આવાસ અને ગરીબી ઉન્મૂલન મંત્રાલય

શ્રી હરદીપ સિંહ પુરીએ 243 શહેરોમાં સફાઈ મિત્ર સુરક્ષા ચેલેન્જનું ઉદ્ઘાટન કર્યું


ગટરો અને સેપ્ટિક ટાંકીઓની જોખમકારક સાફસફાઈ નિવારવાની ચેલેન્જ

યાંત્રિક સફાઈ કામને પ્રોત્સાહન આપવામાં આવશે

મે, 2021માં શહેરોનું વાસ્તવિક મૂલ્યાંકન થશે અને સ્વતંત્રતા દિવસ પર પરિણામો જાહેર થશે

વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી થઈ

Posted On: 19 NOV 2020 3:58PM by PIB Ahmedabad

રાજ્ય કક્ષાના કેન્દ્રીય હાઉસિંગ અને શહેરી બાબતોના મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી હરદીપ સિંહ પુરીએ આજે જણાવ્યું હતું કે, ભારત સરકાર એ સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે કે જ્યાં સુધી જાહેર જનતાના સ્વાસ્થ્યના હિતમાં ટાળી ન શકાય એવી સ્થિતિ ઊભી ન થાય, ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિને ગટર કે સેપ્ટિક ટેંકમાં ઉતરવાની જરૂર નહીં રહે. નવી દિલ્હીમાં એક વેબિનારમાં સફાઈમિત્ર સુરક્ષા ચેલેન્જનું ઉદ્ઘાટન કરતાં તેમણે ઉમેર્યું હતું કે, આ સંદર્ભને અનુલક્ષીને અમે આજે સફાઈમિત્ર સુરક્ષા ચેલેન્જ શરૂ કરીને વધુ એક લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે, જેનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે, ગટર કે સેપ્ટિક ટાંકી સાફ કરનાર કોઈ પણ વ્યક્તિનું જીવન જોખમકારક સાફસફાઈની સમસ્યાના કારણે ગુમાવવું ન પડે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ આપણા આદરણીય પ્રધાનમંત્રીના વિઝનને સુસંગત છે. પ્રધાનમંત્રીએ સ્વચ્છ ભારત અભિયાન શહેરી (એસબીએમ-યુ)નાં હાર્દમાં સફાઈ કામદારોની સલામતી અને સન્માનને હંમેશા સ્થાન આપ્યું છે.

ચેલેન્જ ઉચિત રીતે વર્લ્ડ ટોઇલેટ ડે એટલે કે વિશ્વ શૌચાલય દિવસના પ્રસંગે પ્રસ્તુત કરવામાં આવી છે. એનો ઉદ્દેશ ગટરો અને સેપ્ટિક ટાંકીઓની જોખમકારક સાફસફાઈ નિવારવાનું તેમજ તેમના યાંત્રિક સાફસફાઈને પ્રોત્સાહન આપવાનું છે. આ વર્ચ્યુઅલ ઇવેન્ટમાં રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો, સ્ટેટ મિશન ડાયરેક્ટર્સ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ તથા શહેરી અધિકારીઓ સામેલ થયા હતા, જેમણે સંયુક્તપણે 30 એપ્રિલ, 2021 સુધી 243 શહેરોમાં તમામ ગટરો અને સેપ્ટિક ટાંકીઓની યાંત્રિક સાફસફાઈની કામગીરી કરવાની પ્રતિજ્ઞા લીધી હતી તેમજ તેમણે ગટરો કે સેપ્ટિક ટાંકીઓમાં જોખમકારક પ્રવેશને નિવારવા કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. વેબિનારમાં સામાજિક ન્યાય મંત્રાલય, પેયજલ અને સાફસફાઈ વિભાગ તથા ઉદ્યોગ અને આંતરિક વેપારના પ્રોત્સાહન વિભાગના સચિવો પણ ઉપસ્થિત હતા, જેમણે તેમના મંત્રાલયે આ પ્રકારની સાફસફાઈની કામગીરીને યાંત્રિક રીતે બનાવી એ વિશે જાણકારી આપી હતી.

આ પ્રસંગે શ્રી પુરીએ કહ્યું હતું કે, “માનવ સફાઈ કામદારો તરીકે રોજગારીનો પ્રતિબંધ અને તેમના પુનર્વસનનો ધારો (2013) અને આદરણીય સર્વોચ્ચ અદાલતતના વિવિધ ચુકાદાઓ જોખમકારક સાફસફાઈ પર પ્રતિબંધ મૂકે છે, એટલે કે ગટર કે સેપ્ટિક ટાંકીમાં સુરક્ષા માટેના સાધનોનો ઉપયોગ કર્યા વિના અને આ કામગીરી પર નજર રાખ્યા વિના માનવીય પ્રવેશ પર નિષેધ ફરમાવે છે. તેમ છતાં આ કામગીરીમાં માનવીય મૃત્યુની ઘટનાઓ વારંવાર ઘટે છે. ગટરો અને સેપ્ટિક ટાંકીઓમાં સફાઈ કામદારોના મૃત્યુના બનાવો બને છે. સામાન્ય રીતે આર્થિક રીતે નબળા અને સમાજના વંચિત સમુદાયના લોકો સફાઈ કામદારો તરીકે કામ કરે છે. હકીકતમાં આ સમસ્યા ચિંતાજનક બની રહી છે. શ્રી પુરીએ ધ્યાન દોર્યું હતું કે, ચેલેન્જની સફળતાનો આધાર રાજકીય પ્રતિનધિઓ, સનદી અધિકારીઓ અથવા મ્યુનિસિપલ સત્તામંડળોના આશય અને પ્રતિબદ્ધતાની સાથે દેશના નાગરિકોની કટિબદ્ધતા પર પણ છે. તેમણે ઉમેર્યુ હતું કે, નાગરિકોએ જેમ તેમના શહેરોની સ્વચ્છતાની જવાબદારી ઉઠાવી છે, તેમ આ પ્રયાસમાં તેમની ભાગીદારી સંપૂર્ણપણે મહત્ત્વપૂર્ણ બની ગઈ છે. તેમણે દરેકને સતર્ક અને જવાબદાર બનવા તથા સેનિટેશન કે સ્વચ્છતા કમાન્ડોનું જીવન બચાવવાની આ પહેલમાં સામેલ થવા અપીલ કરી હતી.

આ ચેલેન્જના પાસાંઓને સમજાવતા એમઓએચયુએના સચિવ શ્રી દુર્ગા શંકર મિશ્રાએ કહ્યું હતું કે, આ ચેલેન્જ યાંત્રિક સફાઈ અને કામદારોની ક્ષમતા ઊભી કરવા માટે માળખાગત સુવિધાઓના સર્જનની સાથે આ મહત્ત્વપૂર્ણ મુદ્દા પર નાગરિકોમાં જાગૃતિ લાવવા પર વિસ્તૃતપણે ધ્યાન કેન્દ્રિત કરશે. આની સાથે સાથે એક પ્રતિબદ્ધ હેલ્પલાઇન નંબર પણ ઊભો કરવામાં આવ્યો છે, જેના પર ફરિયાદ નોંધાવી શકાશે અને કાદવકીચડ દૂર કરવા કે ગટર ઊભરાઈ જવા પર રિયલ-ટાઇમ સોલ્યુશન પ્રદાન કરવામાં આવશે. આમાં સહભાગી થયેલા શહેરોનું વાસ્તવિક મૂલ્યાંકન મે, 2021માં સ્વતંત્ર સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવશે અને 15 ઓગસ્ટ, 2021ના રોજ પરિણામો જાહેર કરવામાં આવશે. શહેરોને ત્રણ પેટાકેટેગરીઓમાં એવોર્ડ એનાયત થશે – 10 લાખથી વધારે વસ્તી ધરાવતા, 3 લાખથી 10 લાખ સુધીની વસ્તી ધરાવતા અને 3 લાખ સુધીની વસ્તી ધરાવતા. કુલ ઇનામની રકમ રૂ. 52 કરોડ છે, જે તમામ કેટેગરીઓમાં વિજેતા શહેરોને આપવામાં આવશે.

ઇવેન્ટમાં એમઓએચયુએના સેન્ટ્રલ પબ્લિક હેલ્ધ એન્ડ એન્વાયર્મેન્ટલ એન્જિનીયરિંગ ઓર્ગેનાઇઝેશન (CPHEEO)એ તૈયાર કરેલી શ્રેણીબદ્ધ એડવાઇઝરી પ્રસ્તુત કરવામાં આવી હતી. એમાં ‘ગટર અને સેપ્ટિક ટેંકોની સાફસફાઈ પર સફાઈ કામદારો માટે તાલીમ મોડ્યુલ, ભારતમાં જળજન્ય સ્વચ્છતા માટે ઉપકરણ અને કામદારો માટેના નિયમો પર એક ડોક્યુમેન્ટ તથા મળના કીચવ પર જમીનની ઉપયોગિતા પર સલાહકારક દસ્તાવેજ સામેલ હતા. એમઓએચયુએએ ગટર અને સેપ્ટિક ટેંકોની જોખમકારક સાફસફાઈના વિષય પર નાગરિક કેન્દ્રિત વર્તણૂંક પરિવર્તન સંચાર અભિયાનના ભાગરૂપે શ્રેણીબદ્ધ પોસ્ટર પણ જાહેર કરવામાં આવ્યાં હતાં. આજે જાહેર થયેલા તમામ ડોક્યુમેન્ટ સ્વચ્છ ભારત અભિયાન – શહેરી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

ઇવેન્ટના બીજા ભાગમાં પેનલ ડિસ્કશન ફોર્મેટમાં ઓપન ફોરમ યોજાયું હતું, જેમાં ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, સુરત, હૈદરાબાદ અને લુધિયાણા જેવા કેટલાંક રાજ્યો અને શહેરોના પ્રતિનિધિઓએ ‘મેનહોલ ટૂ મશીન હોલ ટ્રાન્સફોર્મેશનના વિષય પર તેમના અનુભવો વહેંચ્યા હતા અને શ્રેષ્ઠ રીતો વિશે જાણકારી આપી હતી. પેનલિસ્ટોમાં નેશનલ સફાઇ કર્મચારીસ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSKFDC), દલિત ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (DICCI) અને દિલ્હી જલ બોર્ડ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન અફેર્સ (NIUA) અને ગટર/સેપ્ટિક ટેંક ઉપકરણ નિર્માતા કામ અવિદાના પ્રતિનિધિઓ સામેલ હતા, જેમણે ચેલેન્ડમાં એમઓએચયુએમાં પૂરક બનીને તેમના ઉત્પાદનો અને સેવાઓ વિશે જાણકારી આપી હતી.

એસબીયુ-એમ વર્ષ 2014માં શરૂ થઈ છે. પછી અત્યાર સુધી સાફસફાઈ અને ઘન કચરાના નિકાલ એમ બંને ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. 4337 શહેરી સ્થાનિક સંસ્થાઓ (યુએલબી)ઓને ઓપન ડિફેકેશન ફ્રી (ઓડીએફ) જાહેર કરવામાં આવી છે (પશ્ચિમ બંગાળની 35 યુએલબી સિવાય), 1319 શહેરોને ઓડીએફ+ અને 489 શહેરોને સર્ટિફાઇડ ઓડીએફ++ જાહેર કરવામાં આવ્યાં છે. ઉપરાંત 62 લાખ ઘરોમાં શૌચાલયો અને 5.9 લાખથી વધારે સામુદાયિક/જાહેર શૌચાલયોનું નિર્માણ થયું છે. વળી 2900થી વધારે શહેરોમાં 59,900થી વધારે શૌચાલયો ગૂગલ મેપ્સ પર લાઇવ થયા છે. ઘન કચરાના નિકાલના ક્ષેત્રમાં 97 ટકા વોર્ડ્સ 100 ટકા ડોર-ટૂ-ડોર કલેક્શન ધરાવે છે, ત્યારે કુલ પેદા થતા કચરામાંથી 67 ટકા કચરાનું પ્રોસેસિંગ થાય છે. કચરામુક્ત શહેરો માટે સ્ટાર રેટિંગની આચારસંહિતા હેઠળ કુલ છ શહેરોને 5 સ્ટાર, 86ને 3 સ્ટાર અને 64ને 1 સ્ટાર તરીકે પ્રમાણિત કરવામાં આવ્યાં છે.

 

SD/GP/BT(Release ID: 1674089) Visitor Counter : 315