કૃષિ મંત્રાલય

કેન્દ્ર સરકારની રૂ. 6865 કરોડની “10,000 નવી ખેડૂત ઉત્પાદક મંડળીઓ (એફપીઓ)ની રચના અને પ્રોત્સાહન” યોજના


એફપીઓ દ્વારા કૃષિ ક્ષેત્રની સ્થિર ઉદ્યોગમાં કાયાપલટ

"અનેકતામાં એકતા " અને એકતામાં શક્તિ

Posted On: 09 FEB 2021 6:06PM by PIB Ahmedabad

દેશના આર્થિક વિકાસ અને રાષ્ટ્રનિર્માણ એમ બંનેમાં કૃષિ ક્ષેત્ર અતિ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભારત કૃષિ ક્ષેત્રને વિકસાવવામાં આંતરરાષ્ટ્રીય સ્તરે મોખરે છે. સરકારનો લક્ષ્યાંક વર્ષ 2022 સુધી નિકાસને બમણી કરવાનો છે. જોકે દેશમાં 86 ટકાથી વધારે ખેડૂતો નાના અને સીમાંત છે. આપણા ખેડૂતોને અદ્યતન ટેકનોલોજી, ધિરાણ, ગુણવત્તાયુક્ત કાચી સામગ્રી અને વધારે બજારો પૂરાં પાડવાની જરૂર છે, જેથી તેમને ગુણવત્તાયુક્ત કૃષિ જણસોનું ઉત્પાદન કરવા પ્રોત્સાહન મળે. એફપીઓમાં નાનાં, સીમાંત અને જમીનવિહોણા ખેડૂતો એકમંચ પર આવવાથી ખેડૂતોની આર્થિક શક્તિ વધારવામાં અને બજાર સાથે તેમનું જોડાણ વધારવામાં મદદ મળશે. પરિણામે તેમની આવક વધશે. આ બાબતને ધ્યાનમાં રાખીને ભારત સરકારે નવી કેન્દ્ર સરકાર પ્રાયોજિત યોજના 10,000 ખેડૂત ઉત્પાદક મંડળીઓ (એફપીઓ)ની રચના અને પ્રોત્સાહન શરૂ કરી છે. આ યોજનાની વ્યૂહરચના સ્પષ્ટ છે અને રૂ. 6865 કરોડની અંદાજપત્રીય જોગવાઈ સાથે દેશમાં 10,000 નવી એફપીઓની રચના કરવા અને એને પ્રોત્સાહન આપવા સંસાધનો પ્રત્યે પ્રતિબદ્ધ છે.

કૃષિ પાકોનું ઉત્પાદન કરતા વિસ્તારોમાં એફપીઓ વિકસાવવામાં આવશે, જ્યાં કૃષિ અને બાગાયતી ઉત્પાદનોનું વાવેતર કે ખેતી થાય છે. એનો આશય સામૂહિક સ્તરે ખેતીને પ્રોત્સાહન આપવાનો અને સભ્ય ખેડૂતો માટે બજારનું જોડાણ વધારવાનો છે. એક જિલ્લો એક ઉત્પાદનથી વિશેષ ઉત્પાદનને પ્રોત્સાહન મળશે તથા પ્રોસેસિંગ, માર્કેટિંગ, બ્રાન્ડિંગ અને નિકાસની વધારે સુવિધાઓ ઊભી થશે. ઉપરાંત કૃષિ મૂલ્યની સાંકળમાં સંકળાયેલી સંસ્થાઓ એફપીઓ રચશે અને સભ્યોના ઉત્પાદનો માટે 60 ટકા બજાર પૂરું પાડશે.

ભારત સરકારના ભંડોળ સાથે કેન્દ્ર સરકારની આ યોજના અંતર્ગત એફપીઓની રચના અને એને પ્રોત્સાહન અમલીકરણ સંસ્થાઓ (આઇએ) દ્વારા આપવામાં આવી રહ્યું છે. અત્યારે નાના ખેડૂતોનું કૃષિ વ્યવસાયનું કન્સોર્ટિંયમ (એસએફએસી), રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ (એનસીડીસી), રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ માટે બેંક (નાબાર્ડ), ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વેચાણ સંઘ (નાફેડ), ઉત્તર પૂર્વ પ્રાદેશિક કૃષિ વેચાણ સહકારી લિમિટેડ (એનઇઆરએએમએસી), તમિલનાડુ – નાનાં ખેડૂતોના કૃષિ વ્યવસાયોનું કન્સોર્ટિયમ (ટીએન-એસએફએસી), નાનાં ખેડૂતોનાં કૃષિ વ્યવસાયોનું કન્સોર્ટિયમ હરિયાણા (એસએફએસીએચ), વોટરશેડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ (ડબલ્યુડીડી) – કર્ણાટક અને ગ્રામીણ વિકાસ મંત્રાલય અંતર્ગત કાર્યરત ગ્રામીણ મૂલ્ય સાંકળના વિકાસ માટેનું ફાઉન્ડેશન (એફડીઆરવીસી) એમ કુલ 09 અમલીકરણ સંસ્થાઓ (આઇએ)ને એફપીઓની રચના અને પ્રોત્સાહન આપવા માટે નક્કી કરવામાં આવી છે.

અમલીકરણ સંસ્થાઓ 5 વર્ષના ગાળા માટે દરેક એફપીઓને કુલ, નોંધાયેલ અને વ્યવસાયિક વ્યવહારિક મદદ પ્રદાન કરવા ક્લસ આધારિત વ્યાવસાયિક સંસ્થાઓ (સીબીબીઓ)ને જોડશે. સીબીબીઓને આઇએ દ્વારા પેનલમાં સામેલ કરીને સાંકળવામાં આવી છે. સીબીબીઓ એફપીઓના પ્રોત્સાહન સાથે સંબંધિત તમામ સમસ્યાઓ માટે સંપૂર્ણ જાણકારી માટે પ્લેટફોર્મ બનશે.

વર્ષ 2020-21 દરમિયાન કુલ 2200 એફપીઓ પ્રોડ્યુસ ક્લસ્ટર્સની ફાળવણી એફપીઓની રચના માટે થઈ છે, જેમાં ઓર્ગેનિક માટે 100 એફપીઓ, તેલીબિયા માટે 100 એફપીઓ વગેરે જેવા વિશેષ એફપીઓ પ્રોડ્યુસ ક્લસ્ટર્સ સામેલ પણ હશે. ચાલુ વર્ષ દરમિયાન દેશમાં 115 આકાંક્ષી જિલ્લાઓમાં રચના માટે એમાંથી 369 એફપીઓને લક્ષ્યાંક બનાવવામાં આવી છે.

નાફેડ સ્પેશ્યલાઇઝ એફપીઓની રચના કરશે, જેને બજાર, કૃષિ-મૂલ્યની સાંકળ સાથે જોડવી પડશે. નાફેડ અન્ય અમલીકરણ સંસ્થાઓ રચેલી એફપીઓને બજાર અને મૂલ્ય સાંકળ સાથે જોડાણ પ્રદાન કરશે. નાફેડે ચાલુ વર્ષ દરમિયાન ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર અને પશ્ચિમ બંગાળમાં 05 હની એફપીઓની રચના કરી છે અને નોંધણી કરી છે.

એફપીઓને 03 વર્ષના ગાળા માટે એફપીઓદીઠ રૂ. 18.00 લાખ સુધીની નાણાકીય સહાય પ્રદાન કરવામાં આવશે. આ ઉપરાંત એફપીઓના સભ્ય હોય એવા દરેક ખેડૂતને રૂ. 2,000 સુધીની ઇક્વિટી સહાયની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ સહાયની મર્યાદા એફપીઓદીઠ રૂ. 15.00 લાખ છે અને એફપીઓદીઠ રૂ. 2 કરોડ સુધીની પ્રોજેક્ટ લોન સુધીની ધિરાણની સુવિધાની જોગવાઈ છે, જે તેમને લાયકાત ધરાવતી નાણાકીય સંસ્થાઓ પાસેથી મળશે. એના પરિણામે એફપીઓને સંસ્થાગત ધિરાણ સુલભ થશે.

જિલ્લા સ્તરે જિલ્લા સ્તરીય નિરીક્ષણ સમિત (ડી-એમસી)ની રચના જિલ્લા કલેક્ટર/સીઇઓ/જિલ્લા પરિષદની અધ્યક્ષતામાં થઈ છે. આ સમિતિમાં જિલ્લામાં યોજનાના અમલીકરણનું સંપૂર્ણ સંકલન કરવા અને એના પર નજર રાખવા માટે સંબંધિત વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ અને નિષ્ણાતો સામેલ છે. એમાં ઉત્પાદનના સંભવિત વિવિધ જૂથ અને વિકાસ માટે સૂચનો આપવાની કામગીરી સામેલ છે.

રાષ્ટ્રીય સ્તરે વ્યવસાયિક સંસ્થા તરીકે નેશનલ પ્રોજેક્ટ મેનેજમેન્ટ એજન્સી (એનપીએમએ)ને સંપૂર્ણ પ્રોજેક્ટના માર્ગદર્શન, સંકલન, એફપીઓ સાથે સંબંધિત માહિતીના સંકલન, એમઆઇએસની જાળવણી અને નિરીક્ષણનો હેતુ પ્રદાન કરવા માટે રોકવામાં આવી છે.

આ યોજનામાં તાલીમનું સારી રીતે પરિભાષિત તાલીમ માળખું છે તથા બેંકર્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રુરલ ડેવલપમેન્ટ (બીઆઇઆરડી), લખનો અને લક્ષ્મણરાવ ઇનામદાર નેશનલ એકેડેમી ફોર કો-ઓપરેટિવ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (એલઆઇએનએસી), ગુરુગ્રામ જેવી સંસ્થાઓની પસંદગી એફપીઓની તાલીમ અને ક્ષમતા વિકાસ માટે મુખ્ય તાલીમ સંસ્થાઓ તરીકે થઈ છે. તાલીમ અને કૌશલ્ય વિકાસના મોડ્યુલ્સ એફપીઓને વધારે મજબૂત કરવા માટે વિકસાવવામાં આવ્યાં છે.

એફપીઓની રચના અને પ્રોત્સાહન કૃષિ ક્ષેત્રની કાયાપલટ કરીને આત્મનિર્ભર કૃષિ બનાવવાની દિશામાં પ્રથમ પગલું છે. એનાથી ખેડૂતોને વાજબી ખર્ચે ઉત્પાદનનો લાભ મળશે અને એફપીઓના સભ્યોની ચોખ્ખી આવકમાં વધારો થશે. વળી ગ્રામીણ અર્થતંત્રને વેગ મળશે અને ગામડાઓની અંદર યુવાનો માટે રોજગારીની તકો પેદા થશે. આ ખેડૂતોની આવકમાં નોંધપાત્ર સુધારો કરવાની દિશામાં મુખ્ય પગલું છે.

આત્મનિર્ભર કૃષિ અત્યારે ચર્ચાસ્પદ શબ્દ છે, જેનો ઉદ્દેશ એફપીઓ દ્વારા કૃષિ ક્ષેત્રની કાયાપલટ સ્થિર ઉદ્યોગસાહસ તરીકે કરવાનો છે અને ભારતીય ખેડૂતોને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડવાનો છે, જેથી આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવામાં મદદ મળશે.

******

SD/GP/BT


(Release ID: 1696643) Visitor Counter : 393