પ્રધાનમંત્રીનું કાર્યાલય

લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પર ધન્યવાદ પ્રસ્તાવ પર પ્રધાનમંત્રીનો પ્રત્યુત્તર

Posted On: 10 FEB 2021 6:16PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંસદમાં રાષ્ટ્રપતિના ભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર લોકસભામાં આજે જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિજીના ભાષણમાં ભારતની સંકલ્પશક્તિનો અનુભવ થયો હતો. તેમના શબ્દોએ ભારતીયોના આત્મવિશ્વાસમાં વધારો કર્યો છે. શ્રી મોદીએ ગૃહના સભ્યોનો આભાર માન્યો હતો. તેમણે ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે, મોટી સંખ્યામાં મહિલા સાંસદો સામેલ થઈ હતી અને તેમના વિચારો સાથે ગૃહની કામગીરીની ગરિમા વધારવા બદલ અભિનંદન આપ્યા હતા.

વિશ્વયુદ્ધો પછી દુનિયાની વ્યવસ્થામાં ઐતિહાસિક પરિવર્તન થયું હતું. આ સંદર્ભમાં પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, કોવિડ રોગચાળા પછીની દુનિયા પણ અગાઉની દુનિયાથી ઘણી જુદી હશે. જગતના ઇતિહાસમાં કોવિડ રોગચાળો વળાંક સમાન છે. આ પ્રકારના સમયમાં આંતરરાષ્ટ્રીય પ્રવાહોથી અલિપ્ત રહેવું ન પરવડે. એનાથી આપણને નુકસાન થશે. આ કારણે ભારત આત્મનિર્ભર ભારતના નિર્માણની દિશામાં કાર્યરત છે, જેનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે લાભ થશે. તેમણે કહ્યું હતું કે, ભારત વધારે મજબૂત બનશે અને આત્મનિર્ભર ભારત અભિયાન દુનિયા પર સકારાત્મક અસર કરી રહ્યું છે. સ્વદેશી ચીજવસ્તુઓ માટેની હિમાયત (વોકલ-ફોર-લોકલ) એ કોઈ ખાસ નેતાની વિચારસરણી નથી, પણ દેશનાં દરેક ખૂણામાં વસતા નાગરિકની ઇચ્છાની અભિવ્યક્તિ છે. કોરોના રોગચાળા દરમિયાન દેશની સ્થિતિને સારી રીતે જાળવવાનો શ્રેય 130 કરોડ ભારતીયોને આપીને પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, આપણા ડૉક્ટરો, નર્સો, કોવિડ યોદ્ધાઓ, સફાઈ કર્મચારીઓ, એમ્બ્યુલન્સની દોડધામ કરતાં લોકો....આ પ્રકારના લોકો અને અન્ય ઘણા લોકોએ આંતરરાષ્ટ્રીય રોગચાળા સામે ભારતની લડાઈને મજબૂત બનાવી છે.

પ્રધાનમંત્રીએ અન્ય એક બાબતે ધ્યાન દોર્યું હતું કે, રોગચાળાના સમયગાળા દરમિયાન સરકાર આ મહામારીમાં એક યા બીજા પ્રકારે માઠી અસર અનુભવતા લોકોના ખાતાઓમાં 2 લાખ કરોડ રૂપિયા સીધા જમા કરીને તેમની મદદ કરી શકી હતી. આપણું જન-ધન-આધાર-મોબાઇલ (જેએમએમ) ત્રિવેણી મોડલે લોકોના જીવનમાં સકારાત્મક અસર કરી છે. એનાથી અતિ ગરીબ, વંચિતો અને ઉપેક્ષિતોને પણ મદદ મળી હતી. તેમણે કહ્યું હતું કે, સરકારે રોગચાળા દરમિયાન પણ વિવિધ ક્ષેત્રોમાં સુધારા જાળવી રાખ્યાં હતાં. એનાથી આપણા અર્થતંત્રને નવો વેગ મળ્યો છે અને ટૂંક સમયમાં દેશ 10 ટકાથી વધારે દરે વૃદ્ધિ કરશે એવી આશા જન્મી છે.

પ્રધાનમંત્રીએ કૃષિ ક્ષેત્રમાં સુધારા સામે ચાલી રહેલા ખેડૂતોના વિરોધ પ્રદર્શન પર જણાવ્યું હતું કે, આ ગૃહ, સરકાર અને આપણે તમામ ખેડૂતોનું સન્માન કરીએ છીએ, જેઓ કૃષિ સુધારા પર તેમના અભિપ્રાયો આપી રહ્યાં છે. આ જ કારણસર સરકારના ટોચના મંત્રીઓ સતત તેમની સાથે વાટાઘાટ કરી રહ્યાં છે. ખેડૂતો પ્રત્યે સમગ્ર દેશને માન છે. સંસદમાં કૃષિ સાથે સંબંધિત કાયદા પસાર થયા પછી કોઈ મંડી બંધ થઈ નથી. એ જ રીતે લઘુતમ ટેકાના ભાવ (એમએસપી)ની વ્યવસ્થા જળવાઈ રહી છે. એમએસપી પર ખરીદી હજુ પણ ચાલુ છે. બજેટમાં મંડીઓને મજબૂત કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ હકીકતોને અવગણ ન શકાય. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જે લોકો ગૃહમાં વિક્ષેપ ઊભો કરી રહ્યાં છે, તેઓ આયોજનબદ્ધ વ્યૂહરચના મુજબ આ કામગીરી કરી રહ્યાં છે. તેઓ એ પચાવી શકતા નથી કે, લોકો સત્યને સમજી રહ્યાં છે. તેમની રાજરમતો દ્વારા લોકોનો વિશ્વાસ ક્યારેય જીતી નહીં શકાય. જે સુધારાની માંગણી કરવામાં આવી નથી એ સુધારાને શા માટે સરકાર આગળ વધી રહી છે એનો જવાબ પ્રધાનમંત્રીએ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, સુધારાની પ્રક્રિયા વૈકલ્પિક છે, પણ આપણે સુધારાની માંગણી થાય એની રાહ ન જોઈ શકીએ. ઘણા પ્રગતિશીલ કાયદાઓ સમયની માગ મુજબ કરવામાં આવ્યાં હતાં. એની પાછળનો આશય લોકો પર દબાણ કરવું કે લોકોને રિઝવવા એ કોઈ લોકતાંત્રિક રીત નથી. આપણે જવાબદાર બનવું પડશે અને દેશની જરૂરિયાત અનુસાર લોકોના કલ્યાણ માટે કામ કરવાનું ચાલુ રાખવું પડશે. તેમણે કહ્યું હતું કે, આપણે દેશમાં પરિવર્તન લાવવા અને એની કાયાપલટ કરવા કામ કરીએ છીએ તથા જો ઇરાદા યોગ્ય હોય, તો પરિણામે અચૂક મળશે.

કૃષિ સમાજનું અભિન્ન અંગ છે તથા આપણી સંસ્કૃતિ અને આપણા તહેવારો તેમજ તમામ પ્રસંગો વાવેતર અને લણણી સાથે સંકળાયેલા છે. આપણી વસ્તીના 80 ટકાથી વધારે લોકોને અવગણી ન શકાય, નાનાં ખેડૂતોની ઉપેક્ષા ન કરી શકાય. જમીનના ટુકડાં થઈ રહ્યાં છે, જે ચિંતાજનક સ્થિતિ છે. એમાં ખેડૂતોને તેમના ખેતરોમાંથી વ્યવહારિક વળતર મળતું નથી. વળી કૃષિ ક્ષેત્રને રોકાણ મળતું નથી. અત્યારે નાનાં ખેડૂતોના હિતો માટે વિવિધ પગલાં લેવાની કે સુધારા કરવાની જરૂર છે. એટલે આપણે આપણા ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા અને તેમને તેમના પાકોનું વેચાણ કરવાની સ્વતંત્રતા આપવા તેમજ પાકમાં  વિવિધતા લાવવા સક્ષમ બનાવવા કામ કરવાની જરૂર છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, કૃષિ ક્ષેત્રમાં રોકાણ વધારે રોજગારી તરફ દોરી જશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જો આપણે તેમને સ્પર્ધા કરવા સમાન તકો પ્રદાન કરવી હોય, તેમને આધુનિક ટેકનોલોજી પ્રદાન કરવી હોય અને તેમની અંદર આત્મવિશ્વાસ જગાવવો હોય, તો પછી જૂની વિચારસરણીઓ અને માપદંડો કામ નહીં કરે.

