પ્રધાનમંત્રીનું કાર્યાલય

મન કી બાત 2.0ના 19મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (27.12.2020)

Posted On: 27 DEC 2020 11:40AM by PIB Ahmedabad

મારા પ્રિય દેશવાસીઓ,

        નમસ્કાર, આજે 27 ડિસેમ્બર છે. ચાર દિવસ બાદ જ 2021ની શરૂઆત થવા જઈ રહી છે. આજે મન કી બાત એક પ્રકારે 2020ની છેલ્લી મન કી બાત છે. આગળની મન કી બાત 2021માં પ્રારંભ થશે. સાથીઓ, મારી સામે તમારા લખેલા ઘણાં બધા પત્રો છે. MyGOV પર તમે જે વિચારો મોકલો છો, તે પણ મારી સામે છે. કેટલાય લોકોએ ફોન કરીને પોતાની વાત જણાવી છે. મોટાભાગના સંદેશાઓમાં વિતેલા વર્ષોનો અનુભવ અને 2021 સાથે જોડાયેલા સંકલ્પો છે. કોલ્હાપુરથી અંજલિએ લખ્યું છે, કે નવા વર્ષે આપણે બીજાને શુભેચ્છા પાઠવીએ છીએ, શુભકામનાઓ આપીએ છીએ, તો આ વખતે આપણે એક નવું કામ કરીએ. કેમ ન આપણે આપણા દેશને શુભેચ્છા આપીએ, દેશને પણ શુભકામનાઓ આપીએ. અંજલિજી ખરેખર, ઘણો જ સારો વિચાર છે. આપણો દેશ 2021માં સફળતાઓના નવા શિખરો સર કરે, દુનિયામાં ભારતની ઓળખ વધુ સશક્ત થાય, તેની ઈચ્છાથી મોટું શું હોઈ શકે છે.

        સાથીઓ, NamoApp પર અભિષેકજી એ એક મેસેજ પોસ્ટ કર્યો છે. તેમણે લખ્યું છે કે 2020 એ જે-જે દેખાડી દીધું, જે-જે શિખવાડી દીધું, તે ક્યારેય વિચાર્યું પણ નહોતું. કોરોના સાથે જોડાયેલી તમામ વાતો તેમણે લખી છે. આ પત્રોમાં, આ સંદેશાઓમાં. મને એક વાત જે common દેખાઈ રહી છે, ખાસ જોવામાં આવી રહી છે, તે હું આજે આપની સાથે share કરવા માંગીશ. મોટાભાગના પત્રોમાં લોકોએ દેશના સામર્થ્ય, દેશવાસીઓની સામૂહિક શક્તિની ભરપૂર પ્રશંસા કરી છે. જ્યારે જનતા કર્ફ્યૂ જેવો અભિનવ પ્રયોગ, આખા વિશ્વ માટે પ્રેરણા બન્યો, જ્યારે તાળી-થાળી વગાડીને દેશે આપણા કોરોના વોરિયર્સનું સન્માન કર્યું હતું, એકતા દેખાડી હતી, તેને પણ કેટલાય લોકોએ યાદ કર્યું છે.

        સાથીઓ, દેશના સામાન્ય થી સામાન્ય માનવીએ આ બદલાવને અનુભવ્યો છે. મેં દેશમાં આશાનો એક અદભૂત પ્રવાહ પણ જોયો છે. પડકારો ઘણાં આવ્યા. સંકટ પણ અનેક આવ્યા. કોરોનાને કારણે દુનિયામાં supply chain ને લઈને પણ અનેક મુશ્કેલીઓ આવી, પરંતુ આપણે દરેક સંકટમાંથી નવી શિખ લીધી. દેશમાં નવું સામર્થ્ય પેદા થયું. જો શબ્દોમાં કહેવું હોય તો આ સામર્થ્યનું નામ છે, આત્મનિર્ભરતા.

        સાથીઓ, દિલ્હીમાં રહેતા અભિનવ બેનર્જીએ પોતાનો જે અનુભવ મને લખીને મોકલ્યો છે તે પણ ઘણો રસપ્રદ છે. અભિનવજી ને તેમના સગાંમાં બાળકોને ગીફ્ટ આપવા માટે કેટલાક રમકડાં ખરીદવા હતા, તેથી તેઓ દિલ્હીની ઝંડેવાલા માર્કેટ ગયા હતા. તમારામાંથી ઘણાં લોકો જાણતા જ હશે, આ માર્કેટ દિલ્હીમાં સાઈકલ અને રમકડાં માટે જાણીતી છે. પહેલાં ત્યાં મોંઘા રમકડાંનો મતલબ પણ imported રમકડાં થતો હતો, અને સસ્તા રમકડાં પણ બહારથી આવતા હતા. પરંતુ અભિનવજીએ પત્રમાં લખ્યું છે કે, હવે ત્યાંના કેટલાય દુકાનદાર customers ને એમ કહી-કહીને રમકડાં વેચી રહ્યા છે કે સારું રમકડું છે, કારણ કે તે ભારતમાં બનેલું છે, Made in India’ છે. Customers પણ India made toys ની જ માગ કરી રહ્યા છે. આ જ તો છે, આ એક વિચારમાં કેટલું મોટું પરિવર્તન – આ તો જીવતો-જાગતો પૂરાવો છે. દેશવાસીઓના વિચારમાં કેટલું મોટું પરિવર્તન આવી રહ્યું છે અને તે પણ એક વર્ષની અંદર-અંદર. આ પરિવર્તનને આંકવું સરળ નથી. અર્થશાસ્ત્રી પણ તેને પોતાની રીતે માપી શકતા નથી.

        સાથીઓ, મને વિશાખાપટ્ટ્નમથી વેંકટ મુરલીપ્રસાદજીએ જે લખ્યું છે, તેમાં પણ એક અલગ જ પ્રકારનો આઈડિયા છે. વેંકટજીએ લખ્યું છે, હું આપને twenty, twenty one માટે બે હજાર એકવીસ માટે, મારું ABC attach કરી રહ્યો છું. મને કંઈ સમજણ ન પડી, કે આખરે ABC થી એમનો મતલબ શું છે. ત્યારે મેં જોયું કે વેંકટજીએ પત્રની સાથે એક ચાર્ટ પણ અટેચ કરી રાખ્યો હતો. મેં એ ચાર્ટ જોયો અને પછી સમજ્યો કે ABC નો તેમનો મતલબ છે – આત્મનિર્ભર ભારત ચાર્ટ, ABC. તે ઘણું જ રસપ્રદ છે. વેંકટજીએ એ બધી વસ્તુનું આખું લીસ્ટ બનાવ્યું છે, જેનો તેઓ દરરોજ વપરાશ કરે છે. તેમાં electronics, stationery, self care items આ ઉપરાંત અન્ય પણ ઘણું બધું સામેલ છે. વેંકટજીએ કહ્યું કે આપણે જાણતા-અજાણતા, એ વિદેશી પ્રોડક્ટ્સનો વપરાશ કરી રહ્યા છીએ, જેના વિકલ્પો ભારતમાં સરળતાથી ઉપલબ્ધ છે. હવે તેમણે સોગંધ ખાધા છે કે હું એ જ પ્રોડક્ટનો વપરાશ કરીશ, જેમાં આપણા દેશવાસીઓની મહેનત અને પરસેવો લાગ્યો હોય.

        સાથીઓ, પરંતુ તેની સાથે જ તેમણે કંઈક એવું પણ કહ્યું છે, જે મને ઘણું રોચક લાગ્યું છે. તેમણે લખ્યું છે કે આપણે આત્મનિર્ભર ભારતનું સમર્થન કરી રહ્યા છીએ, પરંતુ આપણા manufacturers, તેમને માટે પણ સાફ સંદેશ હોવો જોઈએ, કે તે products ની quality સાથે કોઈ સમજૂતી ન કરે. વાત તો સાચી છે. Zero effect, zero defect ના વિચાર સાથે કામ કરવાનો આ ઉચિત સમય છે. હું દેશના manufacturers અને industry leaders ને આગ્રહ કરું છું, દેશના લોકોએ મજબૂત પગલાં ઉઠાવ્યા છે, મજબૂત પગલાં આગળ ભર્યા છે. વોકલ ફોર લોકલ એ આજે ઘર-ઘરમાં ગૂંજી રહ્યું છે. તેવામાં, હવે એ સુનિશ્ચિત કરવાનો સમય છે કે આપણા પ્રોડક્ટ્સ વિશ્વ સ્તરના હોય. જે પણ ગ્લોબલ બેસ્ટ છે, તે આપણે ભારતમાં બનાવીને દેખાડીએ. તેને માટે આપણા ઉદ્યમી સાથીઓએ આગળ આવવાનું છે. સ્ટાર્ટ-અપ્સ ને પણ આગળ આવવાનું છે. ફરી એકવાર હું વેંકટજીને તેમના ઘણાં જ સારા પ્રયાસ માટે શુભેચ્છા આપું છું.

        સાથીઓ, આપણે એ ભાવનાને જાળવી રાખવાની છે, બચાવીને રાખવાની છે અને વધારતા રહેવાની છે. મેં પહેલાં પણ કહ્યું છે, અને પાછું હું દેશવાસીઓને આગ્રહ કરું છું. તમે પણ એક યાદી બનાવો. દિવસભર આપણે જે ચીજવસ્તુઓ કામમાં લઈએ છીએ, તે બધી ચીજોનું વિશ્લેષણ કરી અને એ જુઓ કે જાણતા-અજાણતા કઈ વિદેશમાં બનેલી ચીજોએ આપણા જીવનમાં પ્રવેશ કરી લીધો છે. એક પ્રકારે, આપણને બંદી બનાવી લીધા છે. તેના ભારતમાં બનેલા વિકલ્પો વિશે જાણો, અને તે પણ નક્કી કરો કે હવેથી ભારતમાં બનેલા, ભારતના લોકોની મહેનત અને પરસેવાથી બનેલા ઉત્પાદનોનો આપણે ઉપયોગ કરીશું. તમે દર વર્ષે new year resolutions લ્યો છો, આ વખતે એક resolution પોતાના દેશ માટે પણ જરૂર લેવાનું છે.

        મારા પ્રિય દેશવાસીઓ, આપણા દેશમાં (આતતાઈઓ)થી, અત્યાચારીઓથી દેશની હજારો વર્ષ જૂની સંસ્કૃતિ, સભ્યતા, આપણા રીત-રિવાજને બચાવવા માટે, કેટલા મોટા બલિદાનો આપવામાં આવ્યા છે, આજે તેને યાદ કરવાનો દિવસ પણ છે. આજના જ દિવસે ગુરુ ગોવિંદજીના પુત્રો, સાહેબજાદા જોરાવરસિંહ અને ફતેહસિંહને દિવાલમાં જીવતા ચણી દેવામાં આવ્યા હતા. અત્યાચારીઓ ઈચ્છતા હતા કે સાહેબજાદાઓ પોતાની આસ્થા છોડી દે, મહાન ગુરુ પરંપરાની શિખ છોડી દે. પરંતુ આપણા સાહેબજાદાઓએ આટલી ઓછી ઉંમરમાં પણ ગજબનું સાહસ દેખાડ્યું, ઈચ્છાશક્તિ દેખાડી. દિવાલમાં ચણી દેવામાં આવ્યા તે વખતે, પત્થરો લાગતા રહ્યા, દિવાલ ઉંચી થઈ રહી, મોત સામે દેખાઈ રહી હતી, પરંતુ તેમ છતાં તેઓ ટસ ના મસ ના થયા. આજના જ દિવસે ગુરુ ગોવિંદ સિંહજીની માતા જી – માતા ગુજરી એ પણ શહિદી વહોરી હતી. લગભગ એક સપ્તાહ પહેલા, શ્રી ગુરુ તેગ બહાદુર જી ની પણ શહિદીનો દિવસ હતો. મને અહીં દિલ્હીમાં ગુરુદ્વારા રકાબગંજ જઈને, ગુરુ તેગ બહાદુર જી ને શ્રદ્ધા સુમન અર્પિત કરવાનો, માથું નમાવવાનો મોકો પ્રાપ્ત થયો. આ જ મહિને, શ્રી ગુરુ ગોવિંદ સિંહ જી થી પ્રેરિત તેમના લોકો જમીન પર સૂવે છે. લોકો, શ્રી ગુરુ ગોવિંદ સિંહ જી ના પરિવારના લોકો દ્વારા આપવામાં આવેલી શહીદીને મોટી ભાવનાપૂર્ણ અવસ્થામાં યાદ કરે છે. આ શહિદીએ સંપૂર્ણ માનવતાને, દેશ ને, નવી શિખ આપી છે. આ શહિદીએ, આપણી સભ્યતાને સુરક્ષિત રાખવાનું મહાન કાર્ય કર્યું છે. આપણે બધા આ શહિદીના ઋણી છીએ. ફરી એકવાર હું શ્રી ગુરુ તેગ બહાદુર જી, માતા ગુજરી જી, ગુરુ ગોવિંદ સિંહજી અને ચારેય સાહેબજાદોની શહિદીને નમન કરું છું. આવી જ રીતે અનેક શહીદીઓએ ભારતના આજના સ્વરૂપને બચાવીને રાખ્યું છે, બનાવીને રાખ્યું છે.      

 

 

