પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી કોલકાતામાં નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ પર આયોજિત એક કાર્યક્રમમાં સહભાગી થયા


નેતાજી ભારતના પરાક્રમ અને પ્રેરણાનું પ્રતીક છેઃ પ્રધાનમંત્રી

Posted On: 23 JAN 2021 6:46PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે કોલકાતામાં નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિના પ્રસંગે યોજાયેલા એક કાર્યક્રમમાં સહભાગી થયા હતા. તેમણે કોલકાતામાં વિક્ટોરિયા મેમોરિયલમાં પરાક્રમ દિવસના ઉદ્ઘાટન સમારંભની અધ્યક્ષતા કરી હતી. આ પ્રસંગે તેમણે નેતાજી પર એક સ્થાયી પ્રદર્શન અને એક પ્રોજેક્શન મેપિંગ શૉનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ નેતાજીની યાદગીરી સ્વરૂપે એક ટપાલ ટિકિટ અને સિક્કાનું અનાવરણ પણ કર્યું હતું. સાથે-સાથે અહીં નેતાજીના જીવન અને કવન પર આધારિત એક સાંસ્કૃતિક કાર્યક્રમ આમરા નૂતોન જોઉબોનેરી દૂતનું પણ આયોજન થયું હતું.

આ કાર્યક્રમ અગાઉ પ્રધાનમંત્રીએ નેતાજી પ્રત્યે સન્માન પ્રદર્શિત કરવા માટે નેતાજી સુભાષચંદ્ર બોઝને ઘર નેતાજી ભવનની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેઓ નેશનલ લાયબ્રેરી, કોલકાતા માટે રવાના થયા હતા, જ્યાં તેઓ એક આંતરરાષ્ટ્રીય સેમિનાર 21મી સદીમાં નેતાજી સુભાષચંદ્રનાં વારસાની સમીક્ષા અને એક કલાકાર શિબિરમાં સામેલ થયા હતા. પ્રધાનમંત્રીએ વિક્ટોરિયા મેમોરિયલ પર પરાક્રમ દિવસમાં સામેલ થતા અગાઉ કલાકારો અને સેમિનારમાં સહભાગી થયેલા લોકો સાથે સંવાદ કર્યો હતો.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે ભારતમાતાના આ વીર સપૂતની જયંતિ છે, જેમણે સ્વતંત્ર ભારતનાં સ્વપ્નોને નવી દિશા આપી હતી. આજે એ દિવસ છે, જ્યારે આપણે ગુલામીના અંધકારમાંથી સ્વતંત્રતારૂપી પ્રકાશ તરફ લઈ જવાની ભાવના ધરાવતા મહાપુરુષની ચેતનાની જ્યોતને દરેક ભારતીયના હૃદયમાં પ્રકટાવવાનો દિવસ છે. તેમણે દુનિયાની સૌથી શક્તિશાળી સત્તાને પડકાર ફેંક્યો હતો હું આઝાદીની ભીખ નહીં માંગુ, પણ એને હાંસલ કરીશ.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકારે નેતાજીના અદમ્ય સાહસ અને રાષ્ટ્રની નિઃસ્વાર્થ સેવાને બિરદાવવા અને તેમના આદર્શો અને મૂલ્યોને યાદ કરવા માટે નેતાજીની જયંતિ 23 જાન્યુઆરીને દર વર્ષે પરાક્રમ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, નેતાજી ભારતની શક્તિ અને પ્રેરણાનો અખૂટ સ્ત્રોત છે.

પ્રધાનમંત્રીએ આ પ્રસંગે વર્ષ 2018માં સરકારે આંદમાન દ્વીપનું નામ નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વીપ કરવાનો નિર્ણય લેવાને પોતાનું સૌભાગ્ય ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, દેશવાસીઓની લાગણીઓને ધ્યાનમાં રાખીને નેતાજી સાથે સંબંધિત ફાઇલોને સરકારે સાર્વજનિક કરી દીધી છે. તેમણે ગર્વ સાથે 26 જાન્યુઆરીની પરેડમાં આઈએનએ વેટરન્સ પરેડની ભાગીદારી અને આઝાદ હિંદની સરકારની 75મી વર્ષગાંઠનાં સ્મરણમાં દિલ્હીમાં લાલ કિલ્લા પર તિરંગો લહેરાવવાના સ્વપ્નને પૂર્ણ કરવાનો ઉલ્લેખ કર્યો હતો.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ એ માર્મિક પ્રશ્રનો ખાસ ઉલ્લેખ કર્યો હતો, જે સુભાષચંદ્ર બોઝે ભારતમાંથી વિદાય લેતા અગાઉ એમના ભત્રીજા શિશિર બોઝને પૂછ્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જો આજે દરેક ભારતીય પોતાના હૃદય પર હાથ રાખે અને નેતાજીની ઉપસ્થિતિને અનુભવે, તો તેમને એ જ સવાલ સંભળાશે, જે નેતાજીએ એમના ભત્રીજાને પૂછ્યું હતું કે શું તમે મારાં માટે કશું કરશો? અત્યારે આ કામ, વર્તમાન લક્ષ્યાંક ભારતને આત્મનિર્ભર બનાવવાનું છે. દેશના લોકો, દેશના દરેક ક્ષેત્રના લોકો, દેશના દરેક વ્યક્તિ આ અભિયાનમાં સામેલ છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, નેતાજી સુભાષચંદ્ર બોઝ ગરીબી, નિરક્ષરતા, બિમારીને દેશની સૌથી મોટી સમસ્યાઓ ગણતા હતા. પ્રધાનમંત્રી પુનરોચ્ચાર કર્યો હતો કે, આપણી સૌથી મોટી સમસ્યાઓ આજે પણ ગરીબી, નિરક્ષરતા, બિમારીઓ અને વૈજ્ઞાનિક ઉત્પાદનનો અભાવ છે. તેમણે કહ્યું હતું કે, ભારતીય સમાજે આ તમામ સમસ્યાઓનું સમાધાન કરવા માટે એક થવું પડશે, આપણે આ દિશામાં મળીને પ્રયાસ કરવા પડશે.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, નેતાજી સુભાષચંદ્ર બોઝ આત્મનિર્ભર ભારતની સાથે સોનાર બાંગ્લાનો પણ સૌથી મોટો પ્રેરણાસ્ત્રોત છે. તેમણે આગ્રહપૂર્વક જણાવ્યું હતું કે, દેશની આઝાદીમાં નેતાજીએ જે ભૂમિકા અદા કરી છે, એ જ ભૂમિકા પશ્ચિમ બંગાળે આત્મનિર્ભર ભારતના અભિયાનમાં ભજવવાની છે. પ્રધાનમંત્રીએ અંતે કહ્યું હતું કે, આત્મનિર્ભર ભારત દેશમાં આત્મનિર્ભર બંગાળ અને સોનાર બાંગ્લાનો માર્ગ પણ પ્રશસ્ત કરશે.

 



(Release ID: 1691739) Visitor Counter : 255