શ્રી મોદીએ ભારપૂર્વક કહ્યું હતું કે, સરકારી ક્ષેત્ર આવશ્યક છે, પણ સાથે સાથે ખાનગી ક્ષેત્રની ભૂમિકા પણ દેશના વિકાસમાં મહત્વપૂર્ણ છે. તમે કોઈ પણ ક્ષેત્રને લો – ટેલીકોમ, ફાર્મા કે કોઈ પણ – આપણે ખાનગી ક્ષેત્રની ભૂમિકાની સફળતાને જોઈ શકીએ છીએ. જો અત્યારે ભારત માનવજાતની સેવા કરી શકે છે, તો એ માટે ખાનગી ક્ષેત્રની ભૂમિકા પ્રશંસનીય છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભૂતકાળમાં ખાનગી ક્ષેત્રનો વિરોધ કરીને, એના માટે અનુચિત શબ્દોનો ઉપયોગ કરીને મતો મળતા હતા, પણ એ સમય પસાર થઈ ગયો છે. ખાનગી ક્ષેત્રનો વિરોધ કરવાની રાજનીતિ લાંબો સમય નહીં ચાલે. આપણે આપણી યુવા પેઢીનું અપમાન ન કરી શકીએ.

દરમિયાન પ્રધાનમંત્રીએ કિસાન આંદોલન દરમિયાન થયેલી હિંસાની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે,
હું કિસાન આંદોલનને પવિત્ર ગણું છું. પણ જ્યારે આંદોલનજીવીઓએ પવિત્ર આંદોલનને બાનમાં લીધું, ગંભીર ગુનાઓ માટે જેલમાં ગયેલા લોકોના ફોટો દેખાડ્યાં, ત્યારે કયો હેતુ સર થયો હતો? ટોલ પ્લાઝાની કામગીરી બંધ કરી દેવી, ટેલીકોમ ટાવરો તોડી પાડવા – એનાથી પવિત્ર આંદોલનનો  ઉદ્દેશ પાર પડશે?” તેમણે ઉમેર્યું હતું કે, આંદોલનકર્તાઓ અને આંદોલનજીવીઓ વચ્ચેનો ફરક સમજવો મહત્ત્વપૂર્ણ છે. કેટલાંક લોકો ઉચિત વાત કરી રહ્યાં છે. પણ જ્યારે ઉચિત કામગીરી કરવાની વાત આવે છે, ત્યારે તેમના શબ્દોને કાર્યમાં પરિવર્તિત કરવામાં આ જ લોકો નિષ્ફળ નિવડ્યાં છે. જે લોકો ચૂંટણી સુધારા પર મોટી મોટી વાતો કરે છે, તેઓ એક દેશ, એક ચૂંટણીનો વિરોધ કરે છે. તેઓ સ્ત્રીપુરુષ સમાનતાની વાતો કરે છે, પણ ટ્રિપલ તલાકનો વિરોધ કરે છે. આ પ્રકારના લોકો દેશને ગેરમાર્ગે દોરી રહ્યાં છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર ગરીબો અને મધ્યમ વર્ગ માટે નવી તકોનું સર્જન કરવા માળખાગત ક્ષમતાને મજબૂત કરવા માટે કામ કરે છે. સરકાર સંતુલિત વિકાસ તરફ દેશને લઈ જવા ધ્યાન કેન્દ્રિત કરે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકાર પૂર્વ ભારતના વિકાસ માટે યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. તેમણે આ વિસ્તારમાં પેટ્રોલિયમ પ્રોજેક્ટ્સ, માર્ગો, એરપોર્ટ્સ, જળમાર્ગો, સીએનજી, એલપીજી કવરેજ, નેટ કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સનો ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ એ બાબતે પણ ધ્યાન દોર્યું હતું કે, સરકાર સરહદી માળખાગત સુવિધાની ઐતિહાસિક ઉપેક્ષાઓને સુધારવા વિવિધ પગલાં લઈ રહી છે. સંરક્ષણ ક્ષેત્ર આપણી સરહદોને સલામત રાખવા માટે તેની જવાબદારી અદા કરી રહ્યું છે. પ્રધાનમંત્રીએ સૈનિકોની તેમની બહાદુરી, ક્ષમતા અને ત્યાગ માટે પ્રશંસા કરી હતી.

 (Release ID: 1696948) Visitor Counter : 27