પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળમાં મહત્વપૂર્ણ માળખાગત પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી તેમજ કેટલીક પરિયોજનાનો શિલાન્યાસ કર્યો
ગેસ આધારિત અર્થતંત્ર ભારત માટે વર્તમાન સમયની માંગ છે: પ્રધાનમંત્રી
અમે પશ્ચિમ બંગાળનો મુખ્ય વેપાર અને ઔદ્યોગિક કેન્દ્ર તરીકે વિકાસ કરવા માટે અવિરત કામ કરી રહ્યાં છીએ: પ્રધાનમંત્રી
Posted On:
07 FEB 2021 7:55PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના હલ્દીઆની મુલાકાત લીધી હતી અને અહીં દોભી- દુર્ગાપૂર રાષ્ટ્રીય ગેસ પાઇપલાઇનનો 348 કિમી લાંબો સેક્શન રાષ્ટ્રને અર્પણ કર્યો હતો. આ સેક્શન પ્રધાનમંત્રી ઉર્જા ગંગા પરિયોજનાનો એક હિસ્સો છે. આ ઉપરાંત, તેમણે હલ્દીઆ રિફાઇનરીના બીજા કેટાલિટિક- આઇસોડિવેક્સિંગ એકમનો શિલાન્યાસ કર્યો હતો અને NH 41 પર હલ્દીઆમાં રાનીચાક ખાતે 4 માર્ગી ROB-કમ-ફ્લાઇઓવર પણ રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. આ કાર્યક્રમમાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ અને કેન્દ્રીય મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન તેમજ અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સંબોધન આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળ માટે અને સમગ્ર પૂર્વ ભારત માટે કનેક્ટિવિટી અને ઇંધણની ઉપલબ્ધતા મામલે આત્મનિર્ભરતાના સંદર્ભમાં આજનો દિવસ ખૂબ જ મોટો છે. આ ચાર પરિયોજનાઓના કારણે સમગ્ર પ્રદેશમાં ઇઝ ઓફ લિવિંગ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં સુધારો આવશે. આ પરિયોજનાઓથી હલ્દીઆના આયાત- નિકાસના મુખ્ય કેન્દ્ર તરીકે વિકસવામાં પણ મદદ મળી રહેશે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગેસ આધારિત અર્થતંત્ર ભારત માટે વર્તમાન સમયની માંગ છે. એક રાષ્ટ્ર એક ગ્રીડ આ જરૂરિયાત પૂરી કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આના માટે, કુદરતી વાયુના ખર્ચમાં ઘટાડો કરવા પર અને ગેસની પાઇપલાઇનોના નેટવર્કનું વિસ્તરણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. અમારા પ્રયાસોના કારણે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જ્યાં ભારત સૌથી વધુ જથ્થામાં ગેસનો વપરાશ કરતા દેશોમાંથી એક બની ગયો છે. સસ્તી અને સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે અંદાજપત્રમાં હાઇડ્રોજન મિશનની જાહેરાત કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી પૂર્વીય ભારતમાં લોકોના જીવનની ગુણવત્તા અને વ્યવસાયમાં સુધારો લાવવા માટે રેલવે, માર્ગ, હવાઇમથકો, બંદરો અને જળમાર્ગો માટે હાથ ધરવામાં આવેલા વિવિધ કાર્યો ગણાવ્યા હતા. તેમણે ટાંક્યું હતું કે, આ પ્રાંતમાં ગેસની અછતના કારણે ઉદ્યોગોને બંધ કરવાની નોબત આવતી હતી. આના ઉપાય તરીકે, પૂર્વીય ભારતને પૂર્વીય અને પશ્ચિમી બંદરો સાથે જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આજે જેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, તે પ્રધાનમંત્રી ઉર્જા ગંગા પાઇપલાઇનનો એક હિસ્સો છે, જે આ જોડાણની કામગીરીનો જ એક હિસ્સો છે. 350 કિમી લાંબી દોભી- દુર્ગાપૂર પાઇપલાઇનથી સીધો જ માત્ર પશ્ચિમ બંગાળ નહીં પરંતુ બિહાર અને ઝારખંડાના 10 જિલ્લાને પણ લાભ થશે. આના બાંધકામની કામગીરીના કારણે 11 લાખ માનવ દિવસની રોજગારી સ્થાનિક લોકોને પ્રાપ્ત થઇ છે. આનાથી લોકોના રસોડાં સુધી પાઇપના માધ્યમથી સ્વચ્છ LPG પૂરો પાડવામાં આવશે અને તેનાથી સ્વચ્છ CHG વાહનો પણ ચલાવી શકાશે. સિન્દરી અને દુર્ગાપૂર ખાતર ફેક્ટરીઓને સતત ગેસનો પૂરવઠો ઉપલબ્ધ થશે. પ્રધાનમંત્રીએ GAIL અને પશ્ચિમ બંગાળને તાકીદના ધોરણે જગદીશપુર- હલ્દીઆના દુર્ગાપૂર- હલ્દીઆ સેક્શન અને બોકારો-ધર્મા પાઇપલાઇનનું કામ પૂરું કરવાનું પણ કહ્યું હતું.
ઉજ્જવલા યોજનાના પરિણામરૂપે ઘણા મોટા હિસ્સાને આવરી લેવામાં આવ્યો છે અને આ પ્રદેશમાં LPGની માંગ વધી છે જેથી આ પ્રદેશમાં LPG ઇન્ફ્રસ્ટ્રક્ચરમાં સુધારો લાવવાનું કામ ચાલી રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં મહિલાઓને LPGના 90 લાખ જોડાણો વિનામૂલ્યે આપવામાં આવ્યા છે જેમાં SC/ST વર્ગની 36 લાખ મહિલાઓને પણ સમાવી લેવામાં આવી છે. છેલ્લા છ વર્ષમાં પશ્ચિમ બંગાળમાં LPGનું કવરેજ 41 ટકાથી વધીને 99 ટકા થઇ ગયું છે. આ વર્ષના અંદાજપત્રમાં ઉજ્જવલા યોજના અંતર્ગત વધુ 1 કરોડ LPG જોડાણો વિનામૂલ્યે આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. હલ્દીઆનું LPG આયાત ટર્મિનલ ઉંચી માંગને પહોંચી વળવામાં ઘણી મોટી ભૂમિકા નિભાવશે કારણ કે તે પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ અને પૂર્વોત્તરમાં સાત કરોડ પરિવારોને સેવા આપશે. 2 કરોડથી વધારે લોકોને અહીંયાથી ગેસ આપવામાં આવશે જેમાંથી 1 કરોડ લોકો ઉજ્જવલા યોજનાના લાભાર્થી હશે.
પ્રધાનમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, સ્વચ્છ ઇંધણ આપવાની અમારી કટિબદ્ધતાના ભાગરૂપે, BS-6 ઇંધણ પ્લાન્ટની કુલ ક્ષમતા વધારવા માટેનું કામ આજથી શરૂ કરવામાં આવ્યું છે. આ બીજા કેટાલિટિક- આઇસોડિવેક્સિંગ એકમના કારણે લ્યૂબ આધારિત ઓઇલની આયાત પરની આપણી નિર્ભરતા ઘટી જશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “આપણે એવી દિશામાં આગળ વધી રહ્યાં છીએ જ્યાં આપણે નિકાસની ક્ષમતાનું સર્જન કરી શકીશું.”
પ્રધાનમંત્રીએ ખાસ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર પશ્ચિમ બંગાળને એક મોટા વ્યાપાર અને ઔદ્યોગિક કેન્દ્ર તરીકે વિકસાવવા માટે અવિરત કામ કરી રહી છે. આના માટે બંદર આધારિત વિકાસ એક સારું મોડલ છે. કોલકાતાના શ્યામા પ્રસાદ મુખરજી બંદર ટ્રસ્ટના આધુનિકીકરણ માટે સંખ્યાબંધ પગલાં લેવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ હલ્દીઆ ડોક કોમ્પલેક્સની ક્ષમતા અને આસપાસના દેશો સાથે તેની કનેક્ટિવિટી વધુ મજબૂત કરવાનું પણ આહ્વાન કર્યું હતું. નવા ફ્લાઇઓવર અને આંતરિક જળમાર્ગ સત્તામંડળના પ્રસ્તાવિક બહુવિધ-મોડલ ટર્મિનલથી કનેક્ટિવિટીમાં સુધારો આવશે. પ્રધાનમંત્રીએ સમાપનમાં જણાવ્યું હતું કે, “આના કારણે હલ્દીઆ આત્મનિર્ભર ભારત માટે ઉર્જાના ખૂબ જ વિપુલ કેન્દ્ર તરીકે ઉભરી આવશે.”
SD/GP/BT
(Release ID: 1696039)
Visitor Counter : 256
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam