ગૃહ મંત્રાલય

લદાખના 10 સભ્યોના એક પ્રતિનિધિ મંડળે આજે માનનીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાથે મુલાકાત કરી


પ્રતિનિધિઓએ લદાખની ભાષા, સંસ્કૃતિ અને ભૂમિના સંરક્ષણ, લદાખના વિકાસમાં લોકોની ભાગીદારી, રોજગારીમાં વૃદ્ધિ માટેની તકો અંગે પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા

શ્રી અમિત શાહજીએ જણાવ્યું કે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્ત્વ હેઠળની સરકાર લદાખમાં વિકાસ અને તેની ભૂમિ તેમજ સંસ્કૃતિના સંરક્ષણ માટે નિરંતર કટિબદ્ધ છે

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં આયોજિત બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે લદાખની ભાષા, લદાખની સંસ્કૃતિ અને ભૂમિના સંરક્ષણ તેમજ વિકાસના કાર્યોમાં લદાખના લોકોની ભાગીદારીના સર્વાંગી ઉકેલ માટે ગૃહ રાજ્યમંત્રી શ્રી જી. કિશન રેડ્ડીના નેતૃત્ત્વમાં એક સમિતિની રચના કરવામાં આવશે

સમિતિમાં ગૃહમંત્રીને આજે મળેલા પ્રતિનિધિમંડળ દ્વારા નામાંકિત વ્યક્તિઓ, લદાખમાંથી ચૂંટાયેલા સભ્યો, LAHDC કાઉન્સિલના સભ્યો તેમજ ભારત સરકાર અને લદાખ પ્રશાસનના હોદ્દેદારોને સભ્ય બનાવવામાં આવશે

Posted On: 06 JAN 2021 7:21PM by PIB Ahmedabad

લદાખના 10 સભ્યોના એક પ્રતિનિધિમંડળે આજે માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. તમામ પ્રતિનિધિઓએ લદાખની વિષમ ભૌગોલિક પરિસ્થિતિ અને સામરિક મહત્તાને ધ્યાનમાં રાખીને લદાખની ભાષા, લદાખની સંસ્કૃતિ અને લદાખની ભૂમિના સંરક્ષણ તેમજ વિકાસના કાર્યોમાં લદાખના લોકોની ભાગીદારી, રોજગારીમાં વૃદ્ધિ કરવાની તકો તેમજ લદાખની ડેમોગ્રાફિકમાં પરિવર્તન અંગે તમામ પ્રતિનિધિઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. LAHDCની ચૂંટણી પૂર્વે આ વિષય પર એક આંદોલન પણ થયું હતું.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્ત્વ હેઠળની સરકાર લદાખનો વિકાસ કરવા માટે અને તેની ભૂમિ તેમજ સંસ્કૃતિનું સંરક્ષણ કરવા માટે હરહંમેશા કટિબદ્ધ છે. લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવાની લદાખના લોકોની દાયકાઓ જૂની પડતર માંગને પૂરી કરીને મોદી સરકારે પોતાની કટિબદ્ધતા વ્યક્ત કરી છે.

આજે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજવામાં આવેલી આ બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, લદાખની ભાષા, લદાખની સંસ્કૃતિ અને ભૂમિના સંરક્ષણ તેમજ લદાખના વિકાસમાં લોકોની ભાગીદારીના સર્વાંગી ઉકેલ માટે ગૃહ રાજ્યમંત્રી શ્રી જી. કિશન રેડ્ડીના નેતૃત્ત્વમાં એક સમિતિની રચના કરવામાં આવશે. આ સમિતિમાં ગૃહમંત્રી સાથે આજે મુલાકાત કરનારા પ્રતિનિધિમંડળ દ્વારા નામાંકિત વ્યક્તિએ, લદાખમાંથી ચૂંટાયેલા સભ્યો, LAHDC કાઉન્સિલના સભ્યો તેમજ ભારત સરકાર અને લદાખ પ્રશાસનમાં હોદ્દેદારોને સભ્યો બનાવવામાં આવશે.

આ સમિતિના તમામ સભ્યો સાથે મળીને લદાખના પ્રતિનિધિ મંડળ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતાનો ઉકેલ લાવવા માટે યોગ્ય માર્ગ સૂચવશે અને નિર્ણય લેતી વખતે સમિતિના વિચારોને યથાયોગ્ય રીતે ધ્યાનમાં લેવામાં આવશે.

SD/GP/BT


(Release ID: 1686721) Visitor Counter : 243