા પાયા પર વધારવાના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રસીકરણને લઈને વ્યવસ્થાઓ અને પ્રક્રિયાઓને આરોગ્ય મંત્રાલય સતત સ્ટ્રીમલાઇન કરી રહ્યું છે. પ્રયાસ એ છે કે આગામી 15 દિવસનું આયોજન રાજ્યોને અગાઉથી મળી જાય. તેનાથી તમને પણ જાણ રહેશે કે જિલ્લામાં કેટલા લોકો માટે રસી ઉપલબ્ધ થવા જઈ રહી છે અને તમારે કઈ રીતે તૈયારી કરવાની છે. રસીનો બગાડ થતો અટકાવવા માટે જિલ્લા સ્તર પર યોગ્ય વ્યવસ્થાપનની ભૂમિકા વિષે પણ તમે ખૂબ સારી રીતે જાણો જ છો. તમારા સહયોગ વડે રસીનો બગાડ સંપૂર્ણ રીતે અટકી શકે તેમ છે. એટલું જ નહિ મહત્તમ ઉપયોગ કરવાની દિશામાં આપણે સફળતાપૂર્વક આગળ વધી શકીએ છીએ.

સાથીઓ,

આ સમય એક વહીવટી અધિકારીની સાથે સાથે જ એક માનવ સંસાધન અને લોજિસ્ટિક મેનેજરના રૂપમાં પણ તમારી ભૂમિકાની પરીક્ષા લઈ રહ્યો છે. આરોગ્ય સાથે જોડાયેલ પુરવઠો જ નહિ પરંતુ તમારા જિલ્લાઓમાં અન્ય જરૂરી પુરવઠો પણ પૂરતા પ્રમાણમાં હોય, તમારા જિલ્લામાં અન્ય સામગ્રીનો જથ્થો પણ જરૂરી પ્રમાણમાં ઉપલબ્ધ હોય, તે ખૂબ જરૂરી છે. વરસાદની ઋતુમાં આપણે સૌ જાણીએ છીએ કે તમે જે રોજબરોજના સરકારના કામોમાં જોડાયેલા રહો છો પરંતુ જેવો જૂન મહિનો સામે આવવાનો ચાલુ થાય છે તમારું ધ્યાન હવામાન, વરસાદ શું થઈ શકે છે, શું કરું, તેની ઉપર જવા લાગે છે. તેમાં તમારે ખાસ્સું ધ્યાન આપવું પાડે છે. અને આ વખતે પણ વરસાદ હવે શરૂ થવા જઈ રહ્યો છે. તો સ્વાભાવિક છે કે તમારે વરસાદની ઋતુના જે પડકારો છે, જે વધારાનો તમારી ઉપર બોજ પણ હોય છે. જવાબદારી પણ હોય છે અને એટલા માટે તમારે ખૂબ ઝડપથી તમારી જરૂરિયાતોની માપણી કરવાની છે અને જરૂરી વ્યવસ્થા કરવાની છે. હવે ઘણી વાર ભારે વરસાદના કારણે વીજળી જતી રહે છે. અને ક્યાંક દવાખાનામાં વીજળી જતી રહી તો બહુ મોટું સંકટ આવી જશે એવા સમયમાં. તો આ વસ્તુઓ આપણે અત્યારથી વિચારવાની રહેશે. પડકારો મોટા છે પરંતુ આપણો જુસ્સો પણ તેના કરતાં વધુ મોટો છે, અને આપણો પ્રતિભાવ ન ભૂતો ન ભવિષ્યતિ.. એવો હોવો જ જોઈએ. આ જ ઉત્સાહ અને સંકલ્પ સાથે, આ જ ઈરાદા અને સંકલ્પ વડે આપણે દેશને આ સંકટમાંથી બહાર કાઢીશું. અત્યારે કોરોના વિરુદ્ધ તમને જે અનુભવો મળશે, તે ભવિષ્યમાં પણ તમારા પણ અને દેશના પણ કામમાં બહુ આવવાના છે. આ અનુભવોને સાચી રીતે ઉપયોગમાં લઈને તમે આગળ પણ દેશની બહુ મોટી સેવ કરી શકો છો. મને વિશ્વાસ છે કે તમારા સહયોગ દ્વારા, તમારા કુશળ નેતૃત્વ દ્વારા, તમારા કુશળ વહીવટ દ્વારા ભારત કોરોના વિરુદ્ધ પોતાની આ લડાઈમાં મજબૂતીપૂર્વક આગળ વધશે. મને ખુશી છે કે આજે જે જે રાજ્યો આ બેઠકમાં ઉપસ્થિત છે તેમના તમામ માનનીય મુખ્યમંત્રીઓએ પણ સમય કાઢ્યો. જ્યારે કાર્યક્રમનું આયોજન કરી રહ્યા હતા તો લાગી રહ્યું હતું કે મુખ્યમંત્રીઓનો સમય આમાં વ્યસ્ત કરવાની જરૂર નથી. કારણ કે જિલ્લાના લોકો સાથે વાત કરવાની હતી, તેઓ તો જાણતા જ હતા. પરંતુ તેમ છતાં આ વિષયની ગંભીરતાને લઈને મુખ્યમંત્રીઓ પણ આમાં જોડાયા છે. તે ખૂબ જ સ્વાગતોચિત પગલું છે. હું તમામ આદરણીય મુખ્યમંત્રીઓનો પણ હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને મુખ્યમંત્રીજીના માર્ગદર્શનમાં તમારા જિલ્લાની બધી ટીમો એક વિશ્વાસ સાથે, સંકલ્પ સાથે એક એક ગામડાને કોરોનાથી બચાવવાનું છે. આ મંત્રને લઈને તમે આગળ વધો. અને ઝડપથી સાજા થવાનો દર વધે, ઝડપથી નેગેટિવ કેસોની સંખ્યા વધે, ઝડપથી ટેસ્ટ વધારે થાય. આ બધી જ બાબતો ઉપર ભાર મૂકીને આપણે સફળતાની દિશામાં એક પણ પ્રયાસ છોડીને નહીં, એક પણ પ્રયોગ છોડીએ નહિ. મને વિશ્વાસ છે કે જે તમારી પાસેથી સાંભળ્યું છે તેમાં એક આત્મવિશ્વાસ પણ છે, અનુભવ પણ છે, નવી નવી રીત ભાતો પણ છે. આ બધી જ વસ્તુઓ પોતાનામાં જ એક બહુ મોટો વિશ્વાસ ઉત્પન્ન કરે છે. હું ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું. અને બહુ મોટું કામ છે. ફિલ્ડમાં રહેવાનું છે, તમારા સ્વાસ્થ્યનું પણ જરૂરથી ધ્યાન રાખજો. તમારા પરિવારજનોના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખજો. અને તમે જે ક્ષેત્રને સંભાળી રહ્યા છો, ત્યાં એક એક નાગરિકના સ્વાસ્થ્યને જાળવી રાખવામાં તમારું નેતૃત્વ કામમાં આવે, એ જ અપેક્ષા સાથે ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ શુભકામનાઓ!

SD/GP/JD


(Release ID: 1719666) Visitor Counter : 1222