પ્રધાનમંત્રીનું કાર્યાલય
‘જનઔષધિ દિવસ’ ની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Posted On:
07 MAR 2021 1:32PM by PIB Ahmedabad
આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયેલા કેન્દ્રિય મંત્રીમંડળના મારા સાથી શ્રી ડી. વી. સદાનંદ ગૌડાજી, શ્રી મનસુખ માંડવિયાજી, શ્રી અનુરાગ ઠાકુરજી, હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી જયરામ ઠાકુરજી, મેઘાલયના મુખ્યમંત્રી શ્રી કોનાર્ડ કે. સંગમાજી, નાયબ મુખ્યપ્રધાન શ્રી પ્રેસ્ટોન તિન્સૉંગજી, ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન શ્રી નિતિનભાઈ પટેલજી, સમગ્ર દેશમાંથી જોડાયેલા જનઔષધિ કેન્દ્રોના સંચાલકો, લાભાર્થી મહોદય, ડોકટરો અને મારા ભાઈઓ તથા બહેનો !
જનઔષધિ ચિકિત્સક, જનઔષધિ જ્યોતિ અને જનઔષધિ સારથી, આ ત્રણ પ્રકારના મહત્વના એવોર્ડ હાંસલ કરનાર અને સન્માન મેળવનાર તમામ સાથીઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવુ છું.
સાથીઓ, દેશના ખૂણે ખૂણે જનઔષધિ યોજનાને ચલાવનારા અને પહોંચાડનારા લોકો તથા તેના કેટલાક લાભાર્થી સાથે વાત કરવાની મને આજે તક મળી છે અને જે વાતચીત થઈ છે તેનાથી સ્પષ્ટ થાય છે કે આ યોજના ગરીબો અને ખાસ કરીને મધ્યમ વર્ગના પરિવારો માટે મોટી સાથીદાર બની ચૂકી છે. આ યોજના સેવા અને રોજગારી બંનેનું માધ્યમ બની રહી છે. જનઔષધિ કેન્દ્રોમાં સસ્તી દવાઓની સાથે સાથે યુવાનોને આવકનાં સાધન પણ મળી રહ્યાં છે.
ખાસ કરીને આપણી બહેનો કે જેમને અઢી રૂપિયામાં સેનેટરી પેડ ઉપલબ્ધ કરવામાં આવી રહ્યાં છે તેનાથી તેમના આરોગ્ય ઉપર હકારાત્મક અસર પડી રહી છે. અત્યાર સુધીમાં 11 કરોડથી વધુ સેનેટરી નેપકીન્સ આ કેન્દ્રો ઉપરથી વેચાઈ ચૂક્યાં છે. સમાન પ્રકારે જનઔષધિ જનની અભિયાન હેઠળ ગર્ભવતી મહિલાઓ માટે જરૂરી પોષણ અને પૂરક આહાર પણ જનઔષધિ કેન્દ્રો ઉપરથી ઉપલબ્ધ કરવામાં આવી રહ્યો છે. અને માત્ર આટલુ જ નહી, એક હજારથી વધુ જનઔષધિ કેન્દ્રો મહિલાઓ ચલાવી રહી છે. આનો અર્થ એવો થાય છે કે જનઔષધિ યોજના દીકરીઓની આત્મનિર્ભરતાને પણ બળ પૂરૂં પાડી રહી છે.
ભાઈઓ અને બહેનો, આ યોજનાના કારણે પહાડી વિસ્તારોમાં, ઉત્તર પૂર્વમાં અને આદિવાસી વિસ્તારોમાં રહેનારા દેશવાસીઓને સસ્તી દવા આપવામાં મદદ થઈ રહી છે. આજે જ્યારે 7500મા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યુ છે અને તે શિલોંગમાં કરવામાં આવ્યુ છે. આનાથી એ બાબત સ્પષ્ટ થાય છે કે ઉત્તર પૂર્વ વિસ્તારમાં પણ જનઔષધિ કેન્દ્રોનું કેટલું વિસ્તરણ થઈ રહ્યું છે.
