પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ડબલ્યુઇએફની દાવોસ બેઠકને સંબોધન કર્યું


ભારતે કોરોનાના અસરકારક નિયંત્રણથી માનવજાતને અતિ મોટી કરુણાંતિકાથી બચાવી લીધી છેઃ પ્રધાનમંત્રી

આત્મનિર્ભર ભારત અભિયાન આંતરરાષ્ટ્રીય અર્થતંત્રના હિત અને આંતરરાષ્ટ્રીય સ્તરે પુરવઠાની સાંકળ પ્રત્યે પ્રતિબદ્ધ છેઃ પ્રધાનમંત્રી

ભારત કરવેરાના માળખાથી લઈને એફડીઆઈના નિયમો સુધી ધારણા બાંધી શકાય એવું સાનુકૂળ વાતાવરણ પૂરું પાડે છેઃ પ્રધાનમંત્રી

દેશની ડિજિટલ પૃષ્ઠભૂમિ સંપૂર્ણપણે પરિવર્તિત થઈ ગઈ છેઃ પ્રધાનમંત્રી

ભારત જીવનની સરળતા, વેપારવાણિજ્યની સરળતા અને આબોહવા પ્રત્યે સંવેદનશીલ વિકાસ સાથે પર્યાવરણને અનુકૂળ શહેરીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છેઃ પ્રધાનમંત્રી

Posted On: 28 JAN 2021 8:53PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સ દ્વારા વર્લ્ડ ઇકોનોમિક ફોરમની દાવોસ બેઠકને સંબોધન કર્યું હતું. તેમણે માનવજાતના ભલા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચોથી ઔદ્યોગિક ક્રાંતિ વિશે વાત કરી હતી. પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમ દરમિયાન વિવિધ કંપનીઓના સીઇઓ સાથે પણ સંવાદ કર્યો હતો.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, હું તમામ શંકા-કુશંકાઓ વચ્ચે આજે તમારી સામે 1.3 અબજથી વધારે ભારતીયો તરફથી દુનિયા માટે વિશ્વાસ, સકારાત્મકતા અને આશાનો સંદેશ લઈને આવ્યો છું. તેમણે આ બેઠકમાં સામેલ લોકોને જણાવ્યું હતું કે, શરૂઆતમાં રોગચાળાનો સામનો કરવામાં ભારતની ક્ષમતા વિશે ખોટી ધારણાઓ બાંધવામાં આવી હોવા છતાં ભારત સક્રિય અને સક્રિય ભાગીદારીના અભિગમ સાથે આગળ વધ્યો હતો અને કોવિડ માટે જરૂરી આરોગ્યલક્ષી માળખાગત સુવિધાને મજબૂત કરવા પર કામ કર્યું હતું. અમે અમારા દેશમાં રોગચાળામાં સ્થિતિસંજોગોને નિયંત્રણમાં રાખવા માટે અમારા લોકોને તાલીમ આપી હતી તથા કેસોનું પરીક્ષણ કરવા અને એના પર નજર રાખવા મોટા પાયે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. ભારતમાં કોરોના સામેની લડાઈ જનઆંદોલન બની ગઈ હતી અને ભારતને એના મહત્તમ નાગરિકોનું જીવન બચાવવામાં સફળતા મળી હતી. ભારતની સફળતાએ આંતરરાષ્ટ્રીય સ્તરે અસર કરી છે, કારણ કે અમારા દેશમાં દુનિયાની 18 ટકા વસ્તી રહે છે અને અહીં અસરકારક નિયંત્રણકારક પગલાઓએ  માનવજાતને અતિ મોટી કરુણાંતિકાથી બચાવી લીધી હતી. આ સંવાદ દરમિયાન શ્રી મોદીએ વિશ્વના સૌથી મોટી રસીકરણ અભિયાન અને રોગચાળા દરમિયાન ભારતના આંતરરાષ્ટ્રીય પ્રયાસો વિશે પણ વાત કરી હતી. તેમણે હવાઈ પ્રવાસ બંધ હતો એ સમયે નાગરિકોના સ્થળાંતરણ વિશે અને દુનિયાના 150થી વધારે દેશોને દવાઓનો પુરવઠો મોકલવા વિશે પણ જાણકારી આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે, અત્યારે ભારત અન્ય દેશોને ઓનલાઇન તાલીમ આપીને, પરંપરાગત જ્ઞાનની જાણકારી આપીને, રસીઓ અને રસી સંબંધિત માળખાગત સુવિધાઓ પ્રદાન કરીને મદદ કરી રહ્યો છે. તેમણે જાણકારી આપી હતી કે, ભારતમાં હાલ બનતી બે રસીઓ ઉપરાંત વધુ રસીઓ આવી રહી છે, જેના પરિણામે ભારત વધારે મોટા પાયે અને ઝડપથી દુનિયાને મદદ કરવા સક્ષમ બનશે.

પ્રધાનમંત્રીએ દાવોસ બેઠકમાં આર્થિક મોરચે સરકારે લીધેલા વિવિધ પગલાંઓ વિશે પણ જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, ભારતે માળખાગત સુવિધા સાથે સંબંધિત અબજો રૂપિયાના વિવિધ પ્રોજેક્ટ શરૂ કરીને આર્થિક પ્રવૃત્તિઓને જાળવી રાખી છે અને રોજગારીની તકો ઊભી કરવા વિશેષ યોજનાઓ શરૂ કરી છે. અગાઉ અમે જીવન બચાવવા માટે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને અત્યારે અમે દરેક દેશની વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છીએ. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, ભારતની આત્મનિર્ભર બનવાની મહત્ત્વાકાંક્ષા વૈશ્વિકીકરણને નવેસરથી મજબૂત કરશે અને ચોથી ઔદ્યોગિક ક્રાંતિ (ઇન્ડસ્ટ્રી 4.0)માં મદદરૂપ થશે.

પ્રધાનમંત્રીએ આગ્રહપૂર્વક જણાવ્યું હતું કે, ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિના તમામ ચાર પરિબળો પર કામ કરી રહ્યો છે. આ પરિબળો છે – જોડાણ, ઓટોમેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે મશીન લર્નિંગ અને રિયલ-ટાઇમ ડેટા. ભારત દુનિયાના એવા દેશોમાં સામેલ છે, જ્યાં ડેટા ચાર્જીસ અતિ ઓછા છે તથા મોબાઇલ કનેક્ટિવિટી અને સ્માર્ટ ફોન્સની પહોંચ ઘણી વધારે છે. ભારતમાં ઓટોમેશન ડિઝાઇન નિષ્ણાતો મોટી સંખ્યામાં છે તથા ભારતે એઆઈ અને મશીન લર્નિંગના ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરી છે. ભારતમાં ડિજિટલ માળખાગત સુવિધામાં વધારો થયો છે, જેના પરિણામે ડિજિટલ સોલ્યુશનો રોજિંદા જીવનનું અભિન્ન અંગ બની ગયા છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અત્યારે 1.3 અબજ ભારતીયો યુનિવર્સિલ આઇડી એટલે આધાર ધરાવે છે, જે તેમના ખાતા અને ફોન સાથે જોડાયેલો છે. એકલા ડિસેમ્બર મહિનામાં જ દેશમાં યુપીઆઈ મારફતે 4 ટ્રિલિયન રૂપિયાના નાણાકીય વ્યવહારો થયા છે. ભારત રોગચાળા દરમિયાન 760 મિલિયન ભારતીયોના બેંક ખાતાઓમાં સરકારી સહાયનું સીધું હસ્તાંતરણ (ડીબીટી) કરીને 1.8 ટ્રિલિયન રૂપિયાની સહાય હસ્તાંતરિત કરી શક્યો છે. ડિજિટલ માળખાગત સુવિધાઓએ સરકારી સેવાઓની પ્રદાન કરવાની રીતોને વધારે કાર્યદક્ષ અને પારદર્શક બનાવી છે. પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, ભારતે એના નાગરિકોને વિશિષ્ટ હેલ્થ આઇડી પ્રદાન કરીને આરોગ્યલક્ષી સેવાઓ સરળતાપૂર્વક મેળવવા માટેનું અભિયાન શરૂ કર્યું છે.

પ્રધાનમંત્રીએ દાવોસ બેઠકમાં ખાતરી આપી હતી કે, ભારતનું આત્મનિર્ભર ભારતનું અભિયાન આંતરરાષ્ટ્રીય અર્થતંત્રના હિત અને આંતરરાષ્ટ્રીય પુરવઠાની સાંકળ પ્રત્યે પ્રતિબદ્ધ છે, કારણ કે ભારત આંતરરાષ્ટ્રીય પુરવઠાની સાંકળને મજબૂત કરવાની ક્ષમતા, કુશળતા અને વિશ્વસનિયતા ધરાવે છે. દેશના પ્રચંડ ઉપભોક્તા આધારમાં હજુ વધારો થશે અને એનાથી આંતરરાષ્ટ્રીય અર્થતંત્રને મદદ મળશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રચૂર સંભવિતતાઓ સાથે ભારત આત્મવિશ્વાસથી સભર છે, નવી  ઊર્જાથી અગ્રેસર થવા સજ્જ છે. અમે છેલ્લાં થોડાં વર્ષોમાં ભારતમાં સુધારાઓ અને છૂટછાટ આધારિત પ્રોત્સાહનો પર બહુ ભાર મૂક્યો છે. કોરોનાના સમયગાળા દરમિયાન ભારત સરકારે લગભગ દરેક ક્ષેત્રમાં માળખાગત સુધારાને ઉત્પાદન સાથે સંબંધિત પ્રોત્સાહનનો ટેકો મળ્યો છે. ભારતમાં વેપારવાણિજ્યને સરળ કરવાની સ્થિતિ સતત સુધરી રહી છે તથા દેશમાં કરવેરાના માળખાથી લઈને પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ)ના નિયમો સુધી ધારણા બાંધી શકાય અને સાનુકૂળ વાતાવરણ ઊભું થયું છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, સૌથી વિશેષ વાત એ છે કે, ભારત આબોહવામાં પરિવર્તનના લક્ષ્યાંકોને ધ્યાનમાં રાખીને વિકાસના માર્ગે અગ્રેસર થઈ રહ્યો છે.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ ચેતવણી પણ આપી હતી કે, ટેકનોલોજી જીવનને સરળ કરવાનું માધ્યમ છે, નહીં કે જાળ. પ્રધાનમંત્રીએ તેમની વાત પૂર્ણ કરતાં જણાવ્યું હતું કે, આપણે એક વાત ધ્યાનમાં રાખવાની છે કે, કોરોના કટોકટીએ આપણને માનવતાનાં મૂલ્યની યાદ અપાવી છે.

ત્યારબાદ પ્રશ્રોત્તરી સત્ર યોજાયું હતું. આ સત્ર દરમિયાન પ્રધાનમંત્રીએ સિમેન્સના પ્રેસિડન્ટ અને સીઇઓ જો કેસરને આત્મનિર્ભર ભારત અભિયાનની રૂપરેખા આપીને જણાવ્યું હતું કે, આ અભિયાન બહુ મોટું વિઝન ધરાવે છે તથા ભારતને ઉત્પાદન અને નિકાસનું મોટું કેન્દ્ર બનાવવું એનો એક ભાગ છે. તેમણે આંતરરાષ્ટ્રીય કંપનીઓને દેશની 26 અબજ ડોલરની ઉત્પાદન સાથે સંબંધિત પ્રોત્સાહન (પીએલઆઇ) યોજનાનો લાભ લેવા આમંત્રણ પણ આપ્યું હતું. એબીબીના સીઇઓ બ્યોર્ન રોઝનગ્રેનને એક પ્રશ્રનો જવાબ આપતાં શ્રી મોદીએ દેશમાં હાલ ચાલુ માળખાગત સુવિધા સાથે સંબંધિત પ્રોજેક્ટ્સ વિશે જણાવ્યું હતું અને જાણકારી આપી હતી કે, રાષ્ટ્રીય માળખાગત પ્રોજેક્ટ્સ અંતર્ગત આગામી પાંચ વર્ષમાં દેશમાં 1.5 ટ્રિલિયન અમેરિકન ડોલરના પ્રોજેક્ટ્સનો અમલ થશે. માસ્ટરકાર્ડના સીઇઓ અજય એસ બાંગાને શ્રી મોદીએ દેશમાં છેલ્લાં થોડાં વર્ષમાં આકાર લીધેલા નાણાકીય સર્વસમાવેશકતા અભિયાન વિશે સમજાવ્યું હતું અને એમએસએમઈ ક્ષેત્રને મજબૂત કરવા માટે સરકારે લીધેલા વિવિધ પગલાંની જાણકારી આપી હતી. આઇબીએમના અરવિંદ ક્રિષ્નાના એક પ્રશ્રનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ ડિજિટલ ઇન્ડિયાની દેશવ્યાપી અસર પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશમાં ડિજિટલ સુવિધાઓમાં સંપૂર્ણપણે પરિવર્તન આવ્યું છે. જ્યારે સરકારનું વિઝન સુલભતા, સર્વસમાવેશકતા અને સશક્તિકરણ મારફતે દેશમાં પરિવર્તનનો પવન ફૂંકવાનું છે, ત્યારે સાથે સાથે વપરાશકર્તાઓની ગોપનીયતા સુનિશ્ચિત કરવામાં પણ આવશે. એનઇસી કોર્પોરેશનના બોર્ડના ચેરમેન નોબુહિરો એન્ડોને પ્રધાનમંત્રીએ શહેરીકરણ દ્વારા ઊભી થયેલી તકો તરફ ભારતનો અભિગમ સમજાવ્યો હતો. ભારત જીવનને સરળ કરવા, વેપારવાણિજ્યને સરળ કરવા અને આબોહવા પ્રત્યે સંવેદનશીલ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને પર્યાવરણને અનુકૂળ શહેરીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ પ્રતિબદ્ધતા વર્ષ 2014થી વર્ષ 2020 દરમિયાન શહેરી ભારતમાં 150 અબજ ડોલરના રોકાણ તરફ દોરી ગઈ છે.

 

SD/GP

(Release ID: 1693102) Visitor Counter : 405