પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 16 જાન્યુઆરીએ સમગ્ર ભારતમાં કોવિડ-19 રસીકરણ મહાઅભિયાનનો શુભારંભ કરશે


પ્રારંભ વખતે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તૈયાર કરાયેલા 3000થી વધુ સ્થળો વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે

પ્રથમ દિવસે પ્રત્યેક સ્થળ પર અંદાજે 100 લાભાર્થીને રસી આપવામાં આવશે

Posted On: 14 JAN 2021 6:59PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 જાન્યુઆરી 2021ના રોજ સવારે 10:30 કલાકે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સમગ્ર ભારતમાં કોવિડ-19 રસીકરણ મહાઅભિયાનનો શુભારંભ કરશે. સમગ્ર દેશને આવરી લેતું આ વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન છે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તૈયાર કરવામાં આવેલા કુલ 3006 રસીકરણ સત્ર સ્થળે આ અભિયાનના પ્રારંભ પ્રસંગે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે. પ્રથમ દિવસે પ્રત્યેક સત્ર સ્થળ પર અંદાજે 100 લાભાર્થીને રસી આપવામાં આવશે.

આ રસીકરણ કાર્યક્રમ પ્રાથમિકતા સમૂહો, ICDS કામદારો સહિત સરકારી અને ખાનગી ક્ષેત્રમાં જોડાયેલા આરોગ્ય સંભાળ કર્મચારીઓને પ્રાથમિકતાના સિદ્ધાંત પર અમલમાં મૂકાશે અને પ્રથમ તબક્કામાં આ તમામ લોકોને રસી આપવામાં આવશે.

રસીકરણ કાર્યક્રમમાં Co-WIN નામના ઑનલાઇન ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવશે જે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ રસીના જથ્થા, સંગ્રહનું તાપમાન, કોવિડ-19 રસી માટેના વ્યક્તિગત લાભાર્થીઓના ટ્રેકિંગની વાસ્તવિક સમયની માહિતી પૂરી પાડશે. આ ડિજિટલ પ્લેટફોર્મ રસીકરણ સત્રો હાથ ધરવામાં તમામ સ્તરે કાર્યક્રમ વ્યવસ્થાપકોને સહાયરૂપ રહેશે.

કોવિડ-19 મહામારી, રસીકરણ અભિયાનના અમલ અને Co-WIN સોફ્ટવેર સંબંધિત પ્રશ્નોના નિરાકરણ માટે 24X7 ધોરણે કાર્યરત સમર્પિત કૉલ સેન્ટર – 1075- પણ શરૂ કરવામાં આવ્યું છે.

કોવિશિલ્ડ અને કોવેક્સિન બંને રસીના પૂરતા પ્રમાણમાં ડોઝ પહેલાંથી જ નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સક્રિય સહકારથી તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં પહોંચાડી દેવામાં આવ્યા છે. ત્યારબાદ આ જથ્થાને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો અને પ્રશાસન દ્વારા જે-તે જિલ્લાઓ સુધી પહોંચાડવામાં આવ્યા છે. આ કાર્યક્રમને લોક ભાગીદારીના સિદ્ધાંત સાથે અમલમાં મૂકવા માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે.

 

SD/GP/BT(Release ID: 1688872) Visitor Counter : 302