પ્રધાનમંત્રીનું કાર્યાલય

ગુણવત્તાયુક્ત ઉત્પાદનો અને હૃદય જીતવા પર ધ્યાન કેન્દ્રિત

Posted On: 05 JAN 2021 6:58PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત, ગુણવત્તાયુક્ત ઉત્પાદનો બનાવવા અને આંતરરાષ્ટ્રીય સ્તરેની વ્યાપક સ્વીકાર્યતા સુનિશ્ચિત કરવા પર @LinkedIn પર થોડા વિચારો રજૂ કર્યા હતા.

એમના વિચારોનો મૂળપાઠ નીચે મુજબ છેઃ

"થોડા દિવસ અગાઉ મેં મેટ્રોલોજી પર રાષ્ટ્રીય સમારંભને સંબોધન કર્યું હતું.

આ એક મહત્ત્વપૂર્ણ મુદ્દો છે, ભલે એનાં પર બહોળી ચર્ચા ન થતી હોય.

મારાં સંબોધન દરમિયાન મેં એક મુદ્દા પર વાત કરી હતી કે મેટ્રોલોજી કે માપનો અભ્યાસ કે વિજ્ઞાન કેવી રીતે આત્મનિર્ભર ભારત અને આપણા ઉદ્યોગસાહસિકો માટે આર્થિક સમૃદ્ધિમાં કેવી રીતે પ્રદાન કરી શકે છે.

ભારત પ્રતિજ્ઞા અને કુશળતા ધરાવતા લોકોનું પાવરહાઉસ છે.

આપણા સ્ટાર્ટ-અપ ઉદ્યોગની સફળતા આપણી યુવા પેઢીના ઇનોવેટિવ ઉત્સાહને દર્શાવે છે.

નવા ઉત્પાદનો અને સેવાઓ ઝડપથી ઊભા થઈ રહ્યાં છે.

સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને વિશાળ બજાર છે, જેમાં આપણે ઉતરવું પડશે.

અત્યારે આખી દુનિયા વાજબી, ટકાઉ અને વપરાશ કરી શકાય એવા ઉત્પાદનો મેળવવા ઇચ્છે છે.

આત્મનિર્ભર ભારત સ્કેલ અને સ્ટાન્ડર્ડ (મોટા પાયે ઉત્પાદન અને ધારાધોરણો)ના બે સિદ્ધાંતો પર નિર્ભર છે.

આપણે વધારે ઉત્પાદન કરવા ઇચ્છીએ છીએ. સાથે-સાથે આપણે સારા ગુણવત્તાયુક્ત ઉત્પાદનો બનાવવા ઇચ્છીએ છીએ.

ભારત એના ઉત્પાદન સાથે આંતરરાષ્ટ્રીય બજારોને છલકાવવા ઇચ્છતો નથી.

આપણે દુનિયાભરના લોકોના હૃદય જીતી લે એવા ભારતીય ઉત્પાદનો બનાવવા ઇચ્છીએ છીએ.

જ્યારે આપણે મેક ઇન ઇન્ડિયા અભિયાન શરૂ કર્યું છે, ત્યારે આપણે આંતરરાષ્ટ્રીય માગને પૂર્ણ કરવાની સાથે વૈશ્વિક સ્વીકાર્યતા પણ ઇચ્છીએ છીએ.

હું તમને બધાને તમારા કોઈ પણ ઉત્પાદન કે સેવામાં ઝીરો ઇફેક્ટ, ઝીરો ડિફેક્ટ (પર્યાવરણને બિલકુલ નુકસાન ન કરે, કોઈ પણ પ્રકારની ખામી વિનાના) વિશે વિચારવા અપીલ કરું છું.

ઉદ્યોગના આગેવાનો, વ્યવસાયના પ્રતિનિધિઓ, સ્ટાર્ટ અપ ક્ષેત્રના યુવાનો અને વ્યાવસાયિકો સાથે મારી વાતચીત દરમિયાન હું જોઈ શકું છું કે, આ વિશે સારી એવી સભાનતા છે.

અત્યાર દુનિયા આપણું બજાર છે.

ભારતના લોકો ક્ષમતા ધરાવે છે.

એક રાષ્ટ્ર તરીકે દુનિયા આપણી પર વિશ્વાસ મૂકે છે, એક રાષ્ટ્ર તરીકે ભારત વિશ્વસનીયતા ધરાવે છે.

આપણા લોકોની ક્ષમતા અને દેશની વિશ્વસનીયતા સાથે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ભારતીય ઉત્પાદનો દુનિયાના અનેક દેશોમાં પહોંચશે. આ જ આત્મનિર્ભર ભારતના મંત્રનું સાચું પ્રદર્શન પણ હશે – જે આંતરરાષ્ટ્રીય સમૃદ્ધિ માટે વિવિધ સ્તરે ઉપયોગી બળ બનશે.

 

SD/GP/BT

 



(Release ID: 1686397) Visitor Counter : 254