        મારા પ્રિય દેશવાસીઓ, હવે હું એવી વાત કહેવા જઈ રહ્યો છું, જેનાથી આપને આનંદ પણ થશે અને ગર્વ પણ થશે. ભારતમાં Leopards એટલે કે દિપડાની સંખ્યામાં 2014થી 2018 વચ્ચે 60 ટકાથી વધુનો વધારો થયો છે. 2014માં દેશમાં દિપડાની સંખ્યા લગભગ 7900 હતી, તો 2019માં તેમની સંખ્યા વધીને 12,852 થઈ ગઈ છે. આ એ જ લેપર્ડ છે જેના વિશે જીમ કોરબેટે કહ્યું હતું, જે લોકોએ લેપર્ડને પ્રકૃતિમાં સ્વચ્છંદતાથી ફરતા નથી જોયા, તેઓ તેની સુંદરતાની કલ્પના નથી કરી શકતા. તેના રંગોની સુંદરતા અને તેની ચાલની મોહકતાનો અંદાજ નહીં લગાવી શકો. દેશના મોટાભાગના રાજ્યોમાં ખાસ કરીને મધ્ય ભારતમાં દિપડાઓની સંખ્યા વધી છે. દિપડાની સૌથી વધુ સંખ્યાવાળા રાજ્યોમાં મધ્યપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્ર સૌથી ઉપર છે. આ એક મોટી ઉપલબ્ધિ છે. દિપડા, આખી દુનિયામાં વર્ષોથી ખતરાઓનો સામનો કરતા આવ્યા છે. દુનિયાભરમાં તેમના habitatને નુકસાન થયું છે. તેવા સમયમાં ભારતમાં દિપડાઓની વસતીમાં સતત વધારો કરીને આખા વિશ્વને એક રાહ દેખાડી છે. આપને એ વાતની પણ જાણકારી હશે કે ગત કેટલાક વર્ષોમાં, ભારતમાં સિંહની વસતી પણ વધી છે, વાઘની સંખ્યામાં પણ વૃદ્ધિ થઈ છે, સાથે જ ભારતીય વનક્ષેત્રમાં પણ વધારો થયો છે. તેનું કારણ એ છે કે સરકારે જ નહીં પરંતુ ઘણાં લોકો, civil society, કેટલીયે સંસ્થાઓ પણ આપણા છોડ-ઝાડ અને વન્યજીવોના સંરક્ષણમાં જોડાયેલી છે. તે બધા શુભેચ્છાને પાત્ર છે.

        સાથીઓ, મેં તમિલનાડુના કોઈમ્બતૂરમાં એક હ્રદયસ્પર્શી પ્રયાસ વિશે વાંચ્યું. આપે પણ સોશિયલ મીડિયા પર તેના વિઝ્યુઅલ્સ જોયા હશે. આપણે બધાએ માણસો વાળી wheelchair જોઈ છે. પરંતુ કોઈમ્બતૂરની એક પુત્રી ગાયત્રીએ, પોતાના પિતાજી સાથે, એક પીડિત dog માટે wheelchair બનાવી દીધી. આ સંવેદનશીલતા, પ્રેરણા આપનારી છે, અને એ ત્યારે જ થઈ શકે, જ્યારે વ્યક્તિ દરેક જીવ પ્રતિ દયા અને કરૂણાથી ભરેલો હોય. દિલ્હી-એનસીઆર અને દેશના બીજા શહેરોમાં થથરાવતી ઠંડીની વચ્ચે બેઘર પશુઓની દેખભાળ માટે કેટલાય લોકો, ઘણું બધું કરી રહ્યા છે. તેઓ તે પશુઓના ખાવા-પીવા અને તેમને માટે સ્વેટર અને સૂવા સુધીની પણ વ્યવસ્થા કરે છે. કેટલાક લોકો તો એવા છે કે જે રોજ સેંકડોની સંખ્યામાં આવા પશુઓ માટે ભોજનની વ્યવસ્થા કરે છે. આવા પ્રયાસોને બિરદાવવા જોઈએ. કંઈક આવી જ રીતના નેક પ્રયાસ, ઉત્તરપ્રદેશના કૌશામ્બીમાં પણ કરવામાં આવી રહ્યા છે. ત્યાં જેલમાં બંધ કેદી, ગાયોને ઠંડીથી બચાવવા માટે જૂના અને ફાટેલા ધાબળાંમાંથી કવર બનાવી રહ્યા છે. આ ધાબળાઓને કૌશામ્બી સહિત બીજા જિલ્લાની જેલમાંથી એકત્ર કરવામાં આવે છે અને પછી તેને સીવીને ગૌ-શાળા મોકલી આપવામાં આવે છે. કૌશામ્બી જેલના કેદી, દરેક અઠવાડીએ અનેક કવર તૈયાર કરી રહ્યા છે. આવો, બીજાની દેખભાળ માટે સેવા-ભાવથી ભરેલા આ પ્રકારના પ્રયાસોને પ્રોત્સાહિત કરીએ. આ વાસ્તવમાં એક એવું સત્કાર્ય છે, જે સમાજની સંવેદનાઓને સશક્ત કરે છે.

        મારા પ્રિય દેશવાસીઓ, હવે જે પત્ર મારી સામે છે, તેમાં બે મોટા ફોટો છે. આ ફોટો એક મંદિરનો છે, અને before અને after નો છે. આ ફોટો સાથે જે પત્ર છે, તેમાં યુવાનોની એક એવી ટીમ વિશે જણાવવામાં આવ્યું છે, જે પોતાને યુવા બ્રિગેડ કહે છે. વાસ્તવમાં આ યુવા બ્રિગેડે કર્ણાટકમાં, શ્રી રંગપટ્ટન પાસે આવેલા વીરભદ્ર સ્વામી નામના એક પ્રાચીન શિવમંદિરની કાયાકલ્પ કરી નાખી. મંદિરમાં ચારે તરફ ઘાસ અને ઝાંખરા ભરેલા હતા, એટલા કે રસ્તે ચાલતા લોકો પણ કહી ન શકે કે અહીં એક મંદિર છે. એક દિવસ કેટલાક પર્યટકોએ આ ભૂલાયેલા-વિસરાયેલા મંદિરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો. યુવા બ્રિગેડે જ્યારે આ વીડિયોને સોશિયલ મીડિયા પર જોયો, તો તેમનાથી રહેવાયું નહીં અને પછી આ ટીમે મળીને તેનો જીણોદ્ધાર કરવાનો નિર્ણય કર્યો. તેમણે મંદિર પરિસરમાં ઉગેલા કાંટાળા ઝાંખરા, ઘાંસ અને છોડને હટાવ્યા. જ્યાં મરમ્મત અને નિર્માણની આવશ્યકતા હતી, તે કર્યું. તેમના સારા કામને જોતાં સ્થાનિક લોકોએ પણ મદદ માટે હાથ લંબાવ્યો. કોઈએ સીમેન્ટ આપ્યો તો કોઈએ પેઈન્ટ, આવી કેટલીયે ચીજો સાથે લોકોએ પોતાનું યોગદાન આપ્યું. આ બધા યુવા કેટલાય અલગ રીતના પ્રોફેશન સાથે જોડાયેલા છે. તેવામાં તેમણે weekends દરમિયાન સમય કાઢ્યો અને મંદિર માટે કાર્ય કર્યું. યુવાનોએ મંદિરમાં દરવાજા લગાવવાની સાથે સાથે વીજળીનું કનેક્શન પણ લગાવડાવ્યું. આવી રીતે તેમણે મંદિરના જૂના વૈભવને ફરીથી સ્થાપિત કરવાનું કામ કર્યું. ઝનૂન અને દ્રઢનિશ્ચય એવી બે વસ્તુ છે જેનાથી લોકો દરેક લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે. જ્યારે હું ભારતના યુવાનોને જોવું છું તો પોતાને આનંદિત અને આશ્વસ્થ અનુભવું છું. આનંદિત અને આશ્વસ્થ એટલે કે મારા દેશના યુવાનોમાં ‘Can Do’નો Approach છે અને ‘Will Do’ નો Spirit છે. તેમના માટે કોઈપણ પડકાર મોટો નથી. કંઈપણ તેમની પહોંચથી દૂર નથી. મેં તમિલનાડુના એક ટિચર વિશે વાંચ્યું. તેમનું નામ હેમલતા એન.કે છે, જે વિડ્ડુપુરમની એક શાળામાં દુનિયાની સૌથી જૂની ભાષા તમિલ ભણાવે છે. કોવિડ-19નો રોગચાળો પણ તેમના અધ્યાપન કાર્યામાં આડો ન આવી શક્યો. હા, તેમની સામે પડકાર જરૂર હતો, પરંતુ તેમણે એક ઈનોવેટિવ રસ્તો કાઢ્યો. તેમણે કોર્સના બધા 53 ચેપ્ટર્સને રેકોર્ડ કર્યા, animated video તૈયાર કર્યા અને તેને એક પેન ડ્રાઈવમાં લઈને પોતાના વિદ્યાર્થીઓને વહેંચી દીધા. તેનાથી તેમના વિદ્યાર્થીઓને ઘણી જ મદદ મળી, તેઓ ચેપ્ટર્સને visually પણ સમજી શક્યા. સાથે જ તેઓ પોતાના વિદ્યાર્થીઓ સાથે ટેલિફોન પર પણ વાત કરતા રહ્યા. તેનાથી students માટે ભણવાનું ઘણું જ રોચક થઈ ગયું. દેશભરમાં કોરોનાના આ સમયમાં ટીચર્સે જે ઈનોવેટીવ રીતો અપનાવી છે, જે course material creatively તૈયાર કર્યા છે, તે ઓનલાઈન ભણતરના આ સમયમાં અમૂલ્ય છે. મારો બધા ટીચર્સને આગ્રહ છે કે તેઓ આ કોર્સ મટીરિયલને શિક્ષણ મંત્રાલયના દીક્ષા પોર્ટલ પર જઈને જરૂર અપલોડ કરે. તેનાથી દેશના દૂર-દૂરના વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થી-વિધ્યાર્થિનીઓને ઘણો જ લાભ થશે.

        સાથીઓ, આવો હવે વાત કરીએ ઝારખંડની કોરવા જનજાતિના હીરામનજી ની. હીરામન જી ગઢવા જિલ્લાના સિંજો ગામમાં રહે છે. આપને એ જાણીને આશ્ર્ચર્ય થશે કે કોરવા જનજાતિની વસતી માત્ર 6000 છે, જે શહેરોથી દૂર પહાડો અને જંગલોમાં વસવાટ કરે છે. પોતાના સમુદાયની સંસ્કૃતિ અને ઓળખને બચાવવા માટે હીરામન જીએ એક બીડું ઝડપ્યું છે. તેમણે 12 વર્ષના અથાગ પરિશ્રમ બાદ વિલુપ્ત થતી, કોરવા ભાષાનો શબ્દકોષ તૈયાર કર્યો છે. તેમણે આ શબ્દકોષમાં ઘર-ગૃહસ્થીમાં પ્રયોગ થનારા શબ્દોથી લઈને દૈનિક જીવનમાં વપરાતા કોરવા ભાષાના અઢળક શબ્દોને અર્થ સાથે લખ્યા છે. કોરવા સમુદાય માટે હીરામન જીએ જે કરીને દેખાડ્યું છે, તે દેશ માટે એક ઉદાહરણ છે.

        મારા પ્રિય દેશવાસીઓ, એવું કહેવાય છે કે અકબરના દરબારમાં એક પ્રમુખ સભ્ય – અબુલ ફઝલ હતા. તેમણે એકવાર કાશ્મીરની યાત્રા બાદ કહ્યું હતું કે કાશ્મીરમાં એક એવી જગ્યા છે જેને જોઈને ચીડિયા અને ગુસ્સાવાળા લોકો પણ ખૂશીથી ઝૂમી ઉઠશે. વાસ્તવમાં તેઓ કાશ્મીરમાં કેસરના ખેતરોનો ઉલ્લેખ કરી રહ્યા હતા. કેસર, સદીઓથી કાશ્મીર સાથે જોડાયેલું છે. કાશ્મીરી કેસર મુખ્યરૂપથી પુલવામાં, બડગામ અને કિશ્તવાડ જેવી જગ્યાઓ પર ઉગાડવામાં આવે છે. આ વર્ષે મે મહિનામાં કાશ્મીરી કેસરને Geographical Indication Tag એટલે કે GI Tag આપવામાં આવ્યું. તેના થકી આપણે કાશ્મીરી કેસરને એક Globally Popular Brand બનાવવા માગીએ છીએ. કાશ્મીરી કેસર વૈશ્વિક સ્તર પર એક એવા મસાલાના રૂપમાં પ્રસિદ્ધ છે જેના કેટલાય પ્રકારના ઔષધીય ગુણો છે. તે અત્યંત સુગંધિત હોય છે, તેનો રંગ ઘાટો હોય છે અને તેના તાંતણા લાંબા અને જાડા હોય છે. જે તેની મેડિકલ વેલ્યૂને વધારે છે. આ જમ્મુ અને કાશ્મીરના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પ્રતિનિધિત્વ કરે છે. ક્વોલિટીની વાત કરીએ તો કાશ્મીરનું કેસર બહુ જ યુનિક છે અને બીજા દેશોના કેસરથી બિલકુલ અલગ છે. કાશ્મીરના કેસરને GI Tag Recognition થી એક અલગ જ ઓળખ મળી છે. આપને એ જાણીને ખુશી થશે કે કાશ્મીરી કેસરને GI Tag નું સર્ટિફિકેટ મળ્યા બાદ દુબઈના એક સુપર માર્કેટમાં તેને લોન્ચ કરવામાં આવ્યું. હવે તેની નિકાસ વધવા લાગશે. આ આત્મનિર્ભર ભારત બનાવવા માટેના આપણા પ્રયાસોને વધુ મજબૂતી આપશે. કેસરના ખેડૂતોને તેનાથી વિશેષ લાભ થશે. પુલવામા માં ત્રાલના શાર વિસ્તારમાં રહેતા અબ્દુલ મજીદ વાની ને જ જોઈ લો. તેઓ પોતાના GI Tagged કેસરને National Saffron Missionની મદદથી પમ્પોરના ટ્રેડિંગ સેન્ટરમાં ઈ-ટ્રેડિંગની મદદથી વેચી રહ્યા છે. તેમના જેવા કેટલાય લોકો કાશ્મીરમાં આ કામ કરી રહ્યા છે. હવેથી જ્યારે આપ કેસરને ખરીદવાનું મન કરો, તો કાશ્મીરનું જ કેસર ખરીદવાનું વિચારજો. કાશ્મીરના લોકોની મહેનત એવી છે કે ત્યાંના કેસરનો સ્વાદ જ અલગ હોય છે.

મારા પ્રિય દેશવાસીઓ  હમણાં બે દિવસ પહેલાં જ ગીતા જયંતિ હતી. ગીતા, આપણને આપણા જીવનમાં દરેક સંદર્ભે પ્રેરણા આપે છે. પરંતુ શું તમે કદી વિચાર્યું છે, ગીતા આટલો અદભૂત ગ્રંથ કેમ છે? તે એટલા માટે કે તે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણની જ વાણી છે. પરંતુ ગીતાની વિશિષ્ટતા એ પણ છે કે તે જાણવાની જિજ્ઞાસાથી શરૂ થાય છે. પ્રશ્નથી શરૂ થાય છે. અર્જુને ભગવાને પ્રશ્ન કર્યો, જિજ્ઞાસા કરી, ત્યારે જ તો ગીતાનું જ્ઞાન સંસારને મળ્યું. ગીતાની જ જેમ, આપણી સંસ્કૃતિમાં જેટલું પણ જ્ઞાન છે, બધું જિજ્ઞાસાથી જ શરૂ થાય છે. વેદાંતનો તો પહેલો મંત્ર જ છે, - अथातो ब्रह्म जिज्ञासाએટલે કે આવો આપણે બ્રહ્મની જિજ્ઞાસા કરીએ. તેથી જ તો આપણે ત્યાં બ્રહ્મના પણ સંશોધનની વાત કહેવામાં આવે છે. જિજ્ઞાસાની તાકાત જ એવી છે. જિજ્ઞાસા તમને સતત કંઈક નવા માટે પ્રેરિત કરે છે. બાળપણમાં આપણે એટલે જ તો શીખીએ છીએ કારણ કે આપણી અંદર જિજ્ઞાસા હોય છે. એટલે કે જ્યાં સુધી જિજ્ઞાસા છે, ત્યાં સુધી જીવન છે. જ્યાં સુધી જિજ્ઞાસા છે ત્યાં સુધી નવું શીખવાનો ક્રમ ચાલુ જ છે. તેમાં કોઈ ઉંમર, કોઈ પરિસ્થિતી મહત્વ નથી ધરાવતી. જિજ્ઞાસાની એવી જ ઉર્જાનું એક ઉદાહરણ મને ખબર પડી તમિલનાડુના વડિલ શ્રી ટી શ્રીનિવાસાચાર્ય સ્વામી જી વિશે. શ્રી ટી શ્રીનિવાસાચાર્ય સ્વામી જી 92 વર્ષના છે, Ninety Two Years. તેઓ આ ઉંમરે પણ કોમ્પ્યુટર પર પોતાનું પુસ્તક લખી રહ્યા છે, તે પણ જાતે ટાઈપ કરીને. તમે વિચારતા હશો કે પુસ્તક લખવાનું તો ઠીક છે, પરંતુ શ્રીનિવાસાચાર્ય જી ના સમયે તો કોમ્પ્યુટર હશે જ નહીં. તો પછી તેમણે કોમ્પ્યુટર ક્યારે શિખ્યું.? એ વાત સાચી છે કે તેમના કોલેજના સમયમાં કોમ્પ્યુટર નહોતું. પરંતુ તેમના મનમાં જિજ્ઞાસા અને આત્મવિશ્વાસ અત્યારે પણ એટલો જ છે જેટલો તેમની યુવાવસ્થામાં હતો. વાસ્તવમાં શ્રીનિવાસાચાર્ય સ્વામી જી સંસ્કૃત અને તમીલના વિદ્વાન છે. તેઓ અત્યારસુધી 16 આધ્યાત્મિક ગ્રંથ પણ લખી ચૂક્યા છે. પરંતુ કોમ્પ્યુટર આવ્યા બાદ, તેમને જ્યારે લાગ્યું કે હવે તો પુસ્તક લખવા અને પ્રિન્ટ થવાની રીત બદલાઈ ગઈ છે, તો તેમણે 86 વર્ષની ઉંમરમાં, eighty six ની ઉંમરમાં  કોમ્પ્યુટર શીખ્યું, પોતાના માટે જરૂરી સોફ્ટવેર શીખ્યા. હવે તેઓ તેમનું આખું પુસ્તક કરે છે.

સાથીઓ, શ્રી ટી શ્રીનિવાસાચાર્ય સ્વામી જીનું જીવન એ વાતનું પ્રત્યક્ષ પ્રમાણ છે, કે જીવન ત્યાં સુધી ઉર્જાથી ભરેલું રહે છે, જ્યાં સુધી જીવનમાં જિજ્ઞાસા નથી મરતી, શીખવાની ઈચ્છા નથી મરતી. તેથી જ આપણે ક્યારેય એ ન વિચારવું જોઈએ કે આપણે પાછળ રહી ગયા, આપણે ચૂકી ગયા. કાશ...આપણે પણ આ શીખી લેતા. આપણે એ પણ ન વિચારવું જોઈએ કે આપણે નહીં શીખી શકીએ, અથવા આગળ નહીં વધી શકીએ.

મારા પ્રિય દેશવાસીઓ, હમણાં આપણે જિજ્ઞાસાથી, કંઈક નવું શીખવાની અને કરવાની વાત કરી રહ્યા હતા. નવા વર્ષે, નવા સંકલ્પોની વાત પણ કરી રહ્યા હતા. પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે, જે સતત કંઈકને કંઈક નવું કરી રહ્યા છે, નવા-નવા સંકલ્પોને સિદ્ધ કરતા રહે છે. આપે પણ આપણા જીવનમાં અનુભવ્યું હશે કે, જ્યારે આપણે સમાજ માટે કંઈક કરીએ છીએ તો ઘણું બધું કરવાની ઉર્જા સમાજ પોતે જ આપણને આપે છે. સામાન્ય લાગતી પ્રેરણાઓથી બહુ મોટા કામ પણ થઈ જાય છે. એવા જ એક યુવાન છે શ્રીમાન પ્રદિપ સાંગવાન. ગુરુગ્રામના પ્રદિપ સાંગવાન 2016થી Healing Himalayas નામથી અભિયાન ચલાવી રહ્યા છે. તેઓ પોતાની ટીમ અને વોલેન્ટિયર્સ સાથે હિમાલયના અલગ-અલગ વિસ્તારોમાં જાય છે, અને જે પ્લાસ્ટિક કચરા ટૂરિસ્ટ ત્યાં છોડીને જાય છે, તે સાફ કરે છે. પ્રદિપજી અત્યારસુધી હિમાલયના અલગ અલગ ટુરિસ્ટ લોકેશનમાંથી ટનબંધ પ્લાસ્ટિક સાફ કરી ચૂક્યા છે. આવી જ રીતે કર્ણાટકના એક યુવા દંપત્તિ છે, અનુદીપ અને મિનૂષા. અનુદીપ અને મિનૂષાએ હમણાં ગત મહિને નવેમ્બરમાં જ લગ્ન કર્યા છે. લગ્ન બાદ ઘણાં યુવાનો ફરવા જાય છે, પરંતુ આ બંનેએ કંઈક અલગ જ કર્યું. આ બંને હંમેશા જોતા હતા કે લોકો પોતાના ઘરની બહાર ફરવા જાય છે, પરંતુ જ્યાં જાય છે ત્યાં ઘણો કચરો છોડીને આવે છે. કર્ણાટકના સોમેશ્વર બીચ પર આવી જ સ્થિતી છે. અનુદીપ અને મિનૂષાએ નક્કી કર્યું કે સોમેશ્વર બીચ પર લોકો જે કચરો છોડીને ગયા છે, તેને સાફ કરશે. બંને પતિ-પત્નીએ લગ્ન બાદ તેમનો પહેલો સંકલ્પ આ જ લીધો. બંને એ મળીને સમુદ્ર તટનો ઘણો કચરો સાફ કરી નાખ્યો છે. અનુદીપે તેમના આ સંકલ્પ વિશે સોશિયલ મીડિયા પર પણ શેર કર્યું છે. પછી શું, તેમના આટલા સુંદર વિચારથી પ્રભાવિત થઈને અઢળક યુવાનો તેમની સાથે આવીને જોડાઈ ગયા. તમને જાણીને આશ્ચર્ય થશે. આ લોકોએ મળીને સોમેશ્વર બીચ પરથી 800 કિલોથી વધુ કચરો સાફ કર્યો છે.

સાથીઓ, આ પ્રયાસો વચ્ચે આપણે એ પણ વિચારવાનું છે કે કચરો આ બીચ beaches પર, પહાડો પર, પહોંચે છે કેવી રીતે? આખરે આપણાંમાંથી જ કોઈ લોકો આ કચરો ત્યાં છોડીને આવે છે. આપણે પ્રદીપ અને અનુદીપ-મિનૂષાની જેમ સફાઈ અભિયાન ચલાવવું જોઈએ. પરંતુ તેની પહેલાં આપણે એ સંકલ્પ લેવો જોઈએ કે અમે કચરો ફેલાવશું નહીં. આમ પણ સ્વચ્છ ભારત અભિયાનનો પહેલો સંકલ્પ પણ તો આ જ છે. હા, વધુ એક વાત હું આપને યાદ અપાવવા માંગુ છું. કોરોના ને કારણે આ વર્ષે એટલી ચર્ચા થઈ નથી શકી. આપણે દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવાનો જ છે. આ પણ 2021ના સંકલ્પોમાંથી એક છે. છેલ્લે હું આપને નવા વર્ષ માટે ઘણી ઘણી શુભેચ્છાઓ આપું છું. આપ પોતે સ્વસ્થ રહો, આપના પરિવારને સ્વસ્થ રાખો. આવનારા વર્ષ જાન્યુઆરીમાં નવા વિષયો પર મન કી બાત થશે...

ઘણી...ઘણી શુભેચ્છા....

 

SD/GP/BT


(Release ID: 1683958) Visitor Counter : 374