નાણા મંત્રાલય

પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં ઓક્સિજન અને ઓક્સિજન સંબંધિત ઉપકરણોનો પુરવઠો વધારવા માટે જરૂરી પગલાં સંબંધે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઇ


ઓક્સિજન અને ઓક્સિજન સંબંધિત ઉપકરણોને મૂળભૂત કસ્ટમ્સ ડ્યૂટી અને આરોગ્ય ઉપકરમાંથી મુક્તિ આપવામાં આવી

કોવિડ સંબંધિત રસીઓને મૂળભૂત કસ્ટમ્સ ડ્યૂટીમાંથી બાકાત રાખવામાં આવશે

આ પગલાંથી આ વસ્તુઓની ઉપલબ્ધતાને વેગ મળશે અને તેની કિંમતો નીચી આવશે

Posted On: 24 APR 2021 2:40PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં દેશમાં ઓક્સિજનની ઉપલબ્ધતાને વેગ આપવા માટે લેવામાં આવેલા પગલાંઓની સમીક્ષા સંદર્ભે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઘરમાં અને હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓની સંભાળ માટે મેડિકલ ગ્રેડના ઓક્સિજન તેમજ તેને સંબંધિત જરૂરી ઉપકરણોનો  પુરવઠો તાકીદના ધોરણે વધારવાની જરૂરિયાત છે. તમામ મંત્રાલયો અને વિભાગોએ  ઓક્સિજન અને તબીબી પુરવઠાની ઉપલબ્ધતામાં વધારો કરવા માટે એકબીજા સાથે તાલમેલમાં કામ કરવાની જરૂર છે તે બાબત પર પ્રધાનમંત્રીએ ખાસ ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રીને માહિતી આપવામાં આવી હતી કે, રેમડેસિવીર અને તેના API પરથી તાજેતરમાં જ કસ્ટમ્સ ડ્યૂટી માફ કરવામાં આવી છે. એવું પણ સૂચન કરવામાં આવ્યું હતુ કે, દર્દીઓનો  ઓક્સિજન પૂરો પાડવા સંબંધિત ઉપકરણોની આયાતને વધુ વેગવાન કરવાની જરૂર છે. તેના ઉત્પાદન અને ઉપલબ્ધતામાં વધારો કરવા માટે અને વધી રહેલી માંગને પહોંચી વળવા માટે,  ઓક્સિજન અને  ઓક્સિજન સંબંધિત ઉપકરણો સંબંધિત આયાત કરવામાં આવતી ચીજો પરથી તાત્કાલિક અસરથી ત્રણ મહિના માટે મૂળભૂત કસ્ટમ્સ ડ્યૂટી અને આરોગ્ય ઉપકરમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેની યાદી નીચે ઉલ્લેખ કર્યા અનુસાર છે:

  1. મેડિકલ ગ્રેડ ઓક્સિજન
  2. ફ્લો મીટર, રેગ્યુલેટર, કોન્સન્ટ્રેટર અને ટ્યુબિંગ સહિત  ઓક્સિજન કોન્સન્ટ્રેટર
  3. વેક્યૂમ પ્રેશર, સ્વિંગ એબ્સોર્પ્શન (VPSA) અને પ્રેશર સ્વિંગ એબ્સોર્પ્શન (PSA)  ઓક્સિજન પ્લાન્ટ્સ, પ્રવાહી/વાયુ  ઓક્સિજનનું ઉત્પાદન કરતા ક્રાયોજેનિક  ઓક્સિજન એર વિભાજક એકમો (ASUs)
  4.  ઓક્સિજન કેનીસ્ટર
  5.  ઓક્સિજન ભરવાની સિસ્ટમો
  6.  ઓક્સિજન સંગ્રહની ટેન્કો, ક્રાયોજેનિક સિલિન્ડરો અને ટેન્કો સહિત  ઓક્સિજન સિલિન્ડરો
  7.  ઓક્સિજન જનરેટરો
  8.  ઓક્સિજનના શિપિંગ માટે ISO કન્ટેઇનરો
  9.  ઓક્સિજન માટે ક્રાયોજેનિક માર્ગ પરિવહન ટેન્કો
  10.  ઓક્સિજનના ઉત્પાદન, પરિવહન, વિતરણ અને સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા ઉપકરણોના ઉત્પાદન માટે વાપરવામાં આવતા હોય તેવા ઉપરોક્ત ઉપકરણોના ભાગો
  11. જેમાંથી  ઓક્સિજનનું ઉત્પાદન થઇ શકે તેવા અન્ય કોઇપણ અન્ય ઉપકરણ
  12. નાસિક કેન્યૂલા સાથેના વેન્ટિલેટર્સ (હાઇ ફ્લો ઉપકરણ તરીકે કામ કરવા માટે સક્ષમ); તમામ એક્સેસરિઝ અને ટ્યુબિંગ સાથે કોમ્પ્રેસર; હ્યુમિડીફાયર અને વાઇરલ ફિલ્ટરો
  13. હાઇ ફ્લો નાસિક કેન્યૂલા ઉપકરણ તમામ જોડાણો સાથે
  14. નોન-ઇન્વેઝિવ વેન્ટિલેશન સાથે ઉપયોગમાં લેવાતા હેલ્મેટ
  15. ICU વેન્ટિલેટર્સ માટે નોન-ઇન્વેઝિવ વેન્ટિલેશન ઓરોનેસલ માસ્ક
  16. ICU વેન્ટિલેટર્સ માટે નોન-ઇન્વેઝિવ વેન્ટિલેશન નાસિકા માસ્ક્

ઉપરોક્ત ઉલ્લેખિત ઉપરાંત, આયાત કરવામાં આવતી કોવિડ રસીને મૂળભૂત કસ્મ્સ ડ્યૂટીમાંથી મુક્તિ આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે જે તાત્કાલિક અસરથી 3 મહિના સુધી અમલમાં રહેશે.

આના કારણે આ તમામ ચીજવસ્તુઓની ઉપલબ્ધતામાં વેગ આવશે અને તેની કિંમતો પણ નીચી આવશે. પ્રધાનમંત્રીએ મહેસુલ વિભાગને નિર્દેશો આપ્યા હતા કે, આવા ઉપકરણો માટે વિના અવરોધે અને ઝડપથી કસ્ટમ્સ ક્લિઅરન્સ થાય તે સુનિશ્ચિત કરવામાં આવે. તદઅનુસાર, મહેસુલ વિભાગ દ્વારા કસ્ટમ્સના સંયુક્ત સચિવ શ્રી ગૌરવ માસલદનને ઉપરોક્ત ઉલ્લેખ કરવામાં આવેલી ચીજવસ્તુઓના કસ્ટમ્સ ક્લિઅરન્સ સંબંધિત મુદ્દાઓ માટે નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ભારત સરકારે દેશમાં  ઓક્સિજન પુરવઠા અને તબીબી પુરવઠામાં સુધારો કરવા માટે છેલ્લા કેટલાક દિવસમાં સંખ્યાબંધ પગલાં લીધા છે. IAFના વિમાનો મારફતે ક્રાયોજેનિક ઓક્સિજન ટેન્કો સિંગાપોરથી લાવવામાં આવી રહી છે. IAF દ્વારા દેશમાં જ મુસાફરીનો સમય ઓછો કરવા માટે  ઓક્સિજન ટેન્કોનું વિમાનોમાં પરિવહન કરવામાં આવી રહ્યું છે. તેવી જ રીતે, ગઇકાલે લેવામાં આવેલા એક મોટા નિર્ણયરૂપે, મે અને જૂન 2021 આ બંને મહિનામાં 80 કરોડ ભારતીયોને ખાદ્યન્નનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.

નાણાં મંત્રી, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી, આરોગ્ય મંત્રી, પ્રધાનમંત્રીના અગ્ર સચિવ, નીતી આયોગના સભ્ય, ડૉ ગુલેરિયા અને મહેસુલ વિભાગ, આરોગ્ય અને DPIITના સચિવનો અને અન્ય અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા.

SD/GP/JD



(Release ID: 1713838) Visitor Counter : 309