પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ અંતર્ગત 6 લાખથી વધારે લાભાર્થીઓને નાણાકીય સહાય પ્રદાન કરી


ઉત્તરપ્રદેશમાં 22 લાખ મકાનોનું નિર્માણ થશે, જેમાંથી 21.5 લાખ મકાનોની મંજૂરી મળી ગઈ છે, 14 લાખ પરિવારોને મકાનો મળ્યાં છે

Posted On: 20 JAN 2021 2:59PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ મારફતે પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ અંતર્ગત ઉત્તરપ્રદેશમાં 6 લાખથી વધારે લાભાર્થીઓને નાણાકીય સહાય પ્રદાન કરી હતી. તેમણે લાભાર્થીઓ સાથે વાત કરી હતી. આ પ્રસંગે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી ઉપસ્થિત હતાં.

પ્રધાનમંત્રીએ પ્રકાશ પર્વના પાવન અવસરે લાભાર્થીઓને શુભેચ્છા અને અભિનંદન આપ્યાં હતાં. શ્રી મોદીએ પ્રકાશ પર્વ નિમિત્તે ગુરુ ગોવિંદસિંહજીને શત શત વંદન કર્યા હતા. તેમણે આ પવિત્ર પર્વ પર દેશને શુભેચ્છા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુરુ સાહિબ તેમના પ્રત્યે અતિ ઉદાર હોવાનું તેઓ અનુભવી રહ્યાં છે અને ગુરુ સાહિબે તેમની સેવા કરવાની તક આપી છે. ગુરુ સાહિબનું જીવન અને એમનો સંદેશ આપણને સેવા અને સત્યના માર્ગ પર ચાલવાની સાથે પડકારો ઝીલવાની પ્રેરણા આપે છે. તેમણે ઉમેર્યું હતું કે, ગુરુ ગોવિંદસિંહજીએ દર્શાવ્યું છે કે, સેવા અને સત્યની ભાવના સાથે સૌથી વધુ ક્ષમતા હાંસલ થાય છે અને આપણી અંદર સાહસની ભાવના ખીલે છે તથા દેશ પ્રગતિના પંથે અગ્રેસર થાય છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશમાં ગરીબો, વંચિતો અને શોષિતોના જીવનમાં પરિવર્તનનો પવન ફૂંકવા માટે અભૂતપૂર્વ કાર્ય થઈ રહ્યું છે. તેમણે યાદ કર્યું હતું કે, પાંચ વર્ષ અગાઉ તેમણે પીએમ આવાસ યોજના શરૂ કરી હતી. આ યોજના શરૂ કરવાનો મૂળ આશય ભારતીય ગામડાઓની કાયાકલ્પ કરવાનો હતો. આ યોજના સાથે લાખો લોકોને આશા બંધાઈ છે અને દરિદ્રનારાયણને પણ ખાતરી મળી છે કે, એ મકાનમાલિક બની શકશે.

પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશ એવા રાજ્યોમાં સામેલ છે, જે ગરીબો માટે મકાનોનું નિર્માણ ઝડપથી કરી રહ્યું છે. તેમણે જાણકારી આપી હતી કે, આજે રાજ્યના 6 લાખ પરિવારોને તેમના બેંક ખાતાઓમાં રૂ. 2600 કરોડથી વધારેની સહાય મળશે. આ 6 લાખ પરિવારોમાંથી 5 લાખ પરિવારોને પ્રથમ હપ્તો મળશે એટલે 5 લાખ પરિવારોની જીવનની આતુરતાનો અંત આવી ગયો છે. એ જ રીતે બીજા 80 હજાર પરિવારોને બીજો હપ્તો મળ્યો છે, જેનો અર્થ છે કે, આગામી વર્ષે શિયાળામાં તેમની પાસે તેમનું પોતાનું ઘર હશે.

પ્રધાનમંત્રીએ આગ્રહપૂર્વક જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારતનો સીધો સંબંધ દેશના નાગરિકોના આત્મવિશ્વાસ સાથે છે. અને જો વ્યક્તિને પોતાનું ઘર હોય, તો એનો આત્મવિશ્વાસ અનેકગણો વધે છે. જીવનમાં પોતાની માલિકીનું ઘર ઘણી સુનિશ્ચિતતાઓ લાવે છે અને ગરીબીમાંથી બહાર નીકળવાની આશાનો સંચાર પણ થાય છે.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ યાદ કર્યું હતું કે, અગાઉની સરકારોના શાસનકાળ દરમિયાન ગરીબોને વિશ્વાસ નહોતો કે, સરકાર તેમના મકાનનું નિર્માણ કરવામાં કોઈ પણ પ્રકારની મદદ કરી શકે છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, અગાઉની યોજનાઓમાં જે ઘરોનું નિર્માણ થતું હતું એની ગુણવત્તા પણ નબળી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ગરીબોને ખોટી નીતિઓનો ભોગ બનવું પડતું હતું. આ પીડાને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી આવાસ યોજનાની શરૂઆત થઈ હતી, જેનો ઉદ્દેશ દેશ આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરે એ અગાઉ દરેક ગરીબને ઘરનું ઘર પ્રદાન કરવાનો હતો. છેલ્લાં થોડાં વર્ષોમાં ગ્રામીણ વિસ્તારોમાં 2 કરોડ મકાનોનું નિર્માણ થયું છે. પીએમ આવાસ યોજના અંતર્ગત કેન્દ્ર સરકારના આશરે 1.5 લાખ કરોડ રૂપિયાના પ્રદાન સાથે 1.25 કરોડ એકમોનું નિર્માણ થયું છે. પ્રધાનમંત્રીએ રાજ્યમાં અગાઉની સરકારોનો સાથસહકાર ન મળવાની વાત પણ યાદ કરી હતી. તેમણે જાણકારી આપી હતી કે, ઉત્તરપ્રદેશમાં 22 લાખ ગ્રામીણ આવાસનું નિર્માણ થશે, જેમાંથી 21.5 લાખ મકાનોના નિર્માણની મંજૂરી મળી ગઈ છે. વર્તમાન સરકારના કાર્યકાળમાં જ 14.5 લાખ પરિવારોને તેમના મકાનો સુપરત કરવામાં આવ્યાં છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અગાઉના માઠાં અનુભવને ધ્યાનમાં રાખીને થોડી બાબતો યાદ રાખવામાં આવી છે, જેમ કે જે ગરીબ પરિવારોએ પોતાનું ઘર હોવાની આશા ગુમાવી દીધી છે એમને પ્રાથમિકતા આપી, બીજું, મકાનોની ફાળવણીમાં પારદર્શકતા જાળવવી, ત્રણ – મકાનની માલિકી ઘણું કરીને મહિલાઓને આપવી, ચોથું – ટેકનોલોજી મારફતે નજર રાખવી અને છેલ્લે પાંચમી વાત – મકાન તમામ મૂળભૂત સુવિધાઓ સાથે સજ્જ હોય. મકાનથી ગરીબ પરિવારોને લાભ થયો છે, જેઓ અગાઉ કાચા મકાનોમાં રહેતાં હતાં. વળી સ્થાનિક કામદારો, નાનાં ખેડૂતો અને જમીનવિહોણા શ્રમિકો પણ કાચા મકાનોમાંથી પાકાં મકાનોમાં રહેવા ગયા છે. આ પ્રસંગે શ્રી મોદીએ યોજનામાં મહિલા સશક્તિકરણના પાસાનો સવિશેષ ઉલ્લેખ કર્યો હતો, કારણ કે આ મકાનો મોટા ભાગે પરિવારની મહિલાઓના નામે છે. જમીનવિહોણા પરિવારોને જમીનના દસ્તાવેજો મળ્યાં છે અને કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર અટકાવવા લાભાર્થીઓના ખાતામાં તમામ રૂપિયા હસ્તાંતરિત કરવામાં આવે છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, અમારી સરકારનો પ્રયાસ ગ્રામીણ અને શહેરી વિસ્તારો વચ્ચેની અસમાનતા દૂર કરવાનો છે. અમારી સરકારનો ઉદ્દેશ ગ્રામીણ લોકોનું જીવન શહેરી લોકોની જેમ સરળ અને ગુણવત્તાયુક્ત બનાવવાનો છે. એટલે શૌચાલય, લાઇટ, પાણી અને ગેસના જોડાણ જેવી મૂળભૂત સુવિધાઓ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઉમેરવામાં પણ આવી છે. આનો એકમાત્ર હેતુ એ છે કે, ગરીબ વ્યક્તિ મૂળભૂત સુવિધાથી વંચિત ન રહેવી જોઈએ.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, પ્રધાનમંત્રી સ્વામિત્વ યોજના ગ્રામીણજનોના જીવનને સુધારવામાં પરિવર્તનકારક બનશે. અને ઉત્તરપ્રદેશ પથપ્રદર્શક રાજ્યો પૈકીનું એક છે, જ્યાં એનો અમલ થઈ રહ્યો છે. આ યોજના અંતર્ગત ગ્રામીણજનોને તેમની મકાનની માલિકીના દસ્તાવેજ સાથે મળશે. ઉત્તરપ્રદેશમાં હજારો ગામડાઓમાં સર્વે કરવા માટે ડ્રોનનો ઉપયોગ થઈ રહ્યો છે, સરકાર સાથે લોકોની મિલકત નોંધાયેલી રહે એ માટે મેપિંગ થઈ રહ્યું છે અને જમીન વિવાદોનો અંત આવી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, આ યોજનાનો સૌથી વધુ લાભ એ ગ્રામીણજનોને થશે, જેઓ તેમનાં મકાનોને ગીરોખત કરીને બેંકમાંથી લોન મેળવી શકશે. ગ્રામીણ મિલકતની કિંમત પર એની સકારાત્મક અસર થશે. આ કામ રાજ્યના 8.5 હજાર ગામડાઓમાં થઈ ગયું છે અને સર્વે પછી લોકોને ‘ઘરોની નામનું ડિજિટલ સર્ટિફિકેટ પણ મળ્યું છે. પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, ઉત્તરપ્રદેશમાં 51 હજારથી વધારે સર્ટિફિકેટનું વિતરણ થઈ ગયું છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યુ હતું કે, જ્યારે સરકારની અનેક યોજનાઓ ગામડાઓમાં પહોંચી રહી છે, ત્યારે એનાથી ગ્રામીણજનોની સુખસુવિધાઓમાં વધારો થવાની સાથે ગ્રામીણ અર્થતંત્ર પણ વેગ પકડી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત નિર્મિત માર્ગો ગ્રામીણજનોના જીવનને સરળ બનાવી રહ્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે, ઓપ્ટિકલ ફાઇબર દ્વારા 6 લાખથી વધારે ગામડાઓને ઝડપથી ઇન્ટરનેટની સુવિધા પ્રદાન કરવા કામગીરી થઈ રહી છે. આ પ્રોજેક્ટથી ગામડાઓ માટે રોજગારીની નવી તકોનું સર્જન પણ થશે. તેમણે કહ્યું હતું કે, કોરોનાના સમયગાળા દરમિયાન વતન પરત ફરેલા પરપ્રાંતીય કામદારોને ટેકો આપવા ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન દ્વારા 10 કરોડ માનવદિવસોની રોજગારીનું સર્જન કરીને દેશમાં ઉત્તરપ્રદેશે પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, એનાથી ગ્રામીણજનોનાં જીવનની સરળતામાં વધારો થયો છે. તેમણે જીવનને સરળ બનાવવા સરકારે હાથ ધરેલી વિવિધ પહેલો વિશે વાત કરી હતી, જેમ કે આયુષ્માન ભારત યોજના, રાષ્ટ્રીય પોષણ અભિયાન, ઉજાલા યોજના. આ યોજનાઓએ ઉત્તરપ્રદેશને નવી ઓળખ આપી છે. સાથે સાથે તેમણે ઉત્તરપ્રદેશમાં એક્સપ્રેસવે જેવા માળખાગત પ્રોજેક્ટ અને એમ્સ જેવી આરોગ્ય ક્ષેત્રની સંસ્થાઓ કાર્યરત થવા વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, સરકારના આ પ્રકારના પ્રયાસોથી ઉત્તરપ્રદેશના વિકાસની ગતિને વેગ આપવામાં મદદ મળશે. તેમણે ઉમેર્યું હતું કે, સરકારે વિવિધ માળખાગત પ્રોજેક્ટ અને જીવનને સરળ બનાવતી યોજનાઓ હાથ ધરવાથી અત્યારે રાજ્યમાં ઘણી મોટી કંપનીઓ રોકાણ કરવા આગળ આવી છે. છેલ્લે તેમણે જણાવ્યું હતું કે, ‘એક જિલ્લો, એક ઉત્પાદન દ્વારા નાની કંપનીઓ માટે વિવિધ તકો પણ ઊભી થઈ છે, જેમાં સ્થાનિક કારીગરોને લાભ થાય છે.

 

SD/GP/BT



(Release ID: 1690410) Visitor Counter : 216