મંત્રીમંડળ
મંત્રીમંડળે ફાર્માસ્યુટિકલ્સ માટે ઉત્પાદન સાથે સંકળાયેલ પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી
Posted On:
24 FEB 2021 3:46PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે નાણાકીય વર્ષ 2020-21થી 2028-29 સુધીના સમયગાળા દરમિયાન ફાર્માસ્યુટિકલ્સ માટે ઉત્પાદન સાથે સંકળાયેલ પ્રોત્સાહન (PLI) યોજનાને મંજૂરી આપી છે.
આ યોજનાથી ઘરેલુ ઉત્પાદકોને લાભ થશે અને તેનાથી રોજગારીનું સર્જન કરવામાં મદદ મળશે અને ગ્રાહકોને ખૂબ જ વ્યાપક શ્રેણીમાં પરવડે તેવા દરે દવાઓ ઉપલબ્ધ કરાવવામાં પણ યોગદાન મળશે તેવી અપેક્ષા છે.
આ યોજનાથી દેશમાં જ ઉચ્ચ મૂલ્યના ઉત્પાદોના ઉત્પાદનને પ્રોત્સાહન મળવાની અને નિકાસમાં મૂલ્યવર્ધનમાં વૃદ્ધિ થવાની પણ અપેક્ષા છે. 2022-23થી 2027-28 સુધીના છ વર્ષના સમયગાળા દરમિયાન કુલ વધતુ વેચાણ રૂપિયા 2,94,000 કરોડ થવાનું અને કુલ વધતી નિકાસ રૂપિયા 1,96,000 કરોડ થવાનું અનુમાન છે.
આ યોજનાના કારણે કૌશલ્યવાન અને બિન-કૌશલ્યવાન બંને પ્રકારના લોકો માટે રોજગારીનું નિર્માણ થવાની અપેક્ષા છે અને આ ક્ષેત્રમાં વૃદ્ધિના પરિણામ સ્વરૂપે 20,000 લોકોને પ્રત્યક્ષ જ્યારે 80,000 લોકોને પરોક્ષ રીતે રોજગારી ઉપલબ્ધ થવાનું અનુમાન છે.
ઉભરતા ઉપચારો માટેના ઉત્પાદનો અને ઇન-વિટ્રો નિદાનાત્મક ઉપકરણો સહિત જટીલ અને ઉચ્ચ ટેકનોલોજી ઉત્પાદનોના વિકાસ માટે આવિષ્કારને પ્રોત્સાહન મળવાની અને મહત્વપૂર્ણ દવાઓ પર સ્વનિર્ભરતા થવાની પણ અપેક્ષા સેવાઇ રહી છે. એવી પણ અપેક્ષા રાખવામાં આવે છે કે, આના કારણે ભારતીય વસ્તી સમુદાયને ઑર્ફન દવાઓ સહિત તબીબી ઉત્પાદનોની પહોંચ ક્ષમતા અને પરવડતામાં વધારો થશે. આ યોજનાથી ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રમાં રૂપિયા 15,000 કરોડનું રોકાણ આવશે તેવી પણ અપેક્ષા છે.
આ યોજના ફાર્માસ્યુટિકલ્સ ઉદ્યોગના વિકાસ માટે છત્ર યોજનાનો એક હિસ્સો રહેશે. આ યોજનાનો ઉદ્દેશ આ ક્ષેત્રમાં રોકાણમાં વધારો કરીને તેમજ ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રમાં ઉચ્ચ મૂલ્યની વસ્તુઓના વૈવિધ્યકરણમાં યોગદાન આપીને ભારતની વિનિર્માણ ક્ષમતાઓમાં વધારો કરવાનો છે. આ યોજનાનો અન્ય એક ઉદ્દેશ ભારતમાંથી એવા વૈશ્વિક ચેમ્પિયન્સ તૈયાર કરવાનો છે જેઓ અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખૂબ જ મોટાપાયે વિકાસ પામવાનું તેમજ વિસ્તરિત થવાનું સામર્થ્ય ધરાવતા હોય અને તે પ્રકારે વૈશ્વિક મૂલ્ય શ્રૃંખલાઓમાં પ્રવેશવાનો ઉદ્દેશ પણ છે.