સાથીઓ, 7500ના પડાવ સુધી પહોંચવું તે એટલા માટે મહત્વનું બની રહે છે કે 6 વર્ષ પહેલાં દેશમાં આ પ્રકારનાં 100 કેન્દ્ર પણ ન હતાં. અને અમે જેટલી ઝડપ થઈ શકે તેટલી ઝડપ સાથે આપણે 10 હજારનો લક્ષ્યાંક પાર કરી દેવા માંગીએ છીએ. હું આજે રાજ્ય સરકારો અને વિભાગના લોકોને આગ્રહ સાથે કહેવા માંગુ છું કે આઝાદીનાં 75 વર્ષ એ આપણાં માટે ખૂબ જ મહત્વનો અવસર છે. શું આપણે એવુ નક્કી કરી શકીએ કે દેશના ઓછામાં ઓછા 75 જીલ્લા એવા હોય કે જ્યાં 75 થી વધુ જનઔષધિ કેન્દ્રો હોય અને આવનારા થોડા સમયમાં આપણે તે કામ પૂર્ણ કરીશું. સમાન પ્રકારે તેનો લાભ લેનારા લોકોની સંખ્યાનો લક્ષ્યાંક પણ નક્કી કરવી જોઈએ. હવે એક પણ જનઔષધિ કેન્દ્ર એવું નહીં હોવુ જોઈએ કે જ્યાં આજે જેટલા લોકો આવે છે તેની સંખ્યા બે ગણી કે ત્રણ ગણી ના થઈ શકે. આ બે બાબતોને સાથે રાખીને આપણે કામ કરવુ જોઈએ. આ કામ જેટલુ જલ્દી થશે તેટલો જલ્દી દેશના ગરીબોને લાભ થવાનો છે. આ જનઔષધિ કેન્દ્રો દર વર્ષે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના આશરે રૂ.3600 કરોડ બચાવી રહ્યાં છે. આ ખર્ચ અગાઉ મોંઘી દવાઓ માટે કરવામાં આવતો હતો, એટલે કે હવે આ પરિવારો આશરે રૂ.3600 કરોડની બચત કરી રહ્યાં છે. આ અગાઉ દવાઓ માટે ખર્ચવામાં આવતી આ રકમ નાની નથી. એટલે કે રૂ.3500 કરોડ આ પરિવારનાં સારો કામો માટે વધુ ઉપયોગી બની રહયા છે.
સાથીઓ,
જનઔષધિ યોજનાને જેટલો ઝડપથી પ્રસાર થઈ શકે તે માટે આ કેન્દ્રોને પ્રોત્સાહનની રકમ પણ રૂ.અઢી લાખથી વધારીને રૂ.5 લાખ કરવામાં આવી છે. આ ઉપરાંત દલિતો, આદિવાસી મહિલાઓ અને પૂર્વોત્તરના લોકોને રૂ.બે લાખનું પ્રોત્સાહન અલગ રીતે ચૂકવવામાં આવી રહ્યું છે. આ પૈસા તેમને પોતાનો સ્ટોર બનાવવામાં અને તેના માટે જરૂરી ફર્નિચર લાવવા વગેરે કામમાં મદદ કરે છે. આ તકની સાથે સાથે આ યોજનાથી ફાર્મા ક્ષેત્રમાં સંભાવનાઓનું એક નવું પાસુ ખૂલી ચૂક્યું છે.
ભાઈઓ અને બહેનો,
આજે મેઈડ ઈન ઈન્ડિયા દવાઓ અને સર્જીકલ્સની માંગ સતત વધતી રહી છે. માંગ વધવાને કારણે ઉત્પાદન પણ વધી રહ્યું છે. તેનાથી મોટી સંખ્યામાં રોજગારીની તકો પણ હાંસલ થઈ છે. મને એ વાતનો આનંદ છે કે 75 આયુષ દવાઓ કે જેમાં હોમિયોપથી દવાઓ પણ હોય અને આયુર્વેદ પણ હોય, તેને જનઔષધિ કેન્દ્રોમાં સમાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આયુષ દવાઓ સસ્તી મળવાથી દર્દીઓને ફાયદો તો થશે જ પણ સાથે સાથે તેનાથી આયુર્વેદ અને આયુષ મેડિસીન ક્ષેત્રને પણ ઘણો મોટો લાભ થવાનો છે.
સાથીઓ,
લાંબા સમય સુધી દેશની સરકારી વિચાર પધ્ધતિમાં સ્વાસ્થ્યને માત્ર બીમારી અને તેના ઈલાજનો વિષય જ માનવામાં આવી રહ્યો હતો, પણ સ્વાસ્થ્યનો વિષય માત્ર બીમારીથી મુક્તિ સુધી જ સિમિત નથી અને ઈલાજ સુધી પણ સિમિત નથી, પરંતુ તે દેશના સમગ્ર આર્થિક તાણાંવાણાંને અસર કરે છે. જે દેશના લોકો, ભલે પુરૂષ હોય કે સ્ત્રી હોય, નાનાં બાળકો હોય કે નવયુવાન મિત્રો હોય, તે જેટલાં પણ સ્વસ્થ હશે તેટલું રાષ્ટ્ર પણ સમર્થ બની શકે છે. તેમની તાકાત ખૂબ જ ઉપયોગી નિવડતી હોય છે. દેશને આગળ ધપાવવા માટે, અને ઉર્જા વધારવા માટે તે કામ આવે છે.
અને એટલા માટે જ ઈલાજની સગવડો વધારવાની સાથે સાથે બીમારીનું કારણ બનનારી બાબત ઉપર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. જ્યારે દેશમાં સ્વચ્છ ભારત અભિયાન ચાલી રહ્યુ હોય છે, જ્યારે દેશમાં કરોડો શૌચાલયોનુ નિર્માણ થઈ રહ્યુ હોય છે ત્યારે, જ્યારે દેશમાં ગેસનું મફત જોડાણ આપવાનું કામ ચાલી રહ્યુ હોય છે ત્યારે, જ્યારે દેશમાં આયુષ્યમાન ભારત યોજના ઘેર ઘેર પહોંચી રહી છે ત્યારે મિશન ઈન્દ્રધનુષ યોજના હોય કે પોષણ અભિયાન શરૂ કરવામાં આવ્યું તો તેની પાછળ પણ આવી જ વિચારધારા કામ કરી રહી હતી. આપણે આરોગ્યને ટૂકડા ટૂકડામાં જોયુ નથી, પરંતુ એક સંપૂર્ણતાની સાથે એક સમગ્રલક્ષી અભિગમ સાથે કામ કર્યુ છે.
આપણે યોગને દુનિયામાં નવી ઓળખ અપાવવાનું કામ કર્યુ છે. હાલમાં સમગ્ર દુનિયા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરતી થઈ છે અને દિલ અને દિમાગથી મનાવે છે ત્યારે, તમે જુઓ આ કેટલા મોટા ગૌરવની વાત બની રહી છે. જ્યારે આપણાં કાઢા, આપણાં મસાલા, આપણાં આયુષના ઉપાયોની ચર્ચા કરતાં પહેલાં લોકો ક્યારેક અચકાતાં હતા, પણ આજે એ જ લોકો ગર્વ સાથે એકબીજાને કહી રહયા છે. આજકાલ આપણી હળદરની નિકાસ એટલી બધી વધી ગઈ છે કે કોરોના પછી દુનિયાના લોકોને લાગ્યું છે કે ભારતના લોકો પાસે ઘણું બધુ છે.
આજે દુનિયા ભારતના પ્રભાવને માનતી થઈ છે. આપણી ટ્રેડીશનલ એટલે કે પરંપરાગત ઔષધિઓનો પ્રભાવ પણ હવે જોવામાં આવી રહ્યો છે. આપણા ત્યાં આહારમાં જે ચીજોનો ખૂબ ઓછો વપરાશ થતો હતો તે રાગી, બંટી, કોદરા, જુવાર, બાજરા જેવા ડઝનબંધ અનાજની આપણાં દેશમાં સમૃધ્ધ પરંપરા રહી છે. હું અગાઉ જ્યારે કર્ણાટકમાં પ્રવાસ કરી રહ્યો હતો ત્યારે ત્યાંના મુખ્યમંત્રી યેદીયુરપ્પાજીએ જાડા અનાજના એક મોટા શોનું આયોજન કર્યું હતું. અને નાના નાના ખેડૂતો એટલા બધા પ્રકારનાં અનાજ પેદા કરે છે અને તેની કેટલી પૌષ્ટીકતા છે કે આ બધાં અનાજને ખૂબ સારી રીતે પ્રદર્શિત કરવામાં આવ્યાં હતાં. પરંતુ, આપણે જાણીએ છીએ કે, પૌષ્ટીક અનાજને દેશમાં એટલું પ્રોત્સાહન મળી રહ્યુ નથી. એક પ્રકારે એ ગરીબોનુ અનાજ છે, જેમની પાસે પૈસા નથી તે લોકો આ અનાજ ખાતા હોય છે તેવી એક માનસિકતા થઈ ગઈ છે. પરંતુ આજે સ્થિતિ અચાનક બદલાઈ ગઈ છે. અને સ્થિતિ બદલવા માટે અમે લગાતાર પ્રયાસ પણ કર્યો છે. આજે જાડા અનોજોને તો પ્રોત્સાહિત કરવામાં આવી જ રહ્યાં છે, પણ સાથે સાથે ભારતની પહેલના પરિણામે સંયુક્ત રાષ્ટ્ર સંઘે વર્ષ 2023ને ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ પણ જાહેર કર્યું છે. જુવાર, બાજરી જેવા જાડા અનાજ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાથી દેશને પૌષ્ટિક અનાજ પણ મળશે અને આપણા ખેડૂતોની આવકમાં પણ વધારો થશે. આજે તો મોટાં શહેરોની ફાઈવ સ્ટાર હોટલમાં પણ ઓર્ડર કરતી વખતે કહેવામાં આવે છે કે અમારે જાડા અનાજની ફલાણી વાનગી ખાવી છે, કારણ કે ધીરે ધીરે બધા લોકોને સમજાઈ રહ્યું છે કે જાડું અનાજ શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. અને હવે તો યુનોએ પણ આ વાત સ્વીકારી છે અને દુનિયાએ પણ માની છે. વર્ષ 2023માં સમગ્ર દુનિયામાં એક વર્ષ સુધી તેની ઉજવણી થવાની છે અને તેનો ઘણો મોટો લાભ આપણા દેશના નાના ખેડૂતોને થવાનો છે, કારણ કે આ મોટું અનાજ એવી જગાએ પેદા થતું હોય છે કે જ્યાં લોકો મહેનત કરીને તને ઉગાડતા હોય છે.
સાથીઓ, વિતેલાં વર્ષોમાં ઈલાજ માટે કરવામાં આવતા દરેક પ્રકારના ભેદભાવને ખતમ કરી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઈલાજને દરેક ગરીબ સુધી પહોંચાડવામાં આવ્યો છે. આવશ્યક દવાઓ હોય કે પછી હાર્ટ સ્ટેન્ટની વાત હોય, ઢીંચણની સર્જરી સાથે જોડાયેલાં ઉપકરણોની વાત હોય, તેની કિંમતોને અનેક ગણી ઓછી કરી દેવામાં આવી છે. તેનાથી દર વર્ષે લોકોને આશરે રૂ.સાડા બાર હજાર કરોડની બચત થઈ રહી છે.
આયુષ્યમાન ભારત યોજના હેઠળ દેશના 50 કરોડથી વધુ ગરીબ લોકોનો ઈલાજ મફત થાય તેની ખાતરી રાખવામાં આવી છે. એનો લાભ હવે દોઢ લાખ લોકો સુધી પહોંચી ચૂક્યો છે. એક એવું પણ અનુમાન છે કે આનાથી લોકોને આશરે વાર્ષિક રૂ.30 હજાર કરોડની બચત થઈ રહી છે. એટલે કે જનૌષધી, આયુષ્યમાન, સ્ટેન્ટ અને અન્ય ઉપકરણોની કિંમત ઘટવાથી થતી બચતને આપણે એકત્ર કરીને ગણીએ તો, આપણે માત્ર સ્વાસ્થ્ય સાથે જેડાયેલી બાબતોની વાત કરી રહ્યો છું, તેનાથી હાલમાં મધ્યમ વર્ગના સામાન્ય પરિવારની દર વર્ષે આશરે રૂ.50 હજાર કરોડની બચત થઈ રહી છે.
સાથીઓ,
ભારત દુનિયાની ફાર્મસી છે, એ વાત સાબિત થઈ ચૂકી છે. દુનિયા આપણી જેનરીક દવાઓ લે છે પણ આપણે ત્યાં તેના ઉપયોગ બાબતે એક પ્રકારની ઉદાસીનતા ચાલી રહી છે. તેને પ્રોત્સાહન આપવામાં આવતું નથી. હવે આપણે આ બાબત ઉપર પણ ભાર મૂકી રહયા છીએ. આપણે જેનરિક બાબતો ઉપર જેટલો ભાર મૂકી શકીએ તેટલો મૂક્યો છે અને તેનાથી સામાન્ય માનવીના પૈસા બચવા જોઈએ અને બીમારી જવી જોઈએ.
કોરોના કાળમાં દુનિયાએ પણ ભારતની દવાઓની શક્તિનો અનુભવ કર્યો છે, આવી જ હાલત આપણાં વેકસીન ઉદ્યોગની પણ હતી. ભારત પાસે અનેક પ્રકારની વેકસીન બનાવવાની ક્ષમતા હતી, પરંતુ તેને જરૂરી પ્રોત્સાહનનો અભાવ હતો. આપણે ઉદ્યોગોને પ્રોત્સાહન પૂરી પાડયુ અને આજે ભારતમાં બનાવવામાં આવેલી રસી આપણાં બાળકોને બચાવવામાં કામ આવી રહી છે.
સાથીઓ,
દેશને આજે તેના વૈજ્ઞાનિકો ઉપર ગર્વ છે કે આપણી પાસે મેઈડ ઈન ઈન્ડિયા વેકસીન આપણા માટે પણ છે અને દુનિયાની મદદ કરવા માટે પણ છે. અમારી સરકારે આ બાબતે પણ દેશના ગરીબો અને મધ્યમ વર્ગનો વિશેષ ખ્યાલ રાખ્યો છે. આજે સરકારી હૉસ્પિટલોમાં કોરોનાની રસી મફત આપવામાં આવી રહી છે. ખાનગી હૉસ્પિટલોમાં દુનિયાની સૌથી સસ્તી એટલે કે માત્ર રૂ.250માં રસી આપવામાં આવી રહી છે. મારો નંબર આવતાં હું પણ પહેલો ડોઝ લગાવી ચૂક્યો છું.
સાથીઓ,
દેશમાં સસ્તો અને અસરકારક ઈલાજ થવા ઉપરાંત યોગ્ય તબીબી સ્ટાફની ઉપલબ્ધિની પણ એટલી જ જરૂર છે. એટલા માટે અમે ગામડાંની હૉસ્પિટલોથી માંડીને મેડીકલ કોલેજો અને એઈમ્સ જેવી સંસ્થાઓ સુધી એક સંકલિત અભિગમ સાથે કામ શરૂ કર્યુ છે. ગામડામાં દોઢ લાખ હેલ્થ અને વેલનેસ સેન્ટર ઉપલબ્ધ કરવામાં આવી ચૂક્યાં છે.
સાથીઓ,
આ વર્ષના બજેટમાં આરોગ્ય માટે અભૂતપૂર્વ વધારો કરવામાં આવ્યો છે અને આરોગ્ય માટેના તમામ ઉપાયો માટે પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વાસ્થ્ય યોજનાની જાહેરાત પણ કરવામાં આવી છે. દરેક જીલ્લામાં તપાસ કેન્દ્રો, 600થી વધુ જિલ્લામાં ક્રિટિકલ કેર હોસ્પિટલ જેવી અનેક પ્રકારની જોગવાઈઓ કરવામાં આવી છે. આવનારા સમયમાં કોરોના જેવી મહામારી આપણને પરેશાન કરી શકે નહી તે માટે દેશમાં આરોગ્ય ક્ષેત્રની માળખાગત સુવિધાઓમાં સુધારાના અભિયાનને ઝડપભેર આગળ વધારવામાં આવી રહ્યું છે.
દરેક ત્રણ લોકસભા કેન્દ્રોની વચ્ચે એક મેડિકલ કોલેજ બનાવવાનુ કામ ચાલી રહ્યુ છે. વિતેલાં 6 વર્ષમાં આશરે 180 નવી તબીબી કોલેજો સ્થાપિત કરવામાં આવી છે. વર્ષ 2014 પહેલાં જ્યાં દેશમાં આશરે 55 હજાર એમબીબીએસની બેઠકો હતી તે 6 વર્ષમાં વધારીને તેમાં 30 હજારથી વધુનો વધારો કરવામાં આવ્યો છે. આ રીતે પોસ્ટ ગ્રેજ્યુએટો બેઠકો કે જે અગાઉ 30 હજાર જેટલી હતી તેમાં નવી 24 હજારથી વધુ બેઠકો જોડવામાં આવી ચૂકી છે.
સાથીઓ, આપણા શાસ્ત્રમાં કહેવામાં આવે છે કે -
‘નાત્માર્થમ, નાપિ કામાર્થમ, અતભૂત દયામ પ્રતિ’
એનો અર્થ એવો થાય છે કે ઔષધિઓનું, ચિકિત્સાનું, આ વિજ્ઞાન, પ્રત્યેક જીવ તરફ કરૂણા માટે છે. આવી ભાવના સાથે આજે સરકારની એ કોશિશ રહી છે કે તબીબી વિજ્ઞાનના લાભથી કોઈ વ્યક્તિ વંચિત રહી ના જાય. ઈલાજ સસ્તો હોય, ઈલાજ સુલભ હોય અને ઈલાજ તમામ લોકોના હિત માટે હોય એવા વિચાર સાથે આજે નીતિઓ અને કાર્યક્રમ બનાવવામાં આવી રહ્યા છે.
પ્રધાનમંત્રી જનઔષધિ યોજનાનું નેટવર્ક ઝડપથી ફેલાય અને તે વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે તેવી શુભેચ્છા સાથે હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરૂ છું. અને જે પરિવારોમાં બીમારી છે, જેમણે પણ જનઔષધિનો લાભ લીધો છે તેમને હું કહેવા માંગુ છું કે તે વધુને વધુ લોકોને જનઔષધિનો લાભ લેવા માટે પ્રેરણા આપે. રોજે રોજ લોકોને સમજાવે. તમે પણ આ બાબતનો પ્રચાર વધારીને તેમની મદદ કરો, તેમની સેવા કરો અને જાતે પણ સ્વસ્થ રહો. દવાઓની સાથે સાથે જીવનમાં પણ થોડીક શિસ્તનું પાલન કરવું તે બીમારી માટે ખૂબ જ જરૂરી બની રહેતું હોય છે. આ બાબતે પણ પૂરતું ધ્યાન આપો.
તમારા આરોગ્ય માટે મારી હંમેશાં એવી પ્રાર્થના રહેશે, હું ઈચ્છું કે મારા દેશનો દરેક નાગરિક એ મારા પરિવારનો સભ્ય છે, તમે જ મારો પરિવાર છો. તમારી બીમારી એટલે મારા પરીવારની બીમારી એવો અર્થ થાય છે, અને એટલા માટે હું એવી ઈચ્છા રાખતો હોઉં છું કે મારા દેશના તમામ નાગરિક સ્વસ્થ રહે. સ્વચ્છતાની આવશ્યકતા હોય ત્યાં સ્વચ્છતા જાળવવામાં આવે અને ભોજનના નિયમોનું પાલન કરતા રહો. જ્યાં યોગની જરૂર હોય ત્યાં યોગ કરો. ઓછી વધતી કસરત કરો. કોઈ પણ ફીટ ઈન્ડિયા મૂવમેન્ટ સાથે જોડાઓ. આપણે શરીર માટે કશુંને કશું કરતા રહીએ તો બીમારીથી ચોક્કસ બચી શકીશું અને જો બીમારી આવી જાય તો પણ જનઔષધિ આપણી બીમારી સામે લડવાની તાકાત આપશે એવી એક અપેક્ષા સાથે હું ફરી એક વખત આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને તમામ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.
ધન્યવાદ !
SD/GP/JD
(Release ID: 1703060)
Visitor Counter : 183
Read this release in:
Marathi
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Malayalam
,
Urdu
,
Manipuri
,
Kannada
,
English
,
Hindi
,
Bengali
,
Telugu