ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સ્વામિત્વ યોજના શરૂ કરવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો


“પ્રધાનમંત્રી રાતદિવસ ગ્રામીણ ભારતના વિકાસ અને સમૃદ્ધિ માટે કાર્યરત છે. આજે પ્રધાનમંત્રીએ શરૂ કરેલી ‘સ્વામિત્વ યોજના’ ગ્રામીણ સ્વરાજની દિશામાં સીમાચિહ્નરૂપ પુરવાર થશે. આ યોજના નાનાજી દેશમુખની જન્મજયંતિ પર તેમને ખરાં અર્થમાં શ્રદ્ધાંજલિ છે”

“મોદીજીનો આત્મનિર્ભર ભારતનો ખરો લક્ષ્યાંક ગરીબો અને ગ્રામીણજનોને સક્ષમ બનાવવાનો છે. આ યોજના ગ્રામીણ ભારતના લોકોને તેમના અધિકારો અને સન્માન આપવાનો નવીન પ્રયાસ છે. હવે તેઓ બેંકોમાંથી સરળતાપૂર્વક લોન મેળવી શકશે અને તેમના સ્વપ્નો સાકાર કરી શકશે”

Posted On: 11 OCT 2020 5:37PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે સ્વામિત્વ યોજના શરૂ કરવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. શ્રી અમિત શાહે શ્રેણીબદ્ધ ટ્વીટ કરીને કહ્યું હતું કે, પ્રધાનમંત્રી રાતદિવસ ગ્રામીણ ભારતના વિકાસ અને સમૃદ્ધિ માટે કાર્યરત છે. આજે પ્રધાનમંત્રીએ શરૂ કરેલી ‘સ્વામિત્વ યોજના ગ્રામીણ સ્વરાજની દિશામાં સીમાચિહ્નરૂપ પુરવાર થશે. આ યોજના નાનાજી દેશમુખની જન્મજયંતિ પર તેમને ખરાં અર્થમાં શ્રદ્ધાંજલિ છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, હું પ્રધાનમંત્રી અને કૃષિ મંત્રી શ્રી નરેન્દ્ર તોમરને આ વિઝનરી અને ઐતિહાસિક સ્વ-માલિકીની ‘સ્વામિત્વ યોજનાનું ઉદ્ઘાટન કરવા બદલ મારા અભિનંદન આપું છું, જે ગ્રામીણ ભારતમાં ગ્રામીણજનોને આત્મનિર્ભર બનાવશે. આ યોજના ગ્રામીણ ભારતના લોકોને ‘અધિકારોનાં રેકોર્ડનો અધિકાર આપીને તેમને તેમની જમીનની માલિકી આપશે.

શ્રી અમિત શાહે ઉમેર્યું હતું કે, મોદીજીની આત્મનિર્ભર ભારતનો ખરો લક્ષ્યાંક ગરીબો અને ગ્રામીણજનોને સક્ષમ બનાવવાનો છે. આ યોજના ગ્રામીણ ભારતના લોકોને તેમના અધિકારો અને સન્માન આપવાનો નવીન પ્રયાસ છે. હવે તેઓ બેંકોમાંથી સરળતાપૂર્વક લોન મેળવી શકશે અને તેમના સ્વપ્નો સાકાર કરી શકશે.

સ્વામિત્વ કેન્દ્ર સરકારના પંચાયતી રાજ મંત્રાલયની યોજના છે, જેને પ્રધાનમંત્રી મોદીએ 24 એપ્રિલ, 2020ના રોજ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસના રોજ લોંચ કરી હતી. આ યોજનાનો ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારોમાં ગ્રામીણ કુટુંબોની માલિકીના ‘અધિકારોનો રેકોર્ડ પ્રદાન કરવાનો અને પ્રોપર્ટી કાર્ડ ઇશ્યૂ કરવાનો છે.

આ યોજનાનો અમલ દેશમાં ચાર વર્ષ (2020-2024)માં તબક્કાવાર ધોરણે થઈ રહ્યો છે અને એનાથી દેશના આશરે 6.62 લાખ ગ્રામીણજનોને લાભ થશે.આ યોજનાના પ્રાયોગિક તબક્કા (2020-21)માં ઉત્તરપ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ અને કર્ણાટક તથા પંજાબ અને રાજસ્થાનના સરહદી વિસ્તારનાં થોડાં ગામડામાં આશરે 1 લાખ ગામડાઓને આવરી લેવામાં આવ્યાં છે, જે માટે કન્ટિન્યૂઅસ ઓપરેટિંગ સિસ્ટમ (સીઓઆરએસ) સ્ટેશનનું નેટવર્ક પંજાબ અને રાજસ્થાનમાં સ્થાપિત કરવામાં આવ્યું છે.

 

SD/GP/BT


(Release ID: 1663588) Visitor Counter : 193