પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કોવિડ-19ની સ્થિતિ પર રાષ્ટ્રજોગ સંબોધન કર્યું


રોગચાળામાં જીવ ગુમાવનાર લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી

ડૉક્ટર્સ, મેડિકલ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ, સફાઈ કામદારો, એમ્બ્યુલન્સ ડ્રાઇવર્સ, સુરક્ષા દળના જવાનો અને પોલીસ કર્મચારીઓના પ્રદાનને બિરદાવ્યું

સરકાર ઓક્સિજનની વધતી માગને પૂર્ણ કરવા ઝડપ અને સંવેદનશીલતા સાથે કામ કરી રહી છેઃ પ્રધાનમંત્રી

1 મે પછી 18 વર્ષથી વધારે વય ધરાવતી દરેક વ્યક્તિનું રસીકરણ થઈ શકશે. ભારતમાં નિર્મિત અડધોઅડધ રસી સીધી રાજ્ય સરકારો અને હોસ્પિટલોને મળશેઃ પ્રધાનમંત્રી

18 વર્ષથી વધારે વય ધરાવતા લોકો માટે રસીકરણ શરૂ કરવાથી રસી શહેરોમાં કામ કરતા લોકો માટે ઝડપથી ઉપલબ્ધ થશેઃ પ્રધાનમંત્રી

જીવન બચાવવા ઉપરાંત આર્થિક પ્રવૃત્તિઓ ચાલુ રાખવા અને લોકોની આજીવિકા પર ઓછામાં ઓછી નુકસાનકારક અસર થાય એ સુનિશ્ચિત કરવા પ્રયાસો કરવા પડશેઃ પ્રધાનમંત્રી

રાજ્ય સરકારોએ શ્રમિકોનો આત્મવિશ્વાસ વધારવો પડશે અને તેમને જ્યાં છે ત્યાં રહેવા સમજાવવા પડશેઃ પ્રધાનમંત્રી

હાલના સ્થિતિસંજોગોમાં આપણે લોકડાઉનથી દેશને બચાવવો પડશેઃ પ્રધાનમંત્રી

રાજ્ય સરકારોએ અંતિમ ઉપાય તરીકે લોકડાઉન લાદવું જોઈએ. આપણે માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન પર ધ્યાન કેન

Posted On: 20 APR 2021 10:09PM by PIB Ahmedabad

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કોવિડ-19ની સ્થિતિ પર રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ છેલ્લા થોડા મહિનાઓમાં રોગચાળાને કારણે જીવ ગુમાવનાર લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, હાલ દુઃખના સમયમાં પરિવારના એક સભ્ય તરીકે હું તમારા દુઃખમાં સામેલ છું. પડકાર વિકટ છે, પણ આપણે ખભેખભો મિલાવીને દ્રઢ સંકલ્પ, જુસ્સા અને તૈયારી સાથે એને ઝીલવાનો છે. તેમણે કોરોના સામેની લડાઈમાં ડૉક્ટરો, મેડિકલ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ, સફાઈ કામદારો, એમ્બ્યુલન્સ ડ્રાઇવર, સુરક્ષા દળ અને પોલીસ કર્મચારીઓના પ્રદાનની પણ પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકાર દેશના વિવિધ રાજ્યોમાં ઓક્સિજનની વધતી માગ પૂર્ણ કરવા ઝડપ અને સંવેદનશીલતા સાથે કામ કરી રહી છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને ખાનગી ક્ષેત્ર પ્રયાસરત છે કે, દરેક જરૂરિયાતમંદ વ્યક્તિને ઓક્સિજન મળે. વિવિધ સ્તરે ઓક્સિજનનું ઉત્પાદન વધારવા અને પુરવઠામાં વધારો કરવા પ્રયાસો ચાલી રહ્યાં છે. ઓક્સિજનના નવા પ્લાન્ટ સ્થાપિત કરવા, એક લાખ નવા સિલિન્ડર પ્રદાન કરવા, ઔદ્યોગિક વપરાશ માટેના ઓક્સિજનનાં પુરવઠાનો ઉપયોગ તબીબી વપરાશ માટે કરવો, ઓક્સિજન રેલ એક્સપ્રેસ દોડાવવી જેવા વિવિધ પગલાં લેવામાં આવ્યાં છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આપણા વૈજ્ઞાનિકોએ ટૂંકા સમયમાં રસી પ્રસ્તુત કરી હતી અને અત્યારે ભારત દુનિયામાં સૌથી સસ્તી રસી ધરાવે છે, જે ભારતમાં ઉપલબ્ધ કોલ્ડ-ચેઇન સાથે સક્ષમ છે. આ સહિયારા પ્રયાસોને કારણે ભારતે ભારતમાં બનેલી બે સ્વદેશી રસી સાથે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ કર્યું છે. રસીકરણના પ્રથમ તબક્કાથી રસી મહત્તમ વિસ્તારો સુધી અને જેમને સૌપ્રથમ જરૂર છે એ લોકો સુધી પહોંચે એના પર ભાર મૂકવામાં આવ્યો છે. ભારતે દુનિયામાં સૌથી ઓછા સમયમાં રસીના પ્રથમ 10 કરોડ, 11 કરોડ અને 12 કરોડ ડોઝ આપ્યા હતા.

પ્રધાનમંત્રીએ ગઇકાલે રસીના સંબંધમાં લેવાયેલા નિર્ણય વિશે કહ્યું હતું કે, 1 મે પછી 18 વર્ષથી વધારે વય ધરાવતી દરેક વ્યક્તિનું રસીકરણ થઈ શકશે. ભારતમાં નિર્મિત અડધોઅડધ રસી સીધી રાજ્ય સરકારો અને હોસ્પિટલોને મળશે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જીવન બચાવવાની સાથે આર્થિક પ્રવૃત્તિઓ જાળવવા અને લોકોની આજીવિકાને નુકસાન થાય એવી ઓછામાં ઓછી અસર સુનિશ્ચિત કરવાની દિશામાં પ્રયાસો ચાલી રહ્યાં છે. 18 વર્ષ અને એનાથી વધારે વય ધરાવતા લોકો માટે રસીકરણ શરૂ થવાથી રસી વિવિધ શહેરોમાં કાર્યરત લોકો માટે ઝડપથી ઉપલબ્ધ થશે. પ્રધાનમંત્રીએ રાજ્ય સરકારોને વિનંતી કરી હતી કે, તેમણે કામદારોને આત્મવિશ્વાસ વધારો પડશે અને તેમને જ્યાં છે ત્યાં રહેવા સમજાવવા પડશે. એનાથી કામદારો અને શ્રમિકોને મોટી મદદ મળશે તથા તેમણે જ્યાં છે ત્યાં રસી મળશે અને તેમના કામ પર પણ અસર નહીં થાય.

પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, આપણે પ્રથમ લહેરની શરૂઆતના દિવસોની સરખામણીમાં અત્યારે પડકારને વધારે સારી રીતે ઝીલવા વધારે જાણકારી અને સંશોધનો ધરાવીએ છીએ. શ્રી મોદીએ રોગચાળા માટે ધૈર્ય અને દ્રઢતા સાથે લડત લડવા ભારતના લોકોને શ્રેય આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, લોકોની ભાગીદારીની ક્ષમતા સાથે આપણે કોરોનાની આ લહેરને પણ હંફાવી શકીશું. તેમણે સામાજિક સંસ્થાઓની કામગીરીને બિરદાવી હતી, જેણે જરૂરિયાત અને કટોકટીના સમયમાં લોકોની મદદ કરી છે તથા દરેકને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા આગળ આવવાની અપીલ કરી છે.

 

પ્રધાનમંત્રીએ યુવા પેઢીને તેમના વિસ્તારો અને તેમની આસપાસ કોવિડને અનુકૂળ વર્તણૂક જાળવવામાં મદદ કરવાની અપીલ કરી હતી. એનાથી કન્ટેઇન્મેન્ટ ઝોન, કર્ફ્યૂ કે લોકડાઉન ટાળવામાં મદદ મળશે. તેમણે બાળકોને એવું વાતાવરણ ઊભું કરવા પણ જણાવ્યું હતું, જેમાં પરિવારના સભ્યોએ બિનજરૂરી રીતે બહાર નીકળવાનું ટાળે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, હાલના સ્થિતિસંજોગોમાં આપણે લોકડાઉનથી દેશને બચાવવો પડશે. તેમણે રાજ્ય સરકારોને અંતિમ વિકલ્પ તરીકે જ લોકડાઉન લાદવા જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ તેમની વાત પૂરી કરતા કહ્યું હતું કે, આપણે માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને લોકડાઉન ટાળવા આપણો શ્રેષ્ઠ પ્રયાસ કરવો પડશે.

*******************

SD/GP/JD



(Release ID: 1713175) Visitor Counter : 247