વહાણવટા મંત્રાલય

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ મંત્રાલયના નવા નામકરણની તક્તિનું અનાવરણ કર્યું


જહાજ મંત્રાલયનું નામ બદલીને બંદરો, જહાજ પરિવહન અને જળમાર્ગ મંત્રાલય રાખવામાં આવ્યું છે

બદલાયેલા નામ સાથે, જળમાર્ગો અને તટવર્તીય જહાજ પરિવહનના વિકાસ પર ધ્યાન આપવા માટે મંત્રાલય વિશેષ પ્રયાસો કરી રહ્યું છે: શ્રી મનસુખ માંડવિયા

Posted On: 12 NOV 2020 4:57PM by PIB Ahmedabad

કેન્દ્રીય બંદરો, જહાજ પરિવહન અને જળમાર્ગ તેમજ અને રસાયણ અને ખાતર રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હી ખાતે મંત્રાલયના નવા નામકરણની તક્તિનું અનાવરણ કર્યું હતું.

જહાજ મંત્રાલયનું નામ બદલીને હવે બંદરો, જહાજ પરિવહન અને જળમાર્ગ મંત્રાલય રાખવામાં આવ્યું છે.

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર 2020ના રોજ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતમાં હજીરા અને ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સેવાના શુભારંભ પ્રસંગે આપેલા સંબોધન દરમિયાન જહાજ મંત્રાલયના નવા નામકરણની જાહેરાત કરી હતી.

આ ઐતિહાસિક જાહેરાત કરતી વખતે શ્રી મોદીએ જણાવ્યું હતું કે, હવે આ મંત્રાલય બંદરો, જહાજ પરિવહન અને જળમાર્ગ મંત્રાલયના નવા નામથી ઓળખાશે. હવે તેનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. મોટાભાગના વિકસિત અર્થતંત્રોમાં જહાજ મંત્રાલય દ્વારા જ બંદરો અને જળમાર્ગોની જવાબદારી પણ સંભાળવામાં આવે છે. ભારતમાં, જહાજ મંત્રાલય દ્વારા બંદરો અને જળમાર્ગો માટે સંખ્યાબંધ કાર્યો કરવામાં આવ્યા છે. હવે, તેના નામમાં જ વધુ સ્પષ્ટતા કરવામાં આવી હોવાથી તેના કામકાજોમાં પણ વધારે સ્પષ્ટતા આવશે.

પ્રધાનમંત્રી દ્વારા મંત્રાલયના નવા નામકરણની જાહેરાત કર્યા પછી તાકીદના ધોરણે જ આ સંબંધિત તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે મંત્રાલય સક્રિય થયું હતું. તમામ ઔપચારિકતાઓ કામકાજના માત્ર બે દિવસમાં જ પૂર્ણ કરવામાં આવી હતી અને નામ બદલવા અંગે સત્તાવાર અધિસૂચના 10 નવેમ્બર 2020ના રોજ ભારતના રાજપત્રમાં પ્રકાશિત કરવામાં આવી હતી.

આજે તક્તિ અનાવરણના ઔપચારિક કાર્યક્રમ દરમિયાન શ્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, આ ખરેખર ઘણી ગૌરવની વાત છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની દૂરંદેશી સાથે દેશ સર્વાંગી અને લાંબા ગાળાની મલ્ટી-મોડલ કનેક્ટિવિટી સાથે આગેકૂચ કરી રહ્યો છે. તેમણે ઉમેર્યુ હતું કે, બંદરો, જહાજ પરિવહન અને જળમાર્ગોની વાત છે ત્યાં સુધી તેમના કાર્યક્ષેત્રમાં વિસ્તરણ અંગેની પ્રધાનમંત્રીની દીર્ઘદૃષ્ટિ માટે હું ખરેખર તેમના પ્રત્યે કૃતજ્ઞતાની ભાવના વ્યક્ત કરું છું.

શ્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, બદલાયેલા નામ સાથે મંત્રાલય હવે જળમાર્ગો અને તટવર્તીય જહાજ પરિવહનના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વિશેષ પ્રયાસો કરી રહ્યું છે. અંદાજે 1400 કિલોમીટરનો જળમાર્ગ પહેલાંથી જ સંપૂર્ણપણે વિકસાવવામાં આવ્યો છે અને વધુમાં 1000 કિલોમીટરના જળમાર્ગને પ્રાથમિકતાના ધોરણે વિકસાવવામાં આવી રહ્યો છે જેના માટે DDR/સંભાવના અભ્યાસ પૂર્ણ કરવામાં આવ્યો છે. અમે પોર્ટ ગ્રીડ તૈયાર કરવા પર પણ ધ્યાન આપી રહ્યાં છીએ, જેમાં વિવિધ નાના બંદરો જેમ કે મસ્ત્યપાલન બંદર, કૃષિ બંદર અને ખનીજ પંદર વગેરેને આવરી લેવામાં આવ્યા છે જેથી જેશમાં બંદર વિકાસ અને બંદરની આગેવાની આધારિત વિકાસ થઇ શકે.

બંદર, જહાજ પરિવહન અને જળમાર્ગ મંત્રાલયના સચિવ શ્રી સંજીવ રંજન અને અધિક સચિવ શ્રી સંજય બંદોપાધ્યાય, IWAIના ચેરમેન ડૉ. અમિતા પ્રસાદ, જહાજ પરિવહનના મહાનિદેશક શ્રી અમિતાભ કુમાર, IPAના ચેરમેન શ્રી ટી.કે. રામચંદ્રન તેમજ તમામ મુખ્ય બંદરોના ચેરમેન અને મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

*****

 



(Release ID: 1672375) Visitor Counter : 246