પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 12 જાન્યુઆરીના રોજ દ્વિતીય રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવના સમાપન સમારંભમાં સંબોધન કરશે

Posted On: 10 JAN 2021 12:13PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 જાન્યુઆરી, 2021ના રોજ સવારે 10.30 વાગે વીડિયો કોન્ફરન્સ દ્વારા બીજા રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવના સમાપન સમારંભને સંબોધન કરશે. આ મહોત્સવના ત્રણ વિજેતાઓ પણ કાર્યક્રમ દરમિયાન તેમના અભિપ્રાયો રજૂ કરશે. આ પ્રસંગે લોકસભાના અધ્યક્ષ, કેન્દ્રીય શિક્ષણ મંત્રી અને રાજ્ય કક્ષાના કેન્દ્રીય યુવા અને રમતગમતના મંત્રી (સ્વતંત્ર હવાલો) પણ ઉપસ્થિત રહેશે.

રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવ

રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવ (એનવાયપીએફ)નો ઉદ્દેશ 18થી 25 વર્ષ વચ્ચેની વય ધરાવતી યુવા પેઢીની વાતને રજૂ કરવાનો છે, જેઓને મત આપવાનો અધિકાર છે અને જેઓ આગામી વર્ષોમાં જાહેર સેવા સહિત વિવિધ ક્ષેત્રોમાં કારકિર્દી બનાવશે. એનવાયપીએફ પ્રધાનમંત્રીએ 31 ડિસેમ્બર, 2017ના રોજ એમના મન કી બાત કાર્યક્રમમાં રજૂ કરેલા વિચાર પર આધારિત છે. આ વિચારમાંથી પ્રેરણા મેળવીને પ્રથમ એનવાયપીએફનું આયોજન 12 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી, 2019ના સુધી થયું હતું, જેની થીમ હતી – “નવા ભારતનો અવાજ બનીએ અને સમાધાનો શોધીએ અને નીતિનિર્માણમાં પ્રદાન કરીએ.આ મહોત્સવમાં કુલ 88,000 યુવાનો સામેલ થયા હતા.

બીજો એનવાયપીએફ 23 ડિસેમ્બર, 2020ના રોજ વર્ચ્યુઅલ પદ્ધતિમાં શરૂ થયો હતો. એના પ્રથમ તબક્કામાં દેશભરમાંથી 2.34 લાખ યુવાનો સહભાગી થયા હતા. 1થી 5 જાન્યુઆરી, 2021 સુધી વર્ચ્યુઅલ પદ્ધતિ દ્વારા પ્રાદેશિક યુવા સાંસદોનું આયોજન થયું હતું. બીજા એનવાયપીએફનો અંતિમ તબક્કો 11 જાન્યુઆરી, 2021ના રોજ સંસદના સેન્ટ્રલ હોલમાં યોજાશે. 29 રાષ્ટ્રીય વિજેતાઓને રાષ્ટ્રીય જ્યુરી સમક્ષ બોલવાની તક મળશે. જ્યુરી કે નિર્ણાયક મંડળમાં રાજ્યસભાના સાંસદ શ્રીમતી રુપા ગાંગુલી, લોકસભાના સાંસદ શ્રી પરવેશ સાહિબ સિંઘ અને પ્રસિદ્ધ પત્રકાર શ્રી પ્રુફુલ્લા કેતકર સામેલ છે. ટોચના ત્રણ વિજેતાઓને 12 જાન્યુઆરીના રોજ સમાપન સમારંભમાં પ્રધાનમંત્રી સમક્ષ બોલવાની તક મળશે.

રાષ્ટ્રીય યુવા મહોત્સવ

રાષ્ટ્રીય યુવા મહોત્સવ દર વર્ષે 12થી 16 જાન્યુઆરી વચ્ચે યોજાય છે. 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ છે, જેના રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે એનવાયપીએફનું આયોજન રાષ્ટ્રીય યુવા મહોત્સવ સાથે થયું છે.

રાષ્ટ્રીય યુવા મહોત્સવનો ઉદ્દેશ દેશના યુવાનોને તેમની પ્રતિભાઓ પ્રદર્શિત કરવા, તેમને મંચ પ્રદાન કરવા, મિની-ભારતનું નિર્માણ કરીને એકમંચ પર લાવવાનો છે, જ્યાં યુવાનો ઔપચારિક અને અનૌપચારિક વાતાવરણમાં એકબીજાને મળશે તેમજ પોતપોતાની સામાજિક અને સાંસ્કૃતિક વિશિષ્ટતાઓનું આદાનપ્રદાન કરશે. આ રાષ્ટ્રીય અખંડિતતા, સંવાદિતતા, સમન્વય, ભાતૃત્વ, સાહસ અને જુસ્સાને પણ પ્રોત્સાહન આપશે. આ કાર્યક્રમનો મૂળભૂત આશય એક ભારત, શ્રેષ્ઠ ભારતના જુસ્સા, ઉત્સાહ અને અર્કને આગળ વધારવાનો છે.

કોવિડ-19ના કારણે 24મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન વર્ચ્યુઅલ પદ્ધતિમાં થયું છે. ચાલુ વર્ષે મહોત્સવની થીમ યુવા – ઉત્સાહ નયે ભારત કા છે, જે નવા ભારતની ઉજવણીને જીવંત કરવા યુવા પેઢીને એકમંચ પર લાવશે. 24મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનો ઉદ્ઘાટન સમારંભ અને બીજા રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવનો સમાપન સમારંભ 12 જાન્યુઆરી, 2021ના રોજ સંસદના સેન્ટ્રલ હોલમાં યોજાશે. 24મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનો સમાપન સમારંભ 16 જાન્યુઆરી, 2021ના રોજ નવી દિલ્હીમાં ડો. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરમાં યોજાશે.

 

SD/GP/BT(Release ID: 1687429) Visitor Counter : 192