વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

ડૉ. હર્ષવર્ધને રાષ્ટ્રીય આવિષ્કાર ફાઉન્ડેશન (NIF) – ભારત દ્વારા વિકસાવવામાં આવેલું આવિષ્કાર પોર્ટલ રાષ્ટ્રને સમર્પિત કર્યું


“શ્રેષ્ઠ અર્થતંત્ર એ નવતર વિચારનું અર્થતંત્ર છે અને દેશની પ્રગતી માટે આવિષ્કાર સહ-કાર્યદક્ષતા સૌથી મહત્વપૂર્ણ છે”: ડૉ. હર્ષવર્ધન

આવિષ્કાર પોર્ટલ એ આત્મનિર્ભર ભારતની દિશામાં એક પગલું છે, તે વિદ્યાર્થીઓ, ઉદ્યોગસાહસિકો, MSME, ટેકનોલોજી વ્યવસાય ઇન્ક્યુબેટર્સ (TBI) અને વિવિધ પ્રકારના વ્યવસાયોમાં જોડાયેલા સામાન્ય લોકો માટે ઉત્કૃષ્ટ સ્રોત છે

Posted On: 14 JAN 2021 5:38PM by PIB Ahmedabad

કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી, પૃથ્વી વિજ્ઞાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધને આજે નવી દિલ્હી ખાતે ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST)ની સ્વાયત્ત સંસ્થા રાષ્ટ્રીય આવિષ્કાર ફાઉન્ડેશન (NIF) – ભારત દ્વારા તૈયાર કરવામાં આવેલું આવિષ્કાર પોર્ટલ રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું.

રાષ્ટ્રીય આવિષ્કાર પોર્ટલ (NIP) હાલમાં અંદાજે 1.15 લાખ આવિષ્કારોનું ગૃહસ્થાન છે જે દેશમાં વિવિધ સામાન્ય લોકો દ્વારા કરવામાં આવ્યા છે. આમાં એન્જિનિયરિંગ, કૃષિ, પશુપાલન, માનવ આરોગ્ય વગેરે વિષયો પણ સમાવિષ્ટ છે. ક્ષેત્રની દૃષ્ટિએ જોવામાં આવે તો, હાલના આવિષ્કારો ઉર્જા, મિકેનિકલ, ઓટોમોબાઇલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, ઘરગથ્થુ, રાસાયણિક, નાગરિક, કાપડ, ખેતી/ ઉછેર આચરણો, સંગ્રહ આચરણો, છોડ વૈવિધ્ય, છોડ સંરક્ષણ, મરઘા ઉછેર, પશુધન વ્યવસ્થાપન, ન્યુટ્રાસ્યુટિકલ્સ વગેરેને આવરી લે છે.

આ પ્રસંગે સંબોધન આપતા ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, આવિષ્કારની ચળવળનો પ્રારંભ કરવાનો અને દેશમાં છેલ્લા છ વર્ષમાં આવિષ્કારને પ્રોત્સાહન આપતી ઇકો-સિસ્ટમનું સર્જન કરવાનો શ્રેય પ્રધાનમંત્રીને જાય છે. તેમણે, પોતાની સર્જનાત્મક શક્તિઓ દ્વારા સમસ્યાઓ અને પડકારોને દૂર કરનારા અને પોતાના નવીનતાપૂર્ણ વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત ઉકેલોને અમલમાં મૂકનારા આત્મનિર્ભર લોકોને અભિનંદન પાઠવ્યા હતા. મંત્રીશ્રીએ અદભૂત પરંપરાગત જ્ઞાન, ખાસ કરીને ઔષધીય આચરણો કે જેને આદિવાસી વિસ્તારોનો આધાર મળેલો છે તેના વધી રહેલા મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો અને આવિષ્કાર પોર્ટલની મુખ્ય બાબતોમાં તેનો પણ સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું હતું કે, આ આવિષ્કાર પોર્ટલથી સામાન્ય લોકોના નવતર વિચારોને સ્થાનિક સમસ્યાઓના ઉકેલો મેળવવા માટે સ્થાપિત કરવામાં મદદ મળી રહેશે.

મંત્રીશ્રીએ એ બાબતે પ્રકાશ પાડ્યો હતો કે, “શ્રેષ્ઠ અર્થતંત્ર એ નવતર વિચારનું અર્થતંત્ર છે અને દેશની પ્રગતી માટે આવિષ્કાર સહ-કાર્યદક્ષતા સૌથી મહત્વપૂર્ણ છે”, તેમજ તેમણે ઉમેર્યું હતું કે, ભવિષ્યમાં નવતર વિચાર જ રાષ્ટ્રની પ્રગતીનું ચાલકબળ પૂરવાર થશે. તેમણે એ બાબતે ભાર મૂક્યો હતો કે, આ આવિષ્કાર પોર્ટલ એવી ઇકો-સિસ્ટમનું સર્જન કરશે જ્યાં સંસ્થાઓ એવા લોકોને પીઠબળ પૂરું પાડશે જેઓ પોતાના નવતર વિચારો અને આવિષ્કારનું ઉદ્યમશીલતામાં રૂપાંતરણ કરી શકે છે. તેમણે દેશમાં સ્ટેન્ડ-અપ સ્ટાર્ટ-અપ પ્રણાલી માટે અનુરોધ કર્યો હતો જ્યાં આવિષ્કાર કરવાની ઇચ્છા ધરાવતી દરેક વ્યક્તિને તેઓ ગ્રામીણ છે, આદિવાસી પ્રદેશમાંથી છે અથવા ઔપચારિક વિજ્ઞાનની પૃષ્ઠભૂમિમાંથી આવે છે તેવી કોઇપણ પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વગર તેમના અથવા તેણીના નવતર વિચારોને વિકસાવવા માટે પ્રોત્સાહિત કરવા જોઇએ. તેમણે વધુમાં એ બાબતને ધ્યાનમાં લીધી હતી કે, 2020નું વર્ષ અગાઉ ક્યારેય ના આવી હોય તેવી સમસ્યાઓનું વર્ષ હતું અને આપણા દેશમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અત્યંત વિકાસ થયો છે અને તેનાથી આપણને સૌને ઘણી મદદ મળી શકી છે. આગામી દિવસોમાં આવિષ્કાર પોર્ટલ આપણી અત્યાર સુધીની તમામ ડિજિટલ પ્રગતીમાં એક નોંધનીય યોગદાન બની શકે છે અને જેઓ આવિષ્કારી ઉકેલો શોધી રહ્યાં છે તેમજ જેઓ તેમની ઉત્ક્રાંતિના સુકાન પર રહ્યાં હતા જેવા લોકો વચ્ચે સેતૂ તરીકેની ભૂમિકા નિભાવશે. તેમણે વિદ્યાર્થીઓ, ઉદ્યોગસાહસિકો, MSME, અને વિવિધ પ્રકારના વ્યવસાયોમાં જોડાયેલા સામાન્ય લોકોને આવિષ્કાર પોર્ટલનો લાભ લેવા માટે અને તેમની રુચિના આવિષ્કારોનું અન્વેષણ કરવા માટે અનુરોધ કર્યો હતો.  

સામાન્ય લોકોની આવિષ્કાર પ્રત્યેની અસામાન્ય કટિબદ્ધતા અંગે ડૉ. હર્ષવર્ધને વિશ્વાસની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ કટિબદ્ધતા દેશના ટેકનોલોજી નેતૃત્વને આગળ ધપાવશે અને આવનારા વર્ષોમાં નવા શિખરો સર કરશે. આ આવિષ્કાર પોર્ટલના પ્રારંભિક તબક્કે જ 1.15 લાખ આવિષ્કારોને લાવવા બદલ NIF અને DST દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની તેમણે પ્રશંસા કરી હતી અને આને એક ખૂબ મોટી શરૂઆત ગણાવી હતી.

આ પ્રસંગે DSTના સચિવ પ્રો. આસુતોષ શર્માએ ઉલ્લેખ કર્યો હતો કે, આ આવિષ્કાર પોર્ટલને ભારતની પાંચમી રાષ્ટ્રીય STI નીતિના વિકાસને સુસંગત રીતે આપણા દેશમાં આવિષ્કાર ઇકો-સિસ્ટમમાં ખૂબ જ યોગ્ય સમયે રજૂ કરવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આવિષ્કાર પોર્ટલમાં ભવિષ્યના યોગદાનને નીતિના મુખ્ય કેન્દ્રના ક્ષેત્રો દ્વારા આધાર મળશે અને તેથી ગ્રામીણ અને અંતરિયાળ પ્રદેશો જેમાં ખાસ કરીને પૂર્વોત્તરના પ્રદેશો, ટાપુ વિસ્તારો અને આદિવાસી વિસ્તારોમાં R&D અને આવિષ્કારની ઇકો-સિસ્ટમનું સર્જન કરવામાં આવે તે ખૂબ જ મહત્વનું છે. પ્રો. આસુતોષે વર્ણવ્યું હતું કે, NIF માત્ર નવતર વિચારોને રજૂ કરવામાં જ સામેલ નથી બલકે તેને આગળ પણ લઇ જાય છે. તેમણે જણાવ્યું હતું કે, આવિષ્કાર પોર્ટલ સ્થાનિક ઉદ્યોગસાહસિકોને પાયાના સ્તરના વિચારોમાં બહાર લાવવામાં અને નવતર વિચારોને બજાર સુધી લાવવામાં મદદ કરશે.

NIFના ચેરપર્સન ડૉ. પી.એસ. ગોયલે નોંધ લીધી હતી કે, આવિષ્કાર પોર્ટલ જેઓ તેમના અથવા તેણીના પોતાના ઉકેલોને જરૂરિયાતોમાં બેસાડવામાં માને છે તેવા પ્રત્યેક ભારતીયોના સંકલ્પની સાહસકથા છે. તેમણે ઉદ્યોગોને અનુરોધ કર્યો હતો કે તેઓ આવિષ્કારોના વ્યાપારિકરણ માટે તેને ઉત્પાદનમાં રૂપાંતરિત કરવાના દૃષ્ટિકોણ સાથે આ પોર્ટલની મુલાકાત લે. 

NFFના નિદેશક ડૉ. વિપિન કુમારે આવિષ્કાર પોર્ટલના લોકાર્પણ પ્રસંગે આભાર વચન રજૂ કર્યા હતા.

આવિષ્કાર પોર્ટલ એ આત્મનિર્ભર ભારતની દિશામાં એક પગલું છે, તે વિદ્યાર્થીઓ, ઉદ્યોગસાહસિકો, MSME, ટેકનોલોજી વ્યવસાય ઇન્ક્યુબેટર્સ (TBI) અને વિવિધ પ્રકારના વ્યવસાયોમાં જોડાયેલા સામાન્ય લોકો માટે ઉત્કૃષ્ટ સ્રોત છે.

રાષ્ટ્રીય આવિષ્કાર પોર્ટલ વિશે પૃષ્ઠભૂમિની નોંધ માટે અહીં ક્લિક કરો


(Release ID: 1688678) Visitor Counter : 294