પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સ્વામીત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડના ભૌતિક વિતરણનો પ્રારંભ કર્યો


દરેક પરિવારને આગામી ત્રણથી ચાર વર્ષમાં પ્રોપર્ટી કાર્ડ આપવાનું વચન આપ્યું

પ્રોપર્ટી કાર્ડ દ્વારા સરળતાથી બેંક ધિરાણ લેવાનું સુનિશ્ચિત થઇ શકશે: પ્રધાનમંત્રી

Posted On: 11 OCT 2020 2:13PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સ્વામીત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડના ભૌતિક વિતરણનો પ્રારંભ કરાવ્યો હતો અને આ યોજનાના કેટલાક લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ આજે ‘સ્વામીત્વ યોજના’ અંતર્ગત પોતાના ઘર માટે પ્રોપર્ટી કાર્ડ મેળવનારા લાભાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે, હવે આ લાભાર્થીઓ પાસે તેમનો અધિકાર આવી ગયો છે, તેઓ પોતાના ઘરના માલિક હોવાનો કાયદેસરનો દસ્તાવેજ તેમના હાથમાં છે. આ યોજના દેશના ગામડાંઓમાં એક ઐતિહાસિક પરિવર્તન લાવવા જઇ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, દેશે આત્મનિર્ભર ભારતના નિર્માણની દિશામાં વધુ એક મોટું ડગલું ભર્યું છે કારણ કે આ યોજના ગ્રામીણ ભારતને આત્મનિર્ભર બનાવશે.

તેમણે કહ્યું હતું કે, હરિયાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશના એક લાખ લાભાર્થીઓને આજે તેમના ઘરના કાયદેસર કાગળો સોંપવામાં આવ્યા છે અને આગામી ત્રણથી ચાર વર્ષમાં દેશમાં દરેક ગામડાંમાં દરેક પરિવારને તેમના ઘરના કાયદેસરના કાગળો સોંપી દેવામાં આવશે.

પ્રધાનમંત્રીએ બે મહાન નેતાઓ જયપ્રકાશ નારાયણ અને નાનાજી દેશમુખની જન્મજયંતિના રોજ આ પ્રોપર્ટી કાર્ડ્સના વિતરણ અંગે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, તે બંને નેતાનો સંઘર્ષ અને આદર્શો પણ એકસમાન હતા. તેમણે જુની યાદોનું સ્મરણ કરતા કહ્યું હતું કે, નાનાજી અને જે.પી. બંનેએ ગ્રામીણ ભારત અને ગરીબોના સશક્તિકરણ માટે આખા જીવનકાળ દરમિયાન લડત આપી હતી.

“જ્યારે ગામડાંના લોકો વિવાદોમાં સપડાઇ જાય ત્યારે, નથી તેઓ પોતાનો વિકાસ કરી શકતા કે નથી સમાજનો વિકાસ કરી શકતા” – નાનાજીના આ શબ્દોને યાદ કરતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે, તેઓ એવું પણ માનતા હતા કે, આપણા ગામડાંઓમાં સંખ્યાબંધ વિવાદોનો ઉકેલ લાવવા માટે માલિકી એક મોટું માધ્યમ બની રહેશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જમીન અને મકાનની માલિકી દેશના વિકાસમાં ખૂબ જ મોટી ભૂમિકા નિભાવે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જ્યારે કોઇ મિલકતનો રેકોર્ડ હોય ત્યારે, નાગરિકોમાં એક આત્મવિશ્વાસ આવી જાય છે અને રોકાણ માટે નવા અવકાશ ખુલી જાય છે. મિલકતના રેકોર્ડના આધારે બેંકોમાંથી સરળતાથી ધિરાણ મળી શકે છે, રોજગારી અને સ્વ-રોજગારીના અવકાશ પણ ખુલી જાય છે. પરંતુ આજે સૌથી મોટી મુશ્કેલી એ છે કે, દુનિયામાં માત્ર ત્રીજા ભાગની વસ્તી જ તેમની મિલકતનો કાયદેસર રેકોર્ડ ધરાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, પ્રોપર્ટી કાર્ડના કારણે ગામડાંઓમાં કોઇપણ વિવાદ વગર મિલકતની ખરીદી અને વેચાણ થઇ શકશે. તેમણે કહ્યું હતું કે, આજે આપણા ગામડાંઓમાં એવા સંખ્યાબંધ યુવાનો છે જેઓ પોતાની રીતે કંઇક કરવાની મહત્વાકાંક્ષા રાખે છે. પ્રોપર્ટી કાર્ડ પ્રાપ્ત થયા પછી, તેમને પોતાના મકાન પર સરળતાથી બેંકોમાંથી ધિરાણ મળવાનું સુનિશ્ચિત થઇ જશે. તેમણે કહ્યું હતું કે, મેપિંગ અને સર્વેમાં ડ્રોનના ઉપયોગ જેવી નવી ટેકનોલોજીથી, દરેક ગામડાંમાં જમીનના સચોટ રેકોર્ડ્સ બનાવી શકાય છે. જમીનના સચોટ રેકોર્ડના કારણે ગામડામાં વિકાસ સંબંધિત કામકાજો વધુ સરળ બની જશે એ પણ પ્રોપર્ટી કાર્ડનો વધુ એક ફાયદો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ‘સ્વામીત્વ યોજના’ પંચાયતીરાજ તંત્રને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે જેના માટે છેલ્લા છ વર્ષથી પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. તેમણે છેલ્લા 6 વર્ષમાં ગ્રામ પંચાયતોને મજબૂત કરવા માટે સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલોનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, સ્વામીત્વ યોજના મ્યુનિસિપાલિટી અને મ્યુનિસિપલ કોર્પોરેશનોની જેમ આપણી ગ્રામ પંચાયતોમાં ગામડાના વ્યવસ્થાપનને વધુ સરળ બનાવશે. તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લા 6 વર્ષમાં ગામડાંઓમાં ઉભી થતી ગંભીર અછતોની સ્થિતિ નિવારવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

તેમણે કહ્યું હતું કે, છેલ્લા 6 વર્ષમાં દેશના ગામડાંમાં અભૂતપૂર્વ સ્તરે વિકાસ કાર્યો થઇ શક્યા છે જે સ્વતંત્રતા પછી સાત દાયકામાં પણ નહોતા થઇ શક્યા. તેમણે છેલ્લા 6 વર્ષમાં ગામડાંને મળેલા વિવિધ લાભો જેમ કે, બેંક ખાતાં, વીજળીનું જોડાણ, શૌચાલયોની ઉપલબ્ધતા, ગેસનું જોડાણ, પાકા ઘર અને પાઇપ દ્વારા પીવાના પાણીની સુવિધા વગેરેનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, દેશમાં દરેક ગામડાંને ઓપ્ટિકલ ફાઇબર કનેક્શન દ્વારા જોડવા માટે એક મોટું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જે ઘણી ઝડપથી આગળ વધી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ વિપક્ષોની ટીકા કરતા વધુમાં કહ્યું હતું કે, તેઓ નથી ઇચ્છતા કે દેશમાં આપણા ખેડૂતો આત્મનિર્ભર બને જેથી કૃષિ ક્ષેત્રમાં કરવામાં આવેલા સુધારાઓથી તેમને તકલીફ છે. નાના ખેડૂતો, પશુપાલકો અને માછીમારો માટે કિસાન ક્રેડિટ કાર્ડ શરૂ કરવામાં આવતા દલાલો અને વચેટિયાઓને તકલીફ થઇ રહી છે કારણ કે, તેમની ગેરકાયદે આવકો બંધ થઇ ગઇ છે. તેમણે આવા લોકોના હાથમાં જતી ખોટી આવકને રોકવા માટે હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલ જેમ કે, નીમ કોટિંગ વાળુ યુરિયા, ખેડૂતોના બેંક ખાતાંમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર વગેરેનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, આવી ઉણપો દૂર કરવાથી જેમને અસર પડી છે તેઓ આજે કૃષિ ક્ષેત્રમાં કરવામાં આવેલા સુધારાઓનો વિરોધ કરી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, દેશમાં વિકાસના કારણે આવા લોકોને આગળ વધતા અટકાવી શકાશે અને સાથે-સાથે ગામડાં તેમજ ગરીબ લોકો આત્મનિર્ભર પણ થઇ શકશે. તેમણે ઉમેર્યું હતું કે, આ સંકલ્પ પૂરો કરવા માટે ‘સ્વામીત્વ યોજના’ની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે.

 

SD/GP/BT


(Release ID: 1663529) Visitor Counter : 337