આ યોજનાની મુખ્ય વિશેષતાઓ નીચે ઉલ્લેખ કર્યા પ્રમાણે છે:-
લક્ષિત સમૂહો:-
સમગ્ર ફાર્માસ્યુટિકલ્સ ઉદ્યોગમાં યોજનાનો વ્યાપક અમલ સુનિશ્ચિત કરવા માટે અને સાથે સાથે આ યોજનાના હેતુઓ પૂર્ણ કરવા માટે ભારતમાં નોંધણીકૃત ફાર્માસ્યુટિકલ્સ ઉત્પાદકોના તેમની વૈશ્વિક વિનિર્માણ આવક (GMR)ના આધારે સમૂહો તૈયાર કરવામાં આવશે. અરજદારો માટે ત્રણ ગ્રૂપમાં યોગ્યતા પ્રાપ્ત કરવાના માપદંડો નીચે પ્રમાણે છે-
(a) સમૂહ A: રૂપિયા 5000 કરોડથી વધારે અથવા સમકક્ષ ફાર્માસ્યુટિકલ ચીજવસ્તુઓની વૈશ્વિક વિનિર્માણ આવક (FY 2019-20) ધરાવતા અરજદારો
(b) સમૂહ B: એવા અરજદારો કે જેમની ફાર્માસ્યુટિકલ ચીજવસ્તુઓની વૈશ્વિક વિનિર્માણ આવક (FY 2019-20) રૂપિયા 500 કરોડ (આ આંકડા સહિત)થી રૂપિયા 5,000 કરોડની વચ્ચે હોય.
(c) સમૂહ C: એવા અરજદારો કે જેમની ફાર્માસ્યુટિકલ ચીજવસ્તુઓની વૈશ્વિક વિનિર્માણ આવક (FY 2019-20) રૂપિયા 500 કરોડથી ઓછી હોય. આ સમૂહમાં MSME ઉદ્યોગના ચોક્કસ પડકારો અને સંજોગોને ધ્યાનમાં રાખીને તેમના માટે એક પેટા સમૂહ બનાવવામાં આવશે.
પ્રોત્સાહનની માત્રા:
આ યોજના અંતર્ગત કુલ પ્રોત્સાહનની માત્રા (વહીવટી ખર્ચ સહિત) અંદાજે રૂપિયા 15,000 કરોડ છે. લક્ષિત સમૂહોમાં પ્રોત્સાહન ફાળવણી નીચે ઉલ્લેખ કર્યા અનુસાર રહેશે:
- સમૂહ A: Rs 11,000 કરોડ.
- સમૂહ B: Rs 2,250 કરોડ.
- સમૂહ C: Rs 1,750 કરોડ.
સમૂહ A અને સમૂહ Cના અરજદારો માટે પ્રોત્સાહન ફાળવણી અન્ય કોઇપણ શ્રેણીમાં ખસેડવામાં આવશે નહીં. જોકે, સમૂહ Bના અરજદારો માટેની પ્રોત્સાહન ફાળવણી જો ઉપયોગમાં ના આવે તો, સમૂહ Aના અરજદારો માટે તેને ખસેડવામાં આવશે.
નાણાકીય વર્ષ 2019-20ને ઉત્પાદિત ચીજવસ્તુઓના વધતા વેચાણની ગણતરી માટે આધારભૂત વર્ષ તરીકે ગણવામાં આવશે.
વસ્તુઓની શ્રેણી:
આ યોજના નીચે ઉલ્લેખ કર્યા પ્રમાણે ત્રણ શ્રેણીમાં ફાર્માસ્યુટિકલ વસ્તુઓને આવરી લેશે:
- શ્રેણી 1
બાયો-ફાર્માસ્યુટિકલ્સ: જટીલ જેનરિક દવાઓ; પેટન્ટ વાળી દવાઓ અથવા પેટન્ટ પૂરી થવાની તૈયારીમાં હોય તેવી દવાઓ; કોષ આધારિત અથવા જનીન આધારિત ઉપચારની દવાઓ; ઑર્ફન દવાઓ; વિશેષ એમ્પ્ટી-કેપ્સ્યૂલ્સ જેમકે HPMC, પુલ્લુઆન, એન્ટેરિક વગેરે; જટીલ એક્સિપિએન્ટ્સ; ફાઇટો ફાર્માસ્યુટિકલ્સ: મંજૂરી આપવામાં આવે તે અનુસાર અન્ય દવાઓ.
(b) શ્રેણી 2
સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકો/ મુખ્ય પ્રારંભિક સામગ્રીઓ/ દવાઓના ઉદ્દીપકો.
(c) શ્રેણી 3 (શ્રેણી 1 અને શ્રેણી 2માં આવરી લેવામાં ન આવી હોય તેવી દવાઓ)
પુનઃઉપયોગના હેતુની દવાઓ: ઓટો ઇમ્યુન દવાઓ, કેન્સર વિરોધી દવાઓ, ડાયાબિટિસ વિરોધી દવાઓ, ચેપ વિરોધી દવાઓ, હૃદય રોગની દવાઓ, સાઇકોટ્રોપિક દવાઓ અને એન્ટી રેટ્રોવાયરલ દવાઓ; ઇન વિટ્રો નિદાનાત્મક ઉપકરણો; મંજૂરી આપ્યા અનુસાર અન્ય દવાઓ; ભારતમાં ઉત્પાદન ન થતું હોય તેવી અન્ય દવાઓ.
આ યોજના અંતર્ગત શ્રેણી 1 અને શ્રેણી 2ના ઉત્પાદનો માટે ઉત્પાદનના પ્રથમ 4 વર્ષ દરમિયાન પ્રોત્સાહન 10% (વધતા વેચાણના મૂલ્યના)ના દરે, પાંચમા વર્ષ માટે 8%ના દરે અને છઠ્ઠા વર્ષ માટે 6%ના દરે રહેશે.
આ યોજના અંતર્ગત શ્રેણી 3ના ઉત્પાદનો માટે ઉત્પાદનના પ્રથમ 4 વર્ષ દરમિયાન પ્રોત્સાહન 5% (વધતા વેચાણના મૂલ્યના)ના દરે, પાંચમા વર્ષ માટે 4%ના દરે અને છઠ્ઠા વર્ષ માટે 3%ના દરે રહેશે.
આ યોજનાનો સમયગાળો નાણાકીય વર્ષ 2020-21થી નાણાકીય વર્ષ 2028-29 સુધીનો રહેશે. આમાં અરજીઓની પ્રક્રિયા માટેનો સમયગાળો (FY 2020-21), એક વર્ષ (FY 2021-22)નો વૈકલ્પિક વહનકાળ, 6 વર્ષ માટે પ્રોત્સાહન અને FY 2027-28ના વેચાણ માટેના પ્રોત્સાહનની ચુકવણી માટે FY 2028-29 પણ સામેલ રહેશે.
પૃષ્ઠભૂમિ:
ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ સમગ્ર દુનિયામાં જથ્થાની દૃષ્ટિએ ત્રીજા ક્રમે છે જ્યારે મૂલ્યના સંદર્ભમાં 40 અબજ USDનું મૂલ્ય ધરાવે છે. સમગ્ર દુનિયામાં નિકાસ કરવામાં આવતી કુલ દવાઓમાંથી 3.5% યોગદાન ભારતનું છે. ભારત 200થી વધારે દેશો અને પ્રદેશોમાં દવાઓની નિકાસ કરે છે જેમાં USA, UK, યુરોપીયન સંઘ, કેનેડા વગેરે જેવા ઉચ્ચ નિયમનો ધરાવતા દેશો પણ સમાવિષ્ટ છે. ભારત પોતાના ક્ષેત્રમાં સર્વોત્તમ સુવિધાઓ અને ઉચ્ચ કૌશલ્યવાન/ ટેકનિકલ માણસો ધરાવતી કંપનીઓના કારણે ફાર્માસ્યુટિકલ્સના વિકાસ અને વિનિર્માણ માટે એક સંપૂર્ણ ઇકો-સિસ્ટમ ધરાવે છે. દેશમાં સંખ્યાબંધ વિખ્યાત ફાર્માસ્યુટિકલ શિક્ષણ અને સંશોધન સંસ્થાઓ અને સંલગ્ન ઉદ્યોગોનો ખૂબ જ મજબૂત આધાર પણ છે.
વર્તમાન સમયમાં, ઓછા મૂલ્યની જેનેરિક દવાઓ ભારતીય નિકાસમાં મોટા હિસ્સા માટે જવાબદાર છે જ્યારે પેટન્ટ વાળી દવાઓની ઘરેલુ માંગનો મોટો હિસ્સો આયાત દ્વારા પૂરો પાડવામાં આવે છે. આનું કારણ એ છે કે, ભારતીય ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં જરૂરી ફાર્મા R&D સાથે ઉચ્ચ મૂલ્યના ઉત્પાદનનો અભાવ છે. વૈશ્વિક અને ઘરેલુ ખેલાડીઓને વૈવિધ્યપૂર્ણ ઉત્પાદનોની શ્રેણીઓમાં રોકાણ અને ઉત્પાદનમાં વૃદ્ધિ માટે પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે, એક ખૂબ જ સારી રીતે ડિઝાઇન કરવામાં આવેલ અને અનુકૂળ લક્ષિત હસ્તક્ષેપની જરૂરિયાત છે જેથી બાયો-ફાર્માસ્યુટિકલ્સ, જટીલ જેનેરિક જવાઓ, પેટન્ટ ધરાવતી દવાઓ અથવા જેની પેટન્ટ સમાપ્ત થવાની તૈયારી હોય તેવી દવાઓ અને કોષ અથવા જનીન આધારિત ઉપચારના ઉત્પાદનો વગેરે જેવી વિશિષ્ટ ઉચ્ચ મૂલ્યની વસ્તુઓને પ્રોત્સાહન આપી શકાય.
SD/GP/JD
******
(Release ID: 1700458)
Visitor Counter : 456
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam