પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી 10 ડિસેમ્બર 2020ના રોજ નવા સંસદ ભવનની ઇમારતનો શિલાન્યાસ કરશે
Posted On:
08 DEC 2020 8:39PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10 ડિસેમ્બર 2020ના રોજ નવી દિલ્હીમાં સંસદ માર્ગ ખાતે નિર્માણ પામનારા નવા સંસદ ભવનની ઇમારતનો શિલાન્યાસ કરશે. નવી ઇમારત ‘આત્મનિર્ભર ભારત’ની દૂરંદેશીનો આંતરિક હિસ્સો છે જેના દ્વારા સ્વતંત્રતા પછી પહેલી વખત લોકોની સંસદનું નિર્માણ કરવાની સીમાચિહ્નરૂપ તક સાંપડશે, જે 2022માં સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠે ‘નવા ભારત’ની જરૂરિયાતો અને મહત્વાકાંક્ષાઓ સાથે બંધબેસતી ઇમારત હશે.
નવા સંસદ ભવનની ઇમારત અદ્યતન, પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ અને ઉર્જા કાર્યદક્ષ હશે. વર્તમાન સંસદ ભવનની બાજુમાં જ બની રહેલી ત્રિકોણાકાર ઇમારત અત્યંત સુવ્યવસ્થિત સુરક્ષા સુવિધાઓથી સજ્જ હશે. લોકસભાનું કદ વર્તમાન કદ કરતાં ત્રણ ગણું વધારે રહેશે અને રાજ્યસભાનું કદ પણ નોંધપાત્ર પ્રમાણમાં મોટું રહેશે. નવી ઇમારતનું ઇન્ટિરિયર ભારતીય સંસ્કૃતિ અને આપણી પ્રાદેશિક કળાઓ, કારીગરી, વસ્ત્રો અને સ્થાપત્યનું ભવ્ય સંમિશ્રણ રજૂ કરનારું હશે. ડિઝાઇન કરેલા પ્લાનમાં ધ્યાનાકર્ષક મધ્યસ્થ બંધારણીય ગેલેરી માટે જગ્યા પણ સામેલ છે જે સામાન્ય જનતા માટે પ્રવેશપાત્ર રહેશે.
નવા સંસદ ભવનની ઇમારતના બાંધકામમાં સંસાધન કાર્યદક્ષ હરિત ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, પર્યાવરણને અનુકૂળ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન અપાશે, રોજગારીની તકોનું સર્જન થશે અને આર્થિક પુનરુત્થાનમાં યોગદાન આપશે. તેમાં ઉચ્ચ ગુણવત્તાની ધ્વનિ સુવિધા અને દૃશ્ય-શ્રાવ્ય સુવિધાઓ, ઉન્નત અને અનુકૂળ બેઠક વ્યવસ્થા, કાર્યદક્ષ અને સમાવેશી તાત્કાલિક નિષ્કાસન જોગવાઇઓ હશે. આ ઇમારતમાં સર્વોચ્ચ સલામતી ધોરણોનું પાલન કરવામાં આવશે જેમાં સેસ્મિક ઝોન 5ની જરૂરિયાતો અનુસાર માપદંડો પણ સામેલ રહેશે અને જાળવણી તેમજ પરિચાલન સરળતાથી થાય તેવી ડિઝાઇન તૈયાર કરાશે.
આ કાર્યક્રમમાં લોકસભાના આદરણીય અધ્યક્ષ શ્રી ઓમ બિરલા, સંસદીય બાબતોના મંત્રી શ્રી પ્રહલાદ વેંકટેશ જોશી, આવાસ અને શહેરી બાબતોના રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી હરદીપ એસ. પૂરી, રાજ્યસભાના ઉપાધ્યક્ષ શ્રી હરિવંશ નારાયણ સિંહ તેમજ કેન્દ્રીય કેબિનેટ મંત્રીઓ, રાજ્યમંત્રીઓ, સંસદસભ્યો, સચિવો, રાજદ્વારીઓ/ઉચ્ચ આયુક્તો સહિત અંદાજે 200 મહાનુભવો ઉપસ્થિત રહેશે જેનું જીવંત વેબકાસ્ટ કરવામાં આવશે.
SD/GP/BT
(Release ID: 1679228)
Visitor Counter : 282
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam