પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય દિવસ કાર્યક્રમમાં સહભાગી થયા
Posted On:
26 MAR 2021 9:50PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી બાંગ્લાદેશની તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન બાંગ્લાદેશની આઝાદીની સુવર્ણ જયંતિ કાર્યક્રમમાં ગેસ્ટ ઓફ ઑનર તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી મુહમ્મદ અબ્દુલ હામિદ, બાંગ્લાદેશના પ્રધાનમંત્રી મહામહિમ શેખ હસીના, શેખ મુજીબુર રહમાનની નાની પુત્રી શેખ રેહાના, મુજીબ બોરશોની ઉજવણી માટે રાષ્ટ્રીય અમલીકરણ સમિતિના મુખ્ય સંજોક નાસીર ચૌધરી અને અન્ય મહાનુભાવો સામેલ થયા હતા. આ કાર્યક્રમ રાષ્ટ્રીય પરેડ ચોક, તેજગાંવમાં યોજાયો હતો. આ વર્ષને બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ બંગબંધુ શેખ મુજીબુર રહમાનની જન્મશતાબ્દી વર્ષ તરીકે પણ ઉજવવામાં આવી રહ્યું છે.
કાર્યક્રમની શરૂઆતમાં પવિત્ર ધર્મગ્રંથો કુરાન, ભગવદગીતા, ત્રિપિટિકા અને બાઇબલના અવતરણો સાથે થઈ હતી. “ધ એટર્નલ મુજીબ” (અમર મુજીબ) નામનો એક વીડિયો રજૂ થયો હતો અને પછી બાંગ્લાદેશની આઝાદીની સુવર્ણ જયંતિનો લોકો જાહેર થયો હતો. આ પ્રસંગે ઉજવણી કરવા માટે વિષયોચિત ગીત પણ રજૂ થયું હતું. “ધ એટર્નલ મુજીબ” થીમ પર એક એનિમેશન વીડિયો પણ કાર્યક્રમમાં રજૂ થયો હતો. બાંગ્લાદેશના સૈન્ય દળોએ બાંગ્લાદેશના રાષ્ટ્રનિર્માણમાં સૈન્ય દળોની ભૂમિકા વિશે પણ પ્રસ્તુતિ આપી હતી.
આ પ્રસંગે ડો. કમલ અબ્દુલ નાસીર ચૌધરીએ આવકાર પ્રવચન આપ્યું હતું. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વર્ષ 1971માં બાંગ્લાદેશના મુક્તિસંગ્રામમાં સીધા સહભાગી થયેલા ભારતીય સૈન્ય દળોના પીઢ સૈનિકોને આવકાર આપ્યો હતો. આ પ્રસંગે વિવિધ દેશના પ્રમુખો, સરકારના વડાઓ અને પ્રતિષ્ઠિત મહાનુભાવોના અભિનંદનના સંદેશા પણ દર્શાવવામાં આવ્યાં હતાં.
આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી શેખ હસીનાની સાથે શેખ મુજીબુર રહમાનની સૌથી નાની પુત્રી શેખ રેહાનાને મરણોપરાંત ગાંધી શાંતિ પુરસ્કાર 2020 સુપરત કર્યો હતો. આ પુરસ્કાર શેખ મુજીબુર રહમાનના અહિંસા અને અન્ય ગાંધીવાદી પદ્ધતિઓ દ્વારા સામાજિક, આર્થિક અને રાજકીય પરિવર્તન લાવવા માટેના ઉત્કૃષ્ટ પ્રદાન બદલ એનાયત કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું, જેમાં તેમણે તમામ મહાનુભાવોનો આભાર માન્યો હતો. આ પ્રસંગની મહત્તા વિશે વાત કરી હતી અને બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધના વિવિધ પાસાં વિશે જાણકારી આપી હતી. તેમના સંબોધન પછી શેખ રેહાનાએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ‘એટર્નલ મુજીબ મેમેન્ટો’ એનાયત કર્યો હતો.
અહીં બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ શ્રી મુહમ્મદ અબ્દુલ હામિદે સંબોધન કરીને ભારતના પ્રધાનમંત્રી અને ભારતીયોનો આભાર માન્યો હતો તેમજ વર્ષ 1971માં બાંગ્લાદેશના મુક્તિસંગ્રામમાં ભારતની ભૂમિકા અને એના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રી શેખ હસીનાએ તેમના સંબોધનમાં કોવિડ-19 રોગચાળા વચ્ચે પણ આ કાર્યક્રમમાં પ્રત્યક્ષ હાજર રહેવા બદલ ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે બાંગ્લાદેશની આઝાદી પછી અત્યાર સુધીના ગાળા દરમિયાન ભારત સરકારના સાથસહકારને બિરદાવ્યો હતો.
કાર્યક્રમના ઔપચારિક ભાગમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત થયા હતા. પ્રસિદ્ધ હિંદુસ્તાની શાસ્ત્રીય ગાયક પંડિત અજોય ચક્રવર્તીએ બંગબંધુને સમર્પિત કરેલા રાગ સાથે મહાનુભાવો અને દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. એ આર રેહમાનની કર્ણપ્રિય રજૂઆતે લોકોના હૃદય જીતી લીધા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમ સંગીત, નૃત્ય અને નાટય પ્રસ્તુતિઓ સાથે સંપન્ન થયો હતો.
SD/GP/JD
(Release ID: 1708030)
Visitor Counter : 196
Read this release in:
Punjabi
,
Bengali
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam