પ્રધાનમંત્રીનું કાર્યાલય

જેસલમેરમાં લોન્ગેવાલા ખાતે ભારતીય સશસ્ત્ર દળોના જવાનો સાથે દિવાળીની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 14 NOV 2020 4:14PM by PIB Ahmedabad

ભારત માતાની સેવા અને સુરક્ષા માટે ચોવીસે કલાક ખડે પગે રહેનારા આપ સૌ વીરોને ફરી એક વાર મારા તરફથી અને 130 કરોડ દેશવાસીઓ તરફથી દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવુ છું. દેશની સરહદ પર હોય, આકાશમાં કે સમુદ્ર વિસ્તારમાં હોય, બર્ફીલાં શિખરો પર હોય કે ગીચ જંગલોમાં હોય, રાષ્ટ્ર સુરક્ષામાં જોડાયેલા વીર દિકરા- દિકરીઓને, આપણી સેનાઓ, બીએસએફ, આઈટીબીપી, સીઆઈએસએફ, દરેક સુરક્ષા દળ, આપણાં પોલીસ  જવાનો, તમામને હું આજે દિવાળીના આ પવિત્ર પર્વ પ્રસંગે આદરપૂર્વક નમન કરૂં છું.

તમે છો તો દેશ છે, દેશના લોકોની ખુશીઓ છે. દેશના આ તહેવારો છે અને આજે હું તમારી વચ્ચે દરેક ભારતવાસીની શુભેચ્છાઓ લઈને આવ્યો છું. તમારા માટે દેશવાસીઓનો કોટી-કોટી પ્રેમ લઈને આવ્યો છું. હું તમારા માટે દરેક વરિષ્ઠ નાગરિકોના આશીર્વાદ લઈને આવ્યો છું. આજે એ વીર માતાઓ, બહેનો અને બાળકોને દિવાળીની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું, તેમના ત્યાગને નમન કરૂં છું, કે જેમણે પોતાના દિકરા હોય કે દિકરીઓ હોય કે જે આજે તહેવારના દિવસે સરહદ પર તહેનાત છે. આ તમામ લોકો પણ અભિનંદનના અધિકારી છે. ફરી એક વખત બંને મૂઠ્ઠી બંધ કરીને મારી સાથે બોલો ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય.

સાથીઓ મને યાદ છે કે પ્રધાનમંત્રી બન્યા પછી પ્રથમ વખત વર્ષ 2014માં દિવાળીના પ્રસંગે જવાનોની સાથે દિવાળી મનાવવા માટે હું સિયાચીન ગયો હતો. ત્યારે ઘણાં લોકોને થોડુંક અચરજ થયું હતું. તહેવારના દિવસો છે અને આ પ્રધાનમંત્રી શું કરી રહ્યા છે, પરંતુ હવે આપ પણ મારી લાગણી જાણો છે. જો દિવાળીના પર્વ પર પોતાના લોકોની વચ્ચે જાઉં છું તો પોતાનાથી દૂર ક્યાં રહું છું, અને એટલા માટે આજે પણ દિવાળીના પ્રસંગે તમારા લોકોની વચ્ચે આવ્યો છું, પોતાના લોકોની વચ્ચે આવ્યો છું. તમે ભલે, બર્ફીલી પહાડીઓ પર રહો અથવા રણમાં રહો. મારી દિવાળી તો તમારી વચ્ચે આવીને જ પૂરી થાય છે. તમારા ચહેરાઓ ઉપરની રોનક જોઉં છું, તમારા ચહેરા પર ખુશી જોઉં છું તો મને પણ અનેકગણી ખુશી થાય છે. મારો આનંદ વધી જાય છે. આ આનંદ માટે દેશવાસીઓના ઉલ્લાસને તમારા સુધી પહોંચાડવા માટે આજે ફરી એક વખત હું આ રણ પ્રદેશમાં તમારી વચ્ચે આવ્યો છું અને એક વાત, તમારા માટે તહેવારનો દિવસ હોવાથી થોડીક મિઠાઈ પણ લઈને આવ્યો છું, પરંતુ આ માત્ર દેશનો પ્રધાનમંત્રી મિઠાઈ લઈને આવ્યો નથી. આ માત્ર મારી જ નહીં, પણ તમામ દેશવાસીઓનો પ્રેમ અને પોતાપણાંના સ્વાદને પણ સાથે લઈને આવ્યો છું. આ મિઠાઈમાં તમે દેશની દરેક માતાના હાથની મિઠાશનો અનુભવ કરી શકો છો. આ મિઠાઈમાં તમે દરેક ભાઈ, બહેન અને પિતાના આશીર્વાદનો અનુભવ કરી શકો છો અને એટલા માટે જ હું તમારી વચ્ચે એકલો નથી આવતો, હું પોતાની સાથે દેશનો તમારા પ્રત્યેનો પ્રેમ, તમારા પ્રત્યેનો સ્નેહ અને તમારા માટે આશીર્વાદ પણ સાથે લઈને આવ્યો છું.

સાથીઓ,

આજે અહીંયા લોન્ગેવાલાની આ પોસ્ટ પર હું છું તો સમગ્ર દેશની નજર તમારી ઉપર છે. મા ભારતીના લાડલા, મારી આ દિકરીઓ, મારા દેશને ગૌરવ આપનારી આ બેટીઓ, જે મારી સામે બેઠી છે તેમની પર દેશની નજર છે. મને લાગે છે કે દેશની સરહદ પર જો કોઈ એક પોસ્ટનું નામ,  દેશના લોકોને જે નામ યાદ હશે, અનેક પેઢીઓને યાદ હશે તો એ પોસ્ટનું નામ લોન્ગેવાલાપોસ્ટ છે. તે દરેકના મોંઢે છે, એક એવી પોસ્ટ કે જ્યાં ગરમીમાં તાપમાન 50 ડીગ્રી સુધી પહોંચી જાય છે અને ઠંડીમાં શૂન્યથી પણ નીચે જાય છે અને મે- જૂનમાં તો અહીંયા જે પ્રકારે ધૂળ ઉડે છે તેમાં એક બીજાના ચહેરા પણ જોઈ શકાતા નથી. આ પોસ્ટ પર તમારા સાથીઓએ શોર્યની એક એવી ગાથા લખી છે કે જે આજે પણ દરેક ભારતીયના દિલમાં જોશ ભરી દે છે. લોન્ગેવાલાનું નામ લેતાં જ હૃદયના ઊંડાણમાંથી મન મંદિરમાં એવુ પ્રગટ થાય છે કે જો બોલે સો નિહાલ, સત શ્રી અકાલ’. આ જયકારો કાનમાં ગૂંજવા લાગે છે.

સાથીઓ, જ્યારે પણ સૈન્યની કુશળતાના ઈતિહાસ બાબતે લખવા વાંચવામાં આવશે ત્યારે સૈન્યના પરાક્રમની પણ ચર્ચા થશે અને ત્યારે બેટલ ઓફ લોન્ગેવાલાને જરૂર યાદ કરવામાં આવશે. એક એવો સમય હતો કે જ્યારે પાકિસ્તાનની સેના બાંગ્લાદેશના નિર્દોષ નાગરિકો પર અત્યાચાર કરી રહી હતી, જુલ્મ કરી રહી હતી, નર સંહાર કરી રહી હતી, બહેનો દિકરીઓ ઉપર અમાનવીય જુલ્મ થઈ રહયો હતો. આ જુલ્મ પાકિસ્તાનની સેનાના લોકો કરી રહ્યા હતા. દુનિયા સામે પાકિસ્તાનનું ભયંકર રૂપ પ્રગટ થઈ રહ્યું હતું. આ બધાથી દુનિયાનું ધ્યાન હટાવવા માટે પાકિસ્તાને આપણાં દેશની પશ્ચિમી સીમાઓ પર મોરચો ખોલી દીધો હતો. પાકિસ્તાનને લાગતુ હતુ કે ભારતની પશ્ચિમી સીમા પર મોરચો ખોલી દઈશું, દુનિયામાં ભારતે આવુ કરી દીધુ, તેવુ કરી દીધુ કહીને રોતા રહીશુ અને બાંગલા દેશનાં તમામ પાપ તેની પાછળ છુપાતાં રહેશે. પણ, આપણાં સૈનિકોએ એવો જડબાતોડ જવાબ આપ્યો છે તેમની હાલત ખરાબ થઈ ગઈ.

સાથીઓ, અહીંયા આ પોસ્ટ પર દર્શાવવામાં આવેલાં પરાક્રમોની ગુંજ, એ ગુંજે દુશ્મનોનો ઉત્સાહ ભાંગી નાખ્યો હતો. તેમને ક્યાં ખબર હતી કે અહીંયા તેમનો સામનો ભારત માતાના શક્તિશાળી દિકરા- દિકરીઓ સાથે થવાનો છે. મેજર કુલદીપ સિંહ ચાંદપુરીના નેતૃત્વમાં ભારતીય વીરોએ ટેન્કો સાથે સજ્જ થઈને દુશ્મનના સૈનિકોને ધૂળ ચટાડી દીધી હતી. તેમના મનસુબા તોડી નાંખ્યા હતા. ક્યારેક-ક્યારેક તો મને લાગે છે કે માતા- પિતાએ તેમનું નામ ભલે કુલદીપ રાખ્યું હોય, તેમને લાગ્યું હશે કે તે કુળનો દીપક છે, પરંતુ કુલદીપજીએ તો પોતાના પરાક્રમ દ્વારા એ નામ એવું સાર્થક કર્યું કે, એવું સાર્થક કર્યું કે તે માત્ર કુલદીપ નહીં, તે રાષ્ટ્રદ્વીપ બની ગયા.

સાથીઓ, લોન્ગેવાલાનું આ ઐતિહાસિક યુધ્ધ ભારતીય સૈન્ય દળના શૌર્યનું પ્રતિક તો છે જ, થલ સેના, બીએસએફ અને વાયુ સેનાના સંકલનનું પ્રતિક છે. આ લડાઈએ બતાવી આપ્યુ કે ભારતની સંગઠીત સૈન્ય શક્તિ સામે ભલે કોઈપણ આવે, તે કોઈપણ સ્વરૂપે ટકી શકશે નહીં. હવે વર્ષ 1971માં થયેલા યુધ્ધમાં લોન્ગેવાલામાં થયેલી લડાઈને 50 વર્ષ પૂરાં થવાના છે. થોડાક જ સપ્તાહમાં આપણે તેના 50 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે ગૌરવપૂર્ણ સ્વર્ણિમ પ્રકરણ મનાવવાના છીએ. અને એટલા માટે આજે મારૂં મન અહીં આવવાની ઈચ્છા રાખતું હતું. તો સમગ્ર દેશ પોતાના એ વીરોની વિજય ગાથા સાંભળીને ગૌરવવંતુ બનશે. તેમના ઉત્સાહમાં બુલંદી આવશે. નવી પેઢીઓ અને આવનારી પેઢીઓ આ પરાક્રમમાંથી પ્રેરણા લેવાનો અવસર તેમના જીવનનો એક મહત્વ પૂર્ણ પ્રસંગ બનશે. આવા જ વીર સપૂતો માટે રાજસ્થાનની ભૂમિના જ એક કવિ નારાયણ સિંહ ભાટીએ લખ્યું છે અને આ ગીત બોલચાલની ભાષામાં લખ્યું છેઃ તેમણે લખ્યું છે કે તેમના જેવા ઘર, તેમનુ જેવું ગગન, તેમના જેવો સહ-ઈતિહાસ, તેમના જેવી સહ-પેઢીઓ પ્રાચી ત્રણે પ્રકાશ !!! આનો અર્થ થાય છે કે આપણાં વીર સપૂતોના બલિદાન પર આ ધરતી ગર્વ કરે છે, આસમાન ગર્વ કરે છે અને સંપૂર્ણ ઈતિહાસ ગર્વ કરે છે. જ્યારે જ્યારે સૂર્યનો પ્રકાશ આ ધરતી પર અંધકાર દૂર કરવા માટે અવિરત થાય ત્યારે આવનારી પેઢીઓ આ બલિદાન પર ગર્વ કરતી રહેશે.

સાથીઓ, હિમાલયની ઉંચાઈ હોય, રણના ધૂળના ઢગલા હોય, ગીચ જંગલો હોય કે પછી સમુદ્રનું ઊંડાણ હોય. દરેક પડકાર સામે, હંમેશા તમારી વીરતા સામે દરેક પડકાર ભારે પડ્યો છે. તમારામાંથી અનેક સાથી આજે અહીં રણમાં ખડેપગે ઉભા છે તો તમને હિમાલયની ઉંચાઈનો પણ અનુભવ છે. સ્થિતિ પરિસ્થિતિ કોઈ પણ હોય, તમારૂં પરાક્રમ, તમારૂં શૌર્યની તુલના થઈ શકે તેમ નથી. એની એ અસર થાય છે કે આજે દુશ્મનને પણ ખાત્રી થઈ ગઈ છે કે ભારતના બહાદુરનોની કોઈ બરાબરી કરી શકે તેમ નથી. તમારા આ શૌર્યને નમન કરતાં કરતાં આજે હું અને ભારતના 130 કરોડ દેશવાસી તમારી સાથે અડગ ઉભા રહ્યા છે. આજે દરેક ભારતવાસીને પોતાના સૈન્યની તાકાત અને શૌર્યનું ગૌરવ છે. તમારી અજયતા ઉપર, તમારી અપરાજેયતા ઉપર ગર્વ છે. દુનિયાની કોઈપણ તાકાત આપણાં વીર જવાનોને દેશની સીમા- સુરક્ષા કરતાં રોકી શકશે નહીં, ટોકી પણ શકશે નહીં.

સાથીઓ, દુનિયાના ઈતિહાસે આપણને બતાવ્યું છે કે માત્ર એ જ રાષ્ટ્ર, સુરક્ષિત રહે છે, એ જ રાષ્ટ્ર આગળ ધપે છે, જેમની અંદર દુશ્મનોનો મુકાબલો કરવાની ક્ષમતા છે. જો આજનું દ્રશ્ય જોઈએ તો ભલે આંતરરાષ્ટ્રીય સહયોગ ગમે તેટલો આગળ ધપ્યો હોય, સમીકરણ ગમે તેટલાં બદલાઈ ગયા ના હોય, પરંતુ આપણે ક્યારેય પણ ભૂલી શકતા નથી કે સતર્કતા જ સુરક્ષાનો માર્ગ છે. સતર્કતા જ સુખ ચૈનનો માર્ગ છે. સામર્થ્ય જ વિજયનો વિશ્વાસ છે. સક્ષમતાથી શાંતિ પ્રાપ્ત થાય છે. ભારત આજે સુરક્ષિત છે, કારણ કે ભારત પાસે પોતાની સુરક્ષા કરવાની શક્તિ છે. ભારત પાસે તમારા જેવા વીર દિકરા- દિકરીઓ છે.

સાથીઓ, જ્યારે પણ જરૂર પડે છે ત્યારે ભારતે દુનિયાને બતાવી આપ્યું છે કે તેની પાસે તાકાત પણ છે અને સાચો જવાબ આપવાની રાજકીય ઈચ્છાશક્તિ પણ છે. આપણાં સૈન્યની તાકાત તેણે આપણી વાટાઘાટોની શક્તિમાં અનેકગણો વધારો કરી દીધો છે. તેમના પરાક્રમથી જ આ વધારો થયો છે. તેમની સંકલ્પ શક્તિથી જ આ વધારો થયો છે. આજે ભારત આતંકીઓને, આતંકના આકાઓને, ઘરમાં ઘૂસીને મારે છે. આજે દુનિયા પણ જાણી ગઈ છે કે, સમજી ગઈ છે કે આ દેશ પોતાના હિત સાથે કોઈ પણ કિંમત પર સહેજ પણ સમાધાન કરશે નહીં. ભારતનો આ મિજાજ છે, આ કદ, તમારી શક્તિ અને તમારા પરાક્રમને કારણે જ છે. તમે જ દેશને સુરક્ષિત રાખ્યો છે. એટલા માટે આજે ભારત વૈશ્વિક મંચ ઉપર મજબૂતીથી પોતાની વાત મૂકી શકે છે.

સાથીઓ, સમગ્ર વિશ્વ આજે વિસ્તારવાદી તાકાતથી પરેશાન છે. એક રીતે કહીએ તો વિસ્તારવાદ એક માનસિક વિકૃતિ છે અને તે 18મી સદીની વિચારધારા બતાવે છે. આવી વિચારધારા સામે ભારતનો અવાજ બુલંદ બની રહ્યો છે.

સાથીઓ, આજે ભારતે ખૂબ ઝડપ સાથે પોતાના સંરક્ષણ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવા તરફ ખૂબ ઝડપથી કદમ ઉઠાવ્યા છે, આગળ ધપી રહ્યો છે. હજુ હમણાં જ આપણી સેનાઓએ નિર્ણય કર્યો છે કે તે 100 થી વધુ અલગ અલગ પ્રકારની જે જરૂરિયાતો છે- ખાસ કરીને હથિયાર અને શસ્ત્ર સરંજામ, તે હવે વિદેશમાંથી નહીં લેવામાં આવે. ભારતમાં જ ઉત્પાદન થયેલી ચીજો જ લેવામાં આવશે. આ ઉત્પાદનો અને તેના માટે જે આવશ્યક હોય તે કામ કરતાં રહીશું. આ નિર્ણય નાનો નથી. તેના માટે છાતીમાં ખૂબ મોટી તાકાત જોઈએ છે. પોતાના જવાનો પર વિશ્વાસ મૂકવો પડે છે. હું આજે આ પ્રસંગે વધુ એક ત્યાગ અને તપસ્યાની આ મહત્વપૂર્ણ ભૂમિ પરથી આપણી સેનાઓને તેમના આ મહત્વપૂર્ણ નિર્ણય માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ નિર્ણય નાનો નથી. હું જાણું છું કે નિર્ણય સેનાએ પોતે લીધો છે. આત્મનિર્ભર ભારતનો એક ખૂબ મોટો ઉત્સાહ વધારનારો નિર્ણય લીધો છે, પરંતુ સેનાના આ નિર્ણયથી દેશવાસીઓમાં પણ, 130 કરોડ દેશવાસીઓ સુધી એક સંદેશો પહોંચ્યો છે. ખૂબ દૂર સુધી કેવો સંદેશો ગયો, લોકલ માટે વોકલ થવાનો સંદેશો, સેનાના એક નિર્ણયથી 130 કરોડ દેશવાસીઓને લોકલ માટે વોકલ થવાની પ્રેરણા મળી છે. હું આજે દેશના નવયુવાનોને, દેશની સેનાઓને, સુરક્ષાદળોને, પેરામેડિકલ દળોને એક પછી એક આ પ્રકારના નિર્ણયોથી અનુકૂળ ભારતમાં પણ મારા દેશના યુવાનો, એવી એવી ચીજોનું ઉત્પાદન કરશે, એવી એવી ચીજો બનાવીને લઈ આવશે કે જેનાથી આપણી સેનાના જવાનોની, આપણાં સુરક્ષા દળોના જવાનોની તાકાતમાં વધારો થશે. તાજેતરમાં અનેક સ્ટાર્ટઅપ્સ સેનાની જરૂરિયાતો પૂરી કરવા માટે આગળ આવ્યા છે. સંરક્ષણ ક્ષેત્રમાં નવા સ્ટાર્ટઅપ્સ દેશને આત્મનિર્ભરતાની બાબતે વધુ ઝડપથી આગળ લઈ જશે.

સાથીઓ, સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારત, દેશના વધતા જતા સામર્થ્યનું લક્ષ્ય છે- સરહદ પર શાંતિ. આજે ભારતની રણનીતિ સ્પષ્ટ છે. ભારતની રણનીતિ સ્પષ્ટ છે. આજનું ભારત સમજવાની અને સમજાવવાની નીતિ ઉપર વિશ્વાસ મૂકે છે. સમજવાની પણ અને સમજાવવાની પણ, પરંતુ જો આપણને અજમાવવાની કોશિષ કરવામાં આવશે તો જવાબ પણ એટલો જ મજબૂત મળવાનો છે.

સાથીઓ, દેશની અખંડતા, દેશવાસીઓની એકતા પર આધાર રાખતી હોય છે. શાંતિ, એકતા, સદ્દભાવના, દેશની અંદર દેશની અખંડતાને ઉર્જા પૂરી પાડે છે. સરહદોની સુરક્ષા, સુરક્ષા દળોની શક્તિ સાથે જોડાયેલી છે. સરહદો પર આપણા બહાદુર જવાનોનો ઉત્સાહ બુલંદ રહે, તેમનું મનોબળ આકાશથી પણ ઉંચુ રહે. એટલા માટે તેમની દરેક આવશ્યકતા, દરેક જરૂરિયાત, આજે દેશની સર્વોચ્ચ પ્રાથમિકતાઓમાંની એક છે. તેમના પરિવારની સંભાળ એ દેશની જવાબદારી છે. વિતેલા સમયમાં સૈનિકોના સંતાનોને શિક્ષણ અને રોજગાર બાબતે પણ અનેક નિર્ણયો કરવામાં આવ્યા છે. ગયા વર્ષે જ્યાર મેં બીજી વખત શપથ લીધા ત્યારે શહિદોના બાળકોના શિક્ષણ સાથે જોડાયેલો પ્રથમ નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિર્ણય હેઠળ રાષ્ટ્રીય સુરક્ષા ફંડ હેઠળ મળનારી સ્કોલરશીપ વધારવામાં આવ્યો છે.

સાથીઓ, સુવિધાની સાથે-સાથે વીરોના સન્માન માટે દેશમાં અભૂતપૂર્વ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. નેશનલ વૉર મેમોરિયલ, રાષ્ટ્રીય સમર્થ સ્મારક અથવા તો નેશનલ પોલીસ  મેમોરિયલ હોય, આ બંને સ્મારક દેશના શૌર્યના સર્વોચ્ચ પ્રતિક બનીને દેશવાસીઓને, આપણી નવી પેઢીઓને પ્રેરણા આપી રહ્યા છે.

સાથીઓ, મુશ્કેલ પડકારોની વચ્ચે તમારો વ્યવહાર, તમારૂં ટીમ વર્ક દેશને દરેક મોરચા પણ એવા જ ઉત્સાહ સાથે લડવાની શીખ આપે છે. આજે દેશ આવી જ ભાવનાથી કોરોના જેવી મહામારી સામે જંગ લડી રહ્યો છે. દેશના હજારો ડોક્ટર્સ, નર્સો, હેલ્પર્સ અને સપોર્ટ સ્ટાફ દિવસ રાત અટક્યા વગર, થાક્યા વગર કામ કરી રહ્યા છે. દેશવાસી પણ આ લડાઈ ફ્રન્ટલાઈન વૉરિયર્સની જેમ જ લડી રહ્યા છે. આટલા મહિનાઓથી આપણાં દેશવાસી પૂરી શિસ્તનું પાલન કરી રહ્યા છે. માસ્ક જેવી સાવધાનીઓનું પાલન કરી રહ્યા છે અને પોતાના તથા પોતાના સ્વજનોના જીવનનું રક્ષણ કરી રહ્યા છે, પરંતુ આપણને એ પણ ખાત્રી છે કે આપણને જો માસ્ક પહેરવામાં આટલી તકલીફ પડે છે તો તમારા માટે આ સુરક્ષા જેકેટ, ન જાણે તમારા શરીર પર કેટલી ચીજો તમારે લાદવી પડે છે. આટલું બધું પહેરવું તે કઠીન બની રહે છે. તમારા આ ત્યાગમાંથી દેશ શિસ્ત શીખી રહ્યો છે અને સેવા ધર્મનું પાલન પણ કરી રહ્યો છે.

સાથીઓ, સરહદ પર રહીને તમે જે ત્યાગ આપી રહ્યા છો, તપસ્યા કરી રહ્યા છો તેનાથી દેશમાં વિશ્વાસનું એક વાતાવરણ પેદા થયું છે. દરેક ભારતવાસીમાં આત્મવિશ્વાસનું એક નવું સ્તર પેદા થયું છે. એવો વિશ્વાસ ઉભો થયો છે કે આપણે સાથે મળીને મોટામાં મોટા પડકારનો પણ સામનો કરી શકીએ તેમ છીએ. તમારામાંથી મળેલી આ પ્રેરણા દ્વારા દેશ આ મહામારીના કપરા સમયમાં પોતાના દરેક નાગરિકના જીવનની રક્ષા માટે જોડાયેલો છે. આટલા મહિનાઓમાં દેશ પોતાના 80 કરોડથી વધુ નાગરિકો માટે ભોજનની વ્યવસ્થા પણ કરી રહ્યો છે. પરંતુ દેશ તેની સાથે-સાથે અર્થ વ્યવસ્થાને એક વાર ફરીથી ગતિ પૂરી પાડવા માટે પણ ઉત્સાહ સાથે પ્રયાસ કરી રહ્યો છે. દેશવાસીઓના આ ઉત્સાહનું પરિણામ એ છે કે આપણે આજે ઘણાં ક્ષેત્રોમાં વિક્રમજનક બદલાવ સાથે બેઠા થયા છીએ અને વૃધ્ધિ પણ દેખાઈ રહી છે. આવી અલગ-અલગ પ્રકારની તમામ લડાઈ, આ બધી સફળતાઓ તેનો શ્રેય સરહદ પર ખડે પગે રહેલા અમારા સૈનિકોને મળે છે, તમને મળે છે.

સાથીઓ, દરેક વખતે, દરેક તહેવાર પ્રસંગે જ્યારે-જ્યારે પણ હું તમારી વચ્ચે આવું છું, જેટલો સમય તમારી વચ્ચે વિતાવું છું, જેટલો તમારા સુખ-દુઃખમાં સામેલ થાઉં છું ત્યારે રાષ્ટ્ર સુરક્ષાનો, રાષ્ટ્ર સેવાનો મારો સંકલ્પ એટલો જ મજબૂત બને છે. ફરી એકવાર હું આપને આશ્વાસન આપવા માંગુ છું કે તમે નિશ્ચિંત બનીને પોતાના કર્તવ્ય પથ પર ઉભા રહો. પ્રત્યેક દેશવાસી તમારી સાથે છે. હા, આજના દિવસે હું તમારી પાસેથી એક મિત્ર તરીકે, એક સાથી તરીકે હું ત્રણ બાબતોનો આગ્રહ કરીશ. અને મને વિશ્વાસ છે કે મારો આ આગ્રહ તમારા માટે પણ શક્ય છે કે સંકલ્પ બની જાય. પ્રથમ કશુંક ને કશુંક ઈનોવેટ કરવાની આદત રાખો, નવી પધ્ધતિથી કરવાની આદત રાખો, નવી ચીજો શોધવાની ટેવ પાડો અને તેને જીંદગીનો હિસ્સો બનાવો. અને મેં જોયું છે કે આ રીતે જીંદગી પસાર કરનારા આપણાં જવાનોની સર્જનાત્મકતા દેશ માટે ઘણી બધી નવી ચીજો આપી શકે છે. તમે થોડુંક ધ્યાન આપો. કશુંને કશું ઈનોવેટ કરવા પ્રયાસ કરો. જુઓ, આપણાં સુરક્ષા દળો, કારણ કે તમે અનુભવના આધાર પર ઈનોવેટ કરો છો, રોજેરોજ જે પ્રકારે આપ ઝઝૂમી રહ્યા છો, તે પરિસ્થિતિમાં બહાર આવો છો ત્યારે ખૂબ મોટો લાભ થાય છે. મારો બીજો આગ્રહ એ છે કે જે તમારા લોકો માટે ખૂબ જ જરૂરી છે. તમે દરેક પરિસ્થિતિમાં યોગને પોતાના જીવનનો એક ભાગ બનાવો. અને ત્રીજુ, આપણાં સૌની પોત-પોતાની માતૃભાષા છે. આપણાંમાંથી ઘણા લોકો હિંદી બોલે પણ છે. આપણાંમાંથી કેટલાક લોકો અંગ્રેજી પણ બોલે છે. આ બધાથી આપણો સ્વાભાવિક સંબંધ રહે છે, પરંતુ જ્યારે આવુ સામુહિક જીવન હોય છે ત્યારે મારી સામે એક લઘુ ભારત બેઠેલું હોય છે. દેશના દરેક ખૂણેથી આવેલા નવયુવાન બેઠેલા હોય છે. અલગ-અલગ માતૃભાષા ધરાવતા નવયુવાન બેઠેલા હોય છે ત્યારે હું તમને વધુ એક આગ્રહ કરૂં છું કે તમે માતૃભાષા તો જાણો છો, તમે હિંદી જાણો છો, અંગ્રેજી જાણો છો, શા માટે તમે પોતાના કોઈ એક સાથી પાસેથી ભારતની કોઈ એક ભાષાને જરૂરથી આત્મસાત કરો, શીખો. તમે જુઓ કે તે તમારી સૌથી મોટી તાકાત બની જશે. તમે જરૂરથી જોઈ શકશો કે આ બાબત તમારામાં એક નવી ઉર્જાનો સંચાર કરશે.

સાથીઓ, જ્યાં સુધી તમે છો, તમારો આ ઉત્સાહ છે, તમારી આ ત્યાગ અને તપસ્યા છે ત્યાં સુધી 130 કરોડ ભારતવાસીઓના આત્મવિશ્વાસને કોઈ ડગાવી શકશે નહીં. જ્યાં સુધી તમે છો ત્યાં સુધી દેશની દિવાળી આ રીતે રોશન થતી રહેશે. લોન્ગેવાલાની આ પરાક્રમી ભૂમિ પરથી વીરતા અને સાહસની ભૂમિ પરથી ત્યાગ અને તપસ્યાની ભૂમિ પરથી ફરી એક વખત હું આપ સૌને અને દેશવાસીઓ પણ દિવાળીની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. મારી સાથે, પૂરી તાકાતથી, બંને મુઠ્ઠી ઉપર કરીને બોલો, ભારત માતાની જય, ભારત માતાની જય, ભારત માતાની જય.

ખૂબ-ખૂબ ધન્યવાદ !

 

SD/GP/BT



(Release ID: 1672952) Visitor Counter : 261