પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ 10 પડોશી રાષ્ટ્રો સાથે “કોવિડ-19 વ્યવસ્થાપન: અનુભવ, સારા આચરણો અને ભાવિ માર્ગ” વિષય પર યોજાયેલા વર્કશોપમાં આપેલા સંબોધનનો મૂળપાઠ


Posted On: 18 FEB 2021 3:32PM by PIB Ahmedabad

મહાનુભાવો,

નમસ્કાર!

અમારા નજીકના અને દૂરના પડોશી રાષ્ટ્રોના આરોગ્ય અધિકારીઓ અને નિષ્ણાતો આજની બેઠકમાં ઉપસ્થિત રહ્યાં તેનો મને ખૂબ જ આનંદ છે. ચાલો, હું આજની ચર્ચા સૌના માટે ખૂબ જ ફળદાયી નીવડે તેવી શુભેચ્છા સાથે મારી વાતની શરૂઆત કરું છુ. મહામારીના આ સમય દરમિયાન આપણી આરોગ્ય પ્રણાલીઓએ જે પ્રકારે એકબીજાને સહકાર આપ્યો તે બદલ આપ સૌને હું અભિનંદન પાઠવું છું. ગયા વર્ષે જ્યારે કોવિડ-19 મહામારીએ આખી દુનિયા પર પ્રહાર કર્યો ત્યારે, કેટલાક નિષ્ણાતોએ ખાસ કરીને આપણાં વધારે વસતી ગીચતા ધરાવતા પ્રદેશ સંબંધે વિશેષ ચિંતાનો સૂર વ્યક્ત કર્યો હતો. પરંતુ, એકદમ શરૂઆતના તબક્કેથી જ, આપણે સૌએ સહકારપૂર્ણ પ્રતિક્રિયા સાથે આ પડકારનો સામનો કર્યો. ગયા વર્ષે માર્ચ મહિનામાં, આપણે આ મહામારીના જોખમો ઓળખી કાઢવા અને સાથે મળીને તેની સામે લડવા માટેની પ્રતિબદ્ધતા માટે પ્રથમ વખત ભેગા થયા હતા. આપણાં આ પ્રારંભિક દૃષ્ટાંતને બીજા ઘણા પ્રદેશો અને સમૂહો અનુસર્યા હતા.

આપણે આ મહામારી સામે લડવા માટેના તાકીદના ખર્ચાઓને પહોંચી વળવા માટે કોવિડ-19 કટોકટી પ્રતિક્રિયા ભંડોળની રચના કરી હતી. આપણે આપણા સંસાધનો - મશીનો, PPE અને પરીક્ષણના ઉપકરણોનું એકબીજા સાથે આદાનપ્રદાન કર્યું હતું. અને, આ બધાથી વિશેષ, આપણે આપણા આરોગ્ય કર્મચારીઓની સહયોગપૂર્ણ તાલીમ દ્વારા સૌથી મૂલ્યવાન વસ્તુ - જ્ઞાન -નું આદાનપ્રદાન કર્યું હતું. વેબિનાર્સ, ઑનલાઇન અભ્યાસક્રમો અને IT પોર્ટલ્સના માધ્યમથી, આપણે અનુભવોનું આદાનપ્રદાન કર્યું અને પરીક્ષણ, ચેપ નિયંત્રણ, તેમજ તબીબી કચરાના વ્યવસ્થાપન સંદર્ભે એકબીજાના શ્રેષ્ઠ આચરણોમાંથી શીખ્યા. આપણે આપણા માટે સૌથી શ્રેષ્ઠ શું રહેશે તેના આધારે પોતાના શ્રેષ્ઠ આચરણો પણ વિકસાવ્યા. આપણામાંથી દરેકે, જ્ઞાન અને અનુભવના આ ભંડાર માટે પોતાના તરફથી ખૂબ જ સારું યોગદાન આપ્યું છે.

મિત્રો,

સહયોગની આ ભાવના, મહામારીના આ તબક્કામાંથી શીખવા જેવી સૌથી મૂલ્યવાન બાબત છે. આપણી મુક્તતા અને દૃઢ સંકલ્પ દ્વારા, આપણે દુનિયામાં સૌથી નીચલા સ્તર પૈકીનો મૃત્યુઆંક પ્રાપ્ત કરવામાં સફળ રહ્યાં છીએ. આ ખરેખર પ્રશંસાપાત્ર છે. આજે, આપણા પ્રદેશ અને દુનિયાની આશાઓ રસીના ઝડપી અમલીકરણ પર કેન્દ્રિત છે. આમાં પણ, આપણે સહયોગ અને સહકારની આવી જ ભાવના અચુક જાળવી રાખીએ.

મિત્રો,

છેલ્લા એક વર્ષમાં, આપણા આરોગ્ય સહકારે પહેલાંથી જ ઘણું પ્રાપ્ત કરી લીધું છે. શું આપણે હવે આપણી મહત્વાકાંક્ષાને વધુ ઉપર લઇ જવાનું વિચારી શકીએ? આજે હું, આપની ચર્ચા માટે કેટલાક સૂચનો કરવા માંગુ છુ:

  • શું આપણે આપણાં ડૉક્ટરો અને નર્સો માટે કોઇ વિશેષ વિઝા યોજના બનાવી શકીએ, જેથી તેઓ આરોગ્ય કટોકટીની સ્થિતિમાં આપણા પ્રદેશમાં કોઇપણ દેશ દ્વારા કરવામાં આવેલી વિનંતીના આધારે તે દેશમાં ઝડપથી પ્રવાસ કરી શકે?
  • શું આપણા નાગરિક ઉડ્ડયન મંત્રાલયો તબીબી આકસ્મિક સ્થિતિઓ માટે પ્રાદેશિક એર એમ્બ્યુલન્સ કરારનું સંકલન કરી શકે?
  • શું આપણે આપણા વસ્તી સમુદાયમાં કોવિડ-19 રસીની અસરકારકતા સંબંધિત ડેટાનું એકત્રીકરણ, સંકલન અને અભ્યાસ માટે કોઇ પ્રાદેશિક પ્લેટફોર્મ તૈયાર કરી શકીએ?
  • શું આપણે, ભવિષ્યમાં મહામારી નિવારવા માટે, ટેકનોલોજીથી સહાયિત રોગશાસ્ત્રને પ્રોત્સાહન આપવા માટે આવા જ કોઇ પ્રાદેશિક નેટવર્કની રચના કરી શકીએ?

અને, કોવિડ-19થી આગળ, શું આપણે આપણી સરળ જાહેર આરોગ્ય નીતિઓ અને યોજનાઓનું આદાનપ્રદાન કરી શકીએ? ભારતમાં, અમારી આયુષમાન ભારત અને જન આરોગ્ય યોજના આ પ્રદેશમાં આપણા મિત્રોને અભ્યાસ કરવા માટે ખૂબ જ ઉપયોગી કેસ-સ્ટડી છે. આવા સહયોગ, અન્ય ક્ષેત્રોમાં પણ આપણા વચ્ચે ખૂબ સારા પ્રાદેશિક સહકાર માટેનો નવતર માર્ગ બની શકે છે. છેવટે તો, આપણે સૌ ખૂબ જ સામાન્ય પડકાર આબોહવા પરિવર્તન; કુદરતી આપત્તિઓ, ગરીબી, નિરક્ષરતા અને સામાજિક તેમજ લૈંગિક અસંતુલનની સહિયારી સમસ્યાનો સામનો કરી રહ્યાં છીએ. પરંતુ આપણે, સદીઓ જુના સાંસ્કૃતિક અને લોકોથી લોકોના જોડાણની સહિયારી તાકાત પણ ધરાવીએ છીએ. આપણને સૌને એકજૂથ કરતી આ બાબત પર આપણે સૌ જો ધ્યાન કેન્દ્રિત કરીએ તો, આપણો પ્રદેશ વર્તમાન મહામારીમાંથી બહાર આવવા ઉપરાંત, આપણા અન્ય પડકારોમાંથી પણ ઉગરી શકે છે.

મિત્રો,

જો 21મી સદી એશિયાની સદી છે તો, દક્ષિણ એશિયા અને હિન્દ મહાસાગર ટાપુના દેશો વચ્ચે શ્રેષ્ઠ સંકલન વગર આ શક્ય નથી. મહામારીના સમય દરમિયાન તમે જે પ્રાદેશિક એકતા દર્શાવી તેણે પૂરવાર કરી દીધું છે કે, આવી એકજૂથતા શક્ય છે. ફરી એકવાર, હું આજની ચર્ચા આપ સૌના માટે ખૂબ જ ફળદાયી નીવડે તેવી શુભેચ્છા પાઠવું છું.

આપનો આભાર!

આપ સૌનો ખૂબ ખૂબ આભાર!

 

SD/GP/JD



(Release ID: 1699085) Visitor Counter : 287