પ્રધાનમંત્રીનું કાર્યાલય

અફઘાનિસ્તાનમાં લાલંદર [શતૂત] ડેમના બાંધકામ માટે MoU પર હસ્તાક્ષર કાર્યક્રમ યોજાયો

Posted On: 09 FEB 2021 3:29PM by PIB Ahmedabad

અફઘાનિસ્તાનમાં લાલંદર [શતૂત] ડેમના બાંધકામ માટે સમજૂતી કરાર [MoU] પર હસ્તાક્ષર કરવા માટે 9 ફેબ્રુઆરી 2021ના રોજ VTC પર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. MoU પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ મહામહિમ ડૉ. હામીદ અશરફ ઘનીની ઉપસ્થિતિમાં ભારતના વિદેશ મંત્રી ડૉ. જયશંકર અને અફઘાનિસ્તાનના વિદેશમંત્રી શ્રી હનીફ અતમરે હસ્તાક્ષર કર્યા હતા.


આ પરિયોજના ભારત અને અફઘાનિસ્તાનના વચ્ચે નવી વિકાસ ભાગીદારીનો એક હિસ્સો છે. લાલંદર [શતૂત] ડેમની મદદથી કાબુલ શહેરમાં પીવાલાયક સલામત પાણીની જરૂરિયાત સંતોષી શકાશે અને આસપાસના વિસ્તારોમાં સિંચાઇનું પાણી પૂરું પાડી શકાશે. તેનાથી હાલમાં અસ્તિત્વમાં રહેલા સિંચાઇ અને ગટર નેટવર્કને ફરી સ્થાપિત કરી શકાશે અને આ વિસ્તારમાં પૂર સામે સુરક્ષા અને વ્યવસ્થાપનના પ્રયાસોમાં મદદ મળશે તેમજ આ પ્રદેશમાં વીજ પૂરવઠો પણ ઉપલબ્ધ કરાવી શકાશે.

અફઘાનિસ્તાનમાં ભારત દ્વારા બાંધવામાં આવી રહેલો આ બીજો મોટો ડેમ છે. અગાઉ, ભારત- અફઘાનિસ્તાન ભાગીદારી ડેમ [સલમા ડેમ]નું નિર્માણ કરવામાં આવ્યું હતું જેનું ઉદ્ઘાટન 2016માં પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપ્રમુખ દ્વારા કરવામાં આવ્યું હતું. લાલંદર [શતૂત] ડેમના નિર્માણ માટે MoU પર હસ્તાક્ષર એ અફઘાનિસ્તાનમાં સોશિયો- ઇકોનોમિક વિકાસની દિશામાં ભારતની મજબૂત અને લાંબાગાળાની પ્રતિબદ્ધતા તેમજ બંને દેશો વચ્ચેની મજબૂત ભાગીદારીની પ્રતિતી કરાવે છે. અફઘાનિસ્તાન સાથે આપણા વિકાસના સહકારના ભાગરૂપે, ભારતે અફઘાનિસ્તાનના તમામ 34 પ્રાંતને આવરી લેતી 400થી વધુ પરિયોજનાઓનું કામ પૂરું કર્યું છે.


પ્રધાનમંત્રીએ તેમના આભાર વચન દરમિયાન, ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સાંસ્કૃતિક સંબંધો પર પ્રકાશ પાડ્યો હતો અને ખાતરી આપી હતી કે, શાંતિપૂર્ણ, એકતાપૂર્ણ, સ્થિર, સમૃદ્ધ અને સહિયારા અફઘાનિસ્તાનના નિર્માણ માટે ભારત પોતાના તરફથી સહકાર આપવાનું સતત ચાલુ જ રાખશે.

***

SD/GP/BT(Release ID: 1696644) Visitor Counter : 165