પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ બેંગલુરુ ટેક સંમેલનનું ઉદ્ઘાટન કર્યું
માહિતીના યુગમાં, કોણ પહેલાં આગળ વધે છે એ મહત્વનું નથી પરંતુ કોણ શ્રેષ્ઠ રીતે આગળ વધે છે એ મહત્વનું છે: પ્રધાનમંત્રી
અત્યારે ભારતમાં નિર્માણ પામેલા પરંતુ દુનિયા માટે તૈનાત કરેલા ટેક ઉકેલો તૈયાર કરવાનો સમય છે: પ્રધાનમંત્રી
Posted On:
19 NOV 2020 12:16PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી બેંગલુરુમાં ટેક બેઠકનું ઉદ્ઘાટન કર્યું હતું. આ બેઠકનું આયોજન કર્ણાટક આવિષ્કાર અને ટેકનોલોજી સોસાયટી (KITS), કર્ણાટક સરકારના ઇન્ફોર્મેશન ટેકનોલોજી માટે દૂરંદેશી સમૂહ, બાયો ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ, ભારતમાં સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક્સ (STPI) અને MM એક્ટિવ સાયન્સ ટેક કમ્યુનિકેશનના સહયોગથી કર્ણાટક સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. આ વર્ષની બેઠકની થીમ 'નેક્સ્ટ ઇઝ નાઉ' એટલે ‘આવનારી પરિસ્થિતિ અત્યારે' રાખવામાં આવી છે. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને IT, કમ્યુનિકેશન તેમજ કાયદા અને ન્યાય મંત્રી શ્રી રવિશંકર પ્રસાદ અને કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી બી.એસ. યેદ્દીયુરપ્પા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા.
પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી હતી કે, આજે ડિજિટલ ઇન્ડિયાને માત્ર સરકારની કોઇ નિયમિત પહેલ તરીકે જોવામાં નથી આવતી પરંતુ આજે તે લોકોના જીવનની રીતભાત બની ગઇ છે જેમાં ખાસ કરીને ગરીબો, વંચિતો અને સરકારમાં રહેલા લોકો માટે તે જીવન જીવવાની શૈલી બની ગઇ છે.
આ ટેક બેઠકમાં સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ડિજિટલ ઇન્ડિયાના કારણે આપણો દેશ વિકાસ માટે વધુ માનવ કેન્દ્રી અભિગમનો સાક્ષી બન્યો છે. તેમણે કહ્યું હતું કે આટલા મોટાપાયે ટેકનોલોજીનો ઉપયોગ થવાને કારણે નાગરિકો માટે ઘણા પરિવર્તનો લાવવાનું શક્ય બન્યું છે અને તેનાથી માત્ર ડિજિટલ અને ટેક ઉકેલો માટે બજાર જ ઉભું થયું છે એવું નથી પરંતુ, તેને તમામ યોજનાઓનો મુખ્ય હિસ્સો બનાવવાનું પણ શક્ય બન્યું છે. તેમણે ઉમેર્યું હતું કે તેમનું સુશાસન મોડેલ 'સૌથી પહેલા ટેકનોલોજી' છે અને ટેકનોલોજી દ્વારા માણસના ગૌરવમાં વધારો થયો છે જેમકે કરોડો ખેડૂતોને માત્ર એક ક્લિક પર નાણાકીય સહકાર મળે છે અને વિશ્વની સૌથી મોટી આરોગ્ય સંભાળ યોજના આયુષમાન ભારતનું સફળતાપૂર્વક પરિચાલન શક્ય બન્યું છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે ટેકનોલોજીએ લૉકડાઉન તેના પૂર્ણ સ્તરે લાગું કરવામાં આવ્યું હતું તેવા સંજોગોમાં પણ ભારતના ગરીબ લોકોને યોગ્ય અને ઝડપી સહાય મળે તેવું સુનિશ્ચિત કર્યું છે. તેમણે કહ્યું હતું કે સામાન્ય રીતે આટલી રાહત બહુ ઓછા લોકો આપી શકે છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારે સેવાઓની વધુ સારી ડિલિવરી અને કાર્યદક્ષતા માટે ડેટા એનાલિટિક્સની તાકાતનો ઉપયોગ કર્યો છે. તેમણે ટાંક્યું હતું કે અમારી યોજનાઓ ફાઇલોના ઢગલાઓમાંથી આગળ વધીને અમલમાં આવી અને આટલી ઝડપથી તેમજ આટલા મોટાપાયે લોકોના જીવનમાં પરિવર્તન લાવી શકી તેની પાછળ ટેકનોલોજી એક મુખ્ય કારણ છે. તેમણે જણાવ્યું હતું કે, ટેકનોલોજીના કારણે અમે તમામ લોકોને વીજ પૂરવઠો પૂરો પાડી શક્યા છીએ, ટોલ બૂથ પરથી ઝડપથી પસાર થવાનું શક્ય બનાવી શક્યા છીએ, તે અમને ખૂબ જ ટુંકા સમયમાં વિશાળ જનસમુદાયનું રસીકરણ કરવાનો આત્મવિશ્વાસ આપે છે.
આ મહામારીના સમયમાં ટેકનોલોજીએ જે પ્રકારે સ્થિતિસ્થાપકતા દર્શાવી તેની પ્રધાનમંત્રીએ પ્રશંસા કરી હતી. તેમણે એ બાબતે પ્રકાશ પાડ્યો હતો કે છેલ્લા એક દાયકામાં જેટલા પ્રમાણમાં ટેકનોલોજીને અપનાવવામાં આવી નોહતી તેના કરતાં વધારે પ્રમાણમાં માત્ર થોડા મહિનાઓમાં જ તે અપનાવવામાં આવી છે. વર્ક ફોર્મ એનીવેર એટલે કે ગમે ત્યાંથી કામ કરવાની પ્રણાલી હવે સામાન્ય બની ગઇ છે અને હવે તે ટકી રહેશે. તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ, આરોગ્ય અને શોપિંગ વગેરે ક્ષેત્રોમાં આવનારા સમયમાં ટેકનોલોજીને ખૂબ જ મોટાપાયે અપનાવાઇ હોવાનું જોવા મળશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ઔદ્યોગિક યુગમાં પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ હવે ભૂતકાળ બની ગઇ છે અને હવે આપણે માહિતીના યુગની મધ્યે છીએ. તેમણે જણાવ્યું હતું કે, ઔદ્યોગિક યુગમાં પરિવર્તન સુરેખ હતું પરંતુ માહિતીના યુગમાં પરિવર્તન વિક્ષેપક છે. તેમણે એ બાબતે ભાર મૂક્યો હતો કે, ઔદ્યોગિક યુગથી વિપરિત, માહિતીના યુગમાં, કોણ પહેલાં આગળ વધે છે એ મહત્વનું નથી પરંતુ કોણ શ્રેષ્ઠ રીતે આગળ વધે છે એ મહત્વનું છે. તેમણે જણાવ્યું હતું કે, કોઇપણ વ્યક્તિ કોઇપણ સમયે એવા ઉત્પાદનોનું નિર્માણ કરી શકે છે જે બજારમાં હાલમાં અસ્તિત્વમાં રહેલાં તમામ સમીકરણો વેરવિખેર કરી શકે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે માહિતીના યુગમાં ભારત આગેકૂચ કરવા માટે અનન્ય સ્થિતિમાં છે. તેમણે કહ્યું હતું કે ભારત પાસે શ્રેષ્ઠ બૌદ્ધિકો છે અને સાથે સાથે સૌથી મોટું બજાર પણ ઉપલબ્ધ છે. તેમણે ટાંક્યું હતું કે આપણા સ્થાનિક ટેક ઉકેલોમાં વૈશ્વિક સ્તરે આગળ વધવાનું સામર્થ્ય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે અત્યારે, ભારત માટે ડિઝાઇન કરેલા પરંતુ દુનિયા માટે તૈનાત કરેલા ટેક ઉકેલો તૈયાર કરવાનો સમય છે. તેમણે કહ્યું હતું કે, સરકારના નીતિગત નિર્ણયો હંમેશા ટેકનોલોજી અને આવિષ્કાર ઉદ્યોગ પ્રત્યે ઉદારીકરણ દાખવનારા હોય છે જેમ કે, તાજેતરમાં જ IT ઉદ્યોગ પર કાયદાકીય અનુપાલનના ભારણને હળવું કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર હંમેશા ટેક ઉદ્યોગમાં સંકળાયેલા હિતધારકો સાથે જોડાયેલા રહેવા માટે અને ભારત માટે ભવિષ્ય-લક્ષી નીતિગત માળખું તૈયાર કરવા માટે પ્રયત્નશીલ છે.
પ્રધાનમંત્રીએ એ બાબત પર ભાર મૂક્યો હતો કે માળખાકીય સ્તરની માનસિકતા બહુવિધ સફળ ઉત્પાદનોની ઇકો-સિસ્ટમનું નિર્માણ કરવાનું સામર્થ્ય ધરાવે છે. તેમણે માળખાકીય સ્તરની માનસિકતા ધરાવતી વિવિધ પહેલ જેમ કે, UPI, રાષ્ટ્રીય ડિજિટલ આરોગ્ય મિશન, સ્વામિત્વ યોજના વગેરેનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ટેકનોલોજી સંરક્ષણ ક્ષેત્રના વિકાસ માટે ગતિ નક્કી કરી રહી છે. તેમણે ટેકનોલોજીના વધુને વધુ ઉપયોગ દ્વારા ડેટા સુરક્ષા અને સાઇબર સુરક્ષાની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે સૂચન કર્યું હતું કે ડિજિટલ ઉત્પાદનોને સાઇબર હુમલા અને વાઇરસ સામે રક્ષણ આપવા માટે કાર્યદક્ષ રીતે નિવારાત્મક પગલાં લેવાના દિશામાં યુવાનો મજબૂત સાઇબર સુરક્ષા ઉકેલો તૈયાર કરવામાં ખૂબ જ મોટી ભૂમિકા નિભાવી શકે છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વિજ્ઞાનના વિવિધ ક્ષેત્રો જેમ કે જૈવ-વિજ્ઞાન, એન્જિનિયરિંગ વગેરેમાં આવિષ્કાર માટેના અવકાશ અને જરૂરિયાત વર્તમાન સમયમાં સાંદર્ભિક છે. તેમણે કહ્યું હતું કે આવિષ્કાર એ પ્રગતિની ચાવી છે અને જ્યારે આવિષ્કારની વાત આવે ત્યારે આપણાં યુવાનોના કૌશલ્ય અને આવિષ્કાર કરવા માટે તેમનામાં રહેલા ઉત્સાહના કારણે, ભારત પાસે તેનો સ્પષ્ટ લાભ છે. તેમણે ઉમેર્યું હતું કે આપણા યુવાનોનું સામર્થ્ય અને ટેકનોલોજીની સંભાવનાઓ અનંત છે. આ સમયે, આપણે આપણાં તરફથી શ્રેષ્ઠ પ્રદાન કરવું જોઇએ અને તેનો મહત્તમ લાભ ઉઠાવવો જોઇએ. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આપણું IT ક્ષેત્ર આપણાં માટે ગૌરવપૂર્ણ શિખરો સર કરતું રહેશે.
SD/GP/BT
(Release ID: 1673985)
Visitor Counter : 272
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam