પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ આગ્રામાં આગ્રા મેટ્રો પ્રોજેક્ટનાં નિર્માણ કાર્યનું ઉદ્ઘાટન કર્યું


દેશની માળખાગત સુવિધાઓને સુધારવા સમગ્ર વિશ્વમાંથી રોકાણને આકર્ષવા પ્રયાસો ચાલી રહ્યાં છેઃ પ્રધાનમંત્રી

સ્વદેશ દર્શન અને પ્રસાદ જેવી યોજનાઓ દ્વારા પ્રવાસીઓને આકર્ષવા પ્રયાસો ચાલી રહ્યાં છેઃ પ્રધાનમંત્રી

રેરાનો કાયદો બિલ્ડરો અને ઘર ખરીદતા ગ્રાહકો વચ્ચે અવિશ્વાસને દૂર કરવા માટે બનાવવામાં આવ્યો છેઃ પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરી મધ્યમ વર્ગના 12 લાખથી વધારે પરિવારોને ઘરો ખરીદવા માટે આશરે રૂ. 28000 કરોડની મદદ આપવામાં આવી છેઃ પ્રધાનમંત્રી

Posted On: 07 DEC 2020 1:15PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉત્તર પ્રદેશના આગ્રામાં આગ્રા મેટ્રો પ્રોજેક્ટનાં નિર્માણકાર્યનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મકાન અને શહેરી વિકાસ મંત્રી શ્રી હરદીપ સિંહ પુરી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ દેશના માળખાગત ક્ષેત્રની મુખ્ય સમસ્યાઓ પૈકીની એક સમસ્યા પર ધ્યાન દોર્યું હતું. તેમણે કહ્યું હતું કે નવા પ્રોજેક્ટ્સની જાહેરાતો થતી હતી, પણ નાણાં ક્યાંથી મળશે એના પર બહુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું નહોતું. તેમણે ઉમેર્યું હતું કે તેમની સરકાર નવા પ્રોજેક્ટની શરૂઆતમાં જ પર્યાપ્ત ફંડને સુનિશ્ચિત કરે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન પ્રોજેક્ટ અંતર્ગત રૂ. 100 લાખ કરોડથી વધારેનો ખર્ચ થશે. મલ્ટિ-મોડલ કનેક્ટિવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માસ્ટર પ્લાન પર પણ કામગીરી ચાલી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે દેશની માળખાગત સુવિધા સુધારવા દુનિયાભરમાંથી રોકાણને આકર્ષવા પ્રયાસો ચાલી રહ્યાં છે.

પ્રવાસનને દરેક માટે આવકનું માધ્યમ બને એવું ક્ષેત્ર ગણાવીને પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, સરકારે ઇ-વિઝા યોજના અંતર્ગત આવરી લેવાયેલા દેશની સંખ્યામાં વધારો કરવાની સાથે હોટેલ રૂમ પર કરવેરાના દરમાં પણ નોંધપાત્ર ઘટાડો કર્યો છે. સ્વદેશ દર્શન અને પ્રસાદ જેવી યોજનાઓ દ્વારા પ્રવાસીઓને આકર્ષવા પ્રયાસો ચાલી રહ્યાં છે. સરકારના પ્રયાસોના પરિણામે ભાર અત્યારે ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સમાં 34મુ સ્થાન ધરાવે છે. વર્ષ 2013માં ભારત આ ઇન્ડેક્સમાં 65મુ સ્થાન ધરાવતો હતો. તેમણે આશા વ્યક્ત કરી હતી કે કોરોના સાથે સંબંધિત સ્થિતિસંજોગોમાં સુધારો થવાની સાથે ટૂંક સમયમાં પ્રવાસન ક્ષેત્ર પુનઃ ધબકતું થઈ જશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે અત્યારે તબક્કાવાર નહીં પણ સંપૂર્ણ રીતે વિવિધ ક્ષેત્રોમાં સુધારા હાથ ધરવામાં આવ્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે શહેરોના વિકાસ માટે 4 સ્તરે કામગીરી ચાલી રહી છે – લાંબા ગાળાની સમસ્યાઓનું સમાધાન, જીવનની સરળતા, મહત્તમ રોકાણ, આધુનિક ટેકનોલોજીનો વધારે ઉપયોગ.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે બિલ્ડરો અને ઘર ખરીદનાર ગ્રાહકો વચ્ચે વિશ્વાસ નથી. તેમણે જણાવ્યું હતું કે કેટલાંક ખોટો ઇરાદા ધરાવતા લોકોએ સંપૂર્ણ રિયલ એસ્ટટ ક્ષેત્રમાં વિક્ષેપ ઊભો કર્યો છે, આપણા મધ્યમ વર્ગને અપસેટ કર્યો છે. તેમણે કહ્યું હતું કે રેરાનો કાયદો આ સમસ્યાનું સમાધાન કરવા માટે પ્રસ્તુત કરવામાં આવ્યો છે અને એનો અમલ થઈ રહ્યો છે. તેમણે આ કાયદાની સફળતા વિશે કહ્યું હતુ કે તાજેતરમાં કેટલાંક રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે, આ કાયદો બન્યા પછી મધ્યમ વર્ગે ઝડપથી પૂર્ણ થાય એવા ઘર ખરીદવાની શરૂઆત કરી છે. તેમણે કહ્યું હતું કે આધુનિક જાહેર પરિવહનથી લઈને મકાન સુધી સંપૂર્ણ વિકાસ શહેરોમાં જીવનને વધારે સરળ બનાવે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ઉદ્ઘાટન આગ્રામાં થયું હતું અને આ યોજના અંતર્ગત શહેરી ગરીબો માટે 1 કરોડથી વધારે મકાનોને મંજૂરી મળી છે. શહેરના મધ્યમ વર્ગ માટે પહેલી વાર ઘર ખરીદવા માટે મદદ આપવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે અત્યાર સુધી શહેરી મધ્યમ વર્ગના 12 લાખથી વધારે પરિવારોને ઘરો ખરીદવા માટે આશરે રૂ. 28000 કરોડની મદદ આપવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે પાણી, નહેર જેવી માળખાગત સુવિધાને અમૃત અભિયાન અંતર્ગત કેટલાંક શહેરોમાં સુધારવામાં આવી છે અને સ્થાનિક સંસ્થાઓને શહેરોમાં જાહેર શૌચાલયો બનાવવા અને કચરાના વ્યવસ્થાપનની આધુનિક વ્યવસ્થાનો અમલ કરવા મદદ પૂરી પાડવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે વર્ષ 2014 પછી 450 કિલોમીટરની લંબાઈ ધરાવતી મેટ્રો લાઇન કાર્યરત થઈ છે, જ્યારે અગાઉ ફક્ત 225 કિલોમીટરની મેટ્રો લાઇન કાર્યરત હતી. તેમણે એવી જાણકારી પણ આપી હતી કે 1000 કિલોમીટરની લંબાઈ ધરાવતી મેટ્રો લાઇન પર કામગીરી ઝડપથી ચાલી રહી છે. આ કામગીરી દેશના 27 શહેરોમાં ચાલુ છે.

આગ્રા મેટ્રો પ્રોજેક્ટમાં 2 કોરિડોર ધરાવે છે, જેની કુલ લંબાઈ 29.4 કિલોમીટર છે તથા રેલવે સ્ટેશનો અને બસ સ્ટેન્ડ સાથે તાજમહલ, આગ્રાનો કિલ્લો, સિકંદરા જેવા મુખ્ય પ્રવાસન સ્થળોને જોડે છે. આ પ્રોજેક્ટથી આગ્રા શહેરની 26 લાખની વસ્તીને લાભ થશે અને દર વર્ષે આગ્રાની મુલાકાત લેનાર 60 લાખથી વધારે પ્રવાસીઓને સેવા પૂરી પાડશે. આ આગ્રાના ઐતિહાસિક શહેરને પર્યાવરણને અનુકૂળ સામૂહિક ઝડપી પરિવહન વ્યવસ્થા પ્રદાન કરશે. પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 3,879.62 કરોડ થશે, જે 5 વર્ષમાં પૂર્ણ થશે.

ઉલ્લેખનીય છે કે અગાઉ 8 માર્ચ, 2019ના રોજ પ્રધાનમંત્રીએ 23 કિલોમીટરની લંબાઈ ધરાવતા સીસીએસ એરપોર્ટથથી મુંશીપુલિયા સુધીના નોર્થ-સાઉથ કોરિડોર પર લખનઉ મેટ્રોની વાણિજ્યિક કામગીરી શરૂ કરાવવાની સાથે આગ્રા મેટ્રો પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.

 

SD/GP/BT

 


(Release ID: 1678811) Visitor Counter : 299