નાણા મંત્રાલય

નાણાં મંત્રીએ કોવિડ-19 સામે લડવા ચાલુ નાણાકીય વર્ષના અંત અગાઉ ઉપભોક્તા ખર્ચને પ્રોત્સાહન આપવા રૂ. 73,000 કરોડના લાભ જાહેર કર્યા


એન્ટાઇટલમેન્ટ મુજબ, 2018-21 દરમિયાન એક એલટીસીના બદલામાં રોકડ ચુકવણી અને લીવ એન્કેશનમેન્ટનો લાભ આપવામાં આવ્યો

ગેઝેટેડ અને નોન-ગેઝેટેડ એમ બંને પ્રકારનાં કર્મચારીઓ માટે વન-ટાઇમ પગલાં સ્વરૂપે સ્પેશ્યલ ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમ સંશોધિત સ્વરૂપે પ્રસ્તુત કરવામાં આવી

રાજ્યોને મૂડીગત ખર્ચ કરવા માટે રૂ. 12,000 કરોડની 50 વર્ષની વિશેષ વ્યાજમુક્ત લોન

કેન્દ્ર સરકારે બજેટ 2020માં આપેલા રૂ. 4.13 લાખ કરોડ ઉપરાંત રૂ. 25,000 કરોડનું વધારાનું બજેટ મૂડીગત ખર્ચ માટે પ્રદાન કરવામાં આવ્યું

Posted On: 12 OCT 2020 5:06PM by PIB Ahmedabad

કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને આજે અર્થતંત્રમાં ઉપભોક્તા ખર્ચને પ્રોત્સાહન આપવા રૂ. 73,000 કરોડના લાભની જાહેરાત કરી હતી. એનો આશય કોવિડ-19 રોગચાળાને પગલે લાગુ લોકડાઉનને કારણે અર્થતંત્રમાં થયેલા ઘટાડાની અસરને ઓછી કરવાનો છે.

જ્યારે શ્રીમતી સીતારામને અર્થતંત્રમાં માગને પ્રોત્સાહન આપવાના પેકેજની જાહેરાત કરી હતી, ત્યારે તેમણે કહ્યું હતું કે, સરકારી અને સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓની બચતમાં વધારો થયો છે એવા સંકેતો મળ્યાં છે તથા અમે આ પ્રકારના લોકોને ઓછા નસીબદાર લોકોના લાભ માટે માગને વેગ આપવા માટે પ્રોત્સાહન આપવા ઇચ્છીએ છીએ. નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, જો આજે જાહેર થયેલા પ્રોત્સાહક પગલાઓને આધારે માગ વધશે, તો એનાથી કોવિડ-19થી અસર પામેલા લોકો પર સકારાત્મક અસર થશે અને જે લોકો વ્યવસાય જાળવવા આતુર છે તેમને પણ મદદ મળશે.

નાણાં મંત્રીએ એ વિચાર પર ભાર મૂક્યો હતો કે, વર્તમાન સમાધાન ભવિષ્યની સમસ્યા ન બનવી જોઈએ. શ્રીમતી સીતારામને કહ્યું હતું કે, સરકાર ભવિષ્યમાં મોંઘવારી સાથે સામાન્ય નાગરિક પર ભાર લાદવા ઇચ્છતી નથી અને સાથે સાથે સરકારી ઋણને અનિશ્ચિતતાના માર્ગે દોરવા પણ ઇચ્છતી નથી.

નાણાં મંત્રીએ આજે રજૂ કરેલી દરખાસ્તો રાજકોષીય વિવેકાધિન રીતે ખર્ચને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવી છે, કારણ કે તેમાંથી કેટલીક દરખાસ્તો પાછળથી ઓફસેટ કરવાની સાથે આગોતરા ખર્ચ કે ફ્રન્ટ-લોડિંગ સાથે સંબંધિત છે, ત્યારે અન્ય દરખાસ્તો જીડીપીમાં વૃદ્ધિ સાથે સીધી સંબંધિત છે. શ્રીમતી સીતારામનની હાલની જાહેરાત કોવિડ-19 પ્રેરિત આર્થિક મંદીનો સામનો કરવા ભારત સરકારના સક્રિય હસ્તક્ષેપને સૂચવે છે. એની વિગતો નીચે મુજબ છેઃ

  1. ઉપભોક્તા ખર્ચ
  1. લીવ ટ્રાવેલ કન્સેશન (એલટીસી) કેશ વાઉચર સ્કીમ

જ્યારે આ યોજનાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે નાણાં મંત્રીએ કહ્યું હતું કે, એલટીસી કેશ વાઉચર યોજનાનો લાભ લેવા કર્મચારીઓ માટે સૌથી મોટું પ્રોત્સાહન એ છે કે વર્ષ 2021માં ચાર વર્ષના બ્લોકનો અંત આવશે, લાભ લેવામાં ન આવેલ એલટીસી પછી નહીં મળશે. એટલે આ કર્મચારીઓને ચીજવસ્તુઓ ખરીદવા માટે આ સુવિધાનો લાભ લેવા પ્રોત્સાહન આપશે, જેનાથી તેમના પરિવારજનોને મદદ મળશે.

કેન્દ્ર સરકારના કર્મચારીઓને 4 વર્ષના બ્લોકમાં એલટીસી મળે છે, જેમાં તેમને પે સ્કેલ / અધિકાર મુજબ એર કે રેલવેનું ભાડું રિઇમ્બર્સ થાય છે અને ઉપરાંત 10 દિવસ (પગાર + ડીએ)ના લીવ એન્કેશમેન્ટની ચુકવણી થાય છે. પણ કોવિડ-19ના કારણે કર્મચારીઓ 2018-19ના ચાલુ બ્લોકમાં એલટીસીનો લાભ લેવાની સ્થિતિમાં નથી.

એટલે સરકારે 2018-21 દરમિયાન એક એલટીસીના બદલામાં રોકડ ચુકવણી કરવાનો નિર્ણય લીધો છે, જેમાઃ

  • લીવ એન્કેશમેન્ટ પર સંપૂર્ણ ચુકવણી અને
  • એન્ટાઇટલમેન્ટના વર્ગને આધારે 3 ફ્લેટ-રેટ સ્લેબમાં ભાડાની ચુકવણી
  • ભાડાની ચુકવણી કરમુક્ત હશે

આ યોજના પસંદ કરનાર કર્મચારીને 31 માર્ચ, 2021 અગાઉ ભાડાથી 3 ગણા મૂલ્યની અને લીવ એન્કેશમેન્ટને 1 ગણા મૂલ્યની ચીજવસ્તુઓ / સેવાઓ ખરીદવાની જરૂર પડશે.

આ યોજનામાં એ જરૂર પણ છે કે, જીએસટી રજિસ્ટર્ડ વિક્રેતા પાસેથી ડિજિટલ માધ્યમ થકી 12 ટકા કે વધારે જીએસટી ધરાવતી ચીજવસ્તુઓ પર નાણાં ખર્ચ કરવા પડશે. કર્મચારીને આ લાભ મેળવવા જીએસટી ઇનવોઇસ રજૂ કરવું પડશે.

જો કેન્દ્ર સરકારના કર્મચારીઓ એની પસંદગી કરશે, તો ખર્ચ આશરે રૂ. 5,675 કરોડ થશે. સરકારી બેંકો (PSBs) અને સરકારી સાહસો (PSUs)નાં કર્મચારીઓ આ સુવિધાની છૂટ પણ આપશે અને તેમના માટે અંદાજિત ખર્ચ રૂ. 1,900 કરોડ રહેશે. રાજ્ય સરકાર/ખાનગી ક્ષેત્રના એલટીસી મેળવવાને પાત્ર કર્મચારીઓ માટે કરવેરામાં છૂટછાટનો લાભ મળશે, જે કેન્દ્ર સરકારની યોજનાની માર્ગદર્શિકાને આધિન છે. કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય સરકારી એકમ/સરકારી બેંકના કર્મચારીઓ દ્વારા દ્વારા અર્થતંત્રમાં માગને પ્રોત્સાહન આપવા અંદાજે રૂ. 19,000નો ખર્ચ થશે. રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા માગને પ્રોત્સાહન આપવા માટે રૂ. 9,000 કરોડનો ખર્ચ થશે. એનાથી વધુ રૂ. 28,000 કરોડની ઉપભોક્તા માગ પેદા થશે એવી અપેક્ષા છે.

 

  1. સ્પેશ્યલ ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમ

નોન-ગેઝેટેડ કર્મચારીઓ માટે તેમજ ગેઝેટેડ કર્મચારીઓ માટે પણ એક સ્પેશ્યલ ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમને સુધારીને માગને પ્રોત્સાહન આપવા વન-ટાઇમ પગલાં તરીકે નવેસરથી પ્રસ્તુત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારનાં તમામ કર્મચારીઓ હવે 31 માર્ચ, 2021 સુધી ખર્ચ કરવા
રૂ. 10,000ની વ્યાજમુક્ત લોન
નો લાભ લઈ શકે છે, જે માટે કર્મચારી તહેવારની પસંદગી પણ કરી શકે છે. આ વ્યાજમુક્ત લોનની ભરપાઈ કર્મચારી મહત્તમ 10 સમાન હપ્તામાં કરી શકે છે.

 

કર્મચારીઓને આગોતરના મૂલ્યનું પ્રી-લોડેડ રુપે કાર્ડ મળશે. સરકાર કાર્ડના બેંક ચાર્જનું વહન કરશે. રુપે કાર્ડ દ્વારા લોનનું વિતરણ ચુકવણીના ડિજિટલ માધ્યમને સુનિશ્ચિત કરશે, જેના પરિણામે કરવેરાની આવક થશે અને વ્યવસાયોમાં પ્રામાણિકતાને પ્રોત્સાહન મળશે.

સ્પેશ્યલ ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમ (એસએફએએસ)નું વન-ટાઇમ વિતરણ રૂ. 4,000 કરોડનું હોવાની અપેક્ષા છે અને જો તમામ રાજ્ય સરકારો દ્વારા એસએફએએસનો અમલ થાય, તો વધુ રૂ. 8,000 કરોડનો અન્ય એક હપ્તો છૂટો થાય એવી અપેક્ષા છે.

 

  1. મૂડીગત ખર્ચ
  1. રાજ્યોને વિશેષ સહાય:

જ્યારે શ્રીમતી સીતારામને મૂડીગત ખર્ચ સાથે સંબંધિત પગલાં જાહેર કર્યા હતા, ત્યારે તેમણે જણાવ્યું હતું કે, માળખાગત સુવિધા અને અસ્કયામતના સર્જન પર ખર્ચ કરેલા નાણાંની અર્થતંત્ર પર વિવિધ સ્તરે અસર થાય છે. એનાથી વર્તમાન જીડીપીની સાથે ભવિષ્યની જીડીપીમાં પણ સુધારો થાય છે. સરકાર રાજ્યો અને કેન્દ્ર એમ બંને સરકારોના મૂડીગત ખર્ચને નવો વેગ આપવા ઇચ્છે છે.

મૂડીગત ખર્ચ નવેસરથી ભાર મૂકીને શ્રીમતી સીતારામને કહ્યું હતું કે, માળખાગત સુવિધાઓ અને અસ્કયામતોનું નિર્માણ કરવા પર ખર્ચ થયેલા નાણાની અર્થતંત્ર પર એકથી વધારે સ્તરે અસર થાય છે. એનાથી વર્તમાન જીડીપીની સાથે ભવિષ્યના જીડીપીમાં પણ સુધારો થાય છે. સરકાર રાજ્યો અને કેન્દ્ર એમ બંને સરકારોના મૂડીગત ખર્ચને નવો વેગ આપવા ઇચ્છે છે. તેમણે ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકારે રાજ્યોને રૂ. 12,000 કરોડના મૂડીગત ખર્ચની 50 વર્ષની વિશેષ વ્યાજમુક્ત લોન આપી છે. આ યોજના 3 ભાગ ધરાવે છે.

યોજનાનો ભાગ-1 આ માટે પ્રદાન કરવામાં આવશે:

  • ઉત્તર પૂર્વના 8 રાજ્યોમાં દરેક રાજ્ય માટે રૂ. 200 કરોડ (કુલ રૂ. 1,600 કરોડ)
  • ઉત્તરાખંડ, હિમાચલપ્રદેશ એમ બંનેને રૂ. 450 કરોડ – રૂ. 450 કરોડ (કુલ રૂ. 900 કરોડ)

 

યોજનાનો ભાગ-2 આ માટે પ્રદાન કરવામાં આવશે:

  • 15મા નાણાં પંચની હસ્તાંતરણની ભલામણ મુજબ, બાકીના રાજ્યો માટે રૂ. 7,500 કરોડ.

નાણાં મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યોને વ્યાજમુક્ત લોનના પહેલો અને બીજો એમ બંને ભાગ 31 માર્ચ, 2021 સુધીમાં ખર્ચ કરવો પડશે અને એનો 50 ટકા હિસ્સો શરૂઆતમાં આપવામાં આવશે, ત્યારે બાકીનો 50 ટકા હિસ્સો પ્રથમ 50 ટકા હિસ્સાના ઉપયોગ પછી આપવામાં આવશે. ઉપયોગ થયેલા ફંડની પુનઃફાળવણી કેન્દ્ર સરકાર દ્વારા થશે.

રાજ્યોને રૂ. 12,000 કરોડની વ્યાજમુક્ત લોનના ભાગ - 3 અંતર્ગત, 17 મે, 2020ના રોજ ખર્ચ વિભાગના પત્ર એફ. નંબર 40(06)/PF-S/17-18 વોલ્યુમ પાંચ મુજબ આત્મનિર્ભર ભારત પેકેજ (એએનબીપી)માં જણાવવામાં આવેલા 4 સુધારામાંથી ઓછામાં ઓછા 3 સુધારા કરનાર રાજ્યોને રૂ. 2,000 કરોડ આપવામાં આવશે. રૂ. 2,000 કરોડ અન્ય ઋણની ટોચમર્યાદાથી વધારાની રકમ છે.

આ યોજનાની ખાસિયતો નીચે મુજબ છે:

  • એનો ઉપયોગ નવા કે હાલ ચાલુ મૂડીગત પ્રોજેક્ટ્સ માટે થઈ શકશે, જે માટે ફંડની જરૂરિયાત હોઈ શકે છે અને / અથવા આ પ્રકારના પ્રોજેક્ટ્સ પર કોન્ટ્રાક્ટર્સ / સપ્લાયર્સના બિલોને સેટલ કરવા માટે થઈ શકશે
  • મૂડીગત ખર્ચ 31 માર્ચ, 2021 સુધી કરવામાં આવશે
  • આ ફંડિંગ રાજ્યોને અન્ય તમામ વધારાના ઋણની ટોચમર્યાદા ઉપરાંત આપવામાં આવશે
  • 50 વર્ષ પછી બુલેટ રિપેમેન્ટ, 50 વર્ષ માટે સર્વિસની જરૂર નહીં

 

  1. બજેટની સંવર્ધિત જોગવાઈઓ:

નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના બજેટ 2020માં આપવામાં આવેલા રૂ. 4.13 લાખ કરોડ ઉપરાંત વધારાનું રૂ. 25,000 કરોડનું બજેટ માર્ગો, સંરક્ષણ ક્ષેત્ર, પાણી પુરવઠા, શહેરી વિકાસ અને સ્થાનિક રીતે નિર્મિત મૂડીગત ઉપકરણ પર મૂડીગત ખર્ચ કરવા માટે પ્રદાન કરવામાં આવ્યું છે.

સરકારની કામગીરી સરળ રીતે હાથ ધરી શકાય એ માટે નાણાં મંત્રાલય સંબંધિત મંત્રાલોય સાથે ચર્ચા કરીને આગામી સંશોધિત અંદાજિત ચર્ચામાં ફાળવણીઓ કરવામાં આવશે.

અહીં એ બાબત યાદી કરી શકાય છે કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ (પીએમજીકેપી) અંતર્ગત 26 માર્ચ, 2020ના રોજ રૂ. 1.70 લાખ કરોડના પેકેજની અને 12 મે, 2020ના રોજ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ભારતની જીડીપીના 10 ટકાને સમકક્ષ રૂ. 20 લાખ કરોડના વિશેષ આર્થિક અને વિસ્તૃત પેકેજ આત્મનિર્ભર ભારત પેકેજ (એએનબીપી)ની જાહેરાત કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ભારત અભિયાનની લોકોને અપીલ કરી હતી અને આત્મનિર્ભર ભારતના પાંચ પાયાની રૂપરેખા પણ આપી હતી. આ પાંચ પાયા છે – અર્થતંત્ર, માળખાગત સુવિધા, વ્યવસ્થા, જીવંત અને વિશાળ વસ્તી તથા માગ.

 

SD/GP/BT



(Release ID: 1663866) Visitor Counter